પ્રિય દર્દી Dr Sejal Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિય દર્દી

પ્રિય દર્દી

કુશળ હશો !

તમારા સ્વાસ્થ્ય ની જાળવણી માટે હરહંમેશ તત્પર રહેનાર ડૉક્ટર ના સપ્રેમ નમસ્કાર!

આજે હું તમને પત્ર દ્વારા એક વાત કહેવા માગું છું.આશા રાખું છું કે તમે આ પત્રમાં લખેલી વાત ધ્યાનમાં રાખીને મારી લાગણી ને સમજી શકશો .આ ફક્ત મારી જ વાત નથી પરંતુ સમગ્ર ડૉક્ટર સમુદાયને સંલગ્ન વાત છે.જેને હું પત્ર દ્વારા વ્યક્ત કરવા માગું છું.

હું વ્યવસાયે એક ડૉક્ટર છું. સુરત શહેર ની એક અદ્યતન હોસ્પિટલ ખાતે સેવા આપું છું. હું એક મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલ સંતાન છું.મારા માતા પિતાએ મને સખત પરિશ્રમ કરીને ભણાવ્યો છે.મારા પિતા એક કારકુન હતા અને મારી માતા પ્રાથમિક શાળા માં શિક્ષિકા હતી. હું બારમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં મારા શહેરમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો ત્યારે મારા માતા-પિતા ને મારા માટે અત્યંત ગર્વ થયો હતો. ત્યારબાદ મેં ‌વડોદરા શહેર ની પ્રખ્યાત એમ. એસ. યુનિવર્સિટી ની મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો.મેડિકલ કોલેજ નું વાતાવરણ અન્ય કોલેજ કરતાં એકદમ અલગ હોય છે. અહી વિદ્યાર્થીઓ અત્યંત ગંભીરતા પૂર્વક અભ્યાસ કરી ને સમાજ માં પોતાની એક આગવી ઓળખ ઊભી કરે છે. મેં ઘરેથી દૂર હોસ્ટેલ માં રહીને સખત પરિશ્રમ કરીને મારો MBBS નો અભ્યાસ પૂરો કર્યો . હોસ્ટેલ માં રહી ભણતા વિદ્યાર્થીઓને ઘણી વખત ઘર યાદ આવે છે તથા અનેક તકલીફો વેઠવી પડે છે.પરંતુ મેં મન લગાવીને અભ્યાસ કર્યો. ત્યારબાદ એક વર્ષ સુધી internship પુર્ણ કરી.એ દરમિયાન મેં હોસ્પિટલ ના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ને અનુભવ લીધો . પછી મેં સખત પરિશ્રમ કરીને P.G. entrance exam માં ઉત્તીર્ણ થયા બાદ M.S.ના અભ્યાસ ક્રમમાં પ્રવેશ મેળવ્યો. આ ત્રણ વર્ષ ના સમય ગાળા દરમિયાન અમારે વિવિધ રોગોના ઉપચાર અંગે ઝીણવટથી અભ્યાસ કરવો પડે છે. તદુપરાંત દર્દી ને તપાસી એમની યોગ્ય સારવાર કરવાની હોય છે.અને તાત્કાલિક સારવાર વિભાગ માં આવનાર દર્દીઓની સારવાર દિવસ રાત જોયા વિના કરવાની હોય છે.તાતકાલીક સારવાર વિભાગ માં અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દર્દી, સર્પ દંશ પામેલા, દાઝી ગયેલ, મારા -મારી માં ઈજાગ્રસ્ત દર્દી, ઝેરી દવા ગટગટાવી લીધેલ દર્દી, હ્રદય રોગનો હુમલો પામેલા, પક્ષાઘાતનો હુમલો પામેલા વિગેરે અનેક પ્રકારના દર્દી ને તપાસી એમની યોગ્ય સારવાર કરવામાં આવે છે.આ ઉપરાંત ICU માં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દી ની પણ ખડેપગે સેવા અમે કરીએ છીએ.અરે ઘણી વખતે તો અમે અમારૂં જમવાનું પણ ભુલી જઇએ છીએ.

દર્દી અને એમના પરીવારજનો સાથે અમારે ઘણી વખત આત્મીય સંબંધો પણ બંધાયા છે.એ આ વ્યવસાય ની એક ખૂબી છે ! ડૉક્ટર બનવું એ મારા માટે એક સ્વપ્ન હતું કારણ કે હું એવું માનું છું કે આ વ્યવસાય માં રહી ને અમે ધન તો કમાઈએ જ છીએ તદુપરાંત દર્દી ના આશીર્વાદથી અમારા જીવનમાં ધન્યતાનો અનુભવ કરીએ છીએ.જે અમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.આમ, ડૉક્ટર એ એક વ્યવસાય માત્ર નથી પરંતુ એમાં માનવતા ની મહેક પણ પ્રસરે છે. દર્દી ના દુઃખ ને પોતાનું દુઃખ સમજી ને ડોક્ટરો એને દૂર કરવાના મહત્તમ પ્રયત્નો કરે છે, જેમાં એમને મહદઅંશે સફળતા મળે છે પરંતુ ક્યારેક નિષ્ફળતા નો સામનો પણ કરવો પડે છે.જેને એક બોધપાઠ તરીકે સ્વીકારી ને ડોક્ટરો જીવનમાં આગળ વધવા માટે પ્રયત્નશીલ રહે છે.ઇશ્વરની મરજી મુજબ જ સઘળાં કાર્ય પૂર્ણ થાય છે એ વિશ્વાસ રાખીને અમે અમારું કામ કરી રહ્યા છીએ.એટલે જ તો અમે દર્દી ની હાલત ગંભીર હોય ત્યારે ભગવાનને‌ પ્રાર્થના કરીએ છીએ.

ક્યારેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત દર્દી હોસ્પિટલ માં સારવાર માટે આવે છે ત્યારે તેના પરિવાર જનો ની લાગણી સમજી શકાય એવી હોય છે.આ સમયે અમે ડૉક્ટરો દર્દી માટે હિતાવહ બધા જ પ્રકારની સારવાર કરવામાં કોઇ કચાશ રાખતા નથી.પરંતુ ક્યારેક એવું ય બને છે કે પૂરતી સારવાર કર્યા બાદ પણ દર્દી નો જીવ બચાવી શકાતો નથી. આ એક દુઃખદ અને નહીં સમજાય એવી ઘટના છે.આ વખતે ઇશ્વર ની મરજી આપણે લાચાર બનીને સ્વીકારવી જ પડે છે.પરંતુ આજકાલ તો એવા કિસ્સાઓ પણ બને છે જેમાં હોસ્પિટલમા દર્દી મૃત્યુ પામે પછી તેના પરિવારજનો ડૉક્ટરો પર હુમલો કરે છે. હોસ્પિટલ ના સામાન ની તોડફોડ કરે છે.ઘણીવાર તો મારા વાગવાથી ડૉક્ટરો અને એમના સ્ટાફ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે!

મને એ પ્રશ્ન થાય છે કે શું ડૉક્ટરો ને મારવા થી તમારો દર્દી જે મૃત્યુ પામેલ છે એ ફરીથી સજીવન થઈ શકે છે? શું આપ નો આ વ્યવહાર ઉચિત છે ? ક્યારેક તમે બે ઘડી અમારી જગ્યાએ ઊભા રહીને અમારી લાગણી ને સમજવાની કોશિશ તો કરી જુઓ પછી તમને સમજાશે કે અમે ડૉક્ટરો માણસ માત્ર છીએ.અમે ભગવાન થી વધુ શક્તિશાળી નથી. અમારી પણ પોતાની વ્યક્તિગત લાગણીઓ અને સંવેદનશીલતા હોય છે.એના પર ઘા પડે ત્યારે ડૉક્ટરો નો આત્મા હચમચી જાય છે.આજકાલ કેવો સમય ચાલી રહ્યો છે જ્યારે ડૉક્ટરો એ એમના સ્વરક્ષણની માંગણીઓ કરવી પડે છે !!! એક એવો સમય હતો જ્યારે ડૉક્ટરો ને લોકો ભગવાનની જેમ પૂજતા !

અમારી તમને એક જ વિનંતી છે કે તમે અમને ભગવાન નો નહીં પરંતુ એક માણસ નો દરવાજો જ આપજો . અમારી સાથે માનવતા પૂર્ણ વર્તન કરશો એ જ અપેક્ષા છે.કારણકે અમે નથી ઈચ્છતા કે વારંવાર બનતા આવા કિસ્સાઓથી આવનાર પેઢી માં ડર ઊભો થાય અને તેઓ ડૉક્ટર બનવાનું સ્વપ્ન છોડી દે !!

લિ.

તમારા સ્વાસ્થ્યની કાળજી માટે હરહંમેશ તત્પર રહેતો એક ડૉક્ટર