અંતરની અભિવ્યક્તિ ભાગ ૪ Dr Sejal Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતરની અભિવ્યક્તિ ભાગ ૪

         આ ભાગમાં કેટલીક ભાવનાત્મક કવિતાઓ આવરી લેવામાં આવી છે. અલગ અલગ વિષય પર મારા વિચારો ને કવિતા રૂપે અભિવ્યક્ત કર્યા છે.

વિશ્વાસ
જીવન પ્રવાસ માં રહીશું સંગ,
પરસ્પર વિશ્વાસ માં;
આપીએ વચન એકમેકને ,  
નૂતન જીવનની શરૂઆત માં.
 
સપ્તપદીના સાત ફેરા,
 ફરીશું  લઈને  હાથ- હાથમાં;
સહજીવન   જીવીશું  સુમેળભર્યું,
સંકલ્પ કરી સાથમાં.

આવશે અવસરો ઘણા , 
પરિસ્થિતિ ન હોય કાબૂમાં;
વિશ્વાસ રાખીને પરસ્પર , 
ઝઝુમી લેશું સાથમાં .

આ વિશ્વાસ ની દોરી  નાજુક, 
તૂટી શકે એકજ વાત માં,
જતન કરશુ અેનું જીવનભર , 
રહીને એકમેકના  પ્રેમમાં !

ડૉ.સેજલ દેસાઈ

***************"""""*******

નિજાનંદ
દુન્વયી વ્યવહાર ભલે હો અસ્તવ્યસ્ત;
વિચલિત ન થાઉં મારા માર્ગ થી ત્રસ્ત ;
હું તો  રહેવા ચાહું  નિજાનંદ માં મસ્ત !
મારી કવિતા નું વિશ્ચ છે જબરદસ્ત !
એ થકી નિજ લાગણીઓ  વ્યક્ત કરું છું ફકત  ;
હું તો રહેવા ચાહું નિજાનંદ માં મસ્ત !
મારા પ્રભુને અંતરમાં રાખું સમસ્ત ,
મારૂં જીવન  સોંપ્યું એને હસ્તગત,
હું તો રહેવા ચાહું નિજાનંદ માં મસ્ત !
પરમાનંદ અનુભવું છું ધ્યાનસ્ત !
તુજ માં વિલીન થાઉં જીવન બને અસ્ત !
હું તો રહેવા ચાહું નિજાનંદ માં મસ્ત !

ડૉ.સેજલ દેસાઈ,

********************""

પતંગ

આકાશને આંબવા ની અભિલાષા એને ;
 દોરી સંગાથે ઉડતો પતંગ !

ઊંચે ઊંચે ઉડવાની મહેચ્છા એને;
 પવનને બાથમાં લેતો પતંગ !

નહીં બીજાં પતંગ થકી ડર એને ;
નિજ મસ્તી માં રહેતો પતંગ !

બનાવો રંગીન કે શ્ચેત શ્યામ એને;
જીવનમાં આપણા,નવા રંગ ભરતો પતંગ !

લગાવી પેચ છો 'ને દો  કપાવી એને ;
પરંતુ હાર જીત થી પર છે પતંગ !

ડૉ.સેજલ દેસાઈ

*****************"*

સાયબી 

 મારે મન આ નિરોગી શરીર ,
 એ જ સુખ અને સાયબી !
  
 મારે મન આ ઉષ્મા પૂર્ણ જીવન,
 એ જ સુખ અને સાયબી !

મારે મન આ હસતો પરિવાર,
એ જ સુખ અને સાયબી !

મારે મન  આ મિત્રો નો સાથ,
એ જ સુખ અને સાયબી !

મારે મન  આ પ્રભુ ના આશીર્વાદ,
એ જ સુખ અને સાયબી !

ડૉ.સેજલ દેસાઈ

*****************

સખી

સખી! ચાલને થોડું જીવન માણી લઇએ !
તું આ ઘરેડમાંથી બહાર નીકળી તો જો !

સખી ! ચાલને થોડું પોતાના માટે પણ જીવીએ !
તું આ નજરથી પણ વિચારી તો જો !

સખી ! ચાલને ફરીથી બાળક બની જઈએ!
તું બે ઘડી ફુરસદ ની મજા માણી તો જો !

સખી ! ચાલને ફરીથી સંતાકૂકડી રમીએ !
તું સંસારના દુઃખોને થપ્પો મારી તો જો !

સખી !  ચાલને આજે  નિરાંતે હીંચકે બેસીએ !
તું  એને સંગ  પોતાને હળવી કરી તો જો !

ડો.સેજલ દેસાઈ

***************,*,,

અદેખાઈ

ભાઈ  કેવી છે આ અદેખાઈ સમાન સોય...
એનાથી શાંત મનમાં જાણે ખંજર ભોંકાય !

કુટુંબ ના ઝગડા માં એની છૂપી અસર વર્તાય ...
સ્વર્ગ સમાન સંબંધો બને એનાથી નર્ક સમાન  અસહાય...

દૂર કરીશું એને મનમાંથી, બની જાય જીવન સંતોષમય...
જીવન ઝરમર માણીશું , સંબંધો જળવાશે સુખમય...

ડૉ.સેજલ દેસાઈ

********************
વહેમ

બિમાર મનમાંથી ફૂટતુ અંકુર છે આ વહેમ,

સિંચન થાય એનું તો દૂર કરે દિલમાં થી એ પ્રેમ !

મનનાં અંધારા ખૂણામાં સંતાય છે આ વહેમ..

નબળું હોય મન તો ફેલાય છે આ વહેમ..

સાચાં ખોટાં નો ભેદ ન પારખે મન, 
કારણ છે આ વહેમ...

જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાય મન મહીં તો 
ભાગે આ વહેમ...

દૂર થાય જો આ વહેમ તો ભાંગે મનનાં ભરમ...

ડો.સેજલ દેસાઈ

****************,,,,,*******
વેદના

તારાં શબ્દોના અર્થ શોધવા  ફરું છું;
દિલમાં ઉઠતી વેદનાને  ડામવા મથું છું !

તારાં ચહેરાનાં હાવભાવ ને ખાળવા ચાહું છું;
વેદના તું શાને છુપાવે એ વિચારી દુઃખી છું !

તારી આંખોમાં છૂપો ગુસ્સો દૂર કરવા ઈચ્છું છું;
 તારી વેદનાને બહાર લાવવા કોશિશ કરું છું !

તારા એકલતામાં તને સાથ આપવા ચાહું છું;
આપણી  વેદના બળીને ભસ્મ થાય એવું પ્રાર્થું છું !

ડો.સેજલ દેસાઈ

********""*********

આશ્ચાસન

જ્યારે  નબળું પડ્યું મારૂં મન
લાગણીઓનું કરીને જતન
ઉદ્વેગ થકી તણાયુ જોજન ...

જ્યારે છેડાયું યુધ્ધ ગહન
સામસામે અથડાયા હદય અને મન
દિશા કઈ પકડે પવન ?

જ્યારે કર્યું નિરંતર મનોમંથન
આપોઆપ કરીને મનન....
મળ્યું પછી એક આશ્ચાસન !!

ડો.સેજલ દેસાઈ

****************

મહેંદી

ખુશ્બુ જેની અનન્ય એવી આ મહેંદી
મહેકાવે જીવનમાં નવી તાજગી એના થકી ..

પોતે સુકાય ને બીજાને ભિંજવે એવી આ મહેંદી
પ્રસરાવે જીવનમાં નવા રંગ એના થકી..

સ્ત્રીના કોમળ હાથનો શણગાર બને આ મહેંદી
લાવે જીવનમાં નવી ઉષ્મા એના થકી....

નિત્ય નવીન રુપમાં ઢળે આ મહેંદી
લાવે એકઢાળ જીવનમાં  ઉમંગ એના થકી....

ડો.સેજલ દેસાઈ

**************""


શિર્ષક       "  વણઝાર   "

લઈને વણઝાર શબ્દોની ચાલી નીકળ્યો છું,
ફિકર નથી હવે આ દુન્વયી વ્યવહાર ની....

લઈને વણઝાર લાગણીઓની ચાલી નીકળ્યો છું,
જરૂર નથી હવે કોઈ જૂઠાં સંબંધો ની.....

લઈને વણઝાર  પ્રેમની ચાલી નીકળ્યો છું,
દરકાર નથી હવે કોઈ ભ્રમિત મોહ ની.....

લઈને વણઝાર સંબંધો ની ચાલી નીકળ્યો છું,
તૈયારી નથી હવે કોઈ  નવા બંધનની.....

ડો.સેજલ દેસાઈ


*******************""*"****

તસવીર 

એક ક્ષણમાં જીવંત માણસ 
બેજાન તસવીર માં કેદ થઈ જાય છે....

એક ક્ષણમાં પુણ્ય આત્મા
ખોળિયું છોડી ને જાય છે....

એક ક્ષણમાં સ્વાર્થી જીવ
શિવ ના મિલનની ઝંખનામાં ખોવાય છે....

એક ક્ષણમાં  કોઈનુ સ્વજન 
 માયા તણા બંધનો તોડી ને જાય છે....

એક ક્ષણમાં  ગુમાવેલ સ્વજન 
જાણે તસવીર માંથી ડોકાય છે....

ડો.સેજલ દેસાઈ
સુરત ?