હતી એક પાગલ - 20 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હતી એક પાગલ - 20

હતી એક પાગલ..!!:-ભાગ 20

"ઝુકેલી નઝર થી જોયું તમે અમને,

તમારી આ અદા કેમ ના ગમે અમને,

એક પ્રશ્ન થાય મારા મન માં,

પ્રેમ માં છો તમે કે વહેમ માં છીએ અમે??"

શિવે લખેલું પુસ્તક સંપૂર્ણ વાંચવાથી માહીનો શિવ તરફ જોવાનો સંપૂર્ણ નજરીયો બદલાઈ જવાની પુરેપુરી સંભાવના હતી.પણ માહી અને શિવનાં કમનસીબે માહી એ ફક્ત એનાં અને શિવનાં રિલેશનમાં હસીન પળો જ વાંચ્યા.જ્યારે માહી એ એ બધું વાંચવાનું બાકી રાખ્યું જે વાંચી લીધું હોત તો એ વાતનું નિવારણ આવી જાત જેનાં લીધે માહીનાં હૃદયમાં વારંવાર ટીસ ઉઠતી રહેતી હતી.

રાતે મોડે સુધી નોવેલનું પુસ્તક વાંચતી હોવાથી માહી સવારે થોડી મોડી ઉઠી..આરોહી ની ગેરહાજરીમાં ચા-નાસ્તો પણ એને જાતે જ બનાવ્યો અને પછી ઉતાવળમાં એ ફટાફટ તૈયાર થઈ અને ત્યારબાદ ઓફિસ જવા નીકળી ગઈ.

શિવ અને માહીને એક જ ફોટોમાં જોઈને મયુરની પત્નીએ મયુરને એ વિષયમાં જાણ કરી એટલે મયુર સંધ્યા અને કાળુ સાથે સવાર પડતાં જ સુરત જવા માટે નીકળી પડ્યો.એ લોકોમાંથી કોઈએ શિવને આ વિશે જાણ ના કરી કેમકે એ લોકો શિવનાં બુક લોન્ચિંગનાં કાર્યક્રમમાં અચાનક પહોંચી શિવને સુખદ આંચકો આપવા માંગતા હતાં.

મહેસાણાથી નીકળી એ લોકો અમદાવાદ અને વડોદરા થઈને બપોરે બે વાગ્યાં આજુ-બાજુ સુરત આવી પહોંચ્યા..સવારથી એ લોકોએ કંઈપણ ખાધું નહોતું એટલે એ લોકો આવતાંની સાથે એક સારી રેસ્ટોરેન્ટ શોધી જમવા માટે પહોંચી ગયાં. જમીને એ લોકો એ તપાસ કરી કે શિવની નવી બુકની લોન્ચિંગ નો કાર્યક્રમ ક્યાં અને કેટલાં વાગે હતો.તપાસ કરતાં એમને માલુમ પડ્યું કે શિવની બુક લોન્ચિંગનો કાર્યક્રમ 7 વાગે શરૂ થવાનો હતો અને એનું વેન્યુ હતું ગુલમહોર બેંકવેટ હોલ.

હજુ એ લોકો જોડે ચાર કલાક જેટલો સમય હતો એટલે આટલો સમય પસાર કરવા એ લોકોએ ડુમસ દરિયાકિનારે જઈને એક લટાર મારવાનું નક્કી કર્યું.સંધ્યા તો ત્યાં જવાની વાત સાંભળી રોમાંચિત થઈ ઉઠી કેમકે એને સેલ્ફીનો ગાંડો શોખ હતો.અને દરિયાકિનારે જઈને સેલ્ફી સરસ આવશે એવી સંધ્યાને ખબર હતી.

એ લોકો રેસ્ટોરેન્ટમાંથી નીકળી સાડા ચાર વાગે ડુમસ બીચ પહોંચી ગયાં હતાં..ત્યાંથી સવા છ પછી એ લોકો ગુલમહોર બેંકવેટ જવા નીકળશે એવું એમને નક્કી કર્યું અને પછી દરિયાનાં મોજાં જોડે મસ્તી કરવા લાગ્યાં.મયુર સંધ્યા અને કાળુ ને લઈને એક તાડી ની દુકાને ગયો અને એ બંને ને તાડી નો સ્વાદ કરાવ્યો.સંધ્યાને પહેલાં તો તાડી નો સ્વાદ વિચિત્ર લાગ્યો પણ પછી એને તાડી પીવાની મજા પડી ગઈ.તાડી બાદ હવે વારો હતો ઘોડેસવારી નો.

કાળુ એ ઘોડેસવારી ની અનિચ્છા જાહેર કરી એટલે સંધ્યા અને મયુર સાથે જ ઘોડાં પર બેસી ઘોડેસવારી ની મજા લેવા લાગ્યાં.સૂરજ હવે ક્ષિતિજ પર નમવા લાગ્યો હતો.સાંજ નાં છ વાગી ગયાં હતાં એટલે કાળુ એ મયુર અને સંધ્યાને ઉદ્દેશીને કહ્યું.

"ચાલો હવે નીકળીએ..શિવનો કાર્યક્રમ શરૂ થવાની તૈયારી હશે."

"સારું કાળુભાઈ..પણ એ પહેલાં મારાં અને મયુર નાં થોડાં ફોટો પાડી આપો ને.."પોતાનો મોબાઈલ કાળુનાં હાથમાં મુકતાં સંધ્યા બોલી.

સંધ્યાના હાથમાંથી મોબાઈલ લઈ કાળુ બોલ્યો.

"અરે કેમ નહીં.. મયુર થોડો જોડે આવીને ઉભો રહે એટલે તારો અને ભાભીનો એક મસ્ત ફોટો પાડી લઉં.."

મયુર અને સંધ્યા દરિયો એમનાં બેકગ્રાઉન્ડમાં આવે એ રીતે જુદી જુદી પોઝમાં ઉભાં રહ્યાં જેનાં કાળુ એ ફોટો પાડી આપ્યાં.ફોટો સેશન પૂર્ણ થયું એટલે સંધ્યાએ કાળુની જોડેથી મોબાઈલ લઈ કાળુએ એનાં અને મયુરનાં પાડેલાં ફોટો જોયાં. ફોટો જોતાં જોતાં સંધ્યા એક ફોટો જોઈ અટકી ગઈ..એ ફોટો એ ધારીધારીને ઝૂમ કરી જોઈ રહી.અને કંઈક ઝબકારો થતાં એ આજુ બાજુ ડાફેરા મારવા લાગી.

અચાનક એની નજરે કંઈક આવ્યું જે જોતાં જ સંધ્યા દોડતી એ તરફ ભાગી.. સંધ્યાની આ બધી હરકત જોઈ મયુર અને કાળુ વિસ્મય સાથે સંધ્યાની પાછળ પાછળ દોરવાયાં.સંધ્યા દોડીને એક યુવક અને યુવતીની પાછળ જઈને ઉભી રહી અને હાંફતા-હાંફતા બોલી.

"એક્સકયુઝમી આરોહી.."

એ યુવક અને યુવતી બીજું કોઈ નહીં પણ આરોહી અને તુષાર હતાં. કાળુ એ જ્યારે મયુર અને સંધ્યાનાં જે ફોટો લીધાં એમાંનાં એક ફોટોનાં બેકગ્રાઉન્ડમાં આરોહીનો ચહેરો સંધ્યા જોઈ ગઈ..મગજ ઉપર જોર આપતાં એને આ યુવતી એ જ હોવાનું જ્ઞાત થયું જેનાં ફોટોમાં શિવ અને માહી બંને મોજુદ હતાં. મયુર અને કાળુ ને તો પહેલાં કંઈપણ ના સમજાયું પણ જેવું સંધ્યાએ એ યુવતીનું નામ પોકાર્યું એટલે એમને સંધ્યાનું આમ બેબાકળું બની દોડવાનું કારણ સમજાઈ ગયું.

આ તરફ આરોહી એ પાછળ જોઈ સંધ્યાની તરફ નજર કરી.એ સંધ્યાને ઓળખતી નહોતી પણ સંધ્યાને એનું નામ ખબર હતી એ જોઈ આશ્ચર્ય સાથે આરોહી સંધ્યાને ઉદ્દેશીને બોલી.

"હા મારુ નામ આરોહી છે..પણ હું તમને નથી ઓળખતી.."

"આરોહી,આ યુવક તારી જોડે છે એનું નામ તુષાર છે ને..?..તમારાં હજુ ગઈકાલે જ લગ્ન થયાં ને..?"સંધ્યાએ પુછ્યું.

હવે સંધ્યાની વાત સાંભળી આરોહીનું મોં રીતસરનું ખુલ્લું જ રહી ગયું..કેમકે એની સામે ઉભેલી સ્ત્રીતો એનાં વિશે ઘણું જાણતી હતી પણ એને તો એ સ્ત્રીનું નામ માત્ર પણ ખબર નહોતી..આરોહીની વતી આ વખતે તુષાર બોલ્યો.

"હા મારુ નામ તુષાર છે..અને અમે ગઈકાલે જ મેરેજ કર્યા.. પણ તમને એ વિશે કઈરીતે ખબર..?"

"આરોહી તું શિવ પટેલની ફેસબુક ફ્રેન્ડ છે અને શિવ અમારાં ફેસબુક ફ્રેન્ડ છે..આ મારાં હસબંડ મયુર અને આ એમનાં મિત્ર કાળુભાઈ છે.શિવ એમનાં મિત્ર નહીં પણ ભાઈ જેવાં છે.કોલેજનાં દિવસોથી લઈને એમની મિત્રતા આજ સુધી અકબંધ છે."મયુર અને કાળુની ઓળખાણ આપી સંધ્યા બોલી.

"મતલબ કે મેં મારાં ફોટો ફેસબુકમાંમાં અપલોડ કર્યાં એમાં શિવ પટેલને ટેગ કર્યાં એટલે તમે એ ફોટો જોઈ શક્યાં.. એટલે તમે અમને ઓળખો છો.."હવે સંધ્યા પોતાને કઈ રીતે ઓળખી ગઈ એની ખબર પડતાં સંધ્યા બોલી.

"તમને બંને ને સુખી લગ્નજીવન ની શુભેચ્છાઓ અને સાથે તમારો ખૂબ ખૂબ આભાર.."આરોહી સાથે હાથ મિલાવી સંધ્યા બોલી.

"આભાર કેમ..?"તુષાર અને માહી એકસાથે બોલી પડયાં.

"તારાં એ મૂકેલાં ફોટો જ અમારાં અહીં હાજર રહેવાનું કારણ છે..એ ફોટોમાં અમે શિવ ભાઈને અને માહીને એકસાથે જોયાં એટલે અમે ખુશ થઈને શિવ ભાઈને સપ્રાઈઝ આપવા અહીં આવી પહોંચ્યા.."સંધ્યા એ એ બંને નો આભાર માનવાનું કારણ જણાવતાં કહ્યું.

"તમે માહી દીદી ને પણ ઓળખો છો..પણ કઈ રીતે..?"હવે સંધ્યાની વાતથી આરોહીનું આશ્ચર્ય બેવડાયું હતું.

"અરે જેમ શિવ અમારો મિત્ર છે એમ માહી પણ અમારી કોલેજ મિત્ર છે..હું,કાળુ,શિવ અને માહી જોડે જ મહેસાણામાં કોલેજ કરતાં હતાં."મયુર બોલ્યો.

"ઓહઃ..તો શિવ પટેલ અને માહી દીદી એકબીજાને ઓળખે છે..?..તો પછી એ બંને એ એકબીજાની જોડે જે પ્રકારનું વર્તન કર્યું એનાં ઉપરથી તો એવું ના લાગ્યું કે એ બંને એકબીજાને ઓળખે છે..how it possible.."નવાઈ સાથે આરોહી બોલી.

"હકીકતમાં આરોહી માહી દીદી જોડે જ રહે છે..અને અમારાં કોર્ટમેરેજ વખતે શિવ પટેલ સાક્ષી તરીકે આવવાનાં હતાં એની માહી દીદીને તો ખબર પણ નહોતી.."તુષાર બધી વાતો ક્લિયર કરતાં બોલ્યો.

તુષાર અને માહીની વાત સાંભળી સંધ્યા,મયુર અને કાળુ ત્રણેય સમજી ચુક્યાં હતાં કે શિવ અને માહી એમજ અનાયાસે મળ્યાં હતાં..જેનો મતલબ હતો કે એમની વચ્ચે બધું જ ક્લિયર નહોતું થયું.

"આરોહી તને ખબર ના હોય તો કહી દઉં કે માહી હકીકતમાં શિવની મિત્ર નહીં પણ એની પ્રેયસી હતી..શિવ અને માહી એકબીજાને સાથે જીવવા મરવાની કસમો આપી ચુક્યાં હતાં પણ સંજોગોની એવી થાપટ વાગી કે શિવ અને માહી એકબીજાથી અલગ થઈ ગયાં."શિવ અને માહી કઈ રીતે નોખાં પડી ગયાં હતાં એ વિશેની વિગતવાર વાત આરોહી અને તુષાર ને જણાવતાં મયુરે કહ્યું.

"એટલે જ દીદી કવિઓ અને લેખકોને નફરત કરે છે..પ્રેમમાં મળેલી નિષ્ફળતા અને બાદમાં લગ્નજીવનમાં પણ પડેલાં ભંગાણે દીદીને હચમચાવી દીધાં છે.એમનાં ઠોસ સ્વભાવનું કારણ એમનાં હૃદયમાં રહેલું દર્દ જ છે.."માહી અને શિવ નાં અલગ થવાનું કારણ સાંભળી રડમસ સ્વરે આરોહી બોલી.

રડતી આરોહીનાં માથામાં હાથ ફેરવી એને શાંત કરાવતો તુષાર બોલ્યો.

"તો પછી એવું કંઈક ના થાય જેથી શિવ પટેલ અને માહી દીદીની વચ્ચેની ગેરસમજ દૂર થાય અને એ બંને પુનઃ એકબીજાની નજીક આવી જાય.."

"મને વિશ્વાસ છે કે શિવ જેમ અત્યારે માહી ને જ ચાહે છે એમ માહી પણ ફક્ત શિવને જ પ્રેમ કરતી હોવી જોઈએ.અમે એકવાર માહીને મળી લઈએ અને પછી શિવનાં બિકાનેર ના આવવાનું કારણ એને જણાવીશું તો શાયદ એનાં મનમાં શિવ માટે રહેલ નફરત પણ ખતમ થઈ જાય.."મયુરે કહ્યું.

"જો એવું શક્ય હોય તો ચાલો આપણે સીધાં માહી દીદીની ઓફિસે જઈએ.."આરોહી આંસુ લૂછતાં ઉત્સાહમાં આવીને બોલી.

"જલ્દી હેંડો...."કાળુ પણ અસલ મહેસાણીમાં બોલ્યો.

એ લોકો ડુમસ દરિયાકિનારેથી નીકળી પડ્યાં માહીની ઓફિસની તરફ..આ તરફ શિવની પ્રથમ નોવેલની લોન્ચિંગનો કાર્યક્રમ શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યાં એની જાણ બહાર એનાં અને માહીનાં ખાસ મિત્રો મળીને એને અને માહીને ફરીથી ભેગાં કરવાની મુહિમ માટે નીકળી પડ્યાં હતાં.

"સમી સાંજે તારી યાદ દસ્તક દઇ ગઇ

મોડી રાતે એક કુંવારું સપનું સળગી ઊઠ્યું....."

*********

ગુલમહોર બેંકવેટ હોલ અત્યારે કોઈ નવવધુની માફક સજાવવામાં આવ્યો હતો..ઠેકઠેકાણે મસમોટાં હોર્ડિંગ્સ હતાં જેમાં શિવ પટેલની પ્રથમ નવલકથા એક હતી પાગલનાં કવર પેજની ઝલક હતી..અમુક ફોટોમાં શિવનો ચહેરો પણ જોઈ શકાતો હતો.શિવ પટેલનો કાર્યક્રમ હોય અને પબ્લિક ના આવે એવું બને ખરું.આખો હોલ અત્યારે માનવ-મહેરામણથી ઉભરાઈ ગયો હતો.

આજે જે કાર્યક્રમ થવાનો હતો એનું સંચાલન કરવાનાં હતાં સુરત શહેરનાં વતની અને હજારો સાહિત્ય કાર્યક્રમોનું સંચાલન કરનાર રઈશ મણીયાર સાહેબ.એમનું સંચાલન આ ભવ્ય કાર્યક્રમને અતિભવ્ય બનાવવાનનું હતું એમાં કોઈ શંકાને સ્થાન નહોતું.આખરે સાત વાગી ગયાં અને લોકો પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં એ સાથે જ સુરતની અર્ચના સ્કૂલની છાત્રાઓ દ્વારા ગણેશ વંદના ની પ્રસ્તુતિ સાથે બુક લોન્ચિંગનાં કારકર્મનો વિધિવત પ્રારંભ થયો.

લોકોની તાળીઓની ગળગળાટ વચ્ચે પબ્લિકેશન હાઉસનાં CEO અને મુખ્ય અતિથિ એવાં શિવ પટેલની સાથે સુરત શહેરનાં મેયર પણ સ્ટેજ પર બિરાજમાન થયાં એટલે રઈશ ભાઈ એ પોતાની આગવી છટામાં કાર્યક્રમ નું સંચાલન આરંભ્યું.પહેલાંએક પછી એક સ્ટેજ પર બિરાજમાન લોકોનો પરિચય આપ્યાં બાદ રઈશ ભાઈ એ પોતાની એક સુંદર કવિતા સંભળાવી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં.

આ એજ કવિતા હતી જેમાં સુરતી ભાષાનો આગવો ટોન સચોટ રીતે સંભળાતો હતો..સુરતી ભાષાની વાત થાય ત્યારે આ કવિતા એક માઈલસ્ટોન સમાન હતી.

"પન્નીને પહતાય તો કે’ટો ની.

વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.

પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.

એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”

પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ

પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની."

મણીયાર સાહેબે લખેલ કવિતા એમનાં જ અંદાજમાં સાંભળવાનો લ્હાવો દર્શકોને આપ્યાં બાદ રઈશ સાહેબે શિવ પટેલને એમની બુક વિશે અને પોતાનાં વિશે કહેવા માટે આમંત્રિત કર્યાં.

રઈશ સાહેબનો આભાર માની શિવે માઈક પોતાનાં હાથમાં લીધું અને પોતાનું વક્તવ્ય આપવાનું શરૂ કર્યું.

"અહીંયા હાજર ઉત્તમ બુક પબ્લિકેશન નાં CEO સુબોધ શાહ,મેયર શ્રી અને આ કાર્યક્રમ નાં હોસ્ટ રઈશ ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર.એ સિવાય અત્યાર સુધી મારી કવિતાઓને અપ્રિતમ પ્રેમ આપનારાં લોકો તથા અહીં હાજર દરેક શ્રોતા મિત્રો ને મારાં એટલે કે શિવ પટેલનાં હૃદયપૂર્વક નમસ્કાર."

"રઈશ ભાઈ એ ઓરીજનલ સુરતીમાં જે રીતે પોતાની સુંદર કવિતાનું પઠન કર્યું એ સાંભળી મન પ્રફુલ્લિત થઈ ગયું..આમ પણ સાહિત્ય ને ભાષાનાં સીમાડા નથી નડતાં.અહીં સુરતમાં હાજર છું તો આજે હું મારાં પુસ્તક વિશે વધુ જણાવ્યાં પહેલાં સુરતનાં જ શબ્દો નાં જાદુગર એવાં આસીમ રાંદેરી સાહેબની થોડી પંક્તિઓ તમારી આગળ રજુ કરી એમને મારાં નમન અર્પણ કરવા માગું છું."

"આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો…

તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો…

હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો…

મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો…

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,

એ પારકી બની જશે હું એનો એજ છું.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,

લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…"

લોકોની આ સાથેજ જોરદાર તાળીઓ હોલમાં ગુંજી વળી..આ તાળીઓ વચ્ચે શિવ મનોમન બબડયો.

"આસીમ સાહેબ એટલાં નસીબદાર હતાં કે એમને એમનાં પ્રિયપાત્રનાં લગ્નની કંકોતરી તો મળી હતી.."

★■■■■■■■■★

વધુ આગળનાં અધ્યાયમાં.

દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.

વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

~જતીન.આર.પટેલ (શિવાય)