Featured Books
શ્રેણી
શેયર કરો

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-43

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-43
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
     વિહાન સાથે વાત કરવા દ્રષ્ટિ વિહાનને રેસ્ટોરન્ટમાં લઇ જાય છે,આકૃતિને શોધવા દ્રષ્ટિ વિહાન સાથે વાતચીત કરે છે અને ખુશીનું એડ્રેસ મેળવે છે..હવે આગળ.
      દ્રષ્ટિ ખુશી સામે બેઠી હતી.વિહાને કહેલી બધી વાતો દ્રષ્ટિએ ખુશીને કહી હતી.ખુશીને બધી વાતની જાણ હોવા છતાં એ ધ્યાનથી દ્રષ્ટિની વાતો સાંભળતી હતી.ખુશી જાણતી હતી કે વિહાને દ્રષ્ટિને બધી વાત નહિ જ કરી હોય.કાળા અક્ષરે લખાયેલો વિહાનનો ભૂતકાળ દ્રષ્ટિ સામે ના આવે એ ખુશી પણ ઇચ્છતી હતી એટલે ખુશીએ સમજી વિચારીને વાત શરૂ કરી.
“દ્રષ્ટિ હું તારી વાત સમજી શકું છું,વિહાન સાથે કોઈ પણ વ્યક્તિ કોન્ટેકમાં આવે એ તેના સ્વભાવથી આકર્ષાયા વિના નથી રહેતી.એમાં પણ આકૃતિએ આપેલા નવા અવતારથી તેના દેખાવમાં ચાર ચાંદ લાગ્યા હતા પણ તું જે કાર્ય કરવાનું વિચારી રહી છે એ મુશ્કેલ નહિ પણ અસંભવ છે”
    દ્રષ્ટિને ખુશીની વાત થોડાં ઘણા અંશે સાચી લાગી કારણ કે ઑફિસમાં એ બૉસ છે એવું કોઈ ઑફિસ સ્ટાફને લાગવા ન દેતો.જુનિયર એકાઉન્ટ હોય કે સીનયર એકાઉન્ટ,નીચે કાચા માલની હેરફેર કરતો મજૂર હોય કે ડિલિવરી કરતો માણસ હોય બધા સાથે એકસરખું જ વર્તન કરતો,કોઈ પણ અહમ,સંકોચ કે ક્ષોભ વિના ગમે તે કામ કરતો,ઘણીવાર તો જાતે જ પુરા સ્ટાફને કૉફી સર્વ કરી જતો,સ્ટાફના મેમ્બર જ્યારે તેને આવા કામ કરવાની ના પાડતા ત્યારે એ હસીને કહેતો, ‘તમે લોકો મારા નીચે કામ કરતાં માણસો નથી,મારો પરિવાર છો અને પરિવાર સામે કોઈ પણ કામ કરવામાં જિજક ના થવી જોઈએ’
     દ્રષ્ટિને એ વાત પણ યાદ આવી જ્યારે એ ઑફિસમાં એકલી હતી.સ્ટાફના મેમ્બર્સ પોતાનું કામ નિપટાવી ઘરે નીકળી ગયા હતા.નક્કી કરેલું કામ અધૂરું ન છોડવાની આદતને કારણે એક ડિઝાઇન તૈયાર કરતાં તેને ખાસો એવો સમય લાગી ગયો.વિહાનને દ્રષ્ટિની આ આદત ખબર હતી એટલે ઘણીવાર વિહાન દ્રષ્ટિને ઑફિસ બંધ કરવાનું કહી નીકળી જતો.
      પોતાનું કામ પૂરું દ્રષ્ટિએ બેક ઑફિસ બંધ કરી,દાદર ઉતરી નીચેના મજલે આવી.નીચેના મશીનરી રૂમમાં લાઈટ શરૂ હતી,એક મશીનનો અવાજ પણ આવતો હતો.દ્રષ્ટિ એ રૂમમાં ગઈ તો વિહાન એક મશીન બેનર સેટ કરતો હતો.તેના શર્ટ પર શાહીના રંગના ડાઘા પડી ગયા હતા. કપાળે પરસેવો હતો.
