The Pain books and stories free download online pdf in Gujarati

વેદના - વરસાદ ( વાર્તા )



        ખેતર ને શેઢે થી ચાલ્યો આવતો મંદ પણ ભેંકાર  પવન વૃધ્ધ ધનજી નાં કાને ભયંકર અવાજ કરતો હતો. ખેતર માં એકબાજુ પોર સાલ  વાવેલી બાજરીના ઠુંઠા હજીય અકબંધ હતાં  એમાય ધૂળ ની ડમરીઓ ઊડી રહી હતી. ઘુંઘવતા અવાજમાં પણે સુકાયેલા ખાખરાના ઠુંઠા પર બેસેલો હાડીયો   ક્રો..ક્રો...ક્રો અવાજ કરીને ઓણસાલ વરસાદ નાં નઠારા વર્ષને જાણે ભેંકાર નજરે જોઈ રહ્યો હતો. ન જાણે  કયાં પાપોનો બદલો કુદરત  લઈ રહ્યો હતો. ત્રણ વરસથી વરસાદ નો છાંટો  સરખો નહોતો પડ્યો તો પણ ખમીરવંતી આ ગુજરાતની પ્રજા જ એવી છે કે દુ:ખનો ડુંગર પડે તોય ન ડગે એવી એમની નિર્ભયતા ! દશ દન નો ભુખ્યો માણસ બહાર નીકળે તોય ખબર નાં પડે કે આ દશ દન નો ભુખ્યો હશે.
        પણે ખેતરનાં ખુણે સુકી ઝાડીમાંથી વરાળ નીકળી રહી છે. તેમાંથી સસલું દોડીને થોડીક ઠંડક મેળવવા પણે લીમડાના વાડોલીયામાં ઘુસ્યું છે ને દુર ધરતીના હણાયેલા હીર વચ્ચે કો'ક તૃણ જોઈને પોતાના ઘેંટા બકરાં જીવાડનારા રબારી બંધુઓ પણ આંખ આગળ નેજવું કરી ગગન સામે મીટ માંડીને ઊભા છે. કદાચ એમનેય ભરોસો નહોતો કે આ વરસાદ હવે આવશે. ભાદરવો  વીતી જવામાં હજુ દશ દન બાકી હતાં.  તમામ ખેડુતો ને ચિંતા સતાવી રહી હતી કે  આ વરસાદ ઓણસાલ પણ નહીં આવે. ભલભલા જ્યોતિષોના જોષ પણ ખોટા પડવા લાગ્યા અવની ઉપર કયાંય લીલું તૃણ નહોતું ને ઝાડવા તો શોભાના ગાંઠીયા જેવાં માત્ર ઠુંઠાઓ માં ભેંકાર ભાસતા હતાં.  સુસવાટા મારતો અને ધૂળની ડમરી ઉડાડતો પવન ગમે તે સમયે આવીને શરીરને દઝાડી જતો.
     એવે સમયે ગામમાં કો'ક સાધુ મહારાજ નું આગમન થયું.  ગામડાના લોકો ગમે તેવાં દુ:ખમાં પણ આવેલા અવસર ને ચુકતા નથી તેમ એમણે આ સાધુ મહારાજ નાં આગમન ને હર્ષ થી વધાવી  લીધું. સાંજ ટાણે બધા વાળુ કરીને રાત્રે ગામ આખું ચોતરે મળ્યું.  જેમાં સાધુ મહારાજ,  ગામનાં મુખી આગેવાનો મોખરે હતાં. સાધુ મહારાજે સંસારલીલાની થોડીક સમજણ આપી, ધર્મની વાતો કરી તથા  જણાવ્યું કે આવાં દુ:ખના સમયે આપણું તો ઠીક પણ પેલાં મૂંગા ઢોરોનુ અને પશું-પંખીઓનુ કોણ ? એટલે એમની સાથે હેત રાખી સુખેથી  જીવજો. સાધુના શબ્દ ઘા ની ગામલોકો પર ઝાઝી અસર થઈ  થોડીવાર માટે બધાં લાગણીનાં વરસાદ માં જાણે ભિંજાઈ ગયાં. પણ છેવટે ગામના મુખીએ પોતાનો સવાલ મુકતાં બધા નાનાં મોટા બાળકો અને સ્ત્રી -પુરુષો શાંત થઈ ગયાં. એમને પણ જાણવું હતું કે આ હઠીલો વરસાદ આ સાલ આવશે કે નહી !
        અવનીનાં અંધારપટ ને નીરખતા સાધુ મહારાજે લોટી માંથી થોડુંક જળ પીધું એટલે ગામલોકો ને જવાબ સાંભળવાની ઉત્સુકતા વધી. બધાંય ની નજરો સાધુ મહારાજ નાં મોઢા પર હતી તો કાનેય શબ્દ સાંભળવા અધીરા બન્યાં હતા. ત્યાં તો સાધુ મહારાજ ના હોઠ ખુલ્યા " કાલે ગમે તે સમે વરસાદ આવશે ! " આખી વાત વાયુવેગે નજીક નાં ગામો મા પ્રસરી ગઈ. જ્યોતિષો ને જાણ થતાં એમણે ફરી એકવાર આ વાત માં ઝંપલાવ્યું  " કોણ કહે છે કાલે વરસાદ આવશે  ? કાલે તો શું પણ મહિના સુધી વરસાદ પડવાનો નથી. " એટલે બધોય આનંદ ઉડી ગયો. બધાં વિચારતાં હતાં કે હવે શું થશે ...  કોણ સાચું પડશે......   વિધ્યા કે વાણી  ? 
            બીજા દને વહેલી પરોઢે પંખીઓના કલરવ વચ્ચે પેલાં સાધુ મહારાજ ગીત લલકારી રહ્યા હતાં. 
  ' મોરલે કીધું માન રે ! મેહુલીયા
               એકવાર નીચે આવી જા ને....
   કોરા ખેતર પેલાં ભાષે ભેંકાર 
             એની માટી ને ફરી મહેકાવ રે ! મેહુલીયા 
                  એકવાર નીચે આવી જા ને. ..

ઉંચે તાકીને તને ઊભા છે ખેડૂતો
              એમના નયન છલકાવ રે ! મેહુલીયા 
              એકવાર નીચે આવી જા ને. ... '
             ગીત પુરું કરી, ચા-પાણી કરી ને એ મંદિરે ગયાં.  પોતાના ઈષ્ટ દેવને સમરવા અગરબત્તી સળગાવી એટલે એનો ધૂમાડો ચારેબાજુ ફેલાયો ટંકોરી વગાડી બે હાથ જોડી સાધુ આંખો બંધ કરી ધ્યાનમગ્ન  થઈ ગયાં. થોડીવાર પછી એમણે આંખો ખોલી સળગેલી ધૂપસળીની રાખની લલાટે ટીલી કરી ઊભાં થયાં. પાછાં ફરતાં એમણે ફરી હાથ જોડ્યા ને ખાટલે આવી બેઠાં.  એમના મો પર તેજ ઝગારા મારતું હતું ને હોઠો પર હતી મુશ્કાન. એ જોઈ એટલું તો સમજાતું હતું કે સાચાં મનથી કરેલી પ્રાથના પર એમને પુરો ભરોસો હતો. આખો દન એમનાં શરીરે તાજગી અને એક અજબ પ્રકારનું તેજ ઝગારા મારતુ હતું. 
               હજીય સુસવાટા મારતો પવન વાઈ રહ્યો હતો.  આખો દન ધૂળની ડમરીઓ માં વિતાવી સાંજે ફરી  બધાં લોકો ગામના ચોતરે ભેગા થયાં. રાત નાં એક પ્રહર સુધી અલકમલકની વાતો કરી ને પછી દિવસ નાં થાકેલા  સર્વેજણ ઘેર જઈ સુઈ ગયાં પણ સાધુને જપ નહોતી થતી.'  હવે શું કરવું !' એવાં વિચારો માં ખોવાયેલો સાધુ આડે પડખે થયો ને ત્યાં જ આકાશમાં ચમકારો થયો આખું આકાશ સફેદ અજવાશ માં ચમકી ઉઠ્યું. ધીમો ગગડાટ થયો એટલે મોરલા ગેંહકી ઉઠ્યાં ને ત્યાં તો ગામલોકો સુવાના ખાટલા છોડી બહાર દોડી આવ્યા ને એકબીજાને પુછવા લાગ્યા " અલ્યા તે હાલ વિજળી જોઈ ?"
 " હા લ્યા દખણાદી કોર અજવાળુંય થયું ને ગગડાટેય હાંભળ્યો ! "
              કુદરતને કરવું ને રાત-રાતમાં ક્યાથીએ વરસાદ ફુટી નીકળ્યો ! વળતી સવારે બધાંએ ઉઠીને જોયું તો રાત-રાતમાં લીમડાઓ ને કુંપળો ફૂટી નીકળી હતી.જ્યારે અવનીએ પણ હરીયાળી ચૂંદડી તો ઓઢી જ હતી.બધાંયની નજરો ધરતી પર ફુટી નીકળેલાં ઘાસ પર મંડાયેલી હતી. તો કોતર કંદરા માં પણ કલ કલ કરતું ઝરણું વહ્યે જતું હતું. બધાંયની આંખોમાં આનંદ હતો.બાળકો ભીની માટીની સોડમ લઈ  આવતાં પવન ને પોતાની બાથમાં  સમાવી લેવાની વ્યર્થ  કોશીશ કરતાં હતા. 
            ખેડુતોને આજ સિમાડો સાદ  દઈ રહ્યો હતો. બધાએ પોતાના રાશ, બળદો,  હળ જેવી ચીજો સંભાળી ને આનંદ મા ચાલ્યા ખેતર ભણી પણ ત્યાં  કોઈકે સાધુ મહારાજ સાંભર્યા ને બધે શોધખોળ આદરી પણ સાધુ મહારાજ કયાંય  દેખાયા નહીં.  એટલે રાત્રે જ્યાં સુતા હતાં ત્યાં જઈ જોયું તો ખાટલી માં સાદડી ઉપર ફૂલોનો ઢગલો પડ્યો હતો અને એમાંથી ભીની માટીની સુગંધ રેલાઈ આવતી હતી !.
 
              - કિસ્મત પાલનપુરી 
                       ( રવિધામ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED