ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 1 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 1

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(1)

શંકાસ્પદ વહાણ

લીંકન ટાપુમાં બલૂનમાંથી ફેંકાયાને અઢી વર્ષ વીતી ગયા હતાં. એ સમય દરમિયાન તેમનો સ્વદેશ સાથે કોઈ સંપર્ક રહ્યો ન હતો. એક વાર સ્પિલેટે પક્ષીને ગળે બાંધીને ચિઠ્ઠી મોકલી હતી. એનો કોઈ અર્થ ન હતો. આયર્ટન એકલો તેમની સાથે જોડાયો હતો. હવે એકાએક 17મી ઓકટોબરે અણધાર્યા ઉજ્જડ સમુદ્રમાં બીજાં માણસો દેખાયાં હતાં.

એમાં કોઈ શંકા ન હતી; દેખાતું હતું એ વહાણ હતું! એ વહાણ સીધે સીધું જતું રહેશે? કે બંદરમાં અંદર પ્રવેશશે? થોડા કલાકોમાં એની ખબર પડી જશે.

હાર્ડિંગ અને હર્બર્ટે તરત જ સ્પિલેટ, પેનક્રોફ્ટ અને નેબને ભોજનખંડમાં બોલાવ્યા, અને પરિસ્થિતિથી વાકેફ કર્યા. પેનક્રોફ્ટે દૂરબીન લઈને ઝડપથી ક્ષિતિજનું નિરીક્ષણ કર્યું અને એક બિંદુ ઉપર દૂરબીનને તેણે કેન્દ્રિત કર્યું.

“છે તો વહાણ જ!” ખલાસી બોલ્યો.

“આ બાજુ આવે છે?” સ્પિલેટે પૂછ્યું.

“અત્યારે નક્કી કહી શકાય નહીં,” ખલાસીએ જવાબ આપ્યો. “કારણ કે તેના સઢનો દાંડો જ એકલો દેખાય છે!”

“હવે શું કરવું?” હર્બર્ટે પૂછ્યું.

“થોભો.” હાર્ડિંગે જવાબ આપ્યો.

ઘણા સમય સુધી સૌ શાંત રહ્યા. બધા વિચારો, બધી લાગણીઓ, બધો ભય, બધી આશાઓ, જે આ ઘટનાથી મનમાં ઉત્પન્ન થઈ તે લીંકન ટાપુમાં આવ્યા પછી સૌથી મહત્વની હતી; અને પહેલી જ વાર એ લાગણીઓ આવા સ્વરૂપે ઊભરાઈ હતી.

એ ચોક્કસપણે કહી શકાય કે આ લોકો તરછોડાયેલા માણસો જેવા દુઃખી ન હતા. પેનક્રોફ્ટ અને નેબ આ ટાપુને અફસોસ વગર છોડી શકે એમ ન હતી. પણ આ વહાણ દુનિયાના સમાચાર લઈને આવ્યું હતું. કદાચ એ તેના દેશનું પણ હોય; આથી તેમનાં હ્યદય હલબલી ઊઠ્યાં હતાં.

વારંવાર પેનક્રોફ્ટ દૂરબીન લઈને બારીએ માંડતો હતો. તે બારીકાઈથી વહાણને જોતો હતો. અહીંથી તે વીસ માઈલ દૂર પૂર્વ દિશામાં હતું. અહીંથી તેમની હાજરી વિષે કંઈ નિશાની કરી શકાય એમ ન હતું. વાવટો એટલે દૂરથી દેખાય નહીં; બંદૂકનો અવાજ તેમને સંભળાય નહીં; તાપણું સળગાવ્યું હોય તો તેમને દેખાય નહીં. એટલું તો નક્કી હતું કે વહાણ ફ્રેન્કલીન પર્વતવાળો લીંકન ટાપુ જોયો હતો.

પણ શા માટે એ વહાણ અહીં આવતું હતું? નકશામાં ક્યાંય આ ટાપુ દર્શાવવામાં આવ્યો નથી. તો પછી એનું આગમન સાહજિક હતું? કે એની પાછળ કોઈ આશય હતો? આ પ્રશ્નનો જવાબ એકાએક હર્બર્ટે આપી દીધો.

“આ ‘ડંકન’ જહાજ તો નહીં હોય?” હર્બર્ટે પૂછ્યું.

‘ડંકન’ જહાજ લોર્ડ ગ્લિનાર્વનનું વહાણ હતું. તે કદાચ આયર્ટનને લેવા આવ્યું હોય!

“આપણે આયર્ટનને પૂછીએ.” સ્પિલેટે કહ્યું. “એ એકલો ‘ડંકન’ને ઓળખે છે.”

તરત જ ટેલીગ્રામ કરવામાં આવ્યો. “જલદી આવો.”

થોડી મિનિટમાં ઘંટકી વાગીઃ “હું આવું છું.” આયર્ટને જવાબ આપ્યો.

પછી બધાએ વહાણ જોવાનું ચાલુ રાખ્યું.

“જો એ ડંકન હોય,” હર્બર્ટે કહ્યું.“ તો આયર્ટન તરત જ એને ઓળખી જશે. કારણ કે તેણે તેમાં ખલાસી તરીકે કામ કરેલું હતું.”

“અને જો એ ઓળખી જશે,” ખલાસીએ ક્હ્યું, તો ખૂબ ઉશ્કેરાટ અનુભવશે.”

“હા,” હાર્ડિંગે જવાબ આપ્યો. “પણ મને શંકા છે કે એ વહાણ મલાયાના ચાંચિયનું છે.”

“આપણે તેનો સામનો કરીશું.” હર્બર્ટે બૂમ પાડી.

“એમાં શંકા નથી, મારા દીકરા.” ઈજનેરે હસીને જવાબ આપ્યો.“ પણ સમાનો કરવાની સ્થિતિ ન આવે તો વધારે સારું.”

“હું તો માનું છું કે,” સ્પિલેટે કહ્યું, “કોઈ વહાણ નીકળ્યું હશે અને અણધાર્યો તેણે આ ટાપુ જોયો હશે. તેથી તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું હશે.”

“એવું બનવા સંભવ છે.” ઈજનેરે કહ્યું.

“ધારો કે આ વહાણ કિનારા તરફ લંગર નાખે, તો આપણે શું કરવાનું છે?” ખલાસીએ પૂછ્યું.

આ પ્રશ્નનો કોઈએ ઉત્તર ન આપ્યો. પણ હાર્ડિંગે થોડો સમય વિચારીને શાંતિથી જવાબ આપ્યો.

“આપણે એ વહાણમાં બેસીને અમેરિકા પહોંચી જઈશું. અને ત્યાં જઈને થોડા માણસો સાથે અહીં પાછા આવીશું. અને આ ટાપુને અમેરિકાનું સંસ્થાન બનાવી દઈશું.”

“હા,” ખલાસી બોલ્યો, “દેશને આપણા તરફથી આ એક નાનકડી ભેટ!”

“પણ પાછળથી કોઈ આ બેટ પચાવી પાડે તો?” સ્પિલેટે પૂછ્યું.

“અરે! કોઈના ભાર છે! હું એકલો બેટનું રક્ષણ કરવા રહીશ.” ખલાસીએ કહ્યું.

એક કલાસ સુધી વહાણ કઈ બાજુ જાય છે તે નક્કી થઈ શક્યું નહીં. જો કે પવન તેને લીંકન ટાપુ તરફ આવવામાં અનુકૂળ હતો.

ચાર વાગ્યે આયર્ટન ગ્રેનાઈટ હાઉસમાં આવ્યો અને કહ્યું...

“બોલો, શો હુકમ છે?”

હાર્ડિંગ તેને બારી પાસે લઈ ગયો અને કહ્યું...

“આયર્ટન, તમને મહત્વના કામે બોલાવ્યા છે સામે એક વહાણ દેખાય છે. એ તમને તેડવા માટે આવેલું ‘ડંકન’ તો નથીને?”

આયર્ટન પહેલાં તો જરા ઝાંખો પડી ગયો. પછી દૂરબીન લઈને ઘણીવાર સુધી એણે જોયા કર્યું. “બાર વરસે પણ સજા માફ ન થઈ?”એ મનમાં બોલ્યો.

“ના!” આયર્ટને કહ્યું.“ના! એ ‘ડંકન’ હોય એમ નથી લાગતું.”

“શા માટે?” સ્પિલેટે પૂછ્યું.

“કારણ કે ‘ડંકન’ એ વરાળથી ચાલતું જહાજ છે. અને મને ધુમાડો દેખાતો નથી.”

કદાચ તેણે એન્જિન બંધ કર્યું હોય! ખલાસી બોલ્યો.

“હા, એ શક્ય છે, મિ પેનક્રોફ્ટ.” આયર્ટને જવાબ આપ્યો. “વહાણ નજીક આવે ત્યારે ખબર પડે.”

એમ કહીને આયર્ટન એક ખૂણામાં બેસી ગયો. ફરી વહાણ અંગે ચર્ચા શરૂ થઈ. આયર્ટને એમાં ભાગ ન લીધો. સ્પિલેટ અને ખલાસી અસ્વસ્થ બની ગયા હતા. તેઓ આમ તેમ ફરતા હતા અને એક સ્થળે સ્થિર રહી શકતા ન હતા. હર્બર્ટને કૂતુહલ જાગ્યું હતું. નેબ એકલો સ્વસ્થ હતો. એણે પોતાની ચિંતા માલિકને સોંપી દીધી હતી. ઈજનેરે ઊંડા વિચારામાં ગરકાવ હતો. તેને આ વહાણમાં આગમનથી આનંદ થવાને બદલે ભય લાગ્યો હતો.

દરમિયાન વહાણ ટાપુની થોડુંક નજીક આવ્યું હતું. દૂરબીનથી જોતાં એ કૂવાસ્થભંવાળું વહાણ હતું. અને મલાયાના ચાંચિયા વાપરે છે એવું જહાજ ે ન હતું. આથી ઈજનેરનો ભય અસ્થાને હોય એમ લાગ્યું. સાંજના પાંચ થયા હતા. અને અંધારામાં વહાણની ગતિવિધિ જોવી મુશ્કેલ હતી.

“રાત પડશે ત્યારં શું કરીશું?” સ્પિલેટે પૂછ્યું.“આપણે તાપણું સળગાવીને આપણી હાજરી પ્રગટ કરીશું?”

આ એક ગંભીર પ્રશ્ન હતો. છતાં તેનો હકારામાં જવાબ આપવામાં આવ્યો. રાત્રે વહાણ સદાને માટે ચાલ્યું જાય તો બીજું વહાણ અહીં સુધી આવે એનો શો ભરોસો?

“હા,” સ્પિલેટે કહ્યું.. “આપણે અહીં છીએ તે જણાવવું જ જોઈએ. આ તક ચાલી જશે તો આખી જિંદગી પસ્તાવો કરવાનો વારો આવશે.”

એવું નક્કી થયું કે નેબ અને પેનક્રોફ્ટ બલૂન બંદરે જાય, અને રાત્રે તાપણું સળગાવે. જેથી વહાણને ટાપુ પર વસ્તી છે તેનો ખ્યાલ આવે.

નેબ અને ખલાસી જવાની તૈયારી કરતા હતા એ ક્ષણે વહાણ યુનિયનના અખાત સામે આવીને ઊભું રહ્યું. આયર્ટને ફરી દૂરબીન માંડ્યું અને અવલોકન કરીને ક્હ્યું...

“આ વહાણ ‘ડંકન’ નથી! ‘ડંકન’ “આવું હોય નહીં!”

પેનક્રોફ્ટે ફરી દૂરબીનથી જોયું. આ વહાણ ત્રણસોથી ચારસો ટનનું હતું. પણ ક્યાં દેશનું હતું? વાવટો ફરક્તો હતો; પણ તેનો રંગ ઓળખાતો ન હતો. વહાણનો ઈરાદો લીંકન પાસે જ લાંગરવાનો હતો. ખલાસીએ દૂરબીન આંખ આગળ ધરી રાખ્યું હતું. એ અમેરિકા, ઈંગ્લેંડ, ફ્રાન્સ, જર્મની, રશિયા, સ્પેન, જાપાન, વગેરે દેશોના વાવટાને બરાબર ઓળખતો હતો. આ વહાણ ઉપર ફરકતો વાવટો એમાંથી એકેય દેશનો ન હતો.

એ વખતે હવાનો ઝપાટો લાગ્યો અને વાવટો બરાબર દેખાયો. આયર્ટને દૂરબીન પોતાની આંખે માંડી કર્કશ અવાજે કહ્યું....

“વાવટાનો રંગ કાળો છે!”

બસ, હવે આ વહાણ ચાંચિયાઓનું જ છે, એમાં કોઈ શંકા ન રહી. તો પછી ઈજનેરનો ભય સાચો હતો. મલાયાના ચાંચિયા જેવા બીજા ચાંચિયા પણ પ્રશાંત મહાસાગરમાં ફરે છે. તેઓ અહીં શા માટે આવ્યા હશે? કે પછી આ વહાણ શિયાળા પૂરતું આશરો લેવા આવ્યું હશે? કે પછી ચાંચિયાઓએ આ ટાપુને પોતાનું મુખ્ય મથક બનાવવાનો ઈરાદો રાખ્યો હશે?

આવી કલ્પનાઓ બધાને આવી. એવું તો ન બન્યું હોય કે ચાંચિયાઓએ ‘ડંકન’ જહાજનો કબજો લીધો હોય! ના, હવે ચર્ચામાં સમય વેડફવો અયોગ્ય હતો.

“મિત્રો,” હાર્ડિંગે કહ્યું.. “આ વહાણનો ઈરાદો ગમે ત હોય, આપણે અહીં રહીએ છીએ તેનો ખ્યાલ તેને આવવો ન જોઈએ. પવનચક્કીને ઉતારી લો. ગ્રેનાઈટ હાઉસનાં બારી-બારણાંને ડાળી-ડાંખળા અને પાંદડાથી સંતાડી દો. તાપણાં ઠારી નાખો. જેથી આ ટાપુ પર માણસની વસ્તી છે એનો ખ્યાલ કોઈને ન આવે.”

ઈજનેરના હુકમનો તાત્કાલિક અમલ થયો. નેબ અને આયર્ટન પવનચક્કી ઉતારી લેવા ગયા. દરમિયાન જંગલમાંથી ડાળીઓ અને ડાંખળાં વગેરે લાવીને બારીબારણાં ઉપર એવી રીતે ગોઠવી દીધાં કે બહારથી કોઈને કશો ખ્યાલ ન આવે. બંદૂક અને દારૂગોળો તૈયાર રાખ્યો. અચાનક હુમલો થાય તો સામના માટે પૂરી તૈયારી કરી લીધી. પછી હાર્ડિંગ બોલ્યો.

“મિત્રો, જો બદમાશો લીંકન ટાપુનો કબજો લેવા આવે તો આપણે સામનો કરીશુ.”

“હા, સાયરસ.”સ્પિલેટે જવાબ આપ્યો. “જરૂર પડ્યે મરવાની અમારી તૈયારી છે.”

આયર્ટન એકલો ખૂણામાં બેઠો હતો. હાર્ડિંગ તેની પાસે ગયો અને પૂછ્યું..

“આયર્ટન, તમે શું કરશો?”

“હુ મારી ફરજ બજાવીશ.” આયર્ટને જવાબ આપ્યો.

અત્યારે સાડા સાત વાગ્યા હતા. થોડીવારમાં પહેલાં સૂર્ય અસ્ત થયો હતો. વહાણ અત્યારે ટાપુથી બે માઈલ દૂર હતું. અને ઉચ્ચપ્રદેશની બરાબર સામે હતું. વહાણ અખાતમાં પ્રવેશવા માગતું હતું? તે ત્યાં લંગર નાખવા માગતું હતું? શું તે ટાપુ પર માણસોને ઉતાર્યા વિના રવાના નહીં થાય? એક કલાક પછી ખબર પડે.

આ ચાંચિયાઓ અગાઉ આ ટાપુ પર આવી ગયા હશે? શા માટે તેણે કાળો વાવટો ફરકાવ્યો? તેમને આ ટાપુ પર રહેનારા બીજા માણસો સાથે કોઈ સંબંધ હશે? આ બધા પ્રશ્નો હાર્ડિંગને મૂંઝવતા હતા. એટલે નક્કી હતું કે, વહાણના આગમનથી લીંકન ટાપુની સલામતી પૂરેપૂરી ભયમાં હતી.

તે અને તેના સાથીદારો છેલ્લા શ્વાસ સુધી લડી લેવા તૈયાર હતા. ચાંચિયાની સંખ્યા કેટલી છે અને તેમની પાસે કેવાં પ્રકારનાં હથિયારો છે, એ જાણવું જરૂરી હતું. પણ આ માહિતી કેવી રીતે મેળવવી?

રાત પડી. ચંદ્ર ઊગીને અસ્ત થઈ ગયો. ટાપુ અને દરિયાને ઘોર અંધકાર વીંટળાઈ વળ્યો. પવન પડી ગયો. વૃક્ષ ઉપર પાંદડું પણ હલતુ નહોતું. કિનારા પર મોજાંનો જરાય અવાજ આવતો ન હતો. વહાણની બધી બત્તીઓ બુઝાવી દેવામાં આવી હતી. વહાણ જરાય દેખાતું ન હતું.

“શું ખબર?” ખલાસી બોલ્યો; એ વહાણ અત્યારે ને અત્યારે ચાલ્યું જાય, અને સવારે કંઈ જોવા ન મળે!”

ખલાસીની આ માન્યતાનો જવાબ આપતું હોય એમ વહાણે તોપનો ધડાકો કર્યો. અંધારમાં વીજળી જેવો મોટો ચમકારો થયો.

વહાણ ત્યાં જ હતું અને તોપોથી સજ્જ હતું.

ચમકારા અને ધડાકા વચ્ચે છ સેંકડ પસાર થઈ. એટલે તે કિનારાથી સવા માઈલ દૂર ઊભું હતું. તે વખતે સાંકળીનો ખણખણાટ સંભળાયો.

વહાણે ગ્રેનાઈટ હાઉસની સામે જ લંગર નાખ્યું હતું!

***