“સર આ શું કરો છો?”વિહાનને રોકતાં દ્રષ્ટિએ કહ્યું, “હું મગનને કૉલ કરી બોલાવી લઉં છું,તમારે ના કરાય”
“ના દ્રષ્ટિ હું કરી લઈશ”વિહાને દ્રષ્ટિને સમજાવતા કહ્યું, “અખિલેશભાઈ પટેલને કાલે સ્વીટ & માર્ટનું ઓપનિંગ છે,અંત સમયે બીજી પાર્ટી સાથે પેમેન્ટ બાબતે ઝઘડો થવાને કારણે પાર્ટીએ બેનર ના આપ્યું એટલે તેઓને કોઈએ આપણો કોન્ટેક નંબર આપ્યો.તેઓનું કામ અટકી જાય એમ વિચારી મેં સાંજ સુધીમાં બેનર તૈયાર કરવાનું વચન આપી દીધું હતું અને અહીંયા આવ્યો તો મગનભાઈ નીકળી ગયા હતા એટલે મેં વિચાર્યું હું જાતે જ કરી લઉં”
“પણ તમે આ કામ માટે ટેવાયેલા નથી સર…”દ્રષ્ટિએ દલીલ કરતા કહ્યું.
“દ્રષ્ટિ..”વિહાને હળવા સ્મિત સાથે કહ્યું, “આપણો નિયમ છે, પાપા એ જે કામ કર્યું છે એ કામ કરવામાં કોઈ દિવસ સંકોચ નહિ રાખવાનો,ભલે સામે એક માણસ હોય,હજાર હોય કે લાખો હોય”
    દ્રષ્ટિએ ટીપોઈ પર પેડેલો પાણીનો ગ્લાસ હાથમાં લીધો.ઉતાવળથી એક ઘૂંટડો ગળા નીચે ઉતારી ગઈ.ખુશી સાથે વાતોનો દોર શરૂ કર્યા પછી દ્રષ્ટિએ આવું પાંચમીવાર કર્યું હતું.કેમ પણ ખબર નહિ,દ્રષ્ટિને ખુશીની વાત ગળે ઉતરતી હતી.વિહાને કહેલું કે ખુશી પહેલેથી જ તેને એકતરફી પ્રેમ કરતી જે તેને ઇશાના મૃત્યુ પછી ખબર પડી હતી.દ્રષ્ટિને રહી રહીને એ વાત જ યાદ આવતી હતી.ખુશી પોતાના પક્ષે આકૃતિને નીચી દેખાડવા ઈચ્છે છે એવું દ્રષ્ટિને લાગતું હતું.
      ખુશી પણ આ વાત કળી ગઈ હતી,દ્રષ્ટિએ જવાબ ના આપ્યો એટલે ખુશીએ કહ્યું, “હું તો પ્રયાસ કરી ચુકી છું પણ આકૃતિને જે ગેરસમજ થઈ છે એ વિહાન સિવાય કોઈ પણ દૂર કરી શકે એમ નથી અને આકૃતિ વિહાનને મળવા નથી ઇચ્છતી”
       દ્રષ્ટિને ખુશીની વાત સાચી ન લાગી કારણ કે જો આઆકૃતિ ક્યાં છે એ જાણતી હતી તો આકૃતિની જાણ વિના વિહાનની મુલાકાત આકૃતિ સાથે કરાવી શકી હોત,એકવાર આકૃતિ અને વિહાન આમને-સામને આવી જાત તો બધી જ ગેરસમજ દૂર થઈ જાય.
“તમે આકૃતિને છેલ્લે ક્યારે મળ્યા હતા?”દ્રષ્ટિએ વિચારીને કહ્યું, “હું તેને મળવા ઈચ્છું છું જો તમે પરવાનગી આપો તો”
“હું મળી તેને પણ એક વર્ષ થઈ ગયું છે,હવે એ ભારતમાં નથી અને આકૃતિને મળવાથી હવે કંઈ વળવાનું નથી,તેની વિક્રમ સાથે સગાઈ થઈ ગઈ છે અને થોડાં સમય પછી બંને પરણી પણ જશે”
“તમે ખુશ છો આ સબંધથી?”દ્રષ્ટિએ કોરાં અવાજે પૂછ્યું,“શું તમે નથી ઇચ્છતાં કે આકૃતિ અને વિહાન મળે?”
“હું ઈચ્છું જ છું,પણ જે સબંધમાં તિરાડ પડી ગઈ હોય એ સંબંધને આગળ જતાં ગમે એટલો સાચવો પણ એ તિરાડ નથી પુરાતી અને જો તિરાડ પુરાય તો પણ એના નિશાન ગમે ત્યારે નજર સમક્ષ આવી જ જાય છે”
“તમે આકૃતિ નામની દીવાલને દૂર કરીને પોતાની દીવાલ ચણવા નથી ઇચ્છતાને?”દ્રષ્ટિએ ખુશીના મોંઢા પર જ કહી દીધું, “તમે પણ વિહાનને પ્રેમ કરતાં જ ને?”
“સંભળીને વાત કર દ્રષ્ટિ”એકાએક ખુશીનો અવાજ ઉંચો થઈ ગયો, “તું હકીકતથી વાકેફ નથી તો સમજ્યા વિચાર્યા વિના અનાબ-શબાબ ના બક”
“હું અનાબ-શબાબ બકુ છું?”દ્રષ્ટિ પણ એમ વિચલિત થાય એવી છોકરી નોહતી, “આઆકૃતિ વિક્રમને પરણી જાય અને તમે અહીંયા આરામથી વિહાનને પરણી શકો એ જ વિચારેલુંને?”
“દ્રષ્ટિ…”ખુશીનો અવાજ ફાટી ગયો,એ ખુરશી પરથી ઉભી થઇ ગયી,અનાયાસે જ તેનો હાથ ઊંચો થયો અને દ્રષ્ટિને એક તમાચો ચૉડી દીધો.
     દ્રષ્ટિ હસી, “તમાચો મારવાથી હકીકત છુપાઈ જવાની નથી ખુશીબેન”
“તારે આકૃતિને મળવું જ છે ને?”ખુશીએ ગુસ્સામાં કહ્યું, ભયંકર ગુસ્સામાં.કદાચ તેણે પુરા જીવનકાળ દરમિયાન કોઈ સાથે એટલા ઊંચા અવાજે વાત નોહતી કરી, “દહેરાદુન જઈશ તું?”
“જો આકૃતિ અને વિહાન સર મળતાં હોય તો હું દહેરાદુન તો શું દુનિયાના કોઈ પણ ખૂણે જવા તૈયાર છું”સ્મિત સાથે દ્રષ્ટિએ કહ્યું.ખુશીએ ગુસ્સામાં જ વિક્રમના ઘરનું એડ્રેસ નૉટ કરી દીધું.દ્રષ્ટિએ એ કાગળ હાથમાં લીધો.
“મારા શબ્દોથી જો તમને ઠેસ પહોંચી હોય તો મને માફ કરજો”દ્રષ્ટિએ બે હાથ જોડી માફી માંગતા કહ્યું, “વિહાનસરની આવી હાલત હું જોઈ નથી શકતી એટલે”આવેશમાં બોલાય ગયું એમ વિચારી માફ કરવાની કોશિશ કરજો”દ્રષ્ટિના ગળામાં ડૂમો ભરાઈ ગયો,એ આગળ બોલી ના શકી.
     ખુશી દ્રષ્ટિને નિહાળતી રહી,થોડીવાર આમ જ ચુપકીદી છવાઈ રહી.અંતે ખુશીએ પણ દ્રષ્ટિને પૂછી જ લીધું, “તું વિહાન માટે આટલું બધું શા માટે કરે છે?ક્યાંક તું તો….”
      દ્રષ્ટિ પોતાનાં કામમાં સફળ થઈ હતી.આકૃતિ અત્યારે ક્યાં છે એ એની જાણકારી તેના હાથમાં હતી એટલે ખુશીના સવાલનો જવાબ આપ્યા વિના જ એક બનાવતી સ્મિત આપી એ સડસડાટ નીકળી ગઈ.
      દ્રષ્ટિ દરવાજા બહાર નીકળી ત્યાં સુધી ખુશી તેને જોતી રહી અને છેલ્લે મનમાં બબડી, ‘જે પ્રકરણ અમે ચાર વર્ષથી પૂરું કરી દીધું છે, આ છોકરી ફરી ખોલવા જઇ રહી છે. ભગવાન વિહાનને લડવાની તાકાત આપજો’
     ખુશીને વિહાન યાદ આવ્યો,ખુશી જાણતી હતી કે વિહાન પોતાને સંભાળતા શીખી ગયો છે. છતાં એવું તો શું બન્યું હશે કે સ્ટાફની એક છોકરી સામે પોતાનું દિલ ઠાલવી દીધું.ખુશીને ફાળ પડી.ઉતાવળા પગે એ ઘરમાં ગઈ,ટેબલ પર પડેલો મોબાઈલ ઉઠાવ્યો અને વિહાનને કૉલ કર્યો.
                           ***
     વિહાનને દ્રષ્ટિની વાતો પર વિશ્વાસ નોહતો થતો. ‘બે વ્યક્તિ સાથે એક સરખી જ ઘટના કેવી રીતે બની શકે?’એ વિચાર વિહાનને કોરી ખાતો હતો.વિહાન અત્યારે પોતાની ફોર્ચ્યુનરમાં સ્ટેરિંગ પર માથું ઢાળી રડતો હતો.દ્રષ્ટિએ કહેલી વાતો વિહાનને સતત પજવી રહી હતી.
“તને કેમ આ વાતમાં આટલો રસ છે દ્રષ્ટિ?”શંકસૂચક અવાજે વિહાને અમસ્તા જ જિજ્ઞાસા ખાતર પૂછી લીધું હતું.
“હું તમારા જેવી જ વિચારધારા ધરાવું છું સર,કોઈ એકને તો પોતાનો પ્રેમ મળવો જોઈને?” દ્રષ્ટિ હસીને,બનાવટી સ્મિત સાથે મૃદુ અને રહસ્યમય રીતે આસની વાત શરૂ કરી હતી.
“કોઈ એકને તો મતલબ…?”વિહાને વાક્ય અધૂરું છોડી દીધું,અનાયાસે જ તેનાથી એ વાક્ય અધૂરું છોડાય ગયું.જો દ્રષ્ટિ પણ એ લોકોમાંથી એક નીકળી તો?વિહાનને દ્રષ્ટિનો મુર્જાતો, ઉદાસ ચહેરો જોઈ વિચાર આવ્યો.
“અમે બંને કોલેજ સમયમાં જ મળ્યા હતા,હું ફર્સ્ટયરમાં હતી અને એ સેકેન્ડયરમાં.દેખાવમાં હેન્ડસમ,સોહામણો,પરાણે વ્હાલો લાગે એવો વિશ્વજીત પહેલી નજરે મને દિલ દઈ બેઠો હતો.કૉલેજમાં છોકરીઓ તેના પર ફિદા હતી.અમે બંને પ્રેમના સંબંધમાં જોડાયા પછી પણ રોજ કોઈ છોકરીને તેને પ્રપોઝ કરતી પણ એટલી સરળતાથી મારી સમક્ષ એ કોઈ પણ પ્રપોઝલને ઠુકરાવી દેતો.
       તેના પપ્પાને કાપડનો બિઝનેસ હતો,એક દિવસ બિઝનેસના સિલસીલામાં તેને મુંબઈ જવાનું થયું.બસ એ મુંબઈ ગયો પછી પાછો ના ફર્યો.મેં ઘણી કોશિશ કરી તેનો કોન્ટેક કરવાની પણ મને મારા બધા જ પ્રયાસો વ્યર્થ રહ્યા.મને વિશ્વાસ હતો કે એક દિવસ એ આવશે અને મને સૉરી કહી ગળે લગાવી લેશે.બે વર્ષ સુધી મેં તેની રાહ જોઈ,અંતે તેના લગ્નના સમાચારે મને તોડી નાંખી.હાલમાં તો તેને એક બેબી પણ છે”અંતે હસતાં હસતાં,આંખોમાં આંસુ સાથે દ્રષ્ટિએ પોતાની વાત સમેટી લીધી.
     વિહાન દ્રષ્ટિને તાંકતો રહ્યો.અપકલ નજરે અને અવિસ્મયથી. ‘બે વર્ષ પછી તેને પણ આકૃતિના બાળકના સમાચાર મળશે’ એ વિચારે તેને હચમચાવી મુક્યો પણ અત્યારે દ્રષ્ટિને સંભાળવી જરૂરી હતી.જો દ્રષ્ટિ સામે એ ઢીલો પડશે તો કોઈ કોઈને સંભાળી નહિ શકે એ વિહાન જાણતો હતો.
“દ્રષ્ટિ”વિહાને દ્રષ્ટિના હાથ પર હાથ રાખ્યો અને ધીમેથી પંપાળ્યો, “સમય બધું ભૂલવી દે છે,જો સમયને તમે સમય આપો તો જાતે જ જીવતા શીખવી દે છે.હું એમ નથી કહેતો કે આપણી સ્ટૉરી સરખી છે અથવા તારી સાથે જે થયું એ જ મારી સાથે થશે પણ તારી સાથે જે થયું એ ખોટું થયું.હું તને સમજી શકું છું”વિહાનની આંખો પણ ભીંની થઈ ગઈ, “જ્યારે કોઈ વ્યક્તિ કારણ આપ્યા વિના જ જિંદગીમાંથી ચાલ્યું જાય છે ત્યારે આપણા શરીરનું એક અંગ કપાઈ ગયું હોય એટલી પીડા થાય છે પણ આપણે તો માણસ છીએ,જો રાધાજી કૃષ્ણ ભગવાન પાસે પોતાનું કારણ જાણી નોહતા શક્યા તો આપણે તો શું….”વિહાન ચૂપ થઈ ગયો. પોતે શું બોલી ગયો એની તેને ભાન ના રહી. ‘આકૃતિ એક દિવસ ચોક્કસ મળશે જ’ એ દ્રઢ વિશ્વાસ હવે ડગી ગયો હતો.
        ફિલોસોફી પણ કેવી ગજબની વસ્તુ છે, બીજા માટે જે ફિલોસોફી આપતાં હોઈએ એ જ ફિલોસોફી આપણાં પર અમલ કરીએ તો પરિણામ દુઃખ પહોંચાડે એવા જ મળે છે.વિહાન સાથે પણ આ જ થઈ રહ્યું હતું. દ્રષ્ટિને સમજાવવા જતા ક્યારે એણે પોતાની વાત દ્રષ્ટિની સાથે જોડી દીધી એની તેને પણ જાણ ના રહી.
“એટલે જ સર”દ્રષ્ટિની આંખમાં ચમક આવી,અવાજમાં ઉત્સાહ ભળ્યો, “વિહાને આકૃતિને કારણ ના પૂછવું પડે એટલે જ હું કહું છું કે મને એક પ્રયાસ કરવા દો,જો તમે બંને મળી ગયા તો હું એમ સમજીશ કે મારો પ્રેમ મને મળી ગયો છે, તમારા બંનેની ખુશી જોઈ હું પોતાની જાતને એ દર્શવવા માંગુ છું કે પ્રેમ જેવી વસ્તુ હજી દુનિયામાં છે”
   દ્રષ્ટિના અવાજ પરથી વિહાનને થોડી આશા બંધાય હતી.બેસીને આકૃતિની રાહ જોવા કરતાં એ ક્યાં છે એ શોધવાના પ્રયાસો કરવા વિહાનને ઉત્તમ લાગ્યું.એટલે જ વિહાને દ્રષ્ટિને મંજૂરી આપી દીધી.
       વિહાનનો ફોન રણક્યો.તેણે સ્ટેરિંગ પરથી માથું ઊંચું કરીને બાજુની સીટ પરથી મોબાઈલ હાથમાં લીધો. સ્ક્રીન પર જોયું તો 62 થી શરૂ થતો નંબર સતત ફ્લેશ થતો હતો.
(ક્રમશઃ)
     કોનો ફોન હશે? આકૃતિ કે વિક્રમ? કે પછી ત્રીજા વ્યક્તિનો?શું દ્રષ્ટિ આકૃતિને શોધી શકશે?વિહાન અને આકૃતિ ક્યારે મળશે?જાણવા વાંચતા રહો.વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)