Featured Books
શ્રેણી
શેયર કરો

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૨)

મનોવૃત્તિ

આંખમાં એક આશ લઈને બેઠો છું,
જીવનમાં કંઈક સમજોતાં કરીને બેઠો છું,

ભૂલી ગયાં લોકો મારા કર્મોને હવે,
છતાં જીવનમાં એમની ભલાઈ વિચારીને બેઠો છું,

કાગળનાં આ ટુકડામાં શું દર્શાવું મારી લાગણી,
મનમાં દરેક જીવ માટે દયા ભાવ લઇ બેઠો છું,

ઘાવ આપ્યા મને દિલ પર પોતીકાઓ એ જ,
છતાં દિલમાં એમની જ દુઆ લઇ બેઠો છું,

ઈશ્વર આપે મને જો એક મોકો માંગવાનો,
તો માનવતા વસે દરેક હૈયે એ ખ્વાબ લઇ બેઠો છું,

વાંચું છું રોજ અવનવા સમાચારો છાપામાં,
પણ હૈયે તો પરોપકારની ભાવના લઇ બેઠો છું,

કેવી રીતે આપું સહાય લાચાર સૃષ્ટિના જીવોને,
હું ખુદ જ જવાબદારીઓ આડે લાચાર થઈ બેઠો છું,

થાય છે હવે મને "ઇલ્હામ" કુદરતની નારાજગીનો,
પણ હું તો એટલે જ મારા ખુદાને મનાવવા બેઠો છું..

તારી શોધ

દિલમાં હતી એક કમી,
જે તારા આવવાથી પુરી થઇ,

ભીની આંખોમાં મળી ખુશી,
તને જોવાથી નમી દૂર થઇ,

શબ્દોમાં વહી મારી લાગણી,
જે તારા વાંચનથી સફળ થઇ,

કુદરતે આપી મને એક સૌગાત,
જે તારા ચાહવાથી પુરી થઇ,

નસીબદાર છું કે નહીં એ જવાબની શોધ,
તને પામવાથી હવે પુરી થઇ,

બેરંગ પડેલી મારી જિંદગી,
તારા આવવાથી રંગીન થઇ,

ખુશ છું આજે પામીને તને હું,
મારા દિલની પ્યાસ આજ પુરી થઇ,

"ઇલ્હામ" થયો મને જીવનસાથી વિશેનો,
તને જોતા જ એ શોધ પુરી થઇ..

હે પ્રિયે..

હે પ્રિયે..
આ દિલને કેમ કરી મનાવું?
તારી નમણી આંખ્યુંનો એ દિવાનો,
તારા નાજુક ગાલનો એ પરવાનો..

હે પ્રિયે..
આ દિલને કેમ કરી મનાવું?
તારા શબ્દોમાં એ પરોવાયો,
તારી કવિતાઓમાં એ છપાયો...

હે પ્રિયે,
આ દિલને કેમ કરી મનાવું?
તારી બાહોમાં એ મલકાયો,
તારા પ્રેમમાં એ પછડાયો..

હે પ્રિયે,
આ દિલને કેમ કરી મનાવું?
તારા સ્નેહમાં એ શરમાયો,
તારા ઉલ્લાસમાં એ ઉછડાયો..

હે પ્રિયે,
આ દિલને કેમ કરી મનાવું?
તારી અમીમાં એ અટવાયો,
તારા અશ્રુઓમાં એ અકળાયો..

હે પ્રિયે,
આ દિલને કેમ કરી મનાવું?
તારા નજરોના તિરથી એ ઘવાયો,
તારા શબ્દોમાં એ સમાયો..

હે પ્રિયે,
આ દિલને કેમ કરી મનાવું?
મારી કવિતાનો હવે અંત આવ્યો,
મારા શબ્દોને વિરામ આવ્યો..

પ્રીત

દિલના કોરા કાગળ પર,
તારા પ્રેમની સહી ફેલાવ,

રચાય એક સુંદર રચના,
એવા શબ્દોની હાર બનાવ,

ખીલી ઉઠે મુખ મારુ,
એવો વ્હાલ તું વરસાવ,

આંખ ભરાઈ આવે અમીના અશ્રુઓથી,
એવા સ્નેહની સરિતા તું વ્હાવ,

સૂકી પડેલી મારી જિંદગીમાં,
તારી પ્રીતની હરિયાળી ફેલાવ,

નજરોમાં નાખી તારી નજર,
મારા દિલને તું હવે મનાવ,

આવીને મારા જીવનમાં,
મારી જિંદગી નિરાલી બનાવ,

પાગલ થયો છું તારા પ્રેમમાં,
હવે તું પણ પાગલપંતિની હદ વટાવ,

કોરો ન રહે દિલના કાગળનો એકેય ખૂણો,
એટલા પ્રણય કેરા શબ્દો ઉપજાવ,

ઇલ્હામ થાય છે મને કે મળશું આપણે,
બસ તારી પ્રીતને હવે તું આમ જ ફેલાવ..

પરિશ્રમ

રૂડો લાગે માણસ પરિશ્રમ કરવાથી,
આળસુના તો ખાલી મોઢે જ વખાણ હોય,

સફળતા ચૂમી લે કદમ પરિશ્રમ કરવાથી,
નસીબ પર નિર્ભર રહેનારાના તો વાયદા જ હોય,

શીખી શકાય બે-ચાર નવા કામ પરિશ્રમ કરવાથી,
બાકી કામચોરોના તો ખાલી ખોખા જ હોય,

વિશ્વાસ બેસે કોઈને તમારા પર પરિશ્રમ કરવાથી,
બાકી વાતોના વડાં કરનારાનાં તો અદવિશ્વાસ જ હોય,

બની શકે તમારી મુમતાજ માટે બીજો તાજમહલ પરિશ્રમ કરવાથી,
બાકી વિચારોમાં રમનારાના તો ખાલી છાપરાં જ હોય,

શરીર રહે તંદુરસ્ત પરિશ્રમ કરવાથી,
બાકી તો જીવનમાં ડાયાબિટીસ ને હૃદય રોગના ઉકાળા હોય,

જિંદગી બની જાય રંગીન પરિશ્રમ કરવાથી,
બાકી નવરા બેઠેલાના તો નસીબ પણ કાઠા હોય,

ઇલ્હામ થાય મને સફળતાનો પરિશ્રમ કરવાથી,
બાકી તો એ ખાલી આભાસી જીવનના માળખા હોય..

એષણા 

મધુરવાણી ને પ્રેમાળ સ્વભાવ મળે ચારેકોર,
બસ પ્રભુ મને છે એવીજ એષણા..

લોભ-લાલચ છોડી પરોપકાર જાગે ચારેકોર,
બસ પ્રભુ મને છે એવીજ એષણા..

દિલ ખીલે ને પ્રસરે વ્હાલ ચારેકોર,
બસ પ્રભુ મને છે એવીજ એષણા..

ગરીબોનું કલ્યાણ ને લાચારો પર કૃપા થાય ચારેકોર,
બસ પ્રભુ મને છે એવીજ એષણા..

ભાઈચારો ને માનવધર્મ પ્રસરે ચારેકોર,
બસ પ્રભુ મને છે એવીજ એષણા..