Adhura orta books and stories free download online pdf in Gujarati

અધુરા ઓરતા

          અધુરા ઓરતા 

            - કિસ્મત પાલનપુરી 

            ઉનાળાના દિવસો હતા એ કુંભીને અઢેલીને બેઠી હતી. એને બચપણ યાદ આવ્યું કેટલી ખુશ હતી એ ત્યારે બધાં બહું વ્હાલ કરતાં અને આંખોમાં અશ્રુઓ ની ટશરો ફુટી. નજર સામે બધું  ધુંધળું દેખાવા લાગ્યું. પાલવથી આંશુઓ લુંછીને એણે આંગણામાં જોયું એક કાબર દાંણા ચણતી હતી. એને એક પગ જ ન્હોતો એ બહુ મહેનત થી એક પગે ઊભી રહી દાંણા ચણતી હતી. એ જોઈ એને દોડી કાબરને મદદ કરવાનું મન થયું. પણ એનાં મા ચેતના જ ન્હોતી એની ઉઠવાની, દોડવાની જાણે કે એનામાં હિંમત જ ન્હોતી. એ બેવશ થઈ ને અશ્રુભીની આંખે કાખઘોડી તરફ જોયું અને કાખઘોડી માં એને પોતાનું અસ્તિત્વ અટવાઈ જતું લાગ્યું. સમજણી થયા પછીનું બધું એને યાદ આવવા લાગ્યું.  બચપણમાં સખીઓ સાથે રમવાનું ને દોડવાનું બહું મન થતું પણ કાખઘોડી તરફ જોતાં એ મન વાળી લેતી.
                      મધુરો અવાજ કરી કાબર ઉડી ગઈ એ એને ઉડતી જોઈ મનોમન હરખાઈ ને હૈયે ટાઢક વળી.  ચાલ તારે પગ નથી પણ તને ઉડવામાં તો અવરોધ નથી. એકાએક એણે પોતાના પગો તરફ જોયું. એનાથી નિશ્ર્વાસ નંખાઈ ગયો. એણે પોતાની જાતને કાબર સાથે સરખાવી અને હૈયામાં દર્દ થયું. એને પોતાનામાં વધું ઓછાશ લાગી. કાબર કેટલી ખુશ નસીબ હતી એ ઉડવા તો સમર્થ હતી અને પોતે....?
                      ' કોણ છે ઘેર? ' કોઈ અપરિચિત અવાજ કાને અથડાયો તેણે પાછાં ફરી ઝાંપલી બાજુ જોયું. કોઈ અજાણ્યો લાગતો માણસ ઊભો હતો. તેણે ફરી પુછ્યું ' રાકેશભાઈ ઘેર છે ? 'એણે ઓસરીમાં બેઠે બેઠે નકારમાં ડોકું ધુણાવ્યું એટલે આગંતુકે નવો સવાલ કર્યો " તમે સિમરન ને ? " પોતાનું નામ સાંભળી એણે આશ્ચર્ય સાથે હા કહી. એટલે અજાણ્યો લાગતો માણસ ઝાંપલી ઉઘાડી આંગણામાં આવ્યો.  ખાટલા પર બેસતાં એણે વિવેક દર્શાવ્યો  " મઝામાં  ? "
                     પોતે કેટલી મઝામાં હતી એ પોતે જ જાણતી હતી. તેમ છતાં ' મઝામાં છું ' એવું જુઠ તો એ લગભગ દરરોજ બોલતી હતી. બત્રીસ વરસના ટુંકાગાળા માં એણે દુનિયાને બહું નજીકથી સમજી લીધી હતી. તોય હસતું મો રાખીને એણે " હા " કહી. એટલે આવનાર માણસે થેલીમાં રહેલાં કાર્ડ કાઢી ઉપર નામ લખ્યું  ' રાકેશ પટેલ ' સીમી મનોમન સમજી ગઈ. એ બધી લગ્નની આમંત્રણ પત્રિકાઓ હતી.એમાંથી એક સિમરન નાં હાથમાં થમાવી આગતુંક ચાલ્યો ગયો.  પત્રિકા જોઈ એનાથી નિશ્ર્વાસ નંખાઈ ગયો. એને પોતાની વેદના સાંભરી એ ઊભી થઈ એક હાથે કાખઘોડી લઈ આંગણે પડેલા ખાટલા ભણી ચાલી ત્યારે એની નજરે પાણી પીતી ખિસકોલી ચઢી.ચારેક ડગલાં ભરી તે ખાટલામાં ફસડાઈ પડી. કાખઘોડી બાજુમાં મુકી એણે બન્ને હાથે લગ્નની આમંત્રણ પત્રિકા ખોલી મનોમન વાંચવા લાગી. બધું રોજની માફક જ છપાયેલું હતું. તારીખ અને નામોમાં  ફરક હતો.અચાનક એનું ધ્યાન પત્રિકાની નીચે લખેલા શેર પર ગયું. 
  
' અમારી ખુશીના સમ આપને આવવું પડશે, 
    થોડોક સમય લઈ પ્રેમથી પધારવું પડશે..... '

                       એ આગળ ન વાંચી શકી એની આંખો ભરાઈ આવી.આ કડીમાં એને પોતાનુ મુરઝાતું અસ્તિત્વ દેખાયું. બહું વરસોથી એ બેચેન હતી. એનાં પોતાના સપનાઓ હતા કેટલાંયે અરમાનો હતા.  જીંદગીને પોતાની રીતે જીવવાની ઈચ્છા હતી.  પણ બધું વ્યર્થ હતું. લોકો સ્વરૂપ જોતાં હતાં હદયની લાગણીઓ નહીં.  અહીંયા સારા ચહેરાની ને રૂપાળા શરીરની બોલબાલા હતી સારાં વિચારોની નહીં  આ બધું યાદ કરતાં એનું હદય ચીરાતુ હતું. એ વિકલાંગ હતી. એને પહેલીવાર પોતાની અપંગ જાત પ્રત્યે નફરત પેદા થઈ.  બધાં લોકો સુખી જીવન વ્યતીત કરતાં હતાં. માત્ર પોતે જ વેદનાભરી જીંદગી જીવતી હતી.એકાએક જીવનનાં બધાં પાનાં એનાં માનસપટ પર ઉભરાવા લાગ્યાં.  કોઈ ના લગ્ન થતાં ત્યારે કાખઘોડીનાં સહારે એ લગ્ન મંડપમાં પહોંચી જતી.બધી સહેલીઓ સાથે એ પણ મહાલતી.  જાનમાં આવેલા કેટલાય છોકરાઓ એ જોતી અને મનોમન ખુશ થતી.  બધાં છોકરાઓ સાથે પોતાની સરખામણી કરતી ને કોની સાથે પોતાની જોડી સારી લાગશે એ અનુમાન બાંધતી એને ત્યારે વિચાર આવતો કે એક દિવસ આમ જ પોતાના લગ્ન થશે કોઈ અજાણ્યો રાજકુમાર આવી પોતાને પરણી ને લઈ જશે. આ રીતે ચોરીના ચાર ફેરા ફરીશ બધું આ રીતે જ હશે. ...પણ સમય ને આ બધું મંજુર ન્હોતું. વરસો વિતતાં ચાલ્યા પોતાનાથી નાની ઉંમરની છોકરીઓ પણ પરણીને સાસરે જતી રહી હતી.વાર-તહેવારે એ બધી પિયરમાં આવતી ત્યારે અમુકની કાખમાં નાનાં બાળક ને જોઈ એનું મન ખિન્ન થઈ જતું.  પોતાના લગ્ન થયાં હોત તો કદાચ કાખમાં નાનું બાળક હોત.એવો વિચાર આવતાં એનાથી નિશ્ર્વાસ નંખાઈ જતો. માત્ર પોતે જ બદનસીબ હતી.લોકો આવતાં પણ કાખઘોડી જોઈ ચાલ્યા જતાં. એને બહું દુ:ખ થતું વરસોથી એ રાહ જોઈ થાકી હતી.  એને બહું ફરીયાદ હતી કુદરત સાથે બહું  રડતી  એનો આત્મા કકળી ઉઠતો પણ કદાચ એનાં નસીબમાં  એનો સપનાનો કોઈ રાજકુમાર જ ન્હોતો. 
                 " એય.... સીમી   શું કરે છે અલી ? " અવાજ સાંભળી એણે ઝાંપલી બાજુ જોયું તો કાળી મરક-મરક  હસતી ઊભી હતી.હસતે મોઢે એણે જવાબ આપ્યો " કાંઈ નઈ બેઠી છું !  આવન રી અલી ! " એક હાથે ઝાંપલી પકડીને કાળી  આંગણામાં પ્રવેશી.   સીમીને બધું યાદ આવ્યું બીચારી કાળી ! એનું સાચું નામ તો સુગના  પણ રંગે થોડી શ્યામવર્ણી એટલે નામ જ કાળી પડી ગયું. ગામમાં બધાં લોકો કાળકી કહીને બોલાવે  તોપણ ખુશમિજાજી સુગના કોઈનાં પર ક્યારેય રીશે  ન બળે. એ પણ પોતાના જેવીજ અભાગી હતી. એનોય સપનાનો કોઈ રાજકુમાર ન્હોતો. 
                નજીક આવતાં જ કાળીએ સવાલ કર્યો " શું લઈ ને બેઠી છો ? "
   " કાંઇ નઈ રાકલાના મિત્રની લગ્ન પત્રિકા !" સીમીએ જવાબ આપ્યો. 
    " બતાય તો ! " કહેતાંક કાળીએ લગ્નની આમંત્રણ પત્રિકા હાથમાં લીધી. ઉપર લખેલા નામ લગ્નની તારીખ વગેરે વાંચીને એક ઊંડો નિશ્ર્વાસ નાખ્યો.  હૈયામાં સવાલ ઉદભવીને આખરે હોઠે આવી ગયો " તે અલી સીમલી ! આપણા લગનની કંકોતરી કયારે છપાશે ? "
   " રામ જાણે ! " સીમીએ જવાબ આપ્યો. 
                 બંન્નેની  આંખો એક થઈ કંઈ કેટલાય સમણાંઓ રાખ થતાં અનુભવ્યા.  મનમાં રહેલાં અરમાનો આળસ મરડી ને બેઠા થયાં  પણ કોણ જાણે કેમ બધાં વિખરાઈ જવાં લાગ્યાં.  એટલામાં કાળીએ વાત છેડી " સીમલી. .. તને ગીરધારી ભગતની વાત યાદ છે ? "
   " કઈ વાત કાળી ?" સીમીએ પુછ્યું 
  " પેલી સંસારના રહસ્યવાળી ! " કાળીએ કહ્યું 
" હા કાળી ! " નિરાશ ચહેરે સીમીએ જવાબ આપ્યો. ને બંન્નેની નજરો એક થઈ નજર સામે ગીરધારી ભગતની વાતો તાજી થવાં લાગી. પીંપરના ઝાડની નીચે ભગત બોલતાં હતાં " આ સંસારમાં સમય પ્રમાણે બધાયે ચાલવું પડે છે મારા બાપ...!  એંશી વરસનો ડોસો બાર વરસના બાળકની પેઠે કુદકા ના મારી શકે એની જેમ દોડી ના શકે કેમ કે એની ઉંમર થઈ ગઈ હોય. ભલા માણસ સમય સાથે આપણે શું દરેકે બદલાવ લાવવો જ પડે. ઉનાળામાં ઘઉં નો થાય ને શિયાળામાં બાજરીનું વાવેતર નકામું પડે. લો આપણી જ વાત લઈએ બાર વાગ્યે જમતાં હોય એને ચાર વાગ્યે ભોજન આપો એ નઈ જમે. કે જમશે ? " ટોળાએ જવાબઆપ્યો  " નઈ જમે ! "
" કેમ ? " ભગતે પુછ્યું એટલે ટોળાએ જવાબ આપ્યો " ભુખ મરી જાય " " સાચી વાત....! તો આ સંસારનું પણ એવું જ છે યુવાની થનગનાટ કરતી હોય. મનમાં કોઈના બની જવાનાં કોડ જાગતાં હોય ત્યારે એકલાં રહો ને પછી જવાની ઢળી જવા લાગે ઈ ટાણે લગનની તાલાવેલી ના હોય. પરણવાના અભરખા ના હોય.કેમ કે ઈ સમય જતો રહે  તમારી ઈચ્છા મરી જાય ઈ ટાણે.....
                     અચાનક ઘરમાં વાસણો ખખડવાથી સીમરન સચેત થઈ અને  કાખઘોડી હાથમાં લઈ ખાટલામાં બેઠી થઈ. આગળ આવેલી કાનોની લટને કાન પાછળ ભરાવતી કાળીએ કહ્યું " બલાડું હશે અલી ! " એટલે ધીમેથી કાખઘોડી નાં સહારે ઊભાં થતાં સીમી બોલી " હા.. ઈજ  હશે પણ જોવા દે દૂધ-બૂધ નાં ઢોળ્યુ હોય..."  "હા અલી આમેય આપણને કયાં સુખ છે. લે હાલ હું જાઉં મારે ગાવડા સારૂં નીરણ લાબ્બાનું છે. " રૂદિયામાં રહેલી હૈયા વરાળ ઠાલવી ને કાળી મારગે પડી. અતીતના અરમાનો નજરોમાં સમાવી સીમરનની આંખો કાળી ને રસ્તામાં ખોવાઈ જતી જોઈ રહી. નજરો ફેરવી એણે બારણા બાજુ જોયું ને ઊભી થઈ ધીમી ચાલે ઓસરી વટાવી કમાડ ઉઘાડ્યું. ઘરમાં પ્લાસ્ટર હતું.  બીલાડીએ દૂધની બરણી નીચે પાડી હતી જેમાંથી દૂધ વહીને કમાડ સુધી આવ્યું હતું. લાગ જોઈ બીલાડી ઘરમાંથી નીકળી ગઈ એટલે સીમરનની  આંખોના ભવાં ખેંચાયા. એને બીલાડી પર બહું ગુસ્સો આવ્યો. પણ શાંત રહી એણે ફર્શ પર પોતું માર્યુ ને પાછું કમાડ વાસી પણીયારે આવી પાણી પીને પાછી ખાટલા ભણી ચાલી.  ખાટલામાં બેસતાં એની નજરે પાછી લગ્ન પત્રિકા પડી ને વિચારો ફરી સીમરનને ઘેરી વળ્યા. 
                       થોડાક દીવસો પહેલાં કરમદી ગામના જગદીશ સાથે સગપણ પુછાયુ બધું નકકી થયું.  એકબીજાને જોઈ લીધાં પસંદ કરી લીધાં પણ પોતાના કાકા આડા ફંટાયા કહેવા લાગ્યા ' મારા ગગલાનું ઈમના ઘેર પુછેલું ને એમણે ના પાડેલી એટલે ઈમના ઘેર તો હું સીમલી ને નઈ જ દેવા દઉ પણ તેમ છતાં તમારે આલવી હોય તો આલો પણ હું જીવું ત્યાં લગી તમારા આંગણામાં કયારેય પગ નહીં મુકું ! ' થયેલી વાત વિખરાઈ ગઈ નસીબ આડેથી પાંદડું ખસતું હતું. પણ કાકા નડ્યા.  પાછી વરસોની તલાશ શરૂ થઈ. એની આંખો વરસવા લાગી. પોતાના હૈયાનું દર્દ કદાચ કોઈથી સમજાતું ન્હોતું.  એને મરી જવાના વિચારો બહું આવતાં  પણ મનમાં થતું મર્યા પછીએ આ જગત નઈ છોડે કહેશે ' જવાન છોકરી હતી કશુંક હશે નહીંતર આમ આત્મહત્યા ના કરે !' મન ખંખેરીને એ મરવાના વિચારો કાઢી નાંખતી.  પોતાની વિકલાંગતા સાથે સામાજીક રીવાજો  વચ્ચે  માનવી કેવી રીતે પીસાઈ ને બરબાદ થતો હશે એ સીમીને પહેલીવાર જાણવાં મળ્યું. પોતાનું દર્દ કોની આગળ કહેવું એ એને સમજાતું ન્હોતું. એનાં મનમાં ઘણીવાર કેટલાયે સવાલો થતાં.  એને સમાજનાં કહેવાતા આગેવાનો ને કહેવાની ઈચ્છા હતી કે " પોતાનો શું વાંક ! કુદરતે પગોમાં ખામી દીધી એમાં.  અને હું અપંગ છું એટલે શું  મારા પ્રેમમાં ખામી હોય ?  શું હું બીજાઓની જેમ લાગણી મહેસુસ નથી કરી શકતી ? કે બીજાઓની જેમ રડી કે હસી નથી શકતી ? શું મારા સીનામાં બીજાઓ જેવું દિલ નથી ? શું મારા વિચારો અને મારા અરમાનો ના હોઈ શકે  ? પણ આ બધાં સવાલો વંટોળિયાની જેમ ઉઠીને ઘડીક માં શમી જતાં.  એ જાણતી હતી એને સમજવા માટે  કદાચ કોઈ ન્હોતું. 
                       પોતાની ખુશી માટે માનવી બીજાઓ નાં અરમાનો શા માટે કચડતો હશે ! પોતાના કાકા પોતાના અહમ માટે થઈ પોતાની સગાઈ જગદીશ જોડે ન થવા દીધી એ જો સમાજ નાં રીવાજ નો ભાગ હોય તો એવાં રીવાજો માં રહી પીસાઈ ને જીવવા કરતાં જાનવરોની જેમ  જંગલમાં મુક્તપણે જીવવું વધારે યોગ્ય છે.વિચારો માં ને વિચારોમાં એની આંખો ઘેરાવા લાગી. હવાની ઠંડી લહેરખીએ એનાં પોપચાં બીડાયાં ઠરીઠામ થઈને સારૂં જીવન જીવવાનાં પાગલ ખ્યાલો સાથે આખરે સીમરન નીંદમાં સરી પડી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED