Antarni abhivyakti - 3 books and stories free download online pdf in Gujarati

અંતરની અભિવ્યક્તિ ભાગ ૩

         આ ભાગમાં કેટલાક સામાજિક વિષયો પર લખાયેલી કવિતા નો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમય
 
 નિરંતર અવિચળ પ્રવાહ છે સમય,

 પૃથ્વી લોક માં  પ્રવાસ છે સમય,
 
 અસંખ્ય યુગો નો  સાથી છે સમય,
 
અનન્ય વિભૂતિ ઓ નો સાક્ષી છે સમય,

રાત-દિવસ થી પર છે સમય,

દુન્યવી સુખ દુઃખ થી અફર છે સમય ,

દશે દિશાઓમાં ફેલાય છે સમય,

પલભર માં વિતી જાય છે સમય,

અમૂલ્ય એવું ધન છે સમય,

માનવીનું મહામૂલું રતન છે સમય ,
  
જો જો ન વેડફાય આ સમય !

****"***************"""""*****

ધરતી
 
હરિત વર્ણી વનરાજી થકી શોભે ધરતી,
હિમાચ્છાદિત શિખરો થકી ઝૂમે ધરતી,
સૂનાં રણની રેતીમાં પણ દીપે ધરતી,
ખડખડ વહેતી સરીતા સંગ ઘૂમે ધરતી,
ઘૂઘવતા મહાસાગર સંગ ઝૂલે ધરતી,
મઘમઘતા ફૂલો થકી મહેકે ધરતી,
રંગબેરંગી પક્ષીઓ સંગ ઉડે ધરતી,
અસંખ્ય જીવજંતુઓ ને પોષે ધરતી,
સુરજ ને ચાંદતારા થકી પ્રકાશમાન ધરતી,
માનવજાત માટે વરદાન ધરતી ! 

ડૉ.સેજલ દેસાઈ,


******†****************

સ્વર્ગ અને નર્ક

મળે સ્વર્ગ અને નર્ક નહીં મરણોત્તર;
એ છે અહીં જ આ ધરતી પર !

તેનો આધાર છે તુજ કર્મ ઉપર; 
મળશે ફળ ,અહીં જ આ ધરતી પર !

દુભાવ્યું દિલ કોઈનું , બોલી શબ્દો કઠોર;
મળશે નર્ક,અહીં જ આ ધરતી પર !

મદદ કરી સૌને, વ્યવહાર સૌજન્ય સભર;
મળશે સ્વર્ગ , અહીં જ આ ધરતી પર !

પરમપિતા ને યાદ કરીએ ભક્તિ સભર;
મળશે કૃષ્ણ, અહીં જ આ ધરતી પર ! 

ડૉ.સેજલ દેસાઈ

****""""***********

પરિવર્તન

હવે નથી જીવવું ભૂતકાળમાં;
આજની પ્રત્યેક ક્ષણનું કરૂં જતન !

હવે નથી કરવી ભવિષ્યની ચિંતા:
આ જ પળમાં માણું જીવન !

હવે નથી કરવી સરખામણી અન્યો સંગ ;
નિજ સ્વરૂપ સ્વીકારીને રહું મગન !

હવે નથી કરવી સંબંધ માં હરિફાઈ;
નિજ  સંબંધોનું સસ્નેહ કરૂં જતન !

હવે નથી થવું ખિન્ન નાની શી વાતમાં;
મારા ચિત્ત ને સદૈવ રાખું પ્રસન્ન !

હવે નથી થવું અકારણ ભયભીત ;
આત્મવિશ્વાસથી ભરું મારું મન !

હવે નથી કરવી ઈશ્વરને કોઈ ફરિયાદ ;
એનાં નામ નું હંમેશાં કરૂં મનન !

હવે નથી થવું આ સંકલ્પોથી વિચલિત;
હું ચાહું છું મારા જીવનનું પરિવર્તન !

ડૉ.સેજલ દેસાઈ


************"""""""********

પાલવ

માં ના પાલવમાં છે હુંફ મમતાની;
જે થકી સંતાન પામે વાત્સલ્યની અનુભૂતિ !

પત્ની ના પાલવમાં છે પ્યાસ પ્રિત ની,
જે થકી પિયુ પામે પ્રેમ ની અનુભૂતિ !
 
સખી ના પાલવમાં છે મિઠાશ લાગણી ની;
જે થકી સખા પામે  મિત્રતા ની અનુભૂતિ!

બે'નીના  પાલવમાં છે મહેક સ્નેહ ની;
જે થકી ભાઈ પામે વ્હાલની અનુભૂતિ !

ધરતી ના પાલવમાં છે  સંપત્તિ ઉદારતા ની;
જે થકી માનવ પામે સંતોષ ની અનુભૂતિ !

ડૉ.સેજલ દેસાઈ


*"*"""""***************


દયા

મોર્ડન યુગમાં માણસ જીવદયા ને ભૂલ્યો,
અન્ય જીવો  મારી  ખાઈને   કેવો ફૂલ્યો ફાલ્યો?
સહજીવન હતું ક્યારેક એ વાત વિસર્યો !

આધુનિક યુગમાં માણસ જીવદયા ને ભૂલ્યો !
પ્રયોગો કરવા માટે પ્રાણીઓ પર કહેર વર્તાવ્યો;
અસ્તિત્વ એમનું પણ ધરતી પર એ વાત વિસર્યો!

એકવીસમી સદીમાં માણસ જીવદયા ને ભૂલ્યો !
પોતાના શોખને ખાતર પક્ષી ને પાંજરે પૂર્યો !
મુક્ત ગગનમાં શોભા એની એ વાત વિસર્યો !

ડૉ.સેજલ દેસાઈ


***************************

હિંચકો

હિંચકે ઝૂલી હું કેવી હરખાતી ; 
પવન સંગાથે  અલકમલકની વાતો કરતી ;

એના લયમાં મારો લય ભેળવી,
સુરીલા ગીતો  દિલ ખોલીને હું ગણગણતી !

એની ગતિ સંગ મારા વિચારો ઉમેરી
કાગળ પર એને  અક્ષર રુપે હું ઉતારતી ! 

એના સંગાથે   થઈને હળવી
મારું એકાંત મનભરીને હું માણતી !

ડૉ.સેજલ દેસાઈ




***************,*,,,,,*********

પડછાયો

હું અને મારો સાથી  સમાન પડછાયો;
મારી ભિતર છુપાયેલ છતાં ન ઓળખાયો !

સાતે પ્રહર આકાર એનો બદલાયો !
જોઈ હું  મનોમન થોડો ગભરાયો !

તેજ તિમિર ની સાપસીડીમાં એ અટવાયો !
પ્રશ્ર્ન થાય કે  શું મારા કારણે જ એ ફસાયો ? 

અસ્તિત્વ એનું મારા થકી એ વિચારી હું 
ગુમાનમાં ફુલ્યો!
સ્વામિત્વ એના પર મારું , સમજી હું 
ભાન ભુલ્યો !

પકડવા એને હું કંઈ કેટલાય જન્મોથી દોડ્યો !
છેવટે હું એને  મારા સ્વરૂપમાં જોઈ હરખાયો !

ડૉ.સેજલ દેસાઈ




*********"***********

બારણું

આંખો માં અશ્રુની ધાર 
અને મનમાં ચિંતા રાખી
ઓપરેશન થિયેટરની બહાર
બેઠેલો માણસ ,
સતત એ જ ઈંતેજારી માં 
કે ક્યારે ખુલશે આ બારણું ?
અને ક્યારે મળી શકે એ 
એના સ્વજનને નજીકથી ?
આપ્યું હતું વચન  એણે ,
રહીશ હંમેશાં તકલીફમાં સાથે !
પરંતુ આ હોસ્પિટલના નિયમોથી
બંધાયેલ એ, મનોમન ઈશને પ્રાર્થે !

ડૉ.સેજલ દેસાઈ



***********************

બગીચાનો બાંકડો

બગીચાનો બાંકડો બને સાક્ષી
નિત નવિન સાથી કેરો !

નાનાં ભૂલકાં માતા પિતા સંગ
કરતાં અલકમલકની વાતો !

જુવાન હૈયાં એકમેકમાં ભળી
રેલાવે પ્રેમ ગીતો !

વયોવૃદ્ધોની ટોળી જમાવે
ભજન કીર્તન ની રમઝટો 

એકલો માનવી સ્વજન નાં વિરહમાં
મમળાવતો જુની યાદો !

આબાલવૃદ્ધ સૌને પ્રિય
બગીચાનો આ બાંકડો !

ડૉ.સેજલ દેસાઈ




*****"""""*************

શ્ચાસ

શ્ચાસ ની આવનજાવન છે ,તો જીવન છે;
નહીં તો આ કાયા એક પત્થર સમાન છે !

એના લયબદ્ધ સંગીત થકી આ શરીર નિરોગી છે,
એનો લય વિખેરાય, તો એ બનતું રોગોનું ઘર છે !

એના પર નિયંત્રણ રાખનાર માણસ યોગી છે ;
સ્વછંદી બને એ તો માણસની પનોતી છે !

શ્ચાસ ઉચ્છવાસ ની એક જુગલબંધી છે ,
એ જોડી અકબંધ રહે હંમેશ ,તો જીંદગી છે !

ડૉ.સેજલ દેસાઈ
સુરત ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED