Aakhri ichha books and stories free download online pdf in Gujarati

આખરી ઈચ્છા.



   સવારના દશેક વાગ્યા હશે ને હું એક હાથમાં ટીફીન સાથે બસમાંથી કોઝી ટાવરે ઉતર્યો. મને સવારથી અજંપો તો હતો જ તેમાં પણ સવારના પહોરમાં ખેમજીના ફોને વિચારતો કરી મુક્યો. તે દવાખાને હતો. ત્યાંથી ફોન કર્યો કે " માસ્તર તમે ઈયા આવો મારે થોડુંક અંગત કામ છે ! "
મોતનાં બીછાને પડેલાં ખેમજીને એવું તો કયું અંગત કામ હોય કે મને બોલાવે ! તો પણ નિશાળમાં રજા મુકી ટીફીન લઈ ને અથડાતો કુટાતો સવા અગિયારે હું દવાખાને પહોચ્યો. તેનાં હોઠ આછું હસ્યાં ને આંખોમાં અશ્રુઓની ટશરો ફુટી. હું જોઈ રહ્યો તેનાં કૃશ શરીરે ઉઠવા માટે મથામણ કરી. તેનાં આ પ્રયાસે એનાં શરીરે ઉધરસ ખાધી એટલે એની આંખોના ભવાં ખેંચાયા ડોળા અંદર ગયાં ને ફરી તે પથારીમાં લેટી પડ્યો. એણે કાંપતા શરીરે મને આવકાર આપ્યો. " માસ્તર આવી ગયાં ? "
મે માથું હલાવી ઈશારાથી હા કહી. એટલે તેની આંખોના પોપચાં બીડાયાં ને ફરી ઉઘડ્યા. એણે મને પાસે બોલાવ્યો એની પથારીમાંથી  પેશાબની તીવ્ર વાસ ઉઠતી હતી. તોપણ હું તેની પાસે બેઘડી બેઠો. એણે વાતની શરુઆત પોતાના ભવ્ય ભૂતકાળથી કરી.
                " સાબ....!  મારા એ દીવસો.  બચપણનાં દીવસો બધાંય  મિત્રો ભેગા મળી  ચોરે ને ચૌટે ફર્યા કરતાં.  કદીક પગથા ( વૃધ્ધ ) માણસો જોડે બેસતા ત્યારે એ બધાં માટીની ચિલમ માંથી ધૂમાડો કાઢતા તો કોક વળી બીડી માંથી ધૂમાડો કાઢતા એ જોઈ અમને નવાઈ લાગતી.  અને ઘણીવાર જયારે ધૂમાડો નાકમાંથી બહાર કાઢતા ત્યારે અમને પણ એવું કરવાનું મન થતુ. ને પાછુ એવું સાહસ કરેલું પણ ખરૂ કદી કર્યું ઈ બધું તો યાદ નથી પણ સાબ ઈના વગર રહી ન શકતાં એટલું યાદ છે. એ દીવસો માં  અમારી પાસે પૈસા તો કયાંથી હોય ! એટલે દુકાને-દુકાને પીવાયેલી બીડીનાં બુટકા ( ઠુંઠા ) ગોખીને પછી પીતાં.  જે દન બુટકા  ( ઠુંઠા ) ન મળતાં ઈ ટાણે અમે નાની ચોરી કરીનેય બીડી તો પીતાં જ. અને પછી તો  કયારે એનાં તરફ ઢળ્યો કે ચલમ,તમાંકુ ને ગુટખાનુંય બંધાણ થઈ ગયું.  એવાં વેશનોમાં પડતો ગયો ને આર્થિક રીતે હું સડતો ગયો. ઈ બધાં માં મારૂ બચપણ ખોઈ નાંખ્યુ  ને ચિમળાયેલ જુવાનીમાં મે પગ મુક્યો.  કામ માટે રાત દિ' હડીયુ કાઢતા મારૂ ઠેકાણુંય થઈ ગયું. લગન થઈ ગયાં પછી એક સમો એવોય આવ્યો કે મારા બાહુબળ થી હું  ઘણું કમાયો. ખુદનું ઘર વસાવ્યું સંતાન થ્યા એમની હાર્યે સુખી જીવન જીવતો હતો. મારી ઘરવાળી એ મારા જેવીજ હતી. ઈએ ગુટખાની શોખીન. દન આખા માં વીહ રૂપીયા ની પડીકી ખાઈ જ લે. ઈને પણ ગુટખા વગર રેણ નાં થાય. સાબ... ઈ જયારે ગુટખા ખાઈ ને પિચકારી મારે ત્યારે હું ઠાલી ઉધરસ ખાઈ ને પોરસાઉ પણ.......'
        પણ કહેતા એની આંખે જળ -જળીયા આવ્યા. થોડોક શ્ર્વાસ લઈ તે આગળ બોલ્યો. 
            ' પણ...... માસ્તર સાબ  !   વખત વિત્યો પળ બદલાઈ ને હું  પડ્યો.  બૈરાં ને ગળાનું કેન્સર થયું અહી પાલણપર લાવ્યો.  એક મીનો રાખી ખરચનું બીલ જોયું ને આંખો ઉઘડી. રૂપિયા સિત્તર હજાર નું પાણી થ્યું. બૈરું તો બચ્યું સાબ  પણ હું ફસ્યો.જ્યાં જમવાં બેસતો ત્યાં શીરાં હતાં.  હવે ખાટી છાંશ મળવી મુશ્કેલ થઈ ગઈ. મને આખો દન એનાં જ વિચારો થવા લાગ્યા. ને આ દખનાં ત્રાસ ને ભુલવાં એક દન હું દારૂ નાં પીઠે ગયો. જરાક પીધો ને દુ:ખ ભુલ્યો.પણ તે દિ' ખબર નહોતી કે આય નવું દુ:ખ લઈ રહ્યો છું. આ દારૂ નાં વેશને તો મને હતો ન હતો કરી નાખ્યો.  માળુ દારૂ નું તો બંધાણ જ ઈવુ છે કે સાંજ પડ્યે લાખ કરવાં છતાંય ટાંટિયા પીઠાની કોર હાલ્યાં જાય. એમાં હું ડુબ્યો. કયારેક એવોય વિચાર આવતો કે હાલ જીવ કુવો પુરી નાખું.  પણ મારી હારે જીવતા પાંચ જીવોનું શું થાય ! ઈ વિચાર કરતાં મરવાનું માંડી વાળતો.
          'મને એ દન આજેય યાદ છે. શિયાળાના દિવસો હતાં.  રાત્રી નાં રાયડામાં પાંણત કરતો હતો ને અચાનક માવઠું થયું.  ઈ દનથી ખોળીયામાં ખાંસીએ ઘર ઘાલ્યુ ને પછી તો મારૂ શરીર રોગોની ધર્મશાળા બની. ટીબી ( ક્ષય ) જેવો રોગ તો માલિક થઈ બેઠો. જીવતર ઝેર થઈ ગયું. દવાખાના નાંપૈસા નહોતાં તે દન પાંથાવાડાનાં એક મિત્રે મને પૈસા દઈને ઈયા ભરતી કર્યો તે દનથી મોતની રાહ જોઈને અહીયાં પડ્યો છું.' એટલું કહેતાં તેનાં શરીરે લાંબો શ્ર્વાસ લીધો. જેને લીધે એની છાંતીની પાંસળી બહાર ઉપસી આવી. થોડીવાર એ એમજ લેટી રહ્યો. મે જોયું સાડી બાર થયાં હતાં એટલે અમસ્તું બારી બહાર જોયું. ખુલ્લા આકાશમાં પંખીઓ પોતાની મસ્તીભરી ઉડાનમાં મગ્ન થઈ આમતેમ વિહરતા હતાં. એટલામાં ખેમજીએ વળી પાછી વાત ઉચ્ચારી ' તમને થતું હશે સા'બ કે આટલી વાત તમને કહેવાથી શું ફાયદો ! ' મને પણ તેમનો આ સવાલ ગમ્યો ને એનો જવાબ સાંભળવાની તાલાવેલી થઈ. 
              ' સાબ  !  હું જાણું છું કે આપ માસ્તર છો. અને માસ્તરની પાહે ઘણી નઈ તોય વરહની  પચા-સાઠ બાળકોની  જીંદગી બનતી હોય છે. એ પચા-સાઠ બાળકોમાં મારા જેવાં કેટલાય અભાગિયા ખેમજી હશે. ઈ બધાંના મા-બાપ ને કેટલા અભરખા હશે...!  બચારા કોક માવતર વિચારતાં હશે કે મારો ગગો દાગતર કે માસ્તર થાય. પણ સાબ હાચો મારગ નાં મળતાં રખડી પડે છે.ને પછી મારા જેવાં ખેમા થવા મજબૂર થાય છે. આ જીવતરના દુ:ખોમાંથી મે કેમ કરીને મારગ કાઢ્યો ઈ હું જ જાણું છું.  ટાઢ, તડકો , મેં  ઈ બધાં મે વેઠ્યા છે.પણ સાબ આ બધું નવતર પેઢી નઈ જીરવી શકે ! હમણાં એકદન દાગતર કેતા'તા કે એક ગાંમ માં કટબનું પુરૂ ન્હોતું થતું તી ઈણે ઝેર ઘોળ્યુ ઈ મુરખો નાં કેવાય સાબ ?'
            મે પણ તેની વાત માં માથું હલાવીને ટાપશી પુરી. મને પેશાબની તીવ્ર વાસથી કંટાળો આવતો હતો. ત્યાં તે મુદ્દાની વાત પર આવતો જણાયો પણ અચાનક ઉપડેલી ઉધરસથી એનું મોઢું ભરાઈ ગયું ને લોહીનો કોગળો પાસે પડેલાં ડબ્બામાં થુંક્યો. મારે ન્હોતું જોવું તોય જોવાઈ ગયું. થોડીવાર શ્ર્વાસ લઈ તે આગળ બોલ્યો.  ' સાબ....!  મારી એક ઈચ્છા છે તમે ઈ પુરી કરશો ? ' અને તે મારી સામે તાકવા લાગ્યો. ' મને વચન આલો તો કહું!  ' એ શું માંગશે મારૂ મન ચગડોળે ચઢ્યું તોય હિંમત રાખી મે વચન આપ્યું એટલે એણે માંડ્યું. ' સાબ...  મારાથી તો ન થયું પણ તમે કરશો એ જાણી ઈયા તેડાયા છે.
              બે હાથ જોડી તેણે આજીજીભર્યા સ્વરે કહ્યું 
" સાબ... મારી એટલી વિનંતી છે તમને કે નેહાળમાં ઉછરતી આ પેઢી વેશનોમાં નાં પડે, ભણવામાં હુશિયાર થાય. પોતાનોને સમાજનો વિકાસ કરે અને ઈ બધાં માં ભાઈ-ચારાની ભાવના જાગે તો સમાજમાં કોઈ માલદાર કે ગરીબ નહી રહે ને પછી મારા જેવાં ખેમજીએ કદાચ નહી થાય. બસ, સાબ... આટલું કામ થાય તો મારો જીવ ગતે જશે....  નહી તો અવગત તો પાકી છે !'
         આટલું કહેતાં તેને ઉધરસ ઉપડી ને મોઢામાંથી લોહીનો કોગળો છુટ્યો.  એમ કરતાં એનાં શરીરને આકરી વેદના થઈ તે પાછો ખેંચાઈ એકદમ આગળ ઝુક્યો અને લોહીની ઉલટી સાથે પથારીમાં લેટી પડ્યો. તેનાં અસ્તિત્વનો વેદનાભર્યો અંત હું જોઈ રહ્યો. પોતાની આખરી ઈચ્છા પુરી થયાનાં ભાવ એનાં મોંઢા પર તરવરતા હતા.બીજાઓ માટે એનાં હદયમાં કેટલો પ્રેમ હતો એ વિચારતો હું ત્યાંથી નીચે ઉતર્યો ત્યારે મારા પગો વજનદાર થઈ ગયાં હતાં. હું ગામડાનાં આ અબુધ ખેમજીનાં વિચારો જોઈ મનોમન તેને સલામ કરતો નીકળી પડ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો