દિલના કોરા કાગળ પર,
તારા પ્રેમની સહી ફેલાવ,
રચાય એક સુંદર રચના,
એવા શબ્દોની હાર બનાવ,
ખીલી ઉઠે મુખ મારુ,
એવો વ્હાલ તું વરસાવ,
આંખ ભરાઈ આવે અમીના અશ્રુઓથી,
એવા સ્નેહની સરિતા તું વ્હાવ,
સૂકી પડેલી મારી જિંદગીમાં,
તારી પ્રીતની હરિયાળી ફેલાવ,
નજરોમાં નાખી તારી નજર,
મારા દિલને તું હવે મનાવ,
આવીને મારા જીવનમાં,
મારી જિંદગી નિરાલી બનાવ,
પાગલ થયો છું તારા પ્રેમમાં,
હવે તું પણ પાગલપંતિની હદ વટાવ,
કોરો ન રહે દિલના કાગળનો એકેય ખૂણો,
એટલા પ્રણય કેરા શબ્દો ઉપજાવ,
ઇલ્હામ થાય છે મને કે મળશું આપણે,
બસ તારી પ્રીતને હવે તું આમ જ ફેલાવ..
પરિશ્રમ
રૂડો લાગે માણસ પરિશ્રમ કરવાથી,
આળસુના તો ખાલી મોઢે જ વખાણ હોય,
સફળતા ચૂમી લે કદમ પરિશ્રમ કરવાથી,
નસીબ પર નિર્ભર રહેનારાના તો વાયદા જ હોય,
શીખી શકાય બે-ચાર નવા કામ પરિશ્રમ કરવાથી,
બાકી કામચોરોના તો ખાલી ખોખા જ હોય,
વિશ્વાસ બેસે કોઈને તમારા પર પરિશ્રમ કરવાથી,
બાકી વાતોના વડાં કરનારાનાં તો અદવિશ્વાસ જ હોય,
બની શકે તમારી મુમતાજ માટે બીજો તાજમહલ પરિશ્રમ કરવાથી,
બાકી વિચારોમાં રમનારાના તો ખાલી છાપરાં જ હોય,
શરીર રહે તંદુરસ્ત પરિશ્રમ કરવાથી,
બાકી તો જીવનમાં ડાયાબિટીસ ને હૃદય રોગના ઉકાળા હોય,
જિંદગી બની જાય રંગીન પરિશ્રમ કરવાથી,
બાકી નવરા બેઠેલાના તો નસીબ પણ કાઠા હોય,
ઇલ્હામ થાય મને સફળતાનો પરિશ્રમ કરવાથી,
બાકી તો એ ખાલી આભાસી જીવનના માળખા હોય..
એષણા
મધુરવાણી ને પ્રેમાળ સ્વભાવ મળે ચારેકોર,
બસ પ્રભુ મને છે એવીજ એષણા..
લોભ-લાલચ છોડી પરોપકાર જાગે ચારેકોર,
બસ પ્રભુ મને છે એવીજ એષણા..
દિલ ખીલે ને પ્રસરે વ્હાલ ચારેકોર,
બસ પ્રભુ મને છે એવીજ એષણા..
ગરીબોનું કલ્યાણ ને લાચારો પર કૃપા થાય ચારેકોર,
બસ પ્રભુ મને છે એવીજ એષણા..
ભાઈચારો ને માનવધર્મ પ્રસરે ચારેકોર,
બસ પ્રભુ મને છે એવીજ એષણા..