ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 3 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 3

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(3)

વહાણ ડૂબ્યું

રાત કોઈ પણ જાતની ઘટના વિના પસાર થઈ. હાર્ડિંગ વગેરે બધા ગુફામાં હતા. ચાંચિયાઓએ ટાપુ પર ઊતરવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. રાતના છેલ્લા ગોળીબાર પછી તદ્દન શાંતિ હતી. એ ઉપરથી એવી શંકા ગઈ કે ચાંચિયાઓ પ્રતિસ્પર્ધી જોરદાર છે એમ માનીને રાતના જ કિનારો છોડીને ચાલ્યા ગયા હોય.

પણ હકીકતમાં એમ બન્યું ન હતું. વહેલી સવારે હાર્ડિંગ વગેરેએ જોયું કે ગાઢ ધુમ્મસ વચ્ચે ‘ઉતાવળું’ ચાલ્યું આવે છે.

હાર્ડિંગે ચાંચિયાઓનો સામનો કેવી રીતે કરવો એ અંગે પોતાની વ્યૂહરચના સમજાવી.

“સૌથી મહત્વનું એ છે કે ચાંચિયાઓ ઉપર એવી છાપ પડવી જોઈએ કે બેટમાં અસંખ્ય માણસો છે; અને જોરદાર સામનો થવાનો છે. આ માટે આપણે બબ્બેની ટુકડીમાં વહેચાઈ જવાનું છે. ત્રણેય ટુકડી જુદે જુદે સ્થળે સંતાઈ ને ચાંચિયાઓ ઉપર ગોળીબાર કરે. આપણી પાસે દારૂગોળો પુષ્કળ પ્રમાણમાં છે. એટલે સતત ગોળીબાર કરવાનો છે. ત્રણ ટુકડીઓ આ રીતે પોતાનું સ્થાન લેશે. એક ટુકડી ગુફા પાસે રહેશે. બીજી ટુકડી મર્સી નદીની મુખ પાસે સંતાઈને રહે અને ત્રીજી ટુકડી સામેના નાનકડા ટાપુ પર ખડકો પાછળ સંતાઈને રહે. ગ્રેનાઈટ હાઉસને કોઈ નુકસાન થશે નહીં. આપણે તેમને ટાપુ પર આવતા રોકવા છે. દુશ્મનોની સંખ્યા વધારે છે. આપણે દરેકે આઠ આઠ શત્રુને હણવાના છે.”

તેના સાથીદારોએ આ ગોઠવણ સ્વીકારી લીધી તેની સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. ધુમ્મસ વિખરાય એ પહેલાં સોએ પોતપોતાની જગ્યા સંભાળી લેવાની હતી. ગ્રેનાઈટ હાઉસમાંથી બંદૂકો અને પૂરતો દારૂગોળો મંગાવી લીધા. સ્પિલેટ અને આયર્ટન બંને સારા નિશાનબાજો હતા. તે બંનેને રાયફલો આપવામાં આવી. બાકીના ચારેયને એક એક બંદૂક આપી. રાયફલનો મારો એક માઈલ સુધીનો હતો.

ત્રણ ટુકડી નીચે પ્રમાણે વહેંચાઈ....

હાર્ડિંગ અને હર્બર્ટ ગુફા પાસે સંતાયા.

સ્પિલેટ અને નેબ મર્સી નદીના મુખ પાસે સંતાયા.

આયર્ટન અને પેનક્રોફ્ટ હોડીમાં બેસીને નાનકડા ટાપુ પર પહોંચી ગયા. ત્યાં બંને જુદે જુદે સ્થળે ખડક પાછળ સંતાયા.

જુદા પડતાં પહેલાં બધાએ એકબીજા સાથે હાથ મિલાવ્યા.

પેનક્રોફ્ટ હર્બર્ટને ભેટી પડ્યો થોડી ક્ષણોમાં બધા પોતપોતાની જગ્યા તરફ રવાના થયા. ગાઢ ધુમ્મસને લીધે ચાંચિયાઓ કોઈને જોઈ શક્યા નહીં.

સવારના સાડા છ વાગ્યા હતા. ધીમે ધીમે ધુમ્મસ ઓગળવા લાગ્યું. વહાણ હવે સ્પષ્ટ દેખાતું હતું. એ કિનારાથી સવા માઈલ દૂર હતું. વહાણ પર કાળો વાવટો ફરકતો હતો. ઈજનેરે પોતાના દૂરબીનમાંથી જોયું કે ચાર તોપ ટાપુ સામે મંડાયેલી હતી. કોઈપમ ક્ષણે તોપને દાગી શકાય એવી સ્થિતિ હતી.

વહાણ શાંત હતું. ત્રીસ-ચાલીસ ચાંચિયાઓ તૂતક પર આડાઅવળા થતા હતા. બે જણા હાથમાં દૂરબીન લઈને ટાપુનું અવલોકન કરતા હતા.

રાતે બનેલી ઘટના અંગે ચાંચિયાઓમાં ગૂંચવાડો પ્રવર્તતો હતો. એક અર્ધનગ્ન માણસ દારૂગોળાની ઓરડીમાં છ ભડાકાની રિવોલ્વર સાથે શા માટે આવ્યો હશે? તેણે એકને મારી નાખ્યો હતો, બે ને ઘાયલ કર્યાં હતા. પણ વહાણમાંથી થયેલા ગોળીબારમાંથી એ બચી ગયો હશે? એ તરીને કિનારા સુધી પહોંચ્યો હશે? એ ક્યાંથી આવ્યો હશે? એ શા માટે આવ્યો હશે? શું વહાણને ઉડાડી દેવા માગતો હતો?

આ બધા પ્રશ્નોએ ચાંચિયાઓને મૂંઝવણમાં મૂકી દીધા હતા. તેમને એક વાતની ખાતરી થઈ કે આ અજાણ્યા ટાપુ ઉપર ઘણા લોકો વસતા હતા. અને તેઓ સામનો કરવા તૈયાર હતા. પણ હજી સુધી કોઈ કિનારે કે ઉચ્ચપ્રદેશમાં દેખાતું ન હતું. કિનારો તદ્દન ઉજ્જડ હતો. અહીં કોઈ રહેતું હોય એવી કોઈ નિશાની દેખાતી ન હતી. લોકો અંદરના જંગલમાં નાસી ગયા હશે? બોબ હાર્વે સાવચેતીથી આગળ વધવા માગતો હતો.

દોઢ કલાકના સમય દરમિયાન હુમલાનો ટાપુ ઉપર ઉતરાણનો કોઈ પ્રયાસ થયો નહીં. બોબ હાર્વે પગલું ભરતાં અચકાતો હતો. ભારે શક્તિશાળી દૂરબીનથી પણ ટાપુ પર દેખાતું ન હતું. તેને ગ્રેનાઈટ હાઉસના બારી બારણાનો ખ્યાલ આવ્યો ન હતો.

આઠ વાગ્યે વહાણ ઉપર હિલચાલ શરૂ થઈ. પાણીમાં એક હોડી ઉતારવામાં આવી. અને તેમાં સાત માણસો કૂદી પડ્યા. તેમની પાસે બંદૂકો હતી. ચાર જણા હલેસાં મારવા માંડ્યાં. એક જણાએ સુકાન પકડ્યું. અને બે જણા બંદૂક તાકીને બેઠા. તેમનો ઉદ્દેશ ટાપુની તપાસ કરવાનો હતો. ટાપુ ઉપર ઊતરવાની તેમની ઈચ્છા ન હતી. જો ઉતરાણ કરવું હોત તો ચાંચિયાઓ મોટી સંખ્યામાં આવત.

હાર્ડિંગે જોયું કે તેઓ ખાડી પાર કરવા માગતા ન હતા પણ નાના ટાપુ પર ઊતરવા માગતા હતા. તેઓ નજીક આવ્યા ત્યાં સુધી પેનક્રોફ્ટ અને આયર્ટન તેમને જોતા રહ્યા. હોડી ખૂબ જ સાવધાનીથી આગળ વધતી હતી. એક બદમાશ ખાડીની ઊંડાઈ માપવા ઈચ્છતો હતો. એનો અર્થ એ થયો કે બોબ હાર્વેનો ઈરાદો વહાણને કિનારાની નજીક લાવવાનો હતો. ત્રીસ ચાંચિયાઓ હોડીની હિલચાલને બારીકીથી જોઈ રહ્યાં હતા. હોડી નાનાકડા ટાપુથી ચારસો ફૂટ દૂર રહી ત્યારે અટકી ગઈ. સુકાનીએ ઊભા થઈને ઉતરાણ માટે ક્યું સ્થળ પસંદ કરવું એ માટે નજર નાખી.

એ વખતે બે ગાળીઓ એકી સાથે છૂટી. ખડક પાછળથી ધુમાડા દેખાયા. સુકાની અને ઊંડાઈ માપનાર બદમાશ બંને ઊંધે માથે હોડીમાં ઉછળી પડ્યાં. આયર્ટન અને પેનક્રોફ્ટની ગાળીઓ એ બંનેને વાગી હતી.

તે પછી તરત જ તોપનો ગોળો છૂટ્યો. વહાણમાંથી ધુમાડાનું વાદળું ઊંચે ચડ્યું. આયર્ટન અને પેનક્રોફ્ટ જે ખડક નીચ સંતાયા હતા તે ખડકને મથાળે ગોળો વાગ્યો. મથાળાના ચૂરેચૂરા થઈ ગયા. પણ બંને નિશાનબાજોને કંઈ ઈજા ન થઈ.

હોડીમાં ભયાનક ધમાલ થઈ પડી; પણ તે તરત જ આગળ વધી. સુકાનીની જગ્યા એક બીજા બદમાશે લીધી. હલેસાં જોરથી ચાલવા લાગ્યાં. વહાણ તરફ પાછી ફરવાને બદલે તે કિનારાથી દૂર જવા લાગી. બંદૂકના મારથી દૂર જવાનો તેમનો ઈરાદો હતો. નાનકડા ટાપુના દક્ષિણ કિનારાએ આંટો ફરીને હોડી મર્સી નદીના મુખ તરફ જવા ઈચ્છતી હતી.

તેમનો ઈરાદો ખાડીમાં પ્રવેશવાનો હતો. આથી ખલાસી અને આયર્ટનનો સંબંધ તેના બીજા સાથીઓથી કપાઈ જાય એમ હતો. એક બાજુ વહાણમાંથી છટતા તોપના ગોળા અને બીજી બાજુ હોડીમાંથી છૂટતી બંદૂકની ગોળીઓ વચ્ચે એ નાનકડા ટાપુ પર જેટલા હોય એ બધા ભીંસાઈ જાય.

પંદર મિનિટ સુધી હોડી મર્સી નદીના મુખ તરફ આગળ વધતી રહી. હવામાં અને પાણીમાં તદ્દન શાંતિ હતી. પેનક્રોફ્ટ અને આયર્ટન ખડક પાછળ સંતાઈ રહ્યાં. મિત્રો સાથેને સંપર્ક કપાઈ જવાના જોખમની તેમને જાણ હતી. પણ તેમને નેબ અને સ્પિલેટ ઉપર વિશ્વાસ હતો; તે બંને મિત્રો મર્સી નદીના મુખ આગળ સંતાઈને બેઠા હતા.

પહેલો ગોળીબાર થયો પછી વીસ મિનિટે હોડી મર્સી નદીથી 400 ફૂટ જેટલે દૂર રહી. ઓટને હિસાબે ચાંચિયાઓ નદી તરફ ખેંચાતા હતા. મર્સી નદીના મુખ આગળ પહોંચતા જ બે ગોળીઓએ તેમને વધાવી લીધા. બીજા બે હોડીમાં ઢળી પડ્યાં. નેબ અને સ્પિલેટ નિશાન ચૂક્યા ન હતા.

વહાણમાંથી તરત જ બીજો તોપનો ગોળો વછૂટ્યો. ધુમાડાને આધારે તોપનું નિશાન લેવામાં આવ્યું હતું. ખડકના ભુક્કા ઊઠી ગાય; એ સિવાય બીજું કંઈ પરિણામ એ ગોળાથી સિદ્ધ ન થયું.

હોડીમાં હવે ત્રણ જ જણ સાજા માણસો રહ્યા. પ્રવાહમાં ખેંચાતી તે તીરની જેમ વહાણની દિશામાં દોડવા લાગી. ત્રણેય જણા જીવ લઈને નાઠા હતા.

અત્યાર સુધી હાર્ડિંગ અને તેમના સાથીઓને ફરિયાદ કરવાનું કોઈ કારણ ન હતું. તેમના શત્રુઓની સ્થિતિ ખરાબ હતી; તેમાંના ચાર ગંભીર રીતે ઘવાયા હતા. અથવા મૃત્યુ પામ્યા હતા. હાર્ડિંગ વગેરે સાજાચારા હતા. આ જ રીતે ચાંચિયાઓ હોડીમાં બેસીને હુમલા ચાલુ રાખે તો તેમનો એક પછી એક નાશ કરી શકાય.

ઈજનેરની વ્યૂહરચના કેવી બુદ્ધિપૂર્વકની હતી તેનો હવે ખ્યાલ આવ્યો. ચાંચિયાઓને લાગ્યું કે શત્રુઓની સંખ્યા ઘણી મોટી હતી. અને તેઓ શસ્ત્રસજ્જ હતા, વળી તેમને સહેલાઈથી હરાવી શકાય એમ ન હતાં.

અર્ધા કલાક પછી હોડી વહાણ પાસે પહોંચી. ઘાયલ થયેલાઓની ચીસો સંભળાઈ. બે-ત્રણ તોપના ગોળા છૂટ્યા. પણ તેની કોઈ અસર ન થઈ.

ચાંચિયાઓ ક્રોધથી ગાંડા જેવા થઈ ગયા. એ જ હોડીમાં લગભગ બાર બીજા બદમાશો કૂદી પડ્યાં. બીજી હોડી પણ પાણીમાં ઉતારવામાં આવી. તેમાં આઠ માણસો બેઠા. પહેલી હોડી નાનકડા ટાપુ તરફ ઊપડી. બીજી હોડી મર્સી નદીના મુખ તરફ આગળ વધી.

પેનક્રોફ્ટ અને આયર્ટન માટે પરિસ્થિતિ ભયંકર બનતી જતી હતી. તેમણે જોયું કે હવે તેમણે મુખ્ય ટાપુ પર પહોંચી જવું જોઈએ. તેમ છતાં, તેઓ પહેલી હોડી નજીક આવે તેની રાહ જોવા લાગ્યા. બે ગોળી છૂટી અને હોડીમાં બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. પછી પોતાની સંતાવાની જગ્યા છોડીને પેનક્રોફ્ટ અને આયર્ટન ભાગ્યા. પાછળ ગોળીઓનો વરસાદ વરસ્યો, પણ તેઓ મુઠ્ઠીઓ વાળીને નાઠા, હોડીમાં કૂદ્યા, ખાડીને પાર કરી, આ વખતે બીજી હોડી નાનકડા ટાપુને દક્ષિણ કિનારે હતા. ખલાસી અને આયર્ટન દોડીને ગુફામાં સંતાઈ ગયા.

તેઓ હાર્ડિંગ અને હર્બર્ટ સાથે જોડાયા. એટલી વારમાં તો ચાંચિયાઓ નાનકડા ટાપુ પર ચારેય બાજું પ્રવેશી ગયા. એ વખતે મર્સી નદીના મુખ પાસેથી બે ગોળી છૂટવાનો અવાજ સંભળાયો.

બીજી હોડી આઠ ચાંચિયાઓને લઈ મર્સી નદીના મુખ પાસે પહોંચી હતી. સ્પિલેટ અને નેબની ગોળીથી એ આઠમાંથી બે જણા મરણને શરણ થયા.

ભરતી હોવાને કારણે હોડી મર્સી નદીના મુખમાં પ્રવેશી ગઈ. હોડીમાં પાણી ઘૂસી ગયું. ગોળીથી મૃત્યુ પામેલા બે ચાંચિયાઓને હોડીમાં એમને એમ પડતાં મૂકીને, બચી ગયેલા બાકીના છ ચાંચિયા નદીને જમણે કાંઠે ઊતરી પડ્યાં. ગોળી વાગવાના ભયથી તેઓ ભાગ્યા અને ટાપુની અંદરના જંગલમાં સંતાઈ ગયા.

ખરેખરી પરિસ્થિતિ આ મુજબ હતી. નાનકડા ટાપુ પર બાર જણા હતા, તેમાંથી બે ઘાયલ થઈ ગયા હતા. ટાપુ ઉપર છ જણા હતા તે જંગલમાં સંતાઈ ગયા હતા.

હવે મામલો જોખમી બન્યો હતો. વહાણ ઉપર હિલચાલ વધી ગઈ હતી. તેણે સઢ છોડ્યા હતા અને લંગર ઉપાડી લીધું હતુ. તેનો ઈરાદો ખાડીમાં પ્રવેશીને લીંકન ટાપુને આ કિનારે આવવાનો હતો. એ રીતે વહાણ મર્સી નદીના મુખ સુધી પહોંચવાની તૈયારી કરતું હતું.

નાનકડા ટાપુ પર શોધ કરતા બાર ચાંચિયાઓ છૂટથી આમતેમ ફરતા હતા. તેમને ખબર નહોતી કે આયર્ટન અને સ્પિલેટ પાસ એક માઈલ સુધી માર કરનારી રાઈફલો છે. તેમનો ભ્રમ તરત ભાંગી ગયો. બે ગોળી છૂટી અને નાનકડા ટાપુ પર ફરતા બે બદમાશો ભોય ભેગા થઈ ગયા. આયર્ટન અને સ્પિલેટની રાઈફલનો એ ચમત્કાર હતો.

પછી ત્યાં મોટી અવ્યવસ્થા અને દોડાદોડી મચી ગઈ. બાકીના દસ બે ઘવાયેલા કે મરેલા સાથીઓને લીધા વિના, નાનકડા ટાપુની બીજી બાજુ ભાગ્યા, હોડીમાં જેમ તેમ ખડકાયા, અને હોડીને જોરથી ભગાડી.

“આઠ ચાંચિયા ઓછા થયા!” પેનક્રોફ્ટે કહ્યું.

મામલો ગંભીર બનતો જતો હતો. વહાણ કિનારાની નજીક આવી રહ્યું હતું. મર્સી નદીના મુખ પાસેથી અને ગુફા પાસેથી તેઓ વહાણને જોઈ રહ્યાં હતા. ચાંચિયાઓને ટાપુ પર ઊતરતા શી રીતે રોકવા?

હવે શું કરવું? ગ્રેનાઈટ હાઉસને ઘેરો ઘાલે તો મહિનાઓ સુધી અંદર પડી રહેવું પડે. ખાવાપીવાની સામગ્રી તો પાર વગરની છે; પણ એ ખલાસ થઈ ગયા પછી ચાંચિયાઓ ગ્રેનાઈટ હાઉસના રહેવાસી ઉપર વેર લે.

બોબ હાર્વે વહાણને ખાડીમાં લઈ જવાનું જોખમ નહીં ખેડે એ માન્યતા ખોટી પડી. વહાણ ખાડીમાં પ્રવેશ્યું. અને ખાડી પાર કરીને મર્સી નદીના મુખ સુધી આવી ગયું. એ વખતે નેબ અને સ્પિલેટ પોતાના સાથીઓને આવીને મળ્યા. મર્સી નદીના મુખ પાસેથી હવે હટી જવું જોઈએ. કારણ કે તોપથી સજ્જ વહાણની સામે તેઓ કંઈ કરી શકે એમ ન હતા. આથી તેઓ ડહાપણ વાપરીને પાછા આવી ગયા.

આવી કટોકટીને પ્રસંગે બધા સાથે હોય એ જરૂરી હતું. કોઈ અગત્યનો નિર્ણય લેવામાં બધા સાથે હોય તો મુશ્કેલી ન પડે. દસ મિનિટમાં વહાણ ગ્રેનાઈટ હાઉસની સામે લંગર નાખશે. હવે શું કરવું? હાર્ડિંગનો મત હતો કે ગ્રેનાઈટ હાઉસમાં પ્રવેશી જવું. કોઈ જોઈ જાય તે પહેલાં અંદર પ્રવેશવાનો હજી સમય છે.

જરાય સમય ગુમાવવો પાલવે એમ હતો નહી. ગુફામાંથી તેઓ સીધા ગ્રેનાઈટ હાઉસ તરફ દોડ્યા. આડી આવતી ટેકરી ચાંચિયાઓને નેડ એમ હતી. એ તકનો લાભ લઈ બધા લિફ્ટમાં ગોઠવાયા. ઉપર પહોંચતા માત્ર એક મિનિટ થઈ. જપ અને ટોપ ત્યાં રાહ જોતા હતા.

બધા બારીમાંથી વહાણને જોતા હતા. તે આગળને આગળ વધતું હતું. બંદૂકમાંથી સતત ગોળીબાર થતો હતો. અને ચાર તોપ આંધળી થઈને ફૂટતી હતી. મર્સી ઉપર ગુફા અને ઉપર તોપના ગોળા પડતા હતા. ખડકોના ભાંગીને ભૂક્કા થઈ જતા હતા. જો કે હાર્ડિંગ અને તેના સાથીઓને એમ લાગતું હતુ કે ચાંચિયાઓને ગ્રેનાઈટ હાઉસનો પત્તો નહીં લાગે.

પણ એ આશા ઠગારી નીવડી. એક તોપનો ગોળો બારણું વિંધીને ગ્રેનાઈટ હાઉસમાં પડ્યો.

“આપણા રહેઠાણનો ખ્યાલ આવી ગયો છે!” ખલાસી બોલ્યો.

બોબ હાર્વેને શંકા પડી ગઈ હતી, આથી તેણે બીજો તોપનો ગોળો ગ્રેનાઈટ હાઉસમાં ફેંક્યો. આથી બારી બારણાં ખુલ્લા થઈ ગયાં.

ગ્રેનાઈટ હાઉસમાં રહેનારાની હાલત નિરાશાજનક હતી. તેમનું નિવાસસ્થાન શત્રુઓને મળી ગયું હતું. તોપના ગોળા સામે ટકવાનો કોઈ ઉપાય ન હતો. ગોળો વાગતાં જ ખડકોના ચૂરેચૂરા થઈને તે વેરણ થઈ જતા હતા. હવે તો ગ્રેનાઈટ હાઉસના ઊંડા ખૂણામાં આશરો લેવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો.

એ વખતે એકાએક મોટો ધડાકો થયો અને ઘણી બધી ચીસો એકસામટી સંભળાઈ. સાયરસ હાર્ડિંગ અને તેના સાથીદારો બારી પાસે ધસી ગયા.

આખું વહાણ પાણીના ફુવારાની જેમ ઊંચે ઊછળીને બે ભાગમાં વહેંચાઈ ગયું. અને દસ સેકન્ડ કતરાં ઓછાં સમયમાં ગુનેગારો નાવિકો સાથે દરિયાને તળિયે બેસી ગયું.

***