સેલ્ફી ભાગ-4 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેલ્ફી ભાગ-4

સેલ્ફી:-the last photo

Paart-4

【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ આનાકાની પછી ડેથ આઈલેન્ડ જવા રવાના થાય છે..ત્યાં જવાની અને રહેવાની બધી વ્યવસ્થા રોહને કરેલી હોય છે..ચંદનપુર દરિયાકિનારેથી જહાજમાં બેસી એ લોકો ટાપુ પર પહોંચી જાય છે..એ લોકો માટે રહેવાની સગવડ કરાઈ હતી એ હવેલી તરફ આવતી વખતે રોહન ની કાર સાથે એક વરુ અથડાઈને મૃત્યુ પામે છે પણ એની લાશ કોઈને દેખાતી નથી...હવે વાંચો આગળ】

હવેલી પહોંચતા જ બધાં મિત્રો એક પછી એક કારમાંથી નીચે ઉતરે છે..રોહન કાર નાં હોર્ન ને બે ત્રણ વાર વગાડે છે..હોર્ન વાગતાં ની સાથે જ એક ચાલીસેક વર્ષનો વ્યક્તિ અને એક પચ્ચીસ વર્ષનો યુવક રોહન ની કાર જોડે આવીને ઉભાં રહે છે..એમાંથી પેલો ચાલીસ વર્ષનો વ્યક્તિ રોહન ની તરફ જોઈને બોલે છે.

"તમારું નામ રોહન ભાઈ છે ને..?"

"હા હું જ રોહન અગ્રવાલ છું..અને તમારું નામ દામુ..અને આ જોડે ઉભો છે એનું નામ બાલુ છે.."રોહને કહ્યું.

"હા હું દામુ છું અને આ બાલુ છે..તમે તમારાં દોસ્તારો સાથે અંદર જાઓ..અમે સમાન લઈને આવીએ છીએ.."દામુ વિનયપૂર્વક બોલ્યો.

"ચલો friend.. અંદર જઈએ..આપણો સામાન આ બે નોકર અંદર લઈને આવે છે.."રોહને એનાં મિત્રો ને ઉદ્દેશીને કહ્યું.

રોહન ની વાત સાંભળી એનાં બાકીનાં બધાં મિત્રો એની પાછળ પાછળ હવેલીનો મુખ્ય દરવાજો પસાર કરી અંદર પ્રવેશ્યાં..એમને જતાં જોઈ દામુ મનોમન કંઈક બબડી રહ્યો હતો..બાલુ એ દામુ ની તરફ નજર કરી અને એના બબડાટ પર ધ્યાન આપવાનાં બદલે બેગો ખભે ચડાવી ત્યાંથી નીકળી હવેલીમાં ગયો.

આટલાં બધાં વર્ષો વીતી ગયાં બાદ પણ એ હવેલી આલીશાન લાગી રહી હતી..જુના જમાનાનું રાચરચીલું હજુપણ ઘણી બધી જગ્યાએ નજર પડતું હતું..હવેલી ની મધ્યમાં સુંદર સોફા પાથરેલા હતાં જેની ઉપર જઈને રોહન અને એનાં બધાં મિત્રો એ જમાવટ કરી લીધી.દામુ અને બાલુ એ બધો સામાન અંદર લાવીને રાખી દીધો.

"સાહેબ તમારાં રૂમ તૈયાર છે તો તમારો આ સામાન તમે કહો એમ મુકતાં આવીએ.."દામુ બોલ્યો.

"એ બધું અમે અમારી રીતે લેતાં જઈશું..પહેલાં કંઈક જમવાની વ્યવસ્થા કરે તો સારું.."રોહન બોલ્યો.

"હા મોટાભાઈ.. હવે તો ભૂખનાં માર્યા મારાં બાર વાગી ગયાં છે..જલ્દી કંઈક ગરમાગરમ જમવાની વ્યવસ્થા કરો.."જેડી પેટ પર હાથ ફેરવતાં બોલ્યો.

"સાહેબ જમવાનું તૈયાર છે..અમે જમવાનું પીરસી લઈએ ત્યાં સુધી તમે બધાં હાથ પગ ધોઈ થોડાં હળવા થઈ જાઓ.."દામુ એ કહ્યું.

દામુ નાં કહેવાથી બધાં મિત્રો થોડાં ફ્રેશ થઈ આવ્યાં.. એટલામાં દામુ એ જમવાનું પીરસી દીધું.ચિકન કરી,રાઈસ,રોટી,ભીંડી ફ્રાય અને સલાટ નું ટેસ્ટફૂલ જમવાનું પૂર્ણ કરી બધાં પાછાં જઈને સોફામાં ગોઠવાઈ ગયાં.

"હું ઘરે જાણ કરી દઉં કે હું પહોંચી ગઈ છું સહીસલામત.."આટલું કહેતાં મેઘા એ પોતાનો સેલફોન બહાર કાઢ્યો..પણ ઘરે કોલ કરવા છતાં ના લાગતાં એની ફોન ની ડિસ્પ્લે તરફ જોઈને કહ્યું.

"Shit... નેટવર્ક જ નથી.."

"લે મારાં ફોનમાંથી કોલ લગાવી લે..કીધું હતું કે સસ્તા સિમ વાપરવાના બંધ કર.."આટલું કહી રોહને પોતાનો મોબાઈલ ફોન બહાર કાઢ્યો..પણ એને પણ ત્યારે આંચકો લાગ્યો જ્યારે એનાં મોબાઈલમાં પણ નેટવર્ક નહોતું.

"મારામાં પણ નેટવર્ક નથી.."ગુસ્સા અને આશ્ચર્ય નાં મીશ્રીત ભાવ સાથે રોહન બોલ્યો.

રોહન ની વાત સાંભળી એક પછી એક દરેકે પોતપોતાનો મોબાઈલ કાઢી ચેક કર્યું તો કોઈનું પણ નેટવર્ક એવીલેબલ નહોતું.

"કોઈનામાં નેટવર્ક જ નથી..what the hell.."પુજા પોતાનાં આગવા ટોન માં બોલી ઉઠી.

એમની વાતો સાંભળી રહેલો દામુ ત્યાં આવ્યો અને બોલ્યો.

"અહીં કોઈ મોબાઈલ નું નેટવર્ક નથી આવતું..દરિયાકિનારાથી બે કિલોમીટર સુધી નેટવર્ક આવે પછી જેમ અંદર આવીએ તેમ નેટવર્ક ઉપલબ્ધ નથી.."

"તો પછી ઘરે કોન્ટેકટ કરવા શું કરવાનું..??અને પછી તમે અમારી કંપની નાં મેનેજર જોડે કઈ રીતે સંપર્કમાં રહો છો..?"રોહને દામુ ને સવાલ કર્યો.

"સાહેબ અહીં એક લેન્ડલાઈન છે..એ એકમાત્ર સાધન છે અહીંથી બહારની દુનિયા સાથે કોન્ટેકટ કરવા માટે નો..અંગ્રેજો વખતની એક ટેલિફોન લાઈન લાઈટ હાઉસ થઈને હવેલી આવે છે."દામુ હોલ ની એકતરફ ટેબલ પર પડેલાં લેન્ડલાઈન ટેલિફોન તરફ આંગળી કરતાં બોલ્યો.

"સારું દામુ તું જઈ શકે છે.."રોહન બોલ્યો..એની વાત સાંભળી દામુ પાછો બાલુ ની વાસણ ધોવામાં મદદ કરવા માટે ચાલી નીકળ્યો.એનાં જતાં જ રોહન પોતાનાં મિત્રોની તરફ જોઈને બોલ્યો.

"તો ત્યાં રહ્યો ફોન..જેને પોતાનાં ઘરે કોલ કરવો હોય એ કરી શકે છે.."

રોહન ની વાત સાંભળી પહેલાં બધી છોકરીઓએ એકપછી એક ઉભી થઈ અને લેન્ડલાઈન નો ઉપયોગ કરીને પોતાનાં ઘરે પોતે ત્યાં હેમખેમ પહોંચી ગયાં છે એની જાણ કરી દીધી.જેડી અને શુભમે પણ પોતાનાં ઘરે કોલ કરીને એમનાં અહીં પહોંચવાની ખબર આપી દીધી.રોહને પોતાનાં ઘરે કોલ કરવો ઉચિત સમજ્યું નહીં કેમકે એ આવોજ હતો.

રાતનાં અગિયાર વાગ્યાં સુધી બધાં મિત્રો એ ઘણી બધી વાતો કરી અને મસ્તી પણ કરી..રોહન,જેડી અને રોબિને તો બે-બે પેગ રમ પણ પી લીધો..શુભમ ડ્રીંક નહોતો કરતો એટલે એ લોકોએ શુભમ ને એ માટે જરાપણ ફોર્સ ના કર્યો.

"એ જેડી..બે પેગમાં તો તું ટલ્લી થઈ ગયો હોય એમ તારી આ નીલી આંખો ચકરાઈ રહી છે.."શુભમે મજાકિયા સુરમાં કહ્યું.

"અલ્યા શુભમ..આતો એનું રોજ નું છે..બાકી મફતમાં આ આખી બોટલ પણ પી જાય એવો છે.."શુભમ ને તાળી આપતાં હસીને રોહન બોલ્યો.

"હા હવે મને ઊંઘ પણ આવી રહી છે..અને આ ગર્લ્સ પણ ક્યારનીયે બગાસાં ખાય છે તો ઊંઘવા માટે ઉભા થઈએ તો સારું."રોબિન બોલ્યો.

"હા યાર મને પણ ઊંઘ તો આવી રહી છે.."બગાસું ખાતાં રુહી બોલી..કોમલે પણ એની વાતનું પુનરાવર્તન કર્યું.

"સારું હું દામુ ને કહી રૂમની વ્યવસ્થા જાણી લઉં અને પછી આપણો સામાન એ મુજબ ગોઠવાઈ દઉં..પછી સુવા માટે જઈએ.."રોહને આટલું કહી દામુ ને અવાજ લગાવ્યો.

"હા બોલો સાહેબ.."રોહન ની સામે અદબભેર ઉભાં રહી દામુ બોલ્યો.

"દામુ તો અમારાં રોકવાની સગવડ કઈ રીતે કરી છે..?"રોહને રુવાબભેર પૂછ્યું.

"મેનેજર સાહેબે કહ્યું હતું કે પાંચ રૂમ વ્યવસ્થિત કરી રાખવાનાં છે..એમાં ત્રણ માં ડબલ બેડ અને બે માં સીંગલ બેડ ની ગોઠવણ કરવાની છે..તો એ મુજબ ઉપર નાં માળે ત્રણ રૂમ છે જેમાં બે ડબલ બેડ અને એક સીંગલ બેડ વાળો છે..જ્યારે નીચે બે રૂમ છે જેમાં એક ડબલ અને એક સીંગલ બેડ છે.."રોહન નાં સવાલ નાં જવાબમાં દામુ એ વિગતવાર રૂમો ની ગોઠવણ વિશે જણાવ્યું.

"તો ઉપર હું સીંગલ બેડ વાળા રૂમમાં રહીશ.."રોબિન બોલ્યો.

"અને હું નીચે સીંગલ બેડવાળા રૂમમાં.."કોમલ રોબિન ની વાત પૂર્ણ થતાં જ બોલી.

"ચલો આ બંને એ તો એમનું એમનું નક્કી કરી લીધું.. નહીં તો આ બે રૂમ નક્કી કરવામાં જ આખી રાત ઝઘડતા રહેત.."જેડી હસીને બોલ્યો.

"હા તો હવે આપણે ત્રણ કપલે નક્કી કરવાનું છે કે કોણ ક્યાં જશે સુવા માટે.."રોહન બોલ્યો.

"હું અને પુજા ઉપર રહેવા માંગીએ છીએ.."જેડી બોલ્યો.

"શુભમ તું અને રુહી નક્કી કરી લો કે તમે ઉપર જશો કે નીચે..?"શુભમ તરફ જોઈ રોહને પુછ્યું.

"રોહન તું અને મેઘા જ્યાં રહેવા માંગતા હોય ત્યાં જઈ શકો છો..બાકી મને તો રુહી જ્યાં હોય ત્યાં બધે ફાવે.."રુહીનો હાથ પકડી શુભમ બોલ્યો.

"સારું તો પછી હું જેડી નાં બાજુનાં રૂમમાં જતો રહું..તું અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલાં રૂમમાં રોકાઈ જા.."રોહને કહ્યું..આ બોલતી વખતે રોહને જેડી ની ગર્લફ્રેન્ડ પુજા તરફ અપલક નજર ફેંકી લીધી.

ત્યારબાદ નક્કી કરેલાં રૂમમાં બધાં મિત્રો એકપછી એક ચાલ્યાં ગયાં..દામુ એ પણ રોહન નાં આદેશ અનુસાર બધો સામાન યોગ્ય રૂમમાં રાખી દીધો..દિવસભર ની મુસાફરી નો થાક અને સરસ મજાનું લિજ્જતદાર જમવાનું જમ્યા બાદ બધાં ને તાત્કાલિક ઊંઘ પણ આવી ગઈ.દામુ અને બાલુ પણ પોતાનું કામ પતાવીને કિચનમાં જ સુઈ ગયાં હતાં.

જંગલ જેવો વેરાન પ્રદેશ અને ચારે તરફ ફેલાયેલો દરિયો અત્યારે એ વિસ્તારમાં એક ભયાનક સન્નાટાનો અહેસાસ કરાવી રહ્યો હતો..ક્યારેક આવતાં નિશાચર પક્ષીઓ,તમરાં નાં અવાજ,સૂકા વૃક્ષો નાં અથડાવાથી પેદા થતો અવાજ,જંગલી જનાવર ની લવારી આ વ્યાપ્ત સન્નાટા નો વધુ રહસ્યમયી અને ગૂઢ બનાવી રહી હતી.

ઘડિયાળમાં ત્રણ નાં ટકોરા પડ્યાં અને એજ સમયે કોઈ વ્યક્તિ હવેલી નાં ચોગાન માં નજરે પડ્યો..એ વ્યક્તિએ હુડીની જેકેટ પહેરેલું હતું અને મોં પર માસ્ક પહેરેલું હતું જેમાંથી ફક્ત એની નીલી આંખો જ દેખાતી હતી.એ વ્યક્તિએ હાથમાં મોજાં અને પગમાં મોટા કાઉબોય શૂઝ પહેરેલાં હતાં.. ધીરે ધીરે એ વ્યક્તિ કંઈક વસ્તુ માર્ક કરતો કરતો આગળ વધી હવેલી થી દૂર જઈ રહ્યો હતો..થોડી જ વારમાં એને પોતાની મંજીલ મળી ગઈ..એ મંજીલ હતી ટેલિફોન પોલ.આજુબાજુ પોતાની ચાતક નજર ફેરવી કોઈ જોતું નથી એની ખાતરી કરી એ કાળાં ઓછાયા જેવો માણસ પોલ પર ચડી ગયો..પોતાનાં હાથમાં રહેલ કટર વડે એને ટેલિફોન લાઈન નો મુખ્ય કેબલ કાપી દીધો.

પોતાનાં કામને અંજામ આપ્યાં બાદ એ વ્યક્તિ સિફતપૂર્વક નીચે ઉતર્યો અને પાછો આજુબાજુ નજર કરતો કરતો આગળ વધ્યો..અત્યારે એની આંખોમાં એક ક્રૂર ચમક હતી જે આવનારાં સમયમાં કંઈક તો મોટું થવાનું હતું એની એંધાણી પુરી રહી હતી..!!!

★★★★■■■★★★★

વધુ આવતાં ભાગમાં..

ટેલિફોન લાઈન નો કેબલ કટ કરવાવાળો એ રહસ્યમયી વ્યક્તિ કોણ હતો અને આખરે એનો મકસદ શું હતો..?આઠ મિત્રો નું એ ટોળું કઈ મોટી મુસીબતમાં ફસાવા જઈ રહ્યું હતું..?વરૂ નું કાર જોડે અથડાઈને મૃત્યુ પામવો એ માત્ર અકસ્માત હતો કે એથી વધુ કંઈક હતું..??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક અને

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