ભાગ ૪
જટાશંકર કહી રહ્યા હતા, “રાવણ ચારેય વેદનો જ્ઞાતા હતો .રાવણ અને સોમમાં સમાનતા પણ ઘણી બધી છે. રાવણનું ગોત્ર પણ દેવગણ હતું અને સોમનું ગોત્ર પણ દેવગણ જ છે. રાવણ અને સોમ બંનેના પિતા બ્રાહ્મણ છે, બીજું સોમની માતાના છેડા રાવણની માતા કૈકસીને અડે છે. તેની માતા એ જ જાતિની છે જે જાતિની કૈકસી હતી.”
ધીરજે કહ્યું, ”એટલે કે તેની માતા રાક્ષસ જાતિની છે?”
જટાશંકરે ધીરેથી હસીને કહ્યું, “રાક્ષસો કથાઓમાં વર્ણવ્યા પ્રમાણે બિહામણા નહોતા. રાવણે પાંચ જુદી જુદી જાતિઓને ભેગી કરીને રક્ષ સંસ્કૃતિની સ્થાપના કરી હતી તેથી તેઓ રાક્ષસ કહેવાયા. રાવણ ચાર વેદનો અને પાંચ કળાઓનો જાણકાર હતો તેથી તેને દશ મસ્તક છે એમ કહેવાતું, પણ ભવિષ્યના ગર્ભમાં શું છુપાયું છે તે વર્તમાનમાં કહી શકાતું નથી, તેથી અત્યારે તે વિષય બંધ કરીયે અને આપણે રવાના થઈએ.”
આ વિષયની જયારે તેઓ ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમને અંદાજો નહોતો કે એક ત્રીજી વ્યક્તિ તે બંનેની વાત સાંભળી રહી હતી. બીજે દિવસે તે વ્યક્તિએ એક ગુપ્ત સંગઠનના નેતાને આ બધી વાત કરી. તેણે કહ્યું, “તે બાળકના પિતા વિશ્રવ ના કુળના છે અને માતા પણ કૈકસીના વંશની છે અને તેની કુંડળી રાવણ જેવી જ છે, તો જો આપણે તેને અત્યારેજ મારી દઈએ તો આગળ તે કોઈને નુકસાન ન પહોંચાડી શકે.”
તે વ્યક્તિની સામે બેસેલા પ્રદ્યમનસિંહે બધી વાત શાંતિથી સાંભળી અને કહ્યું, “રાજવીર, ફક્ત સાંભળેલી વાત પરથી બાળહત્યા કરવી એ તો મૂર્ખતા છે. તું એ બાળક ઉપર નજર રાખ જેથી કોઈ સંશય ન રહે, પણ ખબરદાર! તું બાળકને કોઈ જાતનું નુકસાન પહોંચાડતો નહિ.રાજવીરના ગયા પછી પ્રદ્યુમનસિંહ સ્વગત બબડ્યા “હે પ્રભુ! શું યુદ્ધનો સમય નજીક આવી રહ્યો છે?”
૧૦ વર્ષ પછી
એલ ડી આર્ટસ કોલેજનો પ્રથમ દિવસ હતો, નવા અને જુના વિદ્યાર્થીઓનું આગમન શરુ થઇ ગયું હતું. કોલેજના ગેટમાંથી ત્રણ વિદ્યાર્થી પ્રવેશ કરી રહ્યા હતા. તે વખતે તેમની પાછળથી એક ગ્રુપ બાઈક પરથી આવી રહ્યું હતું. એક બાઇકસવારે ત્રણમાંથી એક વિદ્યાર્થીના પીઠ પર ધબ્બો માર્યો જેના લીધે તે પડી ગયો અને બાકીના બાઇકસવારો તેમને ઘેરી વળ્યા અને જોર જોરથી હસવા લાગ્યા. જેણે ધબ્બો માર્યો હતો તે વિદ્યાર્થીએ પોતાની બેગમાંથી દોરડું કાઢ્યું અને જે વિદ્યાર્થી પડી ગયો હતો તેના હાથમાં બાંધી દીધું.
તે વિદ્યાર્થી ડરી ગયો હતો તેણે કહ્યું, “બાપજી, સોડી દ્યો મુને મારો કઈ વાંકગનો." તેની આવી ભાષા સાંભળીને બધા હસવા લાગ્યા. બીજા બંને વિદ્યાર્થીઓના હાથમાં પણ દોરડું બાંધ્યું. તે ત્રણ વિદ્યાર્થીઓમાં એક એકદમ શાંતિથી ઉભો હતો તેણે કહ્યું, “શારીરિક રીતે કોઈને તકલીફ થાય તેવું રેગિંગ કરશો નહિ, તે ગુનો છે.” તેની વાત સાંભળીને બધા જોરજોરથી હસવા લાગ્યા. તેમના લીડરે કહ્યું “કોણે કહ્યું બકા, કે આ ગુનો છે?” નવા વિદ્યાર્થીએ ફરીથી કહ્યું “એવું કરશો નહિ કોઈને વાગી જશે.” બાઇકસવારે કહ્યું, “તે ભલેને વાગે નવા છો એટલે થોડું વાગેય ખરું, બકા.”
નવા વિદ્યાર્થીએ કહ્યું “હું મને વાગવાની વાત નથી કરતો તમને વાગવાની વાત કરી રહ્યો છું. કોલેજના પ્રથમ દિવસે નવા વિદ્યાર્થીના લીધે તમને વાગે તો તમારું કેવું ખરાબ દેખાય.” બાઇકસવારે કહ્યું “જોઈએ બકા, કોને વાગે છે, ચાલો દોડાવો આ ત્રણેયને.” નવા વિદ્યાર્થીએ પડીને ઉભા થયેલ વિદ્યાર્થી સામે જોઈને કહ્યું, ”ભુરીયા, હવે ખસતો નહિ.” બાઇકસવારોએ બાઈક સ્ટાર્ટ કર્યું અને રેસ આપી પણ પેલા ત્રણેય અડીખમ ઉભા રહ્યા. વધારે રેસ આપી તો આગળનું ટાયર ઊંચું થયું અને ત્રણેય બાઈકસવારો પડી ગયા અને બાઈક તેમની ઉપર.
ત્યાં સુધીમાં તેમની આજુબાજુમાં જે ટોળું ભેગું થયું હતું તેમાં હસાહસ થવા લાગી. બાઈક સવારોનાં લીડરે ગુસ્સામાં આવીને પટ્ટો કાઢ્યો, ત્યાં દૂરથી સંસ્કૃતના પ્રોફેસર અનિકેત આવતા દેખાયા એટલે ઝડપથી તેમના હાથમાંથી દોરડા કાઢ્યા અને ધીમેથી કહ્યું , “ખબરદાર! જો પ્રોફેસરને કઈ કહ્યું છે તો.” નવા વિદ્યાર્થીએ ધીમેથી હસીને કહ્યું, “જો સાચું કહીશ તો તમારું કેટલું ખરાબ લાગશે.” પ્રોફેસરે પડેલા બાઇકસવારોની નજીક આવીને પૂછ્યું, “કોઈ સ્ટન્ટ કરવા જતા હતા?” બાઇકસવારોએ હકારમાં માથું હલાવ્યું અનિકેતે કહ્યું, “ઠીક છે, મને સ્ટાફરૂમમાં આવીને મળજો” અને પેલા નવા વિદ્યાર્થીઓની નજીક આવીને પૂછ્યું, “તમે પળિયાના છો? તેમણે હા કહી એટલે તેમણે આગળ કહ્યું, “ગુરુજીનો ફોન આવ્યો હતો કે તમે અહીં એડમિશન લીધું છે. તમારા એડમિશન વખતે હું બહાર હતો તેથી આપણી મુલાકાત નહોતી થઇ. કોઈએ તમને હેરાન તો નથી કર્યા ને?” તેમણે ના પાડી એટલે પૂછ્યું, “તમારા નામ શું છે?”
શરૂઆત ભૂરિયાએ કરી તેણે કહ્યું, “સર, હું ભૂરસિંહ પણ બધા મને ભુરીયો કહે છે, આ સંગીતસોમ અને આ જીગલો એટલે કે જીગ્નેશ.” પ્રોફેસરે કહ્યું, “વાહ ! હવે આદિવાસી વિસ્તારમાં પણ સારા નામ પાડે છે.” ભૂરિયાએ કહ્યું, “અમારા બધાના નામ સુંદરદાસજીબાપુએ પાડ્યા છે, બાકી મૂળ નામ તો ભૂરો,સોમ અને જીવણ હતા.” પ્રોફેસરે કહ્યું, “તમારો કલાસરૂમ પહેલે માળે છે, તેમાં જઈને બેસો અને કોલેજ છૂટ્યા પછી સ્ટાફરૂમમાં આવજો આપણે સાથે હોસ્ટેલમાં જઈશું.” ભૂરિયાએ તરત પૂછ્યું, “તમે પણ હોસ્ટેલમાં રહો છો?” અનિકેતે હસીને કહ્યું , “ના, હું હોસ્ટેલની પાછળ સ્ટાફ ક્વાર્ટર છે તેમાં રહું છું તમે મારી સાથે મારી ગાડીમાં આવજો.”
હકારમાં માથું હલાવીને ત્રણેય જણા પોતાના કલાસરૂમ તરફ આગળ વધ્યા . તેઓ જેવા ક્લાસમાં દાખલ થયા આખા ક્લાસે તેમને તાળીઓથી વધાવી લીધા. ગેટ આગળ કરેલા પરાક્રમની વાત તેમના પહેલા ક્લાસમાં પહોંચી ગઈ હતી. બધા વિદ્યાર્થીઓ તેમની સાથે હાથ મિલાવવા પડાપડી કરવા લાગ્યા. તેઓ પ્રથમ દિવસેજ ક્લાસના લીડર બની ગયા હતા. ભુરીયો હોઠની ઉપર આવેલી રૂંવાટી પર હાથ ફેરવીને કહેવા લાગ્યો, “આ તો અચાનક મારેલા ધીબાના લીધે પડી ગ્યો તો, બાકી બાપુ ન પડે.” સંગીતસોમ એક અક્ષર પણ બોલ્યા વગર પાછળની સીટ ઉપર જઈને બેસી ગયો.
તેને લાઈમલાઈટમાં રહેવું ગમતું નહિ છતાં આજે પણ વણજોઈતી ખ્યાતિ તેને મળી હતી. તે હંમેશા શાંતિથી જીવવા માંગતો હતો પણ ખ્યાતિ હંમેશા તેનો પીછો કરતી. નાનપણથી તેની સાથે આવું થતું આવ્યું હતું પછી ભલેને તેની ગાયકી હોય કે સંગીતસાધન વગાડવાની તેની પારંગતતા. તે તબલા, ઢોલ , મંજીરા અને હાર્મોનિયમ બધું વગાડી જાણતો. તેનું જુદી જુદી રાગરાગિણીઓ ઉપર અદ્ભુત પ્રભુત્વ હતું અને તે પણ કોઈ જાતની શાસ્ત્રીય સંગીતશિક્ષા વગર, તેમાંય જયારે તે રાગ કેદાર વગાડતો ત્યારે જાણે સમાધિમાં જતો રહેતો. તેથી જ સુંદરદાસજી બાપુએ તેનું નામ સોમમાંથી સંગીતસોમ કરી દીધું હતું.
ક્રમશ: