vedna - Potani vaat books and stories free download online pdf in Gujarati

વેદના - પોતાની વાત

પોતાની વાત


                     'વેદના' લખવાનું મારી પાસે કદાચ કોઈ સબળ કારણ નહોતું છતાંય ઘણીવાર ખેતરને શેઢે ઊભેલા આસોપાલવે બેસવાનું થતું અને મનમાં વિચારોની કઈ કેટલીયે કુંપળો ફૂટતી.ઘણાં લોકોનાં દર્દથી પરિચિત થવાનું બન્યું છે આમ તો છતાંય મારા પોતાના અનુભવો મને બહું કામ લાગ્યાં.  છેક બચપણમાં નાનો હતો ત્યારે પીવાઈ ગયેલી બીડીના બુટકા પણ નાદાની માં પીધેલા. મિત્રો સાથે ફરવા જતાં ત્યારે નદીના કોતરોમાં બેસીને તમાકુયે ખાધેલી અને એવાં તો અસંખ્ય તોફાનો કરેલા.  બચપણમાં અનાયાસે થયેલા આવાં અસંખ્ય અનુભવો વાર્તાના કથાબીજ માટે મને બહું ઉપયોગી થયાં. અને એ સમયે મને પુસ્તકો પ્રત્યે બહું પ્રેમ,  શહીદ ભગતસિંહ ની જેમ કશુંક કરી જવાની તમન્ના જાગતી.  મારા જીવનમાં કદાચ શહીદ ભગતસિંહ નુ પાત્ર બહું અસર કરી ગયેલુ છે. બચપણમાં એમની વાતો સાંભળવી બહું ગમતી,  આજે પણ આ ઉંમરે હું એમનાંથી પ્રભાવિત છું એટલે બેશક કહી શકું 'શહીદ ભગતસિંહ મારો આદર્શ છે. '
                  કિશોરાવસ્થામાં મારું શાળાકીય જીવન બહું કંગાળ રહ્યું. એ સમયે ઘરની પરિસ્થિતિ તરફ વારંવાર મારું ધ્યાન જતું એટલે હું ભણવા કરતાં કંઈક કમાવા તરફ વળ્યો હતો.એ સમયે અમારી આર્થિક સ્થિતિ બહું નબળી હતી. મારી આ મનોવ્યથા ને સમજનારા મારા પ્રિય શિક્ષકો માં ધાનેરા વિવેકાનંદ વિધ્યાલય નાં નટુભાઈ પરમાર સાહેબ તથા અંબાલાલ પરમાર સાહેબ મુખ્ય હતાં. એ સમયે એમની મારા પ્રત્યેની સહાનુભૂતિ હું આજે પણ મહેસુસ કરી શકું છું. ખિંમત સ્ટેશન પર પાણીની પરબે બેસતી રબારણ માજીની વેદનાભરી વાતો સાંભળવી બહું ગમતી.  જીંદગીની અઘરી ફિલસૂફી ને સરળ શબ્દોમાં વ્યક્ત થતી જોઈ હું દંગ રહી જતો. કદાચ વેદના ને સમજવાની આ જ રીત હતી.મારી પોતાની જીંદગી માં પણ બહું ચઢાવ-ઉતાર આવ્યા છતાં નાસીપાસ થયાં વગર હું જીવી ગયો.અને એમાં થયેલાં કડવા અનુભવો એ જ મારું જીવન ઘડતર કર્યું.  આમ તો બચપણથી સુખમાં જ ઉછર્યો છું  છતાંય હંમેશા અનુભવો તો દુ:ખનાં જ થયાં. સમય વિતતો ગયો ને મારામાં મારાપણુ ખીલતું ગયું. એવા અસંખ્ય અનુભવોની પ્રેરણાએ મને વાર્તા તરફ વાળ્યો. 
             મારા પિતાજી નાં મોઢે ઘણીવાર ધર્મ અને સંતોની વાતો સાંભળવાનું બનતું એટલે કવિતાઓ પછી પહેલી જ વાર્તા 'વરસાદ' લખાઈ ને પૂર્ણ થઈ પણ પછી થયું એમ કે હવે પછી ધર્મની સાથે પ્રણયની વાર્તાઓ પણ લખવી અને એ રીતે પહેલીવાર પ્રેમનાં અંકુરો ફૂટ્યા. પ્રેમ નો ઝાઝો અનુભવ ન હોવા છતાં પ્રેમની પરીભાષાને સરળ શબ્દોમાં રજુ કરતી ભાવનાની ' પહેલી પ્રીત ' લખાઈ ને પૂર્ણ થઈ  ત્યારે મનને ટાઢક થઈ.  પછી તરત ' તરસ ' ને ' સબંધ ' લખાઈ  સમય વિતતો ગયો અને વધું એક વાર્તા નો ઉમેરો થયો. ' થીગડુ '  વાર્તામાં રજુ થતાં વિધવા નાં દર્દ માં ભીંજાયેલો હતો અને વિચારો બદલાતા હતાં.  ગ્રામ્ય પ્રદેશની પૃષ્ઠભૂમિ રજુ કરતી વાર્તા ' ડર ' લખાઈ ને લગભગ પુરી થવાનાં આરે હતી તેમ છતાંય મને કયાંક ઓછાશ લાગતી હતી.મનમાં વંટોળિયાની જેમ વિચાર ઉદભવ્યો કે મારી વાર્તાઓ થોડીકવાર મનને ઠંડક આપતી હતી. પણ મારો ઉદ્દેશ્ય અલગ હતો.મારી વાર્તાઓ થી જો સમાજ ને કોઈ ફાયદો નાં થતો હોય તો મારું વાર્તા લખવાનું  કોઈ કારણ બનતું નથી. 
          સંજોગોવસાત એકવાર પાલનપુર જવાનું બનેલું અને ત્યાં પધારેલા કચ્છ નાં જૈનમૂનિ નાં આગ્રહ ને વશ થઈ  વ્યશનમૂક્તિ ની વાર્તા લખવા બેઠો અને મારા અસ્તિત્વ ને જાણે વેગ મળ્યો. પછી તો સમાજ ઉપયોગી  વાર્તા લખવાનું મારું એક ધ્યેય બની ગયું.  વાર્તા ' આખરી ઈચ્છા ' માં વ્યશનમૂક્તિ ની વાત કરતો ગામડાનો અબુધ ખેમજી હોય કે તત્કાલીન સમાજના રૂઢિચુસ્ત રીવાજો થી ત્રસ્ત ' અધુરા ઓરતા ' ની બન્ને પગે વિકલાંગ સિમરન હોય.રૂપાળા દેખાવને પસંદ કરતાં સમાજના કુરિવાજ નો ભોગ બની વેદનાભરી જીંદગી જીવવા મજબુર  બનેલી ' મુરઝાતા ફૂલ ' ની કાળી હોય. ખેડુતોની દુર્દશા વ્યક્ત કરતી વાર્તા  ' હરાયા ઢોર '  કે એક નાં એક યુવાનપુત્ર નાં અકસ્માતમાં થયેલા અવસાનથી  ભાંગી પડેલાં ' તુટેલા શ્ર્વાસ ' વાર્તાના  મા-બાપની વેદના હોય કે પછી બળજબરીથી પરણાવાયેલી શિલ્પાની સાસરીયામાં સળગી મરવાની વાત કરતી ' રતન રોળાયુ રાખમાં ' હોય. બધામાં મે તત્કાલીન સમાજના રીવાજો,  નજરે થયેલાં અનુભવો દર્શાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે.
             જીંદગી નાં આ રણને પાર કરતાં-કરતાં કદાચ વચ્ચે જ અટકાઈ જવાશે. પણ તોય જ્યાં ચાલ્યો છું ત્યાં મારા પગલાં નાં નિશાન અકબંધ રહી જાય તોય મારા માટે ઘણું છે. ખેડૂત હોવાના નાતે  મને લખવા માટે બહું ઓછો સમય મળ્યો.  અને જ્યારે  મળતો ત્યારે ચારેબાજુ થતાં ષડયંત્રો માંથી નીકળવાની બારી શોધતો રહ્યો.  એવાં સમયે રૂબરૂ આવી કે ફોન અથવા ટપાલ દ્વારા  સતત સંપર્કમાં રહી મારા લખાણ વિશે પુછતાં  રહેલાં કવિ  અશ્ક રેશમિયા સાહેબ અને ઈશ્ક પાલનપુરી સાહેબ કે જેમનાં પ્રયાસથી સતત સંપર્કમાં રહેવાથી હું અહી સુધી પહોંચી શક્યો છું. એમનો આ પળે ખરાં દિલથી આભાર વ્યક્ત કરું છુ. મને ઘણાં લોકોમાંથી પ્રેરણા મળી છે તો ઘણાં લોકોએ મારા આ કાર્યને  બિરદાવી મારા લખવાનાં ઉત્સાહ ને બમણો કર્યો છે. એ તમામ નામી-અનામી મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છુ. 
             એકવીસમી સદી હોવાથી  લોકોનાં પહેરવેશમાં અને વિચારો માં ગજબનો બદલાવ  જોઈ શકાય છે. પણ હજારો વર્ષોથી ચાલ્યા આવતાં રૂઢિચૂસ્ત રીવાજો પ્રત્યે બધાં ચુપ છે. પણ હવે  સમય બદલાયો છે. મારા મત્તે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે સમય થતાં તો વૃક્ષોય પોતાના જૂના પાંદડા ત્યજી નવાં ધારણ કરે છે તો આપણે તો માણસજાત છીએ.  સમય દરેક માં બદલાવ ઈચ્છે છે યોગ્ય સમયે ન થયેલાં બદલાવથી કંઈ કેટલીયે કરૂણ ઘટનાઓ ઘટતી હોય છે.  હું નથી જાણતો શા માટે મારે આવાં વિચારો કરવા જોઈએ. કદાચ કઈક અંશે હું પણ આવાં દર્દોથી રૂબરૂ થયો છું.  કવિ કલાપી ની જેમ Matrimonial low  સામે મારી પણ બહું મોટી ફરિયાદ છે. મને ગર્વ હોય તો વર્ષોથી ઘરની ચાર દિવાલો માં કેદ થઈ ઘુંઘટ માં ચુલે રોટલા ઘડતી સ્ત્રી  આધૂનિક યુગમાં બધાં બંધનો ફગાવી દેશની સરહદ કે દુનિયાના ગમે તે ખૂણે  પુરૂષથી ખભે-ખભો મીલાવી નોકરી કરી રહી છે તો ક્યાંક કલ્પના ચાવલા બની જગતથી દુર અંતરીક્ષ માં  વિજ્ઞાનના રહસ્યો ઉકેલવા માં વ્યસ્ત છે.
            ખેતર અને ઘર વચ્ચે  અટવાતી મારી આ જીંદગીમાં એકલતા અને વિવશતા મારી સૌથી મોંઘી મૂડી છે. ને સતત કોઈની પ્રતિક્ષા કરવી એ  મારા જીવનનું સૌથી કડવું સત્ય હોઈ શકે. કયાંક સાંભળેલું કે વાર્તાઓમાં લેખકનું પોતાનું દર્દ ઝીલાતું હોય છે એ સાથે કદાચ હું સહમત છું અને એટલે જ મારી  ઘણીખરી  વાર્તાઓમાં દર્દનો સૈલાબ છે. છતાંય ઘણીવાર કલ્પના નાં આધારે વાર્તાના બીજ રોપાતા હોવાથી સાવ એમ કહેવું  મુશ્કેલ છે. દુનિયા નો રીવાજ છે ગયાં પછી શોક કરવો અને મારા માટે પણ કદાચ એવું જ થશે કયારેક એ વિચાર મનનાં અજ્ઞાત ખૂણે જબકી જાય છે. દર્દની આગોશમાં રહી સુખની ખેવના કરતો હું ક્યાંરે ઓલવાઈશ એ નક્કી નથી પણ હા મારા અસ્તિત્વ ની સમાપ્તિ પછી જ મારા વ્યક્તિત્વની નોંધ લેવાશે.
        ' વેદના ' વાર્તા સંગ્રહ આપીને હું કોઈ નવાઈ નથી કરી રહ્યો કેમ કે વર્ષોથી સમાજે મને સારું નરસું ઘણું આપ્યું છે એ બધું અંતરના ગજવામાં સંગ્રહી રાખેલું ને સમય આવ્યે એ બધું પુસ્તક રૂપે હું સમાજના ચરણોમાં ભેટ ધરૂ છું. જીવતરના દરેકે દરેક પાસાને મે મારી વાર્તાઓ માં દર્શાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે તેમછતાં પહેલાં ધોરણમાં ભણતાં અબુધ બાળકની જેમ કયાંય ક્ષતી અથવા ભુલ થઈ હોય કે મારા લખાણથી કોઈની લાગણી દુભાઈ હોય તો ક્ષમા ને પાત્ર છું જ....  છેલ્લે મારી વાર્તાઓ થી સમાજને થોડોક પણ ફાયદો થાય કે થોડોઘણો બદલાવ આવે તો મારા હાથે લખાયેલો આ " વેદના " વાર્તા સંગ્રહ ખરાં અર્થમાં સાર્થક થશે અને એજ મારા માટે દુનિયા નો સર્વોત્તમ એવોર્ડ છે.




                 આપનો જ
      - કિસ્મત પાલનપુરી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED