Selfie - 29 books and stories free download online pdf in Gujarati

સેલ્ફી ભાગ-29

સેલ્ફી:-the last photo

Paart-29

રોહન દ્વારા એનાં જ મીટ કટર દ્વારા હુમલો કરતાં શુભમ ઘાયલ અવસ્થામાં જમીન પર પડ્યો હતો.રોહન એનાં ચહેરાની તરફ ઝુકીને બોલ્યો.

"તું મારીશ મને..તું ઓળખતો નથી લાગતો રોહન અગ્રવાલ ઉર્ફ મેગી ને..હું એ શિકારી સિંહ છું જેનો શિકાર કરવા આવનાર ખુદ એનો શિકાર બની જાય."

રોહને શુભમની ફરતે એક ચક્કર લગાવ્યું અને પછી આવેશમાં આવી એક જોરદાર લાત શુભમનાં ચહેરા પર ઝીંકી દીધી..રોહનની લાત વાગતાં શુભમનો એક તરફનો હોઠ ચિરાઈ ગયો અને એમાંથી લોહી આવવા લાગ્યું.રુહી હજુપણ શુભમને પ્રેમ કરતી હોવાંથી એને શુભમની આવી હાલત પર મનોમન તરસ આવી રહી હતી.

"તે મારાં મિત્રો અને પ્રેમિકાની હત્યા કઈ રીતે કરી એ તો તે જણાવ્યું પણ તે એવું કેમ કર્યું એ સમજાવીશ..તને તો મેં મારો દોસ્ત માની મારાં ગ્રૂપ માં સામેલ કર્યો હતો પણ તું તો એ આસ્તિન નો સાપ નીકળ્યો જે એનાં પાળવાવાળા ને જ ડંખી ગયો."આવું બોલી રોહને શુભમનાં માથાનાં વાળ પકડીને ખેંચ્યા.

રોહનનાં આ સવાલનાં જવાબમાં શુભમ તો કંઈપણ ના બોલ્યો પણ રુહીને કંઈક યાદ આવતાં એ બોલી ઉઠી.

"રોહન એનો ફોન ચેક કર.. હા એનો ફોન ચેક કર.મેઘા ને માર્યા પહેલાં શુભમે એને મોબાઈલની ગેલરી ખોલી અમુક ફોટો બતાવ્યાં હતાં.. શાયદ એ આવું કરી રહ્યો હતો એનું કારણ એ ફોટો માં ક્યાંક ધરબાયેલું હોય."

રુહીની વાત સાંભળી રોહન તુરંત હરકતમાં આવ્યો અને એને શુભમનાં ખિસ્સા ફંફોસવાનાં શરૂ કરી દીધાં.. શુભમની ડાબી સાઈડ ની પોકેટમાંથી એનો ફોન કાઢી રોહને શુભમની આંગળી મૂકી એનું ફિંગર લોક ખોલી ફોનની ગેલેરી ખોલી.

થોડાં ઘણાં ફોટો ચેક કર્યાં બાદ શુભમનાં ધ્યાને અમુક ફોટો આવ્યાં.. શુભમનાં મોબાઈલની સ્ક્રીન ને ધારીધારીને જોઈ રહેલાં રોહન નાં બદલાયેલાં હાવભાવ જોઈ રુહી એની નજીક આવી અને એને પણ મોબાઈલની સ્ક્રીન તરફ નજર કરી.

રોહન અત્યારે જે ફોટોસ જોતો હતો એમાં રોહન, રોબિન, પૂજા, જેડી, કોમલ,મેઘા જોડે એક યુવતી હતી જેને રુહી એ ક્યારેય જોઈ નહોતી.એ ફોટો એક સેલ્ફી હતી જે કોઈ નાઈટ ક્લબ માં એક પાર્ટી માં ખેંચાઈ હતી.આ સેલ્ફી ને જોતાં જ રોહન વિચારમાં પડી ગયો.રોહને એની પછી એક અન્ય ફોટોસ ઓપન કર્યાં જેમાં એ યુવતી શુભમની સાથે હતી.એ યુવતી ને જોતાં જ રુહી ને અંદાજો આવી ગયો કે શુભમની સાથે એ યુવતીનો સંબંધ હોવો જોઈએ.

"રોહન તમારી સાથે સેલ્ફીમાં દેખાતી છોકરી કોણ છે..?"રુહી દ્વારા એ યુવતી વિશે જાણવાની તાલાવેલી હતી.

"આ યુવતી..આનું નામ નીલમ હતું અને એ અમારી જુનિયર હતી.અમે માસ્ટર માં હતાં અને એ બેચરલ માં.એ દિવસે એ અચાનક એક નાઈટ ક્લબ માં મળી ગઈ અને એ દિવસે જ અમે આ સેલ્ફી લીધી હોવી જોઈએ.."રોહન થોથવાતાં સ્વરે બોલ્યો.

"પણ આ નીલમ નો શુભમની સાથે શું સંબંધ અને એનાં લીધે એને આપણા પાંચ મિત્રોની હત્યા કેમ કરી..?"રુહી બોલી.

રુહીની વાત નો રોહન કંઈપણ જવાબ આપવા જાય એ પહેલાં એની વાત સાંભળી જમીન પર પડેલો શુભમ હિંમત ભેગી કરી થોડો બેઠો થયો.હાથ વડે હોઠ માં પડેલાં ચીરામાંથી આવતું લોહી લૂછી શુભમ બોલ્યો.

"રુહી તારે જાણવું છે નીલમ કોણ છે અને હું કેમ આ બધી હત્યાઓ કરી રહ્યો છું તો સાંભળ.."આટલું કહી શુભમે પોતાની વાત કહેવાનું શરૂ કર્યું.

"આપણે અહીં જે દિવસે હવેલીમાં આવ્યાં એનાં બીજા દિવસે મેં તમને એક રાજા અને પ્રધાન પુત્ર ની વાર્તા કહી હતી..તો એ વાર્તા ફક્ત વાર્તા નહોતી પણ મારી જીંદગી ની વણકહેલી કહાની હતી.હું શુભમ ત્રિવેદી હકીકતમાં દિનેશ ત્રિવેદી નું સંતાન નથી.મારાં પિતાનું નામ હતું મોહન રાજગોર જે દિનેશ અંકલ ની કંપની માં મેનેજર હતાં."

"એક કાર એક્સીડન્ટ માં મારાં મમ્મી પપ્પા નું અવસાન થયું એટલે નજીકનું કોઈ સગુવહાલું ન હોવાથી મને અનાથાશ્રમ માં મુકવાની વાત થતી હતી એટલે દિનેશ અંકલ મને પોતાનાં ઘરે લેતાં આવ્યાં. ત્યાં મને સગાં દીકરાની જેમ મને ઉછેર્યો.પોતાની દીકરી નીલમ નાં જેટલો પ્રેમ એમને મને આપ્યો.નીલમ ને પણ મારાં રૂપે મોટો ભાઈ મળી ગયો અને મને નીલમ નાં રૂપમાં નાની બેન."

"અંકલે મને ગ્રેજ્યુએશન માટે વિદેશ મોકલ્યો..મારૂ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી હું પાછો ઈન્ડિયા આવવાની તૈયારીમાં હતો ત્યાં મારાં ઉપર અંકલનો કોલ આવ્યો જેમાં એમને કહ્યું નીલમનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.વિઝા પ્રોસેસમાં મારે ચાર દિવસ નીકળી ગયાં અને મારાં આવ્યાં પહેલાં નીલમનો અગ્નિ સંસ્કાર પણ થઈ ગયો.અહીં આવ્યો ત્યારે અંકલ અને આન્ટી ની હાલત ઉપર મને તરસ આવવા લાગી.પોતાની એકનાએક દીકરીનું અકાળે અવસાન થવું એમનાંથી સહન થાય એવું નહોતું.મેં મારાંથી બનતાં પ્રયત્નો વડે એમને એ સદમામાંથી બહાર કાઢ્યાં."

"મને કહેવામાં આવ્યું કે નીલમનું મૃત્યુ કાર અકસ્માતમાં થયું હતું.એક પાર્ટીમાંથી આવતાં નીલમે નશાની હાલતમાં સ્ટેયરિંગ પર કાબુ ગુમાવ્યો અને એની કાર રસ્તામાં આવતાં તળાવમાં જઈને પડી જેમાં એ અવસાન પામી.એક દિવસ હું નીલમ નો રૂમ ચેક કરતો હતો ત્યાં મેં એનું લેપટોપ જોયું.લેપટોપ મેં ઓન કરતાં મને એમાં બ્રાઉઝર ની અંદર ફેસબુક લોગીન કરેલું મળ્યું.નીલમનાં ફેસબુક પેજ પર તે જે જોઈ એ સેલ્ફી પોસ્ટ થયેલી હતી..નીલમ નું અકસ્માત થયું હતું એ રાતે જ એ સેલ્ફી પોસ્ટ થઈ હતી.અંદર જે લોકો હતાં એમને હું ઓળખતો નહોતો.મેં અંકલ આન્ટી ને પણ એ લોકો નો ફોટો બતાવી એમનાં વિશે પૂછી જોયું પણ એમને પણ એ લોકો કોણ હતાં એ વિશે માહિતી નહોતી."

"હું તપાસ કરતો કરતો એ નાઈટ કલબમાં પહોંચી ગયો..મેં ત્યાંના મેનેજર ને પૈસાની લાલચ આપી એ રાત ની cctv ફૂટેજ માંગી..એને મને cctv ફૂટેજ આપી દીધી.મેં એમાં જોયું કે નીલમ પહેલાં પાર્ટી માં કોમલ ને મળી..ત્યારબાદ કોમલે પોતાનાં ગ્રૂપ સાથે નીલમ નો ઇન્ટ્રો કરાવ્યો.એ લોકો એ સાથે મળી ખૂબ સમય પાર્ટી એન્જોય કરી.પછી બીજા દ્રશ્યમાં જોયું કે કોમલે નીલમ ને કંઈક કહ્યું એટલે એ ક્લબ હાઉસ તરફ ગઈ.મેં ક્લબ હાઉસ નો કેમેરો રિવાઈન્ડ કર્યો તો મને ત્યાં રોબિન,રોહન અને જેડી જતાં દેખાયાં."

"લગભગ અડધો કલાક બાદ પૂજા,કોમલ,અને મેઘા પણ દોડતાં દોડતાં એ તરફ ગયાં. એમનાં ગયાં ની પંદર મિનિટ બાદ પૂજા,મેઘા અને કોમલે નીલમને લાવીને એની કારની અંદર રાખી દીધી.મેં ધ્યાનથી જોયું તો નીલમ શક્યવત જીવીત નહોતી.રોબિન,જેડી અને રોહને નીલમ સાથે જબરજસ્તી કરવાનો પ્રયત્ન કરતાં એને મોત ને ઘાટ ઉતારી દીધી હતી.પૂજા,મેઘા અને કોમલ પણ સ્ત્રી હોવાં છતાં એ કાતિલો ને છાવરી રહી હતી.નીલમ ને કાર ની સીટ માં સુવડાવી રોબિન એની કારને ડ્રાઈવ કરી ત્યાંથી નીકળી ગયો અને બાકીનાં બીજી કાર લઈને એની પાછળ ગયાં"

"ત્યાં પહોંચી આ લોકોએ નીલમ નું અકસ્માત થયું હોય એવું દ્રશ્ય ઉભું કર્યું..હવે મેં મારી રીતે તપાસ કરાવી એ લોકો વિશે માહિતી એકત્ર કરી.હું એ ડોકટર ને મળ્યો જેને નીલમ નું પોસ્ટમોર્ટમ કર્યું હતું..એને રોહન દ્વારા અપાયેલાં પૈસા ની લાલચે ખોટો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બનાવ્યો હોવાની વાત કબૂલ કરી લીધી."

હું ઈચ્છત તો આ સબુતોનાં આધારે એ છ લોકોને જેલ ભેગાં કરી દેત..પણ એમનાં માટે એ સજા કાફી નહોતી.મેં મારી રીતે એ હત્યારા લોકોને સજા આપવાનું મન બનાવી લીધું હતું.મેં એમની જ કોલેજમાં એડમિશન લીધું અને એમનાં ગ્રુપમાં પણ સામેલ થઈ ગયો.રોહને જ્યારે અહીં આવવાનું નક્કી કર્યું ત્યારે મેં મનોમન આ લોકોને કઈ રીતે મોત ને ઘાટ ઉતારીશ એ નક્કી કરી દીધું હતું."

"રુહી એક માસુમ છોકરી ની આ લોકો એ હત્યા કરી છે..છતાં પણ આ બધાં પોતાની જીંદગી જીવી રહ્યાં હતાં.પોતાની એકનાએક દીકરી નીલમ ને ખોયા પછી અંકલ આંટી જીવતી લાશ બની ગયાં છે.એમનાં દરેક આંસુ ની કિંમત મેં આ લોકોનું લોહી રેડીને લીધી છે.હા મારુ આમ કરવું ખોટું જરૂર છે પણ આ લોકો કંઈ નિર્દોષ તો નહોતાં જ."

શુભમની વાત સાંભળી રુહી ને એને જે કર્યું હતું એ એની બેન નીલમ તરફ નો સ્નેહ હોવાનું લાગી રહ્યું હતું.એક ભાઈ તરીકે પોતાની બેન ની નિર્મમ હત્યા કરનારાં જોડે એને જે કંઈ કર્યું હતું એ રુહીને ઉચિત લાગી રહ્યું હતું.

"રુહી આ ઝુઠું બોલે છે..એ રાતે એવું કંઈપણ થયું નહોતું જે આ શુભમ કહી રહ્યો છે..હા એ વાત સાચી નીલમ એ રાતે પાર્ટી માં અમને મળી હતી અને અમારી જુનિયર હોવાથી કોમલે એને બધાં જોડે એન્જોય કરવા કહ્યું.એ પછી એ ફૂલ નશામાં કાર લઈને ત્યાંથી નીકળી ગઈ એટલી જ અમને ખબર છે.બાકી શુભમે જે કહાની બનાવી એ મનગડંત છે."રુહીની તરફ જોઈને રોહન બોલ્યો.

"રુહી તું મારી વાત માનીશ કે આ હત્યારા રોહન ની..?બાકી તું જ બોલ મારી પાસે આ લોકોની હત્યા કરવા પાછળનો બીજો ઉદ્દેશ શું હોઈ શકે..?એ સિવાય મેં મેઘા ને માર્યા પહેલાં એને કેમ આ સેલ્ફી બતાવી હતી એ વિશે પણ વિચારી જો.."રુહી તરફ જોઈ શુભમ બોલ્યો.

"હત્યારો હું નથી તું છે..તે અમારાં પાંચ દોસ્તોની હત્યા કરી છે.રુહી તું આની વાતો પર વિશ્વાસ ના કર આ તારાં માઈન્ડ જોડે રમી રહ્યો છે..આ બનેલો છે."રોહન રુહી તરફ જોઈને બોલ્યો.

"રુહી તું મારી આંખોમાં જો..તને એવું લાગે છે હું ખોટું બોલું છું.?"રુહીની તરફ જોતાં શુભમ બોલ્યો.

રુહી હવે વિચારમાં હતો કે રોહન સાચું બોલતો હતો કે શુભમ.ક્યારેક રુહી રોહન તરફ જોતી તો ક્યારેક શુભમની તરફ.બંનેમાંથી કોણ સાચું કહી રહ્યો હતો એની રુહી ને સમજ નહોતી પડી રહી.છતાંપણ રુહી જ્યારે શુભમની તરફ જોતી ત્યારે એને શુભમની આંખોમાં સચ્ચાઈ નજર આવી રહી હતી.એ સિવાય પણ મગજ પર જોર આપતાં એને યાદ આવ્યું કે મેઘા અને રોહન કંઈક વાત જરૂર છુપાવી રહ્યાં હતાં.

"રુહી..તું દૂર ખસી જા હું આજે આ હત્યારા ને અહીં જ પૂરો કરી દઈશ.."પોતાનાં ખિસ્સામાં રહેલ રિવોલ્વર ને બહાર કાઢી શુભમ તરફ પોઈન્ટ કરતાં રોહન બોલ્યો.

રોહન ની વાત સાંભળી રુહી એ એક નજર શુભમ પર ફેંકી..એનું દિલ કહી રહ્યું હતું કે શુભમે જે કંઈપણ કહ્યું એ અક્ષરશઃ સત્ય હતું.

"રોહન તું શુભમને કંઈ નહીં કરે..એને જે કર્યું એની સજા કાનૂન આપશે..અને તે જે કંઈપણ કર્યું એની સજા તને.."રુહી શુભમની સમીપ જઈને એનો હાથ પકડીને બોલી.

આટઆટલું થયાં બાદ પણ રુહીનો પોતાની તરફનો પ્રેમ અને વિશ્વાસ જોઈને શુભમને સારું લાગી રહ્યું હતું.રુહી નો પોતાની તરફનો વિશ્વાસ જોઈને શુભમ પોતાને થતું બધું દર્દ ભૂલી ગયો હતો.

રુહી આ રીતે શુભમની વાતોમાં આવી ગઈ એ જોઈ રોહન થોડો બઘવાઈ ગયો.શુભમે જે કંઈપણ કર્યું એની કોઈ સાબિતી હતી જ નહીં જ્યારે એ લોકોએ નીલમ ની કરેલી હત્યાની સાબિતી શુભમ જોડે હતી.શુભમને હવે અહીંથી જીવતો જવા દેવાનું રોહન વિચારી પણ નહોતો શકતો.

"રુહી..દૂર ખસી જા.હું આ ખવીસ નાં બચ્ચાં ને જીવતો નહીં મુકું."રોહન આવેશમાં આવી રુહીને આદેશ આપતાં બોલ્યો.

"રોહન..તું એવું કંઈપણ નહીં કરે."શુભમની આગળ ઉભી રહી રુહી બોલી.

"રુહી દૂર ખસી જા..નહીંતો હું તને પણ શૂટ કરતાં નહીં અચકાઉં."રોહન હવે આક્રમક થઈને રિવોલ્વરને રુહી અને શુભમ તરફ પોઇન્ટ કરીને ઉભો હતો.એની આંખોમાં અત્યારે ખુન સવાર હતું.

રોહન ની વાત ની રુહી પર કોઈ અસર ના થઈ હોય એમ એ હજુપણ શુભમ અને રોહનની વચ્ચે ઉભી હતી.રોહને હવે રિવોલ્વર નાં ટ્રિગર પર પોતાની આંગળી મૂકી એમાંથી ગોળી છોડવાનું મન બનાવી લીધું..!!

★★★★★★★

વધુ આવતાં ભાગમાં.

શુભમ અને રુહીનું શું થશે..??મેઘાની જોડે બનેલી ઘટનાઓ અને રોબિનની લાશને બહાર કાઢવા પાછળ કોનો હાથ હતો..??દામુ સાથે હકીકતમાં શું થયું હતું..??આ બધાં સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો છેલ્લો ભાગ આવતાં સપ્તાહે.

આ નોવેલ હવે પોતાનાં અંત ભણી આગળ વધી રહી છે..હોરર લખવાની સાથે સસ્પેન્સ નો મસાલો એડ કરવાનો આ મારો પ્રથમ અનુભવ આ હદે સફળ રહેશે એની આશા નહોતી.આવી જ અન્ય નોવેલ જેનું નામ શક્યવત Mr.shadow:ભયની દુનિયા હોઈ શકે છે.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED