what was my mistake books and stories free download online pdf in Gujarati

મારી શું ભૂલ ?

કહાની ક્યારે બને છે ? જયારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે ? કે કોઈ આપણું સૌથી નજીકનું દુર જતું રહે ત્યારે ? કે કઈ અકલ્પનિય બને ત્યારે ? કદાચ એવુંજ હશે પણ સાચું કહું તો કહાની ત્યારે સર્જાય છે જયારે એક નાનકડી ઘટના કે નાનકડા ક્ષણ માટે ઘટેલી કોઇક વાત આપણી આખી જિંદગીનો પડછાયો બની જાય છે. જંયા આપણે ત્યાં ત્યાં એ આપણી પાછળ અને ક્યારેક આપણી સાથે.

વિજય સત્યાવીસ વર્ષનો જુવાન, રંગે શ્યામ પણ દેખાવ ગજબનો, છપ્પનની છાતી વાળો રુઆબ, તાવ દઈને રોફ જમાવી શકાય એવી મૂંછ, પાણીદાર આંખો, આછી આછી દાઢી અને છ ફૂટ કે એનાથી થોડી વધું હાઈટ ધરાવતો નૌજવાન. પોલીસ ઇન્સ્પેક્ટરની જોબ કરતો. આટલો સરસ રુઆબ તો પણ સાદગી સાથે જીવતો માણસ, સાથે એની મા, ગરીબ સ્વભાવની ને માત્રને માત્ર પોતાના દીકરાની ખુશીઓ માટે જીવતી અને આખો સમય એની ચિંતામાં ગાળતી મા, આખરે શું હતી એ ઘરડી માની ચિંતા ?

વિજય પોતાની પોલીસની જોબ પુરેપુરી વફાદારી સાથે નિભાવતો. ના હતો એને મોત નો ડર ના કોઈ ખરાબ આદત, સવારે ઉઠીને તૈયાર થતી વેળા આયનામાં જોતો વિજય જાણે વર્ષોથી હસવાનું ભૂલી ગયો હોય એમ અત્યંત ચૂપ પણ અંદરથી એટલો જ અશાંત રહેતો, આયના સામે આવીને વિજય બે ઘડી પોતાને જોતો અને પોતાના જ ચહેરા પર હાથ ફેરવતો જાણે કોઈ પ્રશ્ન કે ફરિયાદ કરતો હોય તેવો ભાવ બનાવતો અને પછી અચાનક આ આયનાથી નજર ફેરવી લેતો. એવું એ રોજ કરતો. આખરે એવી કઈ વાત એને આટલી સવેંદનાથી ભરી નાખતી હતી ? શું આ ગુસ્સો હતો કે વેદના ?

આજે ફરી વિજયની મા એની પાછળ આવી ને ઉભી રહી. વિજયની ચુપકીદી એ રોજ સાંભળતી. એની આંખોના સુકાયેલા આંસુ એ રોજ જોતી. એના છુપાયેલા હાવભાવ એ રોજ વાંચતી. માને દીકરાના લગ્નની ચિંતા હતી પણ દીકરાની પરણવાની ઈચ્છા જાણે હતી જ નહિ. વિજયની આંખોમાં જાણે કઈ ખુંચતું હતું. મનમાં અધૂરી રીતે જીવતી જિંદગીનો ગૂંગળામણ હતું. મા કઈ બોલે એ પેહલા વિજય રોજની જેમ ચુપચાપ ઘરની બહાર નીકળી ગયો. આખરે શું હતી એ ગૂંગળામણની વાચા ?

તેવીસ જુલાઈના એ દિવસે વિજય સમયસર પોલીસ સ્ટેશન પહોંચી પોતાના કામે લાગી ગયો. હજી કામ શરુ કરવામાં વાર હતી પણ એટલામાંજ લેન્ડલાઈન ની રીંગ વાગી. વિજયે ફોન ઉપડ્યો અને એના ચહેરાના હાવભાવ શાંતથી અશાંત મુદ્રામાં બદલાયાં. ફોન મૂકી તરતજ પોતાની સાથે કામ કરતાં બીજા સાથીઓને લઈને પોલીસની ગાડી હંકારવા હુકમ કર્યો. વિજયની ભરતી એક નાનકડા અવિકસિત ગામમાં થયી હતી. લગભગ વીસ મિનીટ પછી એક ઘર આગળ આવી ગાડી ઉભી રહી. ઘરનાં હાલ બહારથીજ દેખાઈ આવતા હતાં. ત્યાં લૂંટ કે કોઈ તોફાની ટોળાઓનો હુમલો થયો હતો. બધુજ વેરવિખરાયેલ હતું. ઘરની દીવાલો પર ગોળી હમણાંજ ચાલી હોય એવા અનેક નિશાનો હતાં. વિજયા ગાડીમાંથી ઉતરી ઘર તરફ ઝડપભેર ભાગ્યો. ઘરનો મેઈન ગેટ ખોલવા જતાંજ વિજય થોડી ક્ષણ રોકાઈ ગયો. આંગણામાં બધુજ વેરવિખરાયેલ હતું ત્યાં વિજય ને જાણે એની કલ્પનામાં બે લગભગ સાત-આંઠ વર્ષના બાળકો દેખાયા.

* * *

બે બાળકો આંગણામાં રમી રહ્યા હતાં. એ જ મકાન, વર્ષો જૂનું પણ એ બંને બાળકોના દેખાવમાં ઘણો ફરક હતો. એક બાળકે ખુબજ મોંઘા અને ચમકતા સારા એવા કપડાં પહેરેલા હતાં અને દેખાવથીજ એ કોઈ પૈસાદારનો દીકરો લાગતો હતો પણ એની સાથે રમતો બીજો છોકરો મેલા, ગંદા અને જુના કપડાં પહેરેલા હતાં. અત્યંત શ્યામ લાગતો એ છોકરો પોતાની મસ્તીમાં લીન હતો. રમતા રમતા પાણીની તરસ લાગતાં અચાનક એ છોકરો ઉભો રહ્યો અને એને એના મિત્ર પાસે પાણી માંગ્યું. ઘરનાં રસોડા તરફ ઈશારો કરતાં એ છોકરો ત્યાંજ ઉભો રહ્યો અને એને જાતેજ પાણી પીવા જવાનું કહ્યું. પોતાની મસ્તીમાં લીન એ છોકરો મજાથી રમતો રમતો રસોડામાં ચાલ્યો ગયો. નજર સામે માટલું દેખાતા એ જરાકજ માટલા પાસે ગયો ત્યાંજ એના મિત્રના પિતા જેના ઘરે એ રમતો હતો એમને એના હાથમાંથી ગ્લાસ લઇ ફેંકી દીધું અને એના ખભે હાથ મારી ધક્કો માર્યો. સાત વર્ષનું એ નાનકડું બાળક હેતબાઈ ગયું. એ કઈ સમજે કે વિચારે એ પેલા એ વ્યક્તિ એ એના નોકરને બૂમ મારી એને બહાર કાઢવા કહ્યું.

બાળક કંઈ ના સમજી શક્યું. પાણી પીવાની આટલી મોટી ભૂલ ? કે પછી એમના ઘરે રમવાની કે પરવાનગી વગર ઘરમાં દાખલ થવાની ? એ વ્યક્તિ તો એને અડકવા પણ નહોતા માંગતા, કદાચ પોતાનોજ વાંક હશે અથવા લોકો જેમ હંમેશા એના વર્ણને લઇ ને મોઢા બગાડતા હતા એ કારણ હશે. નોકરે આવી બાળક ને બાવળેથી ઝાલી એને દરવાજા પાસે ઘસડાતો લઇ ગયો અને ત્યાંથી ધક્કો મારી બહાર નીકળવા કહી દીધું. એટલું બન્યું એ વચ્ચે એ બાળકની આઘાત અને આશ્ચર્યથી ભરેલી આંખોએ એક બિલાડીને દરવાજા પાસે ના એક ખૂણામાં નાના એક કટોરામાં દૂધુ પીતી જોઈ. એની આંખો એની ભૂલ શું હતી એ કોઈ ને પૂછી ના શકી.

***

વિજય અંદર ઘરમાં પ્રવેશ્યો. હોલ ખુબજ અસ્ત-વ્યસ્ત હતો. સદનસીબે ત્યાં લોહી વહ્યું હોય એવા કોઈ નિશાન ન હતાં. મતલબ કંઈ ગંભીર નહોતું થયું પણ કદાચ લૂંટ અને મારવાની પુરેપુરી કોશિશ થયી હશે એ સાફ હતું. વિજય લગભગ થોડાક ડગલાં ચાલ્યો ને રસોડા તરફ નજર નાખી. ત્યાં ચોક્કસ કોક હતું. અંદર દાખલ થતા અડધી તૂટી ગયેલી દીવાલની પાછળ સંતાઈને એક વ્રુદ્ધ એટલો ગભરાયેલી હાલતમાં હતો કે પોલીસને જોતાંજ એને એમના પગ પકડી દીધા અને પોતાનો જીવ બચાવવા આજીજી કરવા લાગ્યો. વિજય થોડીક ક્ષણ આ બધું જોઈ રહ્યો પછી એ નીચે નમ્યો ને એ વડીલને હાથે થી ઝાલી ઉભા કર્યા અને થીડીક સેકેંડ માત્ર શૂન્યભાવે એમની સામે જોઈ રહ્યો જાણે કોઈ બીજીજ દુનિયામાં ખોવાઈ ગયો હતો. કદાચ એ અજાણી આંખોએ એના મનમાં વિચારોના વાવાજોડા જન્માવ્યા હતાં. વિજય તરતજ સ્વસ્થ થયો અને એ વ્યક્તિને શાંત કરી ઉપાધિ ટળી ગયી છે અને હવે ડરવાની કોઈજ જરૂર નથી એમ જણાવ્યું

વિજય હજુ ત્યાં જ હતો. ઇન્વેસ્ટીગેશન શરુ થયી ગયું હતું. વિજય ત્યાં જ એક ટેબલ પાર બેસીને એ વડીલને એકજ નજરેથી જોતો રહ્યો અને અન્ય સ્ટાફના લોકો એનું સ્ટેટમેન્ટ લઇ રહ્યા હતાં. વિજયે ઘરની ચારે તરફ જોયું અને પછી એની નજર પાણીના જગ પર પડી. વિજય ડાઇનિંગ ટેબલ પર બેઠો હતો અને એને વડીલની પાસેથી પાણી મગાવ્યું. વડીલે તરતજ જગમાંથી પાણી ગ્લાસમાં ભર્યું અને વિજય ના હાથ માં આપ્યું. થોડીક વાર માટે વિજય એ જગ સામે એક ટસે જોતો રહ્યો અને પછી એકલો જ હસ્યો.

વિજયના આવા વર્તાવથી વૃદ્ધ વ્યક્તિ પણ એની સામે નવાઈથી જોઈ રહ્યો. વિજય એ એમની સામે જોયું અને પછી હસતા હસતા કટાક્ષમાં એટલું જ બોલ્યો. " આજે પાણી અછૂત નહિ થાય?" વિજયે પાણીનો ગ્લાસ ત્યાં જ મૂકી ઘરની બહાર ચાલી ગયો. સ્ટાફના બીજા બધા મેમ્બર્સ પણ આ દ્રશ્ય જોતા રહ્યા. એમને પણ વિજયના મોઢા પર આવી સ્માઈલ પેહલી વાર જોઈ હતી.

બીજા રસપ્રદ વિકલ્પો