આઈ લવ યુ વિભુ : સ્ત્રીની શક્તિનું સાચું સ્વરૂપ
સ્ત્રી જ્યારે આ પોતાની ક્ષમતાનો આત્મસાક્ષાત્કાર કરી લેશેને ત્યારથી તેને આ દુનિયા ખૂબ જ નાની અને ક્ષુલ્લક લાગશે. સોશિયલ રિસ્પેક્ટ માટે જ્યાંત્યાં દોડાદોડ કરતી સ્ત્રીએ માત્ર સેલ્ફ રિસ્પેક્ટને પ્રાધાન્ય આપવાનું છે. દરેક સ્ત્રી પોતાની અંદર રહેલી સ્ત્રીનું સ્વમાન જાળવતી અને તેને સાચવતી થઈ જશે, તે દિવસથી દરરોજ તેને વુમન્સ ડેનો જ અનુભવ થશે. (પેટા)
उद्भव स्थिति संहार कारिणीं क्लेश हारिणीम्।
सर्वश्रेयस्करीं सीतां नतोऽहं राम वल्लभाम्।
રામચરીત માનસમાં માતા સીતાની વંદના કરવા દરમિયાન આ શ્લોક લખવામાં આવ્યો છે. ઉત્પત્તિ સ્થિતિનો લય કરી શકે તેવી, જેની પાસે વિશ્વના સર્જન અને વિસર્જન બંનેની શક્તિ છે તેવી, વિઘ્નો અને ક્લેશ હરનારી, શ્રી રામને પ્રિય એવા સીતા માતાને વંદન કરીએ છીએ. આ ઉક્તી જ્યારે પણ વાંચવા કે સાંભળવામાં આવે ત્યારે માત્ર માતા સીતા નહીં સમગ્ર ભારત વર્ષ અને દુનિયાભરની સ્ત્રીઓ પ્રત્યે માન ઉપજી આવે. દુનિયાની કોઈપણ સ્ત્રી જોઈ લો તેની પાસે સર્જનની શક્તિ છે. તે પહેલાં પિતાના ઘરની નવજીવન આપે છે પછી પતિના ઘરે જઈને નવા સંસારનું સર્જન કરે છે. પતિની સાથે રહીને નવા જીવનું સર્જન કરે છે. તેના કુળનું સર્જન કરે છે. આ જ સ્ત્રી જ્યારે પોતાના શક્તિપ્રદર્શન ઉપર ઉતરી આવે ત્યારે મહાકાળી બનીને શંકરને પણ પગતળે લાવવાની શક્તિ ધરાવે છે. પતિના સ્વમાન ખાતર અગ્નિપરીક્ષા પણ આપવા માટે સજ્જ હોય છે.
આજે વાત કંઈ જુદી કરવી છે. વુમન્સ ડે ઉપર સ્ત્રી સશક્તિકરણ અને ફેમિનિઝમની વાતો ઘણી સાંભળી અને જોઈ પણ આજે તેનો અનુભવ કરીએ. થોડા દિવસ પહેલાં પુલવામા ખાતે જે જઘન્ય આતંકી હુમલો થયો તેમાં દેશના 40 સપુતો શહીદ થયા. આપણા માટે આ ઘટના માત્ર દેશપ્રેમ વ્યક્ત કરવાની અને પાકિસ્તાનનો ખાતમો બોલાવવા માટેની હતી. લોકોમાં રોષ છે, આક્રોશ છે, બદલો લેવાની ભાવના છે. આ બધા વચ્ચે જો શહીદ સપૂતોના પરિવાર ઉપર નજર કરીએ તો ખ્યાલ આવશે કે તેઓ કેટલા સ્થિતપ્રજ્ઞ અને સાહસિક છે. મોટાભાગના પરિવારોએ પોતાનો એકનોએક કમાઉ દીકરો ગુમાવ્યો છે, કોઈએ પિતા, કોઈએ પતિ અને કોઈ પુત્ર તો કેટલાક કિસ્સામાં તો હજી બાળક જન્મ્યું નહોતું તે પહેલાં તેના પિતા શહીદ થઈ ગયા. આવી ભયાનક સ્થિતિમાં પણ આપણા દેશની આ સ્ત્રીઓ હિમાલયની જેમ અડિખમ ઊભી રહી. આજે જ્યારે ફેમિનિઝમના સેલિબ્રિશન થાય છે ત્યારે સ્ત્રીની શક્તિની સાચી ગાથા રજૂ કરતી કેટલીક દીકરીઓ અને પત્નીઓ અને માતાઓના કિસ્સા અહીંયા રજૂ કરવા છે જે સાચા અર્થમાં ભારતીય નારીના અદમ્ય ધીરજ, સાહસ, સહનશિલતા અને શક્તિને રજૂ કરે છે.
સૌથી પહેલો કિસ્સો હતો તમિલનાડુના સીઆરપીએફના જવાન સી શિવચન્દ્રનનો. તેને જ્યારે અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે તેની પત્ની બીજા સંતાનની માતા બનાવાની હતી. ગર્ભવતી એવી તેની પત્ની ગાંધીમતી પોતાના બે વર્ષના પુત્રને લઈને સ્મશાને પહોંચી હતી. આ સ્ત્રીએ પોતાના પુત્રને તેના પતિનો યુનિફોર્મ પહેરાવ્યો હતો. એ બે વર્ષના બાળકે પિતાનો યુનિફોર્મ પહેરીને પિતાને મુખાગ્નિ આપ્યો હતો. આ સ્ત્રીનું મનોબળ કેટલું મજબૂત હશે.
બીજો કિસ્સો છે ઉત્તરપ્રદેશના કન્નૌજનો. અહીંયાના રહેવાસી પ્રદીપ સિંહની શહીદીના સમાચાર જ્યારે તેમના ઘરે પહોંચ્યા ત્યારે આખું ગામ આક્રાંદ કરવા લાગ્યું હતું. ચાર દિવસ પહેલાં જ રજાઓ માણીને ફરજ ઉપર હાજર થયેલા જવાનના મોતના સમાચારથી પરીવાર ઉપર વજ્રાઘાત થયો હતો. પ્રદીપસિંહનો નશ્વર દેહ જ્યારે અંતિમક્રિયા માટે સ્મશાનમાં લઈ જવાયો ત્યારે તેને મુખાગ્નિ કોણ આપશે તેવો સવાલ થયો હતો. બે દીકરીઓના પિતા પ્રદિપસિંહને દીકરો નહોતો . આ સમયે તેની મોટી દીકરી સુપ્રિયાએ આગળ આવીને કહ્યું કે, મારા પિતાને મુખાગ્નિ હું આપીશ. દસ વર્ષની દીકરી પિતાને ગુમાવવાની આકરી પળે પણ આખા ગામની વચ્ચે આ નિર્ણય લઈ શકવા જેટલી સ્વસ્થ હતી. આંખોમાં આંસુ રોકાતા નહોતા, જાત ઉપર કાબુ નહોતો, છતાં મનોબળ હિમાલયથી પણ અડગ હતું કે તેણે પિતાને ખુમારી સાથે અંતિમ વિદાય આપી.
આવો જ કિસ્સો છે ઉત્તરકાશીના મોહનલાલ રતૂડીનો. મોહનલાલના નશ્વરદેહને જ્યારે તેમના ઘરે જવાયો ત્યારે સમગ્ર પરિવાર અને ગ્રામજનો શોકાતૂર થઈ ગયા હતા. લોકોની આંખમાં આંસુ સુકાતા નહોતા અને મનમાં રોષ અને આક્રોશની જ્વાળા ભભૂકી ઉઠી હતી. ત્રિરંગામાં લપેટાયેલા તાબુતને જોઈને પરિવારજનો આંસુ સારી રહ્યા હતા. આ સમયે મોહનલાલની દીકરી ગંગાએ આંસુ લુછી નાખ્યા અને એક જવાનને શોભે તેવી સ્થિરતા અને ગંભીરતાથી પોતાના પિતાને સલામી આપીને અંતિમ વિદાય આપી.
આઈ લવ યુ વિભુ, અમે બધા તમને પ્રેમ કરીએ છીએ. તમે જે રીતે દેશવાસીઓને પ્રેમ કર્યો તે અકલ્પનિય અને અવર્ણનિય છે, કારણ કે તમે લોકો પ્રત્યેના પોતાના પ્રેમ માટે પોતાની જાતનું બલિદાન આપી દીધું. પોતાના સાથીઓ માટે પોતાની જીવ હોમી દીધો. તમે અત્યંત બહાદુર વ્યક્તિ હતા. તમારા જેવી વ્યક્તિને પતિ તરીકે પ્રાપ્ત કરીને હું મારી જાતને ધન્ય માનું છું. હું જિંદગીના આખરી શ્વાસ સુધી તમને પ્રેમ કરી રહીશ. આપણે આ અદભૂત વ્યક્તિને સલામ કરીએ... જય હિન્દ...
આ શબ્દો છે 18 ફેબ્રુઆરીએ પુલવામા ખાતે આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેજર વિભૂતિશંકર ઢોંડિયાલની પત્નીના. લગ્નને હજી તો એક વર્ષ પૂરું થવાનું હતું તે પહેલાં તો પતિએ દેશપ્રેમ ખાતર શહીદી વહોરી લીધી. આવી વીર જવાનને જ્યારે અંતિમ વિદાય આપવાની હતી ત્યારે તેની પત્નીએ આંસુ સાર્યા વગર ચહેરા ઉપર ગર્વ સાથે પોતાના પતિને આઈ લવ યુ કહ્યું અને સમગ્ર દેશના તેના ઉપર અભિમાન છે તેમ જણાવીને તેને વિદાય આપી.
તેનાથી પણ એક ડગલું આગળ વધીને શહીદ નારાયણલાલ ગુર્જરની પત્નીએ કહ્યું કે મારો પતિ ભલે શહીદ થયો પણ મારા પુત્રને સેનામાં ભરતી કરાવીશ જેથી તે પાકિસ્તાન સાથે પોતાના પિતાની શહીદીનો બદલો લઈ શકે. આ સિવાય રમેશ યાદવ નામના શહીદની પત્નીએ પંદર દિવસ પહેલાં જ પુત્રને જન્મ આપ્યો છે. પતિના શહીદ થયાના અઠવાડિયા બાદ તેણે પુત્રને જન્મ આપ્યો છે. રમેશ યાદવની પત્ની શ્વેતા જણાવે છે કે, હું મારા પુત્રને સેનામાં જ ભરતી કરાવીશ. તે પિતાની શહીદીનો બદલો જરૂર લેશે.
કૌશલ્યા કે દેવકીની કુખ હોય તો રામ અને કૃષ્ણ આ ધરતી ઉપર અવતાર લઈ શકે. પુતળીબાઈના સંસ્કારો હોય કે જીજાબાઈનો જુસ્સો હોય ત્યારે ગાંધી અને શિવાજી જેવા સપુતો આ દેશને ગુલામીમાંથી મુક્ત કરાવી શકે. આજે પણ સમાજમાં એવા કેટલાય લોકો છે જેમને વુમન્સ ડે, મધર્સ ડે કે પછી ડોટર્સ ડે સેલિબ્રેટ કરવા છે પણ બીજા દિવસથી તો આ જ પત્ની, માતા કે દીકરીઓનું અપમાન કરવું છે. કોઈ દીકરી પોતાના પ્રિયપાત્ર સાથે લગ્ન કરવા માગે તો આપણે ઓનરકિલિંગ સુધી પહોંચી જઈએ છીએ. કોઈની ફુલ જેવી કુમળી દીકરીને નરાધમો પીંખી નાખે છે તો આપણે ચેનલ બદલી કાઢીએ છીએ અને કહીએ છીએ કે આ લોકો નહીં સુધરે.
ખરેખર સુધરવાની જરૂર સમાજ છે. તેની શરૂઆત આપણી જાતથી કરવાની છે. ઘરમાં કોઈપણ સ્વરૂપે રહેતી સ્ત્રીનું માન જાળવીને તેની શરૂઆત કરવાની છે. સ્વચ્છ ભારત અભિયાન માત્ર ઘર, શેરી, મહોલ્લા કે દેશના રસ્તાઓ સાફ કરવાનું નહીં પણ આપણી માનસિકતાને પણ સાફ કરવાનું છે. મેરી ઝાંસી કરી કો નહીં દુંગી કહીને જ્યારે એક સ્ત્રી, એક માતા, એક પત્ની અને એક રાણી તલવાર ખેંચે છે ત્યારે આખો સમાજ તેની સાથે જોડાય છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તે અંગ્રેજોને હંફાવે છે. આપણા ઘરમાં પણ આવી જ ઝાંસીની રાણીઓ વસે છે. તે આપણી રોજિંદી સમસ્યાઓ સામે તલવાર તાણીને ફરતી હોય છે, આપણા દુઃખને સુખમાં પરિવર્તિત કરવા જંગે ચડી હોય છે. આપણા અભાવને દૂર કરવા મેદાને પડેલી હોય છે.
બીજી તરફ સ્થિતિ એવી પણ છે કે, પુરુષસમોવડી થવાની લ્હાયમાં સ્ત્રી પોતાની સ્ત્રીત્વ ગુમાવી રહી છે. ઘર-પરિવાર સાચવવો, બિઝનેસ કરવો કે જોબ કરવી, સંતાનોને ભણાવવા, તેમની કારકિર્દી બનાવવી, વાર-તહેવારો અને પ્રસંગોએ વ્યવહારો સાચવવા જેવા તમામ કામ કરી બતાવવા અને તેની ગણતરી પણ કરી બતાવવી. ક્યારેક આ મુદ્દે ચર્ચા થાય ત્યારે તમામ બાબતોનો ઉલ્લેખ કરીને પોતાની તમામ ક્ષમતાઓને મુલવવા પ્રયાસ કરવા લાગે છે. આવું કરવું જ શા માટે. સ્ત્રી પોતે જાણે છે કે, તેનામાં કેટલી ક્ષમતા છે તો પછી તેને સાબિત કરવા શા માટે જાય છે. તેણે તો માત્ર એ વાતનો ગર્વ કરવાનો છે કે તેની પાસે સર્જન અને વિસર્જન બંનેની ક્ષમતા છે. સ્ત્રી અને ધરતી એક સમાન છે. તમારે માત્ર સારા બીજ વાવવાના હોય છે પછી લાખોગણું કરીને પરત મળતું જ હોય છે. સ્ત્રી જ્યારે આ પોતાની ક્ષમતાનો આત્મસાક્ષાત્કાર કરી લેશેને ત્યારથી તેને આ દુનિયા ખૂબ જ નાની અને ક્ષુલ્લક લાગશે. સોશિયલ રિસ્પેક્ટ માટે જ્યાંત્યાં દોડાદોડ કરતી સ્ત્રીએ માત્ર સેલ્ફ રિસ્પેક્ટને પ્રાધાન્ય આપવાનું છે.
આપણા દેશની દીકરી, માતા, બહેન, પત્ની પાસે છે સાચી શક્તિ. ગબ્બરના ગોખમાં કે, વૈષ્ણવદેવીમાં પર્વતો વચ્ચે કે પછી પાવગઢના શિખર ઉપર બિરાજતી શક્તિના દર્શન નહીં કરીએ કે તેને ફુલહાર નહીં ચડાવીએ તો ખાસ ફરક પડવાનો નથી. આપણા ઘરમાં રહેતી, આપણી સાથે જીવન પસાર કરતી આ સ્ત્રીઓને સાચવીશું નહીં, તેને માન નહીં આપીએ, તેનું સ્વમાન નહીં જાળવીએ તો અંબાજી કે પાવગઢમાં રહેલી શક્તિ પણ ખુશ નહીં રહે. દરેક પુરુષ આ શક્તિનું માન જાળવશે અને બીજી તરફ દરેક સ્ત્રી પોતાની અંદર રહેલી સ્ત્રીનું સ્વમાન જાળવતી અને સાચવતી થઈ જશે, તે દિવસથી દરરોજ વુમન્સ ડેનો અનુભવ થશે.
- ravi.writer7@gmail.com
-