Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-42

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-42
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
   અરીસા સામે ઉભો રહી વિહાન આકૃતિને ફરિયાદ કરતો કરતો આકૃતિ સાથે છેલ્લીવાર કૉલમાં થયેલી વાતો યાદ કરે છે, આકૃતિ બેબુનિયાદી આરોપ લગાવી વિહાનની છોડી ગઈ હતી.
    બીજા દિવસે સવારે દ્રષ્ટિ ક્રિષ્ના નામની છોકરીનો જન્મદિવસ છે એ બહાનું બનાવી વિહાનને બપોરે રેસ્ટોરન્ટમાં લઈ જવા તૈયાર કરે છે.. હવે આગળ..
     બપોર સુધીમાં દ્રષ્ટીએ ડીઝાઇન તૈયાર કરી લીધી. દ્રષ્ટિ હંમેશા વિહાનની અપેક્ષાઓ પર ખરી ઉતરતી.આજે પણ દ્રષ્ટીએ બેનમુન ડીઝાઇન તૈયાર કરી હતી.
“સર..”ડોર નોક કરતાં દ્રષ્ટિ વિહાનની ઓફિસમાં પ્રવેશી.
“ડીઝાઇન તૈયાર થઈ ગઈ,તમે ચેક કરીલો એકવાર”તૈયાર કરેલી ડીઝાઇનની કૉપી વિહાનના ટેબલ પર રાખતા દ્રષ્ટી ખુરશી પર બિરાજમાન થઈ.વિહાને ડીઝાઇન હાથમાં લીધી.બે-ત્રણ વાર ફેરવી.ડીઝાઇન જોઈ વિહાનના ચહેરાના ભાવ બદલાયા.
“ખુબ સરસ દ્રષ્ટિ,જે ડીઝાઇન તૈયાર કરતાં મારે બે દિવસનો સમય લાગે છે એ ડીઝાઇન તું અડધા દિવસમાં તૈયાર કરી આપે છે.”દ્રષ્ટિના કૌશલ્યના ભારોભાર વખાણ કરતાં વિહાને કહ્યું.
“થેંક્યું સર”દ્રષ્ટીએ હસીને કહ્યું, “બપોર થવા આવી છે તો આપણે નીકળશું હવે?”ક્રિષ્નાના જન્મદિવસ પર જવાની વાત યાદ અપાવતા દ્રષ્ટીએ કહ્યું.
“અરે હા,કામના ભારણને લીધે એ વાત ભૂલાય જ ગઈ.”વિહાને માથું ખંજવાળતા કહ્યું, “એક કામ કર,તું એના માટે એક મસ્ત ગીફ્ટ લઈને પહોંચ,હું થોડીવારમાં પહોચું છું."
     દ્રષ્ટિ વિહાનને સ્માઈલ આપી નીકળી,વિહાને ઘરે ફોન કરી સ્નેહાને ટીફીન માટે ના કહી દીધી,ઓફિસનું કામ આટોપીને 'રોયલ ટેસ્ટર રેસ્ટોરન્ટ' તરફ ફોર્ચુનર હંકારી.
     વિહાન રેસ્ટોરન્ટે પહોંચ્યો.કાચના પાટેશનમાં વિહાને જોયું તો એક ખૂણાના ટેબલ પર દ્રષ્ટિ એકલી બેઠી હતી.વિહાન દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો.
"ક્રિષ્ના ક્યાં છે?"દ્રષ્ટિની સામે ખુરશી પર બેસતાં વિહાને પૂછ્યું.
"એ નહિ આવે સર,એ તો તેના કામથી બહાર ગઈ છે.એ આજે નોહતી આવવાવની એ વાત મને ખબર હતી એટલે તમને અહિયાં સુધી લાવવા મેં બહાનું બતાવ્યું હતું"દ્રષ્ટીએ કહ્યું.
“શું વાત કરે છે દ્રષ્ટિ?”વિહાને ગુસ્સે થતા ઊંચે અવાજે કહ્યું,પછી જાતે જ શાંત થઈ બોલ્યો, “તને ખબર છે ને મારે કેટલું કામ હોય છે”
“હા સર,મને બધી જ ખબર છે પણ મારે જે વાત જાણવી હતી એ તમારા કામ વચ્ચે થાય એમ નહોતી એટલે મારે જુઠ્ઠું બોલી તમને અહીંયા બોલાવવા પડ્યા.”
“ઑકે તો આવી ગયા છીએ તો લંચ કરતાં કરતાં જ વાત કરીએ”વિહાને હસીને કહ્યું.વિહાનનું આમ બદલાયેલું વર્તન જોઈ દ્રષ્ટિને આશ્ચર્ય થયું.
     બંનેએ રોટલી અને મિક્સ દાળનો ઓર્ડર આપ્યો.સાથે પાપડ,સલાડ અને છાશ સાથે જમવાનું પીરસવામાં આવ્યું.
“હા બોલ હવે તું શું કહેતી હતી?”વિહાને રોટલીનો કોળિયો મોઢામાં મુકતા પહેલાં પૂછ્યું.
“હું તમને અને આકૃતિને મેળવવા ઇચ્છુ છો. જો તમે પરમિશન અને તેના વિશે માહિતી આપો તો હું મારો પૂરો પ્રયાસ કરીશ તમને બંનેને મેળવવા માટે.”દ્રષ્ટિએ કહ્યું.
“જમવાનું શરૂ કર,નહીંતર હું એકલો બધું ચટ કરી જઈશ”વિહાને હસીને કહ્યું.વિહાનના કહેવાથી દ્રષ્ટિએ કોળિયો મોઢામાં મુક્યો.
“તને શું લાગે છે મેં કોશિશ કરી જ નહીં હોય?”વિહાને વાત શરૂ કરતાં કહ્યું, “મેં એ બધા રસ્તા અપનાવી લીધા જ્યાંથી આકૃતિને મળવાની આશા હતી પણ એ બધા રસ્તે નિરાશા સિવાય મને કંઈ પણ હાથ નથી લાગ્યું”
“આશા ઉપર તો જિંદગી ટકેલી છે સર અને શું તમે એવું નથી ઇચ્છતા કે તમે જે આકૃતિને ખોઈ દીધી છે એ તમારી લાઈફમાં પાછી આવે”દ્રષ્ટિએ સવાલ પૂછ્યો.
“ઈચ્છું જ ને,ઈનફેક્ટ હજી મારી એ આશા જીવંત જ છે કે એક દિવસ અચાનક આકૃતિ આવીને મને સૉરી કહેશે અને…”વિહાન છાશનો ઘૂંટડો ભરવા અટકાયો, “અને છોડી જવાનું કારણ કહેશે,અને હું એ વાસ્તવિકતા સ્વીકારું છું કે હવે તેના પર મારો અધિકાર નથી પણ પ્રેમ પર તો કોઈનો અધિકાર નથી હોતો..!!,પ્રેમ તો પ્રેમ જ હોય છે બધી જ જગ્યાએ”વિહાને સસ્મિત સાથે કહ્યું.
“કેવી રીતે સર?”દ્રષ્ટિ સંપૂર્ણપણે આશ્ચર્ય પામતાં બોલી, “તમે આટલી સહજતાથી કેવી રીતે વર્તી શકો છો? આઈ મીન તમે જેને પ્રેમ કરો છો એ તમારાથી દૂર છે છતાં આટલી સહજતા?”
“તને પાગલપણું લાગશે પણ એણે જ મને આવી રીતે રહેતાં શીખવ્યું હતું,એ મને ઘણીવાર કહેતી કે આપણું શરીર એક વાહન જેવું છે અને આપણું મન વાહનચાલક જેવું.આપણું મન જે કરવા ઈચ્છે છે શરીર એ પ્રમાણે જ કાર્ય કરે છે,મેં મારા મનને એવી રીતે તૈયાર કરી દીધું છે કે સુખ-દુઃખ રૂપી ગમે તેવા ચડાવ-ઉતાર આવે મન અને શરીરને સ્થિર જ રાખવા”ખુરશી પર રિલેક્સ થતાં વિહાને કહ્યું.
“તમારી બંનેની છેલ્લી વાત ક્યારે થઈ હતી?”દ્રષ્ટિએ વાત બદલતાં પૂછ્યું.
“મારા બાવીશમાં જન્મદિવસના દિવસે,ઇશાને મૃત્યુ પામ્યાને હજી બે જ મહિના થયા હતા”
“શું ઈશા મૃત્યુ પામી છે?”વિહાનને વચ્ચેથી રોકતાં દ્રષ્ટિએ પૂછ્યું.
“હા,એ લાંબી વાત છે”વિહાને કહ્યું.
“ઑકે,ત્યારે તમારી અને આકૃતિ વચ્ચે શું વાત થઈ હતી?”દ્રષ્ટિએ પૂછ્યું.
“કોઈ અજાણ્યા નંબર પરથી તેણે કૉલ કરેલો,તેનો અવાજ સાંભળી હું રડવા લાગ્યો હતો.ઈશા મૃત્યુ પામી ત્યારે મારે તેની સખત જરૂર હતી અને એ સમયે એ હાજર ના રહી તેનો ઠપકો આપવો હતો મારે,ઈશા અમારી ક્લોઝ ફ્રેન્ડ હતી છતાં તેના મૃત્યુથી આકૃતિને કેમ કોઈ ફર્ક ના પડ્યો એ પૂછવું હતું મારે,બે મહિનાથી ક્યાં છે એ, શું કરે છે, અમદાવાદ કેમ નથી આવી એ બધું જ પૂછવું હતું મારે…પણ..”કહેતાં વિહાને નિસાસો નાખ્યો.
“પણ શું સર?”ઉત્સાહમાં ટેબલ તરફ ઝુકતા દ્રષ્ટિએ પૂછ્યું.
“પણ તેણે મારી એકેય વાત ન સાંભળી,ઉપરથી મારા પર ખોટા આક્ષેપો નાખ્યા,એ મારા વગર ખુશ છે એટલે તેનો કોઈ દિવસ કોન્ટેક્ટ ના કરવો એમ કહી કૉલ કટ કરી દીધો”વાત પૂરી કરતાં વિહાનની આંખોમાં ખુણા ભીનાં થઈ ગયા,ઉતાવળથી ટીસ્યુ પેપર લઈ આંખોમાં ખૂણે ફેરવી લીધું અને હળવું હસ્યો.
“તમે પછી તેનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી હતી?”
“થોડાં દિવસ મને માઠું લાગ્યું હતું એટલે મેં ગુસ્સામાં તેને કોન્ટેક્ટ ના કર્યો પણ મારો ગુસ્સો ઓસરી ગયો અને તેના વિના મારી જિંદગીમાં કંઈક ખૂટે છે તેનો આભાસ થયો એટલે મેં તેની શોધખોળ શરૂ કરી દીધી હતી,તેણે જે નંબર પરથી કૉલ કર્યો હતો એ નંબર પર મેં કૉલ કર્યો પણ એ નંબર બંધ આવતો હતો.પછી તેના ઘરે જઈ પણ મેં પૂછપરછ કરેલી, ‘આકૃતિને આગળના અભ્યાસ માટે દોસ્તના દીકરા સાથે સિંગાપોર મોકલી દીધી છે’એમ કહી હંમેશા એ લોકો મને ટાળતા.મેં તેના સગા-સબંધીઓનો પણ કોન્ટેક્ટ કરેલો,મને આકૃતિ વિશે થોડી પણ માહિતી ના મળી”
“પછી ક્યારેય તેનો ફોન નથી આવ્યો?”દ્રષ્ટિએ ઉદાસીન ભાવ સાથે પૂછ્યું.
“ના,પછી ક્યારેય મારી સાથે વાત નથી થઈ.હા તેની બાળપણની દોસ્ત ખુશી સાથે ક્યારેક કૉલમાં વાત થાય છે પણ તેણે ખુશીને કસમ આપી છે કે પોતે ક્યાં છે એ વાત મને ના જણાવે અને આમ પણ જો એ મને મળવામાં રાજી નથી તો હું શા માટે તેને મળવા તડપુ?,મારો પ્રેમ છે અને રહેશે બસ એ વાતથી ખુશ છું”વિહાને સહજતાથી કહ્યું.
“ખુશી અત્યારે ક્યાં છે?”દ્રષ્ટિએ પૂછ્યું.
“હાલ એ એક એન્જીઓમાં સેવા આપે છે અને અમદાવાદમાં જ છે અને તને એ વાત જાણી વધુ આશ્ચર્ય થશે કે મારી અને ખુશીની સગાઈની વાત ચાલી રહી છે”વિહાને પોતાની વાત પર જ હસતાં કહ્યું.
“શું?”દ્રષ્ટિથી પણ હસી છૂટી ગઈ, “એને ખબર છે કે તમે આકૃતિને હજી પ્રેમ કરો છો છતાં એ રાજી થઈ ગઇ?”
“થોડાં દિવસ પહેલાં આકૃતિનો કૉલ આવ્યો હશે તેને,તેણે સગાઈ કરી લીધી છે તો મારા મમ્મી કહે છે કે હું તેની રાહ ના જોઉં,આમ પણ ખુશીને હું કૉલેજ ટાઇમથી જ પસંદ છું તો કોઈ એકને તો તેનો પ્રેમ મળવો જોઈને?”બનાવટી સ્મિત સાથે વિહાને કહ્યું.
“કેવા પ્રકારની વ્યક્તિ છે આ આકૃતિ સર?”દ્રષ્ટિ ગુસ્સામાં બબડી, “એક વ્યક્તિ તેના માટે રોજ પોતાની રાતોને ભીંની કરે છે અને એ ત્યાં ખુશીથી રહી શકે છે”
     વિહાન હસ્યો.દ્રષ્ટિની નાદાની પર અને પોતાનાં પાગલપણા પર,“સ્વીકારવું મુશ્કેલ છે પણ હકીકત છે એ હકીકત જ રહેવાની”
“એવું પણ બની શકેને કે ખુશી જુઠ્ઠું બોલતી હોય,તમે કહો છો કે કોલેજ ટાઇમથી જ એ તમને પ્રેમ કરતી તો એવું પણ બની શકેને કે આકૃતિ વિશે એ તમને કહેવા ઇચ્છતી ના હોય અને આકૃતિનું બહાનું આપતી હોય”દ્રષ્ટિએ તર્ક કાઢતાં કહ્યું.
“એવું ના હોય,છેલ્લાં પાંચ વર્ષથી મેં એ જ આશાએ પોતાનો મોબાઈલ નંબર બદલ્યો નથી કે આકૃતિ કૉલ કરશે.જો તેને કંઈક કહેવું હોય તો મને જ કૉલ કારેને,વાયા વાયા શા માટે કહે?”
“તમે છોકરીઓને નથી ઓળખતાં સર,પોતાની ભૂલ હોય તો પણ સામે ચાલીને સૉરી ના કહે,તેની સહેલી સાથે અથવા દોસ્ત સાથે જ સંદેશો મોકલે”દ્રષ્ટિએ હસીને કહ્યું.
“તો એક કામ કર,આ ખુશીનું એડ્રેસ છે”એક એન્જીઓનું વિઝિટિંગ કાર્ડ પોકેટમાંથી કાઢતાં વિહાને કહ્યું, “તું જાતે જ મળી લેજે”
“હા મેં આમ પણ ખુશી અને ઇશાને મળવાનું વિચારી જ લીધું હતું,ઈશા તો નથી એટલે બની શકે એટલી માહિતી ખુશી પાસેથી મેળવવાની કોશિશ કરીશ”વિઝિટિંગ કાર્ડ સાઈડ બેગમાં રાખતાં દ્રષ્ટિએ કહ્યું.
“તને કેમ આ વાતમાં આટલો રસ છે દ્રષ્ટિ?”શંકસૂચક અવાજે વિહાને દ્રષ્ટિ સામે જોઇને પૂછ્યું.
     દ્રષ્ટિ હસી.બનાવટી, મૃદુ અને રહસ્યમય.
“હું તમારા જેવી જ વિચારધારા ધરાવું છું સર,કોઈ એકને તો પોતાનો પ્રેમ મળવો જોઈને?”
(ક્રમશઃ)
    દ્રષ્ટિ કેમ એવું કહ્યું?,શું દ્રષ્ટિનો ભૂતકાળ પણ વિહાન જેવો જ રહ્યો હશે?દ્રષ્ટિ ખુશીને મળી શું વાતો કરશે?શું દ્રષ્ટિ વિહાન અને આકૃતિને મેળવી શકશે?આકૃતિ અત્યારે ક્યાં હશે?જાણવા વાંચતા રહી,વિકૃતિ.
    28 જાન્યુઆરીથી મેઘા ગોકાણીની કલમે ‘લવ,લાઈફ અને કન્ફ્યુઝન’ નામે નવી નૉવેલ રજૂ થઈ છે, અચૂક વાંચજો.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)