. લંપટ
હું હજુ બેંકની નોકરી કરીશ એ વિચાર પણ મને નહોતો આવ્યો એ વખતની, આશરે 1972 આસપાસની મને કહેવાયેલી વાત છે.
મેં અગાઉ કહ્યું છે તેમ શાખા સ્તરે અને છેક રાષ્ટ્રીય સ્તરે યુનિયનોનું ખાસ યોગદાન રહ્યું છે. પણ મેં આગળ કહેલું તેમ કેટલાંક તત્વો ધરાર પોતાનો કક્કો ખરો કરવા કે બીજાઓ પર ધાક બેસાડવા, દાદાગીરી કરવા જ યુનિયન ચલાવતા. બિચારો જુનિયર ઓફિસર ઢીલો હોય તો ‘મેનેઝમેન્ટ નો માણહ’ કહેવાઈ જાય, એની આગળ પાછળ હેરાનગતિ થયે જ રાખે. હવે મારી નોકરી નાં અંતિમ વર્ષોમાં એ હેરાનગતિ ઉપરના લેવલે લઈ લીધેલી. ઠીક. જવાદો. આપણે આ પ્રસંગ જોઈએ.
શાખામાં દેખાવો થયા. કોઈ માંગ માટે કામકાજ બંધ. ગ્રાહકો બાનમાં. મોટેથી બુમ બરાડા, પોતાની વાત મનાવવા અને ધાર્યું કરાવવા સૂત્રોચ્ચાર કાન ફાડી નાખે એ હદે ચાલુ હતા. ધાક ધમકીને વશ ન થનારા મેનેજર કેબિનમાં કામ કર્યે રાખતા હતા. એ વખતે કેબીન કાચની નહીં, લાકડાના પાર્ટીશનની રહેતી.
અંદર સ્ટેશનરી રૂમમાં મિટિંગ ભરાઈ. સ્ટાફે કહેલું થાય નહીં ત્યાં સુધી છાતી ફૂટી અવાજો કરવા, મેનેજરનો ઠુઠવો મુકવો ને એવી ગ્રાહકો માટે મનોરંજક વસ્તુઓ થઈ રહી. એક લોકલ નેતાને પઢાવીને રજુઆત માટે મોકલવામાં આવ્યો. એણે સીધો જ બારણાને ધક્કો માર્યો અને મેનેજરની કેબિનમાં ધસી બેસી ગયો.
હા, સ્થળ કાનપુર હતું. એ વખતે યુનિયન પ્રવૃત્તિ એની ચરમસીમાએ હતી.
“તેરે બાપકા બેંક હૈ ક્યાં? ઇતના હમ કહતે હૈ કુછ સુનતે ન હો, કુછ કરતે ન હો..”
“ સબુર. બેંક ન તો મેરે બાપકા હૈ ન કિસીકે. ઔર દેખો, હમ કબસે હમારે નામકા રોના કુટના સુન રહે હૈ. જો હોગા વહ કરેંગે.”
મેનેજર લીડરને તુંકારો કરી શકે તેમ ન હતો, લીડરનો તો એ યુનિયનસિદ્ધ હક્ક હતો.
બહાર લોકોને ખબર પડે એટલે લીડર મોટેથી હાથ પછાડતો વાત કરવા લાગ્યો. મેનેજર ટસ ના મસ ન થયા. લીડર ફરી બારણું પછાડી બહાર આવ્યો.
હવે એ લોકોએ આવેદન આપવા એક લેડી સ્ટાફ તૈયાર કરી. એ પ્રદેશ અને વખતના રિવાજ મુજબ તેણી સ્લીવલેસ કમીઝ પહેરેલી. તેણીએ લિપસ્ટિક લગાવેલી હતી. એ અંદર ગઈ. અગાઉથી સમજાવેલી.
થોડી વારમાં એ ચીસો પાડતી બારણું પછાડતી આવી
“સાલા લંપટ! મા બહન હૈ ક્યા?”
લીડરે તુરત દુઃખડાં પૂછયાં “ક્યોં બહનજી, કયા હુઆ?”
બહાનજીએ ઠુઠવો મુક્યો “ ઉસ કમબખ્તને.. હુ.. હુ.. “
“અરી શાંત હો. કયા કિયા ઉસને?” લીડરે તક ઝડપી બહેનજીના વાંસે હાથ ફેરવ્યો. એ એનો એકલાનો અબાધિત અધિકાર હતો.
“ઉસને.. ઉસ ...ને.. ક્યા બતાઉ? મેરી.. સાલા લંપટ”
હવે બીજા નેતા જોડાયા.
“ક્યા કીયા ઉસને?”
“ઉસને મેરી છાતી ખેંચી”.
સોપો પડી ગયો.
મેનેજર પર ફિટકાર વરસવા લાગ્યો.
“સાલે કો કાટ ડાલો”
“મારો.. મારો.. કોલર ખીંચકે બાહર લાઓ.”
“લાત મારો. હાથ તોડ ડાલો ઓઈકે કે..”
“ઉસકા .. હી ખીંચ ડાલો”.
વાતાવરણ ગરમ તો હતું જ. ખૂબ ઉગ્ર બન્યું.
લીડરે કહ્યું “અબ શાંત હો જાઓ. હમ અભી લાઈટનિંગ કોલ લગાતે હૈ ઉપરી ઓફિસકો”.
એ વખતે એસટીડી નામની વસ્તુ આવશે એ કોઈને કલ્પના ન હતી. કોલ નોંધાવો પછી કલાકો પછી વાત કરવા મળે. બહુ જરૂરી હોય તો અરજન્ટ અને એનું પણ અરજન્ટ હોય તો લાઈટનિંગ. ખૂબ મોંઘો. એક દોઢ કલાકમાં લાગી જાય.
લીડરે કહ્યું પણ લગાવવા ગયા નહીં.
સ્ટાફ હવે કહે આપણે મેનેજરને બહાર કાઢી મારીએ. બારણું ધમધમાવ્યું.
મેનેજર બારણું ખોલી કેબિનની બહાર આવ્યા.
કઈંક ડાહ્યા ક્લાર્કએ પૂછ્યું “ સાહબ, ઇસ ઉમ્ર મેં આપને યે ક્યા કીયા? નૌકરી જાયેગી.
મેનેજર કહે એવું તે શું છે કે તેની નોકરી જાય? હા, આજે જે દેખાવો થયા તેનો રિપોર્ટ કરે તો કોઈને સજા થશે.
સહુએ પેલી છોકરી સામે જોયું.
લીડર તાડુક્યો ”બોલ દે. ઉસ હવસખોર લંપટ કી પોલ ખોલ દે સબકે સામને . વો તો ગયા અભી.”
“સાબને મેં સબકા આવેદન દેને ગઈ થી તબ લેટર લેતે મેરી છાતી ખીંચી. લે પી લે દૂધ અપની ઔરતકી છાતી નહીં મીલી હો તો.. સાલે લંપટ!” તેણીએ પોતાનું બ્લાઉઝ ફાડવાની એક્શન કરી.
મેનેજર અવાક થઈ ગયા. તુરત હોશ સંભાળ્યા.
“મેને તેરી છાતી ખીંચી હે?”
“તો કયા? મેં જૂથ બોલુંગી ક્યા?”
લોકો મારવા ધસ્યા. મેનેજરે એક બે ને પોતાના હાથે આઘા કર્યા. નેક્સટ અધિકારી કહે રિપોર્ટ કરીએ. કાયદો હાથમાં લેવો નથી. જો આ છોકરી સાચી હોય તો પોલીસ ફરિયાદ કરે. બેંક પણ જરૂર કડક શિક્ષા કરશે.
હા. હા. પોલીસ બોલાવો.
ના. એકવાર એના હાથ તોડી નાખો.
હો હા.
મેનેજરે ફરી પેલી છોકરીની આંખમાં આંખ પરોવી પૂછ્યું
“સાચું કહેજે. મેં તારી છાતી ખેંચી છે?”
“હજી પૂછો છો? આટલી લાજ લૂંટી , તોયે શરમ નથી આવતી? માણસ કેટલી હદે લંપટ હોઈ શકે? અરે છે મારી છાતી. મોટી ભરાવદાર. એટલે તો સામી છાતીએ તારી જેવાની સામે આવું છું.”
“વિચાર કરી લે. ફરીથી કહું છું. મેં તારી છાતી ખેંચી છે ને?”
પેલીએ હકારમાં મૂંડી હલાવી.
મેનેજરે કહ્યું “આ તો અનહદ જઘન્ય અપરાધ છે. એવો અપરાધ કરિના હાથ જ કાપી નાખવા જોઈએ. જરાય ઓછી સજા નહીં. મેનેજમેન્ટ તો સજા કરશે જ. ભગવાનનો અપરાધ છે આ. લો. મેં છાતી ખેંચી હોય તો મારા એ હાથ જ કાપી નાખો.”
મેનેજરે બે હાથ જોડી સ્ટાફ સામે ધર્યા.
“સતની પૂંછડી થાય છે સાલો. મરડી નાખો હાથ સાલાના. લો એક છરી.” લીડર બરડ્યો પણ પોતે નજીક જ પડેલો તીક્ષ્ણ રોડ, જેને ગુજરાતમાં ટોચો કહેવાતો તે પણ ઉપાડ્યો નહીં.
મેનેજરે કહ્યું “જરૂર કાપી જ નાખો હાથ આવું પાપ કરનારના. જેની સાથે આવું કૃત્ય કર્યું હોય એ પોતે જાતે જ હાથ કાપે. લાવો અંદર છરો પડ્યો જ છે વાઉચરોની દોરી કાપવાનો. નહીતો સામેથી પેલા કસાઈની દુકાનેથી હમણાં જ લઈ આવો.
હં, હવે તું મારી આંખમાં જો. તારા પતિને, તારા મા બાપને અંતરમાં રાખી ફરી મારી આંખમાં આંખ મેળવી કહે, તારા બાપથી પણ વધુ ઉંમરના , તને દીકરી ગણતા આ બાપે શું સાચે જ તારી છાતી ખેંચી છે?”
મેનેજરે એ જ બંધાયેલા, જોડેલા હાથ એ છોકરી સામે ધર્યા અને વેધક નજરે એની આંખોમાં જોયું.
આ શું? ખોબામાં મોં છુપાવી ધ્રુસકે ને ધ્રુસકે પેલી રોઈ પડી.
“માફ કરો સાહેબ. બાપ થયા તમે મારા. તો દીકરીના નાતે હું શું જૂઠું બોલીશ? તમારી સામે એક્શન લેવાઈ તમારી ટ્રાન્સફર થઈ જાય તો જ પેલું કામ થાય એટલે … (લીડર) એ મને આવું કરવા કહેલું.
ક્યા ભવે છૂટીશ, મને દીકરી સમજનાર પર એવું આળ મૂકીને?
સન્નાટો વ્યાપી ગયો. તાત્કાલિક સહુ ટેબલે બેસી ગયા અને કામ કરવા લાગ્યા.
લીડર અને એ કન્યા દૂર દુરની બ્રાન્ચમાં ફેંકાઈ ગયાં.
હું પાત્રોનાં નામ જાહેર કરતો નથી પણ આ સાહેબનું નામ મને રતન કપૂર કહેવામાં આવેલું. કપૂર શબ્દ સાંભળતાં એ વખતે મને ડફલી વગાડતો રાજકપુર સામે દેખાતો એટલે યાદ છે. કહે છે એ સાહેબ ખૂબ મોટા એક્ઝિક્યુટિવ થયેલા અને હાલ દિવંગત છે.