તારી આંખોમાં મળ્યું મને મારુ પ્રતિબિંબ,
શું એ ખામોશ રહેલા શબ્દોની નિશાની હતી?
તારા રૂપમાં જ મળ્યું મને મારી પસંદગીનું પાત્ર,
શું એ મારા મનમાં સચવાયેલા આકારની નિશાની હતી?
તારા શબ્દો સાંભળીને દિલ ચુકી ગયું એક ધડકન,
શું એ જન્મેલા અજાણ પ્રેમના સંબંધની શરૂઆત હતી?
તારી કવિતાઓમાં જાણે હું જ વસુ છું,
શું એ દિલની થયેલી અદલાબદલીની નિશાની હતી?
તારી નિખાલશ વાતોમાં હું ખોવાઈ ગયો,
શું એ તારી આત્મામાં મારા આત્મવિલોપનની નિશાની હતી?
ન તારો કોઈ ફાયદો ન મારુ કોઈ નુકશાન,
શું એ થયેલા નિસ્વાર્થ સંબંધની નિશાની હતી?
તારી છબીઓમાં જ અટવાઈ ગયું છે મારુ મન,
શું એ તારા તરફના આકર્ષણની નિશાની હતી?
નિરાલી લાગે છે જિંદગી તારા મળ્યા પછી,
શું એ તારા બેપનાહ વ્હાલની નિશાની હતી?
ઇલ્હામ થયો મને તારી સાથે મહોબ્બત થયાનો,
શું એ દિલમાં ઉઠેલી પ્રેમની લહેરોની નિશાની હતી?
અમીથી છલકાઈ ગઈ મારી આજ આંખો,
શું એ તારા પ્રણયની થયેલી વર્ષાની નિશાની હતી?
વિયોગ-હિન મિલન
મારા વિચાર, મારૂ મનન એટલે તમે,
ને મારૂ મૌન, મારૂ કથન એટલે તમે,
હું છુ તમારા અરીસાનું કોઈ પ્રતિબિંબ,
ને મારી કલ્પનાનું ગગન એટલે તમે,
મારૂ કહી શકાય એવું શું રહ્યું હવે?
ને સ્મિત, હર્ષ, શોક, હિત, અશ્રુ એટલે તમે,
અંતે ઓગળી ગયો 'ઇલ્હામ' મહીં નો 'હું',
ને તમને પામવાની મારી લગન એટલે તમે,
જેને ન આદિ-અંત કદીયે સંભવી શકે,
એવું વિયોગહિન મિલન એટલે તમે,
તમને નિહાળીને પામ્યો હું આનંદ-આનંદ,
એવો અનુભવાતો પવન એટલે તમે..
સરનામું
એક કાગળ આવશે તારે દ્વાર,
લઈને વિતાવેલા પળોની યાદ,
ભર્યો છે પ્રેમ મેં શબ્દોને કાજ,
મળશે એમાં તને મારી યાદ,
વાગોળજે આપણી પળોને આજ,
ભરીને દિલમાં પ્રેમની મીઠાસ,
પછી જો થાય તને મળવાની આશ,
આવી જજે દોડીને મારે દ્વાર,
મળીશ બાહો ફેલાવીને તને દ્વાર,
નથી બદલ્યું સરનામું અમે હાલ..
ચેન્જ
બાજરાનાં રોટલા મૂકી,
પીઝા ખાતા અમે થયાં,
ગાય-ભેંસના દૂધ મૂકી,
અમુલ પીતા અમે થયાં,
મમ્મીની વાનગીઓ મૂકી,
રેસ્ટોરેન્ટમાં જમતાં અમે થયાં,
લખોટી, ચોપાટ ને મોય-દાંડીયું મૂકી,
મોબાઈલ ગેમ્સ રમતાં અમે થયાં,
મિત્રો સાથે સાતોળિયું, અડવાદોક ને મારદડી મૂકી,
થિયેટર, રિસોર્ટ ને મોલમાં ફરતાં અમે થયાં,
પણ નાં એ સુખ છે આ બદલાવમાં,
ન પેલા જેવી કોઈ મજા છે,
ન કોઈ ઉલ્લાસ છે પેલા જોવો,
ન કોઈ સંબંધોમાં મીઠાસ છે,
આવું કરી કરીને ઈરફાન,
અમે'તો જાતે જ હેરાન થતાં થયાં..