હતી એક પાગલ..!!:-ભાગ 16
સુખ નથી આવતું દુઃખ વગર,
પ્રેમ નથી મળતો નફરત વગર,
માટે ભરોસો રાખો ભગવાન ઉપર,
કેમકે ભગવાને સાગર નથી બનાવ્યો
કિનારા વગર......
આવા જ એક કિનારા ની તલાશમાં શિવ પોતાની માહીને મળવા પોતાનાં નવા પુસ્તકનાં વિમોચન માટે અમદાવાદ થી નીકળી સુરત આવી પહોંચ્યો હતો.શિવ ને સુરતમાં પગ મુકતાં જ એવો અહેસાસ થતો કે અહીંની હવામાં કોઈ સુગંધ ભળેલી છે..પણ એને ક્યાં ખબર હતી કે આ સુગંધનું કારણ એની માહી હતી.
પબ્લિકેશન હાઉસ દ્વારા શિવ માટે અઠવાગેટ સ્થિત હોટલ ગેટવે માં રૂમ બુક કરવામાં આવ્યો હતો.આજે બુધવાર હતો અને કાલે સવારે આરોહી અને તુષારનાં લગ્ન હતાં..કાલે સવારે બીજું કોઈ કામ નહીં હોવાથી પોતાનાં વાંચક મિત્રોથી વધુ ગાઢ મિત્રો બની ગયેલાં તુષાર અને માહી નાં લગ્નમાં પોતે જવાનું શિવે મન બનાવી લીધું હતું.આરોહી એને પોતાની કોઈ નજીકની વ્યક્તિની યાદ અપાવતી હતી એટલે શિવને આરોહી જોડે મિત્રતા પસંદ હતી.
શિવ એ વાત થી બેખબર હતો કે જે આરોહીમાં એ પોતાની જે ખોવાયેલી વ્યક્તિનો ચહેરો શોધી રહ્યો હતો એજ આરોહી આવતીકાલે જાણે-અજાણે માહી જોડે એની મુલાકાત કરાવવા જઈ રહી હતી.
શિવે આરોહી નો નંબર છેલ્લી વખત વાત થઈ ત્યારે માંગી લીધો હતો એટલે એને હોટલનાં રૂમમાં પહોંચી આરોહીને કોલ લગાવ્યો..અને સંજોગો એવાં સર્જાયાં હતાં કે એ સમયે માહી પણ આરોહીની જોડે જ બેસીને ટેલિવિઝન જોઈ રહી હતી.આરોહીનાં મોબાઈલની રિંગ વાગી એટલે આરોહીએ માહીની નજીક ફોન પડ્યો હોવાથી એને પોતાનો મોબાઈલ આપવા કહ્યું.
માહી ને ખબર નહોતી કે એને જ્યારે આરોહીનાં હાથમાં એનો મોબાઈલ મુક્યો ત્યારે એમાં શિવનો કોલ આવી રહ્યો હતો.માહીનાં હાથમાંથી મોબાઈલ લઈને આરોહીએ ડિસ્પ્લે તરફ નજર કરી તો એમાં અજાણ્યો નંબર દેખાતો હતો.આરોહીએ વિચારશીલ ભાવ સાથે કોલ રિસીવ કર્યો.
"હેલ્લો.. કોણ..?"ફોન ઉપાડતાં જ આરોહીએ પુછ્યું.
"ઓળખતી નથી કે શું..?"શિવ સામે બોલ્યો.
આરોહી શિવનો અવાજ ઓળખી ગઈ..પણ એ માહી ને કાલે કોર્ટમાં જ એ વાતનું સપ્રાઈઝ આપવા માંગતી હતી કે તુષાર નાં સાક્ષી તરીકે જે વ્યક્તિ સહી કરવા આવનાર હતાં એ બીજું કોઈ નહીં પણ ગુજરાતનાં અત્યારનાં સમયનાં શ્રેષ્ઠ કવિ શિવ પટેલ હતાં.એજ કારણોસર શિવ સાથે વાત કરવા આરોહી ઉભી થઈ અને પોતાનાં રૂમ તરફ આગળ વધતાં બોલી.
"બોલો ને..તમને જે એકવાર મળે એ ભૂલી જાય એવું બને ખરું.."આરોહીનું આમ બોલવું માહી એ પણ સાંભળ્યું હતું પણ એનું ધ્યાન એ તરફ ઓછું અને ટેલિવિઝન તરફ વધુ હતું.
"મેં તને ગઈકાલે મેસેજ કર્યો હતો એ મુજબ હું અત્યારે સુરત આવી ચુક્યો છું..અને તે કહ્યું હતું કે તારાં મેરેજમાં એક સાક્ષી બની સહી કરવા મારે આવવાનું છે.."પોતે અત્યારે સુરતમાં છે એ વાતની જાણકારી આરોહીને આપતાં શિવ બોલ્યો.
"તો તમે કાલે આવવાના છો..એ પાકું..thats too good.."રૂમનો દરવાજો બંધ કરી બેડ ઉપર લંબાવતાં આરોહી ઉત્સાહમાં બોલી.
"હા,હવે અહીં આવ્યો છું અને સમય પણ છે તો આવવું જ રહ્યું..એ બહાને કોઈનાં સુખી લગ્નજીવનનો એક ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે.."શિવ બોલ્યો.
"અરે નસીબદાર તો હું અને તુષાર છીએ કે જેની મુલાકાત લેવા એપોઇન્ટમેન્ટ લેવી પડે એવાં કવિ શ્રી મારાં લગ્નમાં આવશે.."આરોહી નાં અવાજમાં ખુશી વર્તાતી હતી.
"તો ક્યાં આવવાનું છે..?અને ક્યારે..?એ તો જણાવ..?"શિવે પૂછ્યું.
"લાલ બંગલો તરીકે ઓળખાતી સુરત-ડુમસ રોડ પર આવેલી કોર્ટમાં અગિયાર વાગે આવી જજો"માહી એ શિવ નાં સવાલનો જવાબ આપતાં કહ્યું.
"તો તો સરસ..મારી હોટલ થી તો એ સાવ નજીક છે.હું ફીટ અગિયાર વાગે ત્યાં પહોંચી જઈશ.."શિવે કહ્યું.
"સર,તમારાં આઇડેન્ટિટી કાર્ડનો ફોટો પાડીને મોકલાવી દો તો હું વકીલ ને whatsup કરી દઈશ.જેથી મેરેજ માટેની પ્રોસેસર નાં ડોક્યુમેન્ટ વકીલ તૈયાર રાખે જેનાં લીધે તમારે વધુ સમય રોકાવું ના પડે..અને તમારાં જોડે પાસપોર્ટ સાઈઝ નાં ફોટો તો હશે ને..એની પણ જરૂર પડશે."આરોહી એ કહ્યું.
"હું હાલ તને મારાં આધાર કાર્ડ નો ફોટો whatsup કરું છું..અને ફોટો તો બહુ પડ્યાં છે..તું ચિંતા ના કર.બસ આજની આ છેલ્લી રાત જીવી લે લગ્ન પહેલાં ની.."હસતાં હસતાં શિવ બોલ્યો.
"સારું તો તમારી રાહ રહેશે..ગુડ નાઈટ."આરોહી બોલી.
"વેરી ગુડ નાઈટ ડિયર.."શિવે પણ પ્રત્યુત્તરમાં આટલું કહી ફોન ડિસ્કનેક્ટ કરી દીધો.
શિવ સાથે વાત પૂર્ણ કર્યાં બાદ આરોહી એ પોતાનાં રૂમમાંથી જ માહી ને અવાજ આપતાં મોટા અવાજે કહ્યું.
"દીદી..તમારી સિરિયલ પતે તો રૂમમાં આવજો.કાલે શું પહેરવાનું છે એ થોડું નક્કી કરી લઈએ.."
"આવું પાંચ મિનિટમાં.."માહી એ કહ્યું.
શિવ કાલે નિયત સમયે કોર્ટમાં આવી જશે એવું કોલ કરી આરોહીએ તુષારને જણાવી દીધું.તુષાર પણ એ સાંભળી ખુશ થયો કે શિવ પોતાનાં વચન મુજબ એમનાં કોર્ટ મેરેજમાં આવવાનાં હતાં.
થોડીવારમાં માહી આરોહીનાં બેડરૂમમાં આવી એટલે બંને એ આવતીકાલે આરોહી જે પહેરવાની હતી એ પરિધાન અને એને મેચિંગ જવેલરી નક્કી કરી.આરોહી પોતે તુષાર સાથે પોતાનો જે સંબંધ હતો એને એક ચોક્કસ નામ આપવાં જઈ રહી હોવાથી એ ખુબ ખુશ જણાતી હતી.જ્યારે પોતાની મુલાકાત શિવથી થનાર છે એ બાબતથી અજાણ માહી પણ પોતાની માનેલી નાની બેન નાં લગ્ન થવાની ખુશીમાં હતી.
આ તરફ શિવ પણ આરોહી સાથે વાત કર્યાં બાદ પોતાનાં રૂમમાં જ લેપટોપ પર બેસી થોડું કામ પૂર્ણ કરી સુઈ ગયો.આજે શિવની ડાબી આંખ ફરકી રહી હતી..કંઈક શુકનિયાળ થવાનો અહેસાસ અંદરથી શિવ ને થઈ રહ્યો હતો.પણ એ શુકનિયાળ વસ્તુ માહી સાથેની અણધારી મુલાકાત હશે એવી શિવને સપનેય ખ્યાલ નહોતો.
જોઇ એક ઝલક અને નસીબ સમજી બેઠા
આંખો ની એક ચમક ને પ્રેમ સમજી બેઠા.
યાદ માં એમની કર્યા છે આ રસ્તા ભિના
ને પાગલ લોકો એને વરસાદ સમજી બેઠા.
************
આવી ગયો હતો એ દિવસ જ્યારે ચાર લોકોની જીંદગી એકસાથે બદલાઈ જવાની હતી..પણ કઈ હદે બદલાવાની હતી એની ખબર શિવ અને માહી ને નહોતી.
ભલે આ કોર્ટમેરેજ હતાં..પણ દરેક યુવતીની માફક આરોહીને પણ એક શમણું હતું એ હતું દુલ્હન ની જેમ સજીને લગ્ન કરવાં.હવે પોતાની નાની બહેન નું આ સપનું પૂરું ના થાય એવું માહી નાં હોતાં બને ખરું.માહી પોતાનાં પૈસા ખર્ચી આરોહી માટે એક સુંદર મજાની ચોલી લઈને આવી હતી.
આરોહીએ જ્યારે માહી એ લાવેલાં પરિધાન ધારણ કર્યા ત્યારે એવું લાગી રહ્યું હતું જાણે કોઈ સ્વર્ગથી અપ્સરા જમીન પર ના ઉતરી આવી હોય.સફેદ રંગ પર ગોલ્ડન કલરની એમ્બ્રોડરી ધરાવતાં ઘાઘરા અને ચોલી આરોહીનાં શરીરની બનાવટ અને એની ત્વચા નાં શ્વેત વર્ણ સાથે એ હદે મેચ થતાં હતાં કે એનું સૌંદર્ય નિખરી રહ્યું હતું.
સામા પક્ષે માહી એ આછા ગુલાબી રંગનો ડ્રેસ પહેરી પોતાને એક સાદગીભર્યો ટચ આપ્યો હતો..માહી સાદગીમાં પણ સુંદરતા ની મુરત લાગી રહી હતી.
આરોહી અને માહીને ઘરેથી પીકઅપ કરવા માટે તુષાર દસ વાગ્યાં આજુબાજુ આવી પહોંચ્યો..તુષાર પણ આજે આરોહીનાં કહેવાથી એક દુલ્હાની માફક સજીને આવ્યો હતો.પીળા અને લાલ રંગની શેરવાનીમાં તુષાર પણ અત્યંત મનમોહક લાગી રહ્યો હતો.
જેવી તુષારે આરોહીને જોઈ એ પણ એની સુંદરતામાં ખોવાઈ ગયો અને અનાયાસે જ તુષારે આરોહીનો હાથ પકડ્યો અને એનાં મોંઢેથી એક શાયરી નીકળી ગઈ.
"પ્રેમનો મુકામ છે તારા હાથ માં
ક્યારેક વિશ્રામ તો ક્યારેક તોફાન છે તારા હાથ માં
રાધા નો હાથ જોઈને કહ્યું હતું એક જ્યોતિષે,
તું ભલે ગોરી પણ એક શ્યામ છે તારા હાથ માં"
તુષાર ની આ હરકતથી આરોહીનો ચહેરો શરમથી લાલ થઈ ગયો..માહી પણ બંને વચ્ચેનો પ્રેમ જોઈ ખુબ ખુશ જણાઈ રહી હતી.માહી એ ઘડિયાળ તરફ જોયું અને તુષારને ઉદ્દેશીને બોલી.
"હા મારી નાની બેન નાં શ્યામ..બહુ થયી હવે શેર શાયરી. ચાલો હવે નીકળીએ કોર્ટ જવા..ત્યાં બકુલ ભાઈ વકીલ આપણી રાહ જોઈને બેઠાં હશે.એમને અગિયાર વાગ્યાં પહેલાં પહોંચવા કહ્યું હતું."
માહી ની વાત સાંભળી તુષાર પણ થોડો શરમાઈ ગયો અને બોલ્યો.
"હા દીદી..ચાલો..આમ પણ અહીંથી કોર્ટમાં પહોંચતા સહેજે અડધો કલાક તો લાગી જ જશે.."
તુષારનાં આટલું કહેતાં જ માહી એ ઘરને બરાબર લોક કર્યું અને પછી આરોહીને લઈને તુષારની કારમાં જઈને બેસી ગઈ.અચાનક કંઈક યાદ આવતું માહી એ તુષાર ને પુછ્યું.
"અરે તમારો બીજો સાક્ષી કોણ છે..કોર્ટ માં તો સાક્ષી તરીકે બે લોકોની સહી જોઈશે ને..?"
માહી નો આ સવાલ સાંભળી આરોહી અને તુષારે એકબીજાની તરફ સ્મિત સાથે જોયું અને બંને એકસાથે બોલ્યાં.
"એતો ડાયરેકટ કોર્ટમાં આવી જશે.."
"કોણ છે એ..હું એને ઓળખું છું..?"આરોહી અને તુષારની વાત સાંભળી માહી એ આશ્ચર્ય સાથે પુછ્યું.
"ના દીદી..એ મારાં અને તુષારનાં કોમન ફ્રેન્ડ છે..તમે એમને નથી ઓળખતાં."આરોહી એ માહીનાં સવાલનો જવાબ આપતાં કહ્યું.
"હશે ત્યારે..મળીશું ત્યારે ખબર પડશે.."મોં મચકોડી માહી બોલી.
માહી કવિઓ અને શાયરોને નફરત કરતી હોવાની વાત ની ખબર હોવાંનાં લીધે એની મુલાકાત આજે એની જાણ બહાર ગુજરાતનાં સૌથી મોટાં યુવા કવિ જોડે પોતે કરાવનાર છે એ વાત વિચારી આરોહી અત્યારે મનોમન હસી રહી હતી.
અલગ અલગ વિચારો સાથે તુષારની કાર પણ કોર્ટની તરફ પુરપાટ ઝડપે દોડી રહી હતી..!
"રીસાયેલી છે કલમ છતા લખાઇ જાય છે,
રડતા અંતરે પણ શબ્દો રચાઇ જાય છે..
અમારી હથેળી ઓ તો જન્મ થી જ ખાલી છે,
છતા હસ્તરેખાઓ જોઇ આશાઓ ઉભરાઇ જાય છે."
★■■■■■■■■★
વધુ આગળનાં અધ્યાયમાં.
દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.
વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
~જતીન.આર.પટેલ (શિવાય)