Bhedi Tapu - Khand - 2 - 18 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - ખંડ બીજો - 18

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(18)

ટેલીગ્રામની યોજના

“આનો અર્થ શો?” ખલાસી બોલ્યો. “આયર્ટને શીશો દરિયામાં ફેંક્યો નથી. તો પછી કોણ ફેંક્યો?”

“એ એક રહસ્ય છે!” હાર્ડિંગે જવાબ આપ્યો.

હાર્ડિંગ આ વાતને લંબાવવા માગતો ન હતો.

બીજે દિવસે 21મી ડિસેમ્બરે બધા સરોવરના ઉચ્ચ પ્રદેશમાં ભેગા થયા. આયર્ટન તેના મકાનમાં હતો. હર્બર્ટ, પેનક્રોફ્ટ અને નેબ પોતપોતાના કામે લાગી ગયા હતા, હાર્ડિંગે અને સ્પિલેટને કંઈ કામ પ્રસંગે ગુફામાં જવું પડ્યુ.

ગુફામાં તેમની વચ્ચે આ વિષય ઉપર વાતચીત થઈ.

“શીશો કોણે ફેંક્યો હશે?” સ્પિલેટે પૂછ્યું.

“ખલાસીએ ફેંક્યો નથી.”

“તો પછી?”

“હું તો એને રહસ્યમય ઘટના ગણું છું.”

“ખરેખર, સાયરસ,” સ્પિલેટે કહ્યું.“આ ઘટનાઓ ભેદી છે. તમારો બચાવ અને તમને બખોલમાં પહોંચાડવા, રેતીમાં પેટી મળી આવવી, ટોપનું ગુફા સુધી પહોંચવું, હોડીનું સમયસર આવી પહોંચવું અને છેલ્લે આ શીશો! આ ભેદ આપણે ઉકેલી નહીં શકીએ?”

“હા, પણ તે માટે આપણે પ્રયાસ કરવો પડશે.” હાર્ડિંગે કહ્યું.“ આપણે આખો ટાપુ પગ તળે ખૂંદી નાખવો પડશે.”

“અને નસીબમાં હશે તો ભેદ ઉકલશે.”

“નશીબ! સ્પિલેટ, હું નસીબમાં માનતો નથી. વળી દુનિયામાં કોઈ રહસ્ય હોતું નથી. દરેક રહસ્યની પાછળ કોઈક કારણ રહેલું હોય છે. એ કારણને હું શોધી કાઢીશ. દરમિયાન આપણે કામે વળગીએ.”

જાન્યુઆરી મહિનો આવ્યો. 1867ની સાલ બેઠી. તપાસ કરતાં ખબર પડી કે આયર્ટને નવા રહેઠાણમાં નિવાસ કર્યો છે અને તે ઢોરઢાંખરની સારી સંભાળ લે છે. આથી, તેના સાથીઓને રાહત થઈ. તેમને બે-ત્રણ પશુશાળામાં જવું પડતું હતું. હવે એ બાબતમાં નિરાંત થઈ. આમ છતાં બધા અનુકૂળતાએ પશુશાળામાં આંટો મારી આવતા જેથી આયર્ટનને એકલું ન લાગે.

હાર્ડિંગ અને સ્પિલેટને એવું લાગ્યું કે પશુશાળા સાથે સંપર્ક સ્થાપિત કરવો જોઈએ. આ માટે વીજળીના તારથી સંદેશા મોકલી શકાય એવી ગોઠવણ કરવાનું હાર્ડિંગે વિચાર્યું. કોઈ અણધારી ઘટના બને તો આયર્ટન તેની ખબર ગ્રેનાઈટ હાઉસમાં પહોંચાડી શકે, તે માટે આવી કોઈ યોજના કરવી જરૂરી હતી. કોઈ વહાણ દેખાય, પશ્વિમ કિનારે કોઈ વહાણ ડૂબે કે ચાંચિયાઓ ત્રાટકે--એવે પ્રસંગે આવું વીજળીનું જોડાણ ખૂબ ઉપયોગી સિદ્ધ થાય.

10મી જાન્યુઆરીએ હાર્ડિંગે પોતાની તારથી સંદેશાની આપ-લે કરવાની યોજના પોતાના સાથીદારો સમક્ષ રજૂ કરી.

“તમે વીજળી મદદથી તારના સંદેશાની યોજના ઘડો છો?” ખલાસીએ હાર્ડિંગે પૂછ્યું.

“હા,” હાર્ડિંગે ઉત્તર આપ્યો. “એ માટે બેટરી અને તારની જરૂર છે.”

“આ ટાપુ પર રેલવે દોડવા માંડ તો મને નવાઈ ન લાગે!” ખલાસી બોલ્યો.

બધા કામે વળગી ગયા. સૌથી પહેલાં તાર ખેંચવા માટે જતરડું બનાવ્યું. સોની લોકો સોનારૂપાના તાર જતરડાથી ખેંચે છે એવું મોટા કદનું જતરડું કામ કરતું થયું. લોઢાના સળિયાઓને ધોધની મદદથી જતરડામાંથી ખેંચીને પાતળા તાર કાઢવામાં આવતા હતા. ગ્રેનાઈટ હાઉસથી પશુશાળાનું અંતર પાંચ માઈલનું હતું. એટલે પચાસ-પચાસ ફૂટના તાર એકબીજા સાથે જોડીને પાંચ માઈલ લાંબા તાર તૈયાર કર્યાં.

એક બાજુ તાર ખેંચવાનું કામ ચાલુ હતું. તે દરમિયાન બીજી બાજુ હાર્ડિંગે બેટરી બનાવવામાં કામમાં લાગી ગયો.

બેટરી બનાવવા માટે કોલસો, જસત અને તાંબું એ ત્રણ વસ્તુ જરૂરી હતી, પણ આ ટાપુ પર તાંબુ મળી શકે એમ ન હતું. એટલે હાર્ડિંગે એકલા જસતની સાદી બેટરી બનાવવાનું નક્કી કર્યું. આવી બેટરીની શોધ ઈ.સ.1820માં બેકરેલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. તેમાં જસત ઉપરાંત તેજાબ અને પોટાશની જરૂર પડતી હતી.

હાર્ડિંગે બેટરી બનાવી દીધી.

6ઠ્ઠી ફેબ્રુઆરીએ સો સો ફૂટને અંતરે થાંભલા ખોડવાનું કામ શરૂ કર્યું. ગ્રેનાઈટ હાઉલથી પશુશાળા સુધી થાંભલા નંખાઈ ગયા. તેના પર અવાહક તરીકે કાચના પ્યાલા ગોઠવ્યા. પછી તેના પર તાર બાંધી દીધા. હવે વીજળીના પ્રવાહની મદદથી તારના સંદેશા માટે તૈયારી થઈ ગઈ. વીજળીનો પ્રવાહ અને તારનાં દોરડાંની મદદથી એક સેંકડમાં વીસ હજાર માઈલની ઝડપે સંદેશો મોકલી શકાય એવી વ્યવસ્થા થઈ.

બે બેટરી બનાવી હતી. એક ગ્રેનાઈટ હાઉસમાં અને બીજી પશુશાળામા રાખવામાં આવી.

12મી ફેબ્રુઆરીએ બધી તૈયારી થઈ ગઈ. તે દિવસે હાર્ડિંગે બેટરીનું તાર સાથે જોડાણ કર્યું. વીજળીનો પ્રવાહ ચાલુ થયો. હાર્ડિંગે તારથી પૂછાવ્યું!“ પશુશાળામાં બધું બરાબર છે?” તરત જ આયર્ટન તરફથી “બધુ બરાબર છે.” એવો સંતોષકારક જવાબ આપ્યો. આમ, ટેલીગ્રામનો પ્રયોગ બરાબર સફળ થયો.

પેનક્રેફ્ટ ખુશ થઈ ગયો. રોજ સવારે અને સાંજે એ પશુશાળામાં ટેલીગ્રામ કરતો; અને તરત જ તેનો જવાબ મળી જતો.

ટેલીગ્રામની ગોઠવણથી બે ફાયદા થયા; એક તો, આયર્ટન પશુશાળામાં છે તેની ખાતરી કરી શકાતી હતી; અને બીજું, તે એકલો પડી જતો ન હતો વળી, હાર્ડિંગ દર અઠવાડિયે તેની મુલાકાત લેતો. બીજા બધા પણ વારાફરતી તેને મળી આવતા. આયર્ટન પણ વારંવાર ગ્રેનાઈટ હાઉસમાં આવતો. બધા તેનું ખૂબ ઉષ્માપૂર્વક સ્વાગત કરતા.

ટાપુમાં શાકભાજી અને અનાજની સમૃદ્ધિ ખૂબ વધી ગઈ. ટેબોર ટાપુમાંથી લાવેલા છોડ અને બી ઊગી નીકળ્યાં હતાં.

ઘઉંનો ચોથો પાક અસાધારણ હતો. ચારસો અબજ દાણા પાક્યા હતા. ખલાસીએ બધા દાણા ગણી જોવાનો વિચાર કર્યો. પણ હાર્ડિંગે ક્હ્યું કે એ ગણતરી એકલે હાથે અશક્ય છે. જો તે એક મિનિટમાં ત્રણસો દાણા ગણે, અથવા એક કલાકમાં અઢાણ હજાર દાણા ગણે, તો આ બધા દાણા ગણતાં તેને પાંચ હજાર પાંચસો વર્ષ લાગે. આથી ખલાસીએ એ વિચાર પડતો મૂક્યો.

અત્યારે લીંકન ટાપુ સમૃદ્ધિને શિખરે હતો.

મરઘાંબતકાં ખૂબ હતાં. ડુક્કરે બચ્ચાંને જન્મ આપ્યો હતો. રોઝડીને બે વછેરા જન્મ્યા હતા. તેના પર બેસીને સ્પિલેટ અને હાર્બર્ટ ફરવા નીકળી પડતા હતા.

પશ્વિમના જંગલોમાં ઊંડે સુધી કેટલાક પ્રવાસ કર્યાં. તેમાં જંગલી ભૂંડ સાથે લડવું પડતું. ઘણીવાર જેગુઆરનો પણ ભેટો થઈ જતો. સ્પિલેટ અને હર્બર્ટ તેને ધિક્કારતા હતા. વીસેક જેટલા જેગુઆરનો તેમણે ખાતમો બોલાવ્યો હતો. તેનાં ચામડાંથી ગ્રેનાઈટ હાઉસ શોભતું હતું. આ લોકો જેગુઆરનું નિકંદન કાઢી નાખશે એવું લાગતું હતું.

હાર્ડિંગ આ પ્રવાસમાં ભાગ લેતો હતો. તે ઝીણવટથી નિરીક્ષણ કરતો હતો. ક્યાંય કશું શંકાસ્પદ દેખાતું ન હતું. ટોપ અને જપ પણ કોઈ વિચિત્ર વસ્તુની હાજરી અંગે ભસીને, ઘૂરકીને કે બીજી રીતે ધ્યાન ખેંચતા ન હતા. જો કે, કૂવા પાસે ટોપ હજી ભસતો હતો અને ટોપ ઘૂરકિયાં કરતો હતો.

પેટીમાંથી ફોટા પાડવાનાં સાધનો નીકળ્યાં હતા. હજી સુધી તેનો ઉપયોગ થયો ન હતો. એ સાધનોનો ઉપયોગ સ્પિલેટ અને હર્બર્ટે શરૂ કર્યો. ટાપુનાં કેટલાંક દશ્યો તેમણે ઝડપી લીધાં.

ફોટા પાડવાનાં તથા તેને ધોઈને તૈયાર કરવાના બધાં સાધનો પેટીમાંથી નીકળ્યા હતા. થોડા વખતમાં સ્પિલેટ અને હર્બર્ટ સારા ફોટોગ્રાફર બની ગયા.છએ જણાના ફોટા પાડીને દીવાલ પર લટકાવી દીધા. જપ અને ટોપની પણ છબી પાડી.

માર્ચ મહિનામાં ઉનાળાની ગરમી પૂરી થઈ. અહીંનો માર્ચ મહિનો ઉત્તર ગોળાર્ધના સપ્ટેમ્બર મહિના જેવો હોય છે.

21મી માર્ચે બરફનો પહેલો વરસાદ પડ્યો હોય એવું લાગ્યું. હર્બર્ટે બારીમાંથી જોયું કે આખા ટાપુ બરફથી છવાઈ ગયો હતો. ચારે બાજુ સફેદ રંગ સિવાય બીજું કંઈ દેખાતું ન હતું. અત્યારે બરફ ક્યાંથી? બધા છોડ ઠીંગરાઈ જવાની બીક લાગી.

“થર્મોમિટર તો 58 અંશ ગરમી બતાવે છે.” સ્પિલેટે કહ્યું.

આટલી ગરમીમાં બરફ હોઈ શકે નહીં. જપ તપાસ કરવા નીચે ઊતર્યો. જેવો તે જમીન પર પહોંચ્યો કે તરત જ એક સફેદ વાદળું આકાશમાં ઊડ્યું. અસંખ્ય પાંખો ફફડતી હતી. થોડી મિનિટ સુધી સૂર્ય પણ ઢંકાઈ ગયો.

“પક્ષીઓ!” હર્બર્ટે બૂમ પાડી.

તે દરિયાનાં સફેદ પક્ષીઓ હતાં. ઝૂંડનાં ઝૂંડ આ ટાપુ પર ઊતરી આવ્યાં હતાં. થોડી વારમાં બધાં અદશ્ય થઈ ગયાં. આ પક્ષીઓ કઈ જાતનાં હતા તે હર્બર્ટ ઓળખી શક્યો નહીં.

થોડા દિવસ પછી 26મી માર્ચનો દિવસ આવ્યો. એ દિવસે આ ટાપુમાં ફેંકાયાને બે વર્ષ પૂરાં થતાં હતાં.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED