Badlav-9 books and stories free download online pdf in Gujarati

બદલાવ-9

બદલાવ-9
  (સોમુનાં શરીરમાં રહેલા અજયે  ગુસ્સાથી હવનકુંડનાં અંગારા ફેંકયા.) 
       અલગારીનાથ સુધી અંગારા પહોચ્યાં પણ માત્ર રાખ થઇને.એમણે ડાબી ભુજા પર પડેલી રાખને જમણા હાથથી ઘસી નાંખી.પછી બોલ્યાં “ તારો ગુસ્સો વ્યાજબી છે.પણ હવે મોડું થઇ ગયું છે.અને આટલો સ્વાર્થી ન બન.તે તારો નહિં બીચારા અનાથ સોમુનો હાથ દઝાડયોં છે.અને હવે વધારે તોફાન કરીશ તો તને પણ બેભાન કરી નાંખીશ.” 
અજયને ડર લાગ્યોં એટલે એણે પોતાની જાત પર સંયમ રાખ્યોં.અને એ દબાવ ફરી આંખનાં આસું બની બહાર નીકળ્યોં.આખરે એ વિનંતી કરતા બોલ્યોં

“બાબા, અમારી આવી હાલત શુંકામ કરી?આ શરીરનો બદલાવ કેવી રીતે શકય છે?શું મારી પત્નિ રૂપાનું પણ શરીર બદલી ગયું હતુ?શું એના શરીરમાં પણ કોઇ બીજી જ  સ્ત્રી હતી?”

“તારે બધુ જ એક વારમાં સમજી જવું છે? આવતા જન્મ માટે તો કંઇક બાકી રાખ.” અલગારીનાથ પોતાના સ્થાને બેસી અને શાંતભાવે બોલ્યાં.અજયને એ થોડા હળવા ‘મુડ’ માં લાગ્યાં એટલે સવાલો ચાલુ રાખતા ફરી પુછયું

“તમે અમારા શરીર બદલી નાંખ્યા એ કેવી રીતે શકય છે.હું મારી જાતને આ સોમુનાં શરીરમાં જોઉં છું તો મને કોઇ સ્વપ્નમાં હોઉં એવું લાગે છે.મને સમજાવો....પ્લીઝ.” અજયે માથુ ઝુકાવી કહ્યું.

“આ અનુભવ કાફી નથી? હજી શું  જાણવું છે તારે? આ સોમુ અને તારા આ બેભાન શરીરનું હવે શું થશે એવું કેમ પુછતો નથી?” 

“પણ મને તો એવું લાગે છે કે આ મારું જ શરીર છે.બસ સામે મારા બેભાન પડેલા શરીરને જોઇ શકતો નથી.એ જોઇને વિચલીત થઇ જાઉં છું.કયાંક આ પણ તમારી કોઇ માયાવી શકિત તો નથીને?” અજયે કહ્યું.

“આ તો બધી મહાકાલની માયા છે.એની માયાથી માનવ ત્રણ શરીરમાં વહેંચાયેલો છે.એક સ્થુળ શરીર એટલે આ હાડમાંસનું બનેલું શરીર.બીજુ સુક્ષ્મ શરીર જેને મન કહેવાય.જેને બનવા માટે કોઇ પદારથ(પદાર્થ)ની જરૂર નથી.ત્રીજુ કારણ શરીર જે પરમ ચેતન્ય શુદ્ધ આત્મા છે.અમારી પાસે એવી વિદ્યા છે કે બે સ્થુળ શરીરનાં સુક્ષ્મ શરીરો બદલી શકીએ.તમે સંસારી તમારી જાતને સ્થુળ શરીર અથવા સુક્ષ્મ શરીર જ સમજો છો એટલે આ શકય છે.જો તમે આત્માનંદનો સાક્ષીભાવ પકડી શકો તો તમે મુકત બની શકો.તારી ભાષામાં સમજાવું તો તમારા બંનેનાં શરીર અને આત્મા એમને એમ જ છે....મે ફકત તમારા મન બદલ્યાં છે.પણ તમે તો મનમાં જ જીવો એટલે તમને આ ગોટાળો લાગે.સહી ન શકાય એવી પરીસ્થીતી લાગે.છતા તું અત્યાંરે આ બનાવ પછી તરત જ થોડો શાંત થયો એનું કારણ મારી તને આપેલી સીગારેટ છે.જે પીવાથી તારું ચીત શાંત રહ્યું અને હજી શાંત છે.આની અસર બે દિવસ સુધી રહેશે.”

“મહારાજ, તો હું સોમુનાં શરીરમાં અને મારી આત્મા વળી મારા જ શરીરમાં એવું કેમ બને?”

“તું તારી આત્માને ઓળખે છે? પ્રાણીઓ પોતાના શરીરમાં કુદરતની પ્રેરણાથી જીવે છે.તમે સંસારી માનવીઓ માત્ર મનથી જ જીવો છો.યોગીઓ આત્માથી જીવે છે.તારો આત્મા તારા માટે જાગૃત નથી.અને આત્મા બધાયનો એકરસ છે.હું કે બીજા અધોરીઓ તમારા મનને એકબીજાનાં શરીરમાં રૂપાંતરીત કરી શકીએ.આત્માને નહિં.” અલગારીનાથ થોડીવાર અટકયાં અને ફરી બોલ્યાં
“એટલે જ આમાં એક મજા છે.”

        અદભુત અલગારીનાથ સામે અજય પોતાની જાતને નાના બાળક જેવો અનુભવવા લાગ્યોં.આવી વાતો એણે જીવનમાં પહેલીવાર અનુભવી.એટલે આખી વાતમાં છેલ્લું વાકય પકડીને પુછયું

“શું મજા છે?”

“જો બેમાંથી એકનાં શરીરનું મૃત્યુ થાય તો બીજાને પણ આપમેળે મુકિત મળી જાય.એ બીજો પણ વગર વાંકનો મરી જાય.”

અજયને આ ‘મજા’નો આંચકો લાગ્યોં.એણે ફરી પુછયું

 “શું હવે આ શરીરો અને અમારા બદલાયેલા મન આમને આમ જ રહેશે?”

અલગારીનાથ મોટા અવાજે હસીને બોલ્યાં

“ના.એ ફરી પોતાની મુળ અવસ્થામાં આવશે.પણ ચોકકસ સમય હું ન કહી શકું.બે દિવસ પણ થાય...બે મહિના પણ થાય.”

“બાબા, આ જે હું બોલું છું એ અવાજ તો વળી સોમુનો જ છે.બહું જ વિચીત્ર લાગે છે.” અજયને થતા સહજ સવાલો એ પુછતો રહ્યોં.

“આ શરીર સોમુનું છે.તો સ્વરપેટી પણ એની જ રહેવાની.શબ્દો તારામાંથી ઉત્પન્ન થઇ સોમુની સ્વરપેટી દ્રારા તારા અને મારા કાન પર પડે છે.હા બોલવાની છટાં....બોલવાનો લહેકો તારો જ રહેશે.એ તારા મનમાંથી ઉત્પન્ન થાય છે.”

“બાબા, તમે અદભુત કાર્યં કરી બતાવ્યું પણ મારી અનેક મુંજવણો છે હજુ.” અજયે આજીજી કરી.

પણ અલગારીનાથે ટુંકો જવાબ આપ્યોં 

“જે સ્થુળ છે એ સોમુનું રહેશે....જે સુક્ષ્મ છે એ તારું 
રહેશે.” 

“તમે અમને નરોતમને શોપવાની વાત કરતા હતા એનું શું?”

“એ પણ કરીશ.ધીમે ધીમે બધુ થશે.દરેક ઘટનાઓનો એક નિશ્ચીત સમય હોય છે.”

“બાબા, હવે મને ખબર પડી કે નરોતમે મારી પત્નિ રૂપા સાથે પણ આવો બદલાવ જ કર્યોં છે.લગ્ન પછી છ મહિના રૂપાનાં શરીરમાં કોઇ બીજી સ્ત્રીનું મન દાખલ કરેલું હતુ.પછી અચાનક રૂપા એના શરીરમાં પાછી આવી.પણ એ બીજી સ્ત્રી કોણ હશે?”

“હું તારો નોકર નથી કે બધી વાતનાં જવાબો આપું.” વારેવારે આવતા સવાલોથી અલગારીનાથ ગુસ્સે થઇ બોલ્યાં.

“અમારા વિશે તમારા ઇરાદાઓ શું છે?”

“મારે તમારા બંનેનો ઉપયોગ કરવાનો છે.”

“અમારો જ ઉપયોગ શા માટે, મહારાજ?”

“મુરખ, તમે મારી પાસે આવ્યાં છો.હું તમારી પાસે નથી આવ્યોં.મે તમને જયાંરે તમે અહિં આવતા હતા ત્યાંરે ગુફાની અંદરથી બોલીને ચેતવ્યાં હતા કે હવે આગળ નહિં આવતા.છતા તમે હિંમતવાન અને બહું હોશીયાર થઇને આવ્યાં, તો હવે ભોગવો.” એટલું બોલી અલગારીનાથ ઉભા થઇ ચાલતા થયા.અને બહું ઝડપથી ગુફાની બહાર ગાયબ થયા.
                અજયને સીગારેટ પીવાની ઇચ્છા થઇ.એણે ખીસ્સામાં હાથ નાંખ્યો તો તમાકુની પડીકી નીકળી.પછી ખ્યાલ આવ્યોં કે આ શરીર અને કપડા તો સોમુનાં છે.એ પોતાના શરીર તરફ ગયો.એના ખીસ્સામાંથી સીગારેટ કાઢી.પછી યાદ આવતા બંનેના મોબાઇલ ફોન પણ બદલ્યા.અને ઝડપથી પાછો  ફર્યોં.હવનકુંડના એક અંગારાથી સીગારેટ સળગાવી.જાણે પહેલીવાર સીગારેટ પીતો હોય એમ એને ખુબ  ઉધરસ આવી.એ અવાજથી અજયનાં શરીરમાં કંઇક સળવળાટ થયો.અજયની સીગારેટ પુરી થઇ પછી સોમુ ભાનમાં આવ્યોં.એ ફરી કંપવા લાગ્યોં.પણ થોડીવારે શાંત થયો એટલે અજયે બધી વાત કરી.છેવટે અજયે સોમુને હિંમત આપવા માટે કહ્યું
“સોમુ, તું હવે આઠમીવાર બહાર નીકળવાનો પ્રયત્ન કર.કદાચ આ બંધનની બહાર નીકળી પણ જવાય.”

“હા  સાહેબ, હું હવે આ બંધનમાંથી છુટી જઇશ.મને ખાત્રી છે.પણ આ અલગારીનાથે આપણને ગજબની મુંજવણમાં નાંખી દીધા.આ અધોરીઓને આમાં જ મજા આવતી હશે.કેવા ક્રુર અને કઠોર છે!! આને ભગવાન કેમ મદદ કરતા હશે?” સોમુએ મુંજવણ રજુ કરી.સોમુએ પણ હવે આ વિચીત્ર અવસ્થાનો સ્વીકાર કરવાનું ચાલુ કર્યું હોય એમ એ પોતાના નવા શરીર તરફ જોઇ રહ્યોં.

“હા...એ તો સાચી વાત.એક કામ કરીએ બંને સાથે બહાર જઇએ.હું પણ તારી સાથે આવું છું.” અજયે કહ્યું.
બંને સહમત થઇ ગુફાની બહાર નીકળ્યાં.

“સાહેબ, મારે સાતવાર પ્રયત્ન થઇ ગયો છે.મને સો ટકા ખાત્રી છે અત્યાંરે આઠમીવાર હું આ બંધનમાંથી મુકત થઇશ.મને એનું ગણિત સમજાઇ ગયું છે.” સોમુ મુકત થવાની આશાએ હરખાઇને બોલ્યોં.

“હા સોમુ, જો તું એક નીકળી જા તો સીધો નજીકનાં પોલીસ સ્ટેશને મદદ માંગજે.અહિં આવવાનો રસ્તો યાદ રાખજે.પણ એક વાત યાદ રાખજે....જો બેમાંથી કોઇ એકનું પણ મોત થયું તો બીજો આપમેળે ખતમ થઇ જશે.”અજયે સોમુને ચેતવ્યોં.સોમુ આ સાંભળી ઉભો રહી ગયો.અજયે એને થોડીવાર નીચે બેસવાનું કહ્યું.બંને એક ઝાડનાં સુકા થડ પર બેઠા.અજયે એક લાંબો નિશાસો નાંખી સોમુને પુછયું
“સોમુ, તે કયાંરે પણ કોઇને પ્રેમ કર્યો છે?”

“ના સાહેબ.હું પણ તમારી ઉંમરનો જ છું.અનાથ અને ગરીબ હોવાથી કોઇ મારી સાથે લગ્ન કરવા પણ તૈયાર નથી થતું.પણ શારીરીક સંબંધો તો ઘણી વાર બાંધયા છે.”

“પ્રેમ ન કરતો કયાંરેય.જો મે લગ્ન પછી છ મહિને એક મહિનાનો ભરપુર પ્રેમ કર્યોં તો આજે કેવી હાલત છે.બેંકમાં હું અઠવાઠીયાનું કામ નકકી કરી લખીને રાખતો.અહિં તો એક કલાક પછી શું થશે એ ખબર નથી.બેંકમાં રોજ કેટલી રોકડ આવશે એ ખબર હોય.અહિં તો જીવન આવશે કે મૃત્યું એ પણ ખબર નથી.કેવા હાલ થયા? આવું તો સપનેય વિચાર્યું નહોતું.”

“સાહેબ, મને તો સપના આવતા જ નથી.”

“હવે આવશે.તને આ મારા શરીરમાં સપના આવશે.” એટલું બોલી અજય શુષ્ક હસ્યોં.સોમુને હવે થોડી હળવાશ લાગતા તમાકું યાદ આવી.એણે ખીસ્સામાં હાથ નાંખ્યોં પણ માચીસ હાથમાં આવી.એ અજયને આપી તમાકું માંગી.સોમુનાં શરીરમાં રહેલા અજયે હસતા હસતા જ કહ્યું
“લે આ તારું વ્યસન.શરીર બદલાયા તો વ્યસન પણ બદલીએ.”

“સાહેબ, આ તમાકું તમારા મોઢામાં નાંખુ તો તમને કંઇ વાંધો નથી ને?” સોમુએ પુછયું.

અજયે અટ્ટાહાસ્ય કરી કહ્યું 
“મને શું વાંધો હોય....મે તો સીગારેટ તને પુછયાં વિના જ પીધી.હા, થોડી ઉધરસ આવી હતી.પણ સીગારેટની મજા હું લેતો હતો.ત્યાં તારે પણ એવું જ થશે.” બંને સાથે હસી લીધા.

“સાહેબ,કદાચ આ આપણી છેલ્લી ઘડીઓ પણ હોય.ખરુંને?”

“હા સોમુ, પણ હવે હું બેફીકર છું.કારણકે આપણા હાથની વાત જ નથી રહી.આ તાંત્રીક ચમત્કારો  જોઇને એવું લાગે કે આપણે તો અત્યાંર સુધી સાવ ચીલાચાલુ જીંદગી જીવતા હતા.આવી અટપટી અને રહસ્યમય જીંદગી જોવા મળશે એ કયાં ખબર હતી? અને જો મારા જીવનનો સૌથી રહસ્યમય સવાલ હતો કે રૂપા કેમ બદલાઇ એનો જવાબ પણ મળી ગયો.”

“શું જવાબ મળ્યોં?”

“જો સોમુ, પહેલા રૂપાનું શરીર હતુ પણ મન બીજી કોઇ સ્ત્રીનું હતુ જે મને નફરત કરતી હતી.એનું વર્તન,એની રહેણી-કહેણી, એની ભાષા બધુ અલગ.માત્ર શરીર જ મારી રૂપાનું હતુ.પછી અચાનક મારી રૂપા એના શરીરમાં પાછી આવી.પછી જે હમણાં ઘરે આવી એ વળી એવી જ રીતે બદલાયેલી રૂપાનાં શરીરમાં કોઇ બીજી સ્ત્રી.બંનેનાં અવાજમાં પણ કંઇ ફરક ન હતો એ પાછી નવાઇની વાત.આ નરોતમ અને એના આ તાંત્રીક ગુરુએ જ બધુ કર્યું લાગે છે.”

“સાહેબ, કદાચ આપણે બે માંથી એક અહિંથી છુંટી જઇએ તો પહેલા નરોતમને શોધવો પડે.એ આ જંગલમાં જ કયાંક હશે.બીજુ કે આ નરોતમ અહિં નથી આવતો તો વળી કયાં હશે? એ બીજી કોઇ જગ્યાએ વિધી કરતો હશે?” સોમુએ સવાલો કર્યાં.

“અનેક સવાલો ઉભા જ રહેલા છે હજુ.”

“અજયસાહેબ, આ નરોતમ મળે તો જવાબ મળે.”

“ હા સોમુ.મને પણ એજ વિચાર આવે છે.એને મારે પુછવું છે કે આપણે તો સગા છીએ.આ દુશ્મની કેમ? જો સગા સબંધીમાં પણ આવા ષડયંત્રો હોય તો શું કામનું? બધુ જ નકામુ છે.મને તો હવે બધુ શુષ્ક લાગે છે.એકદમ નિરસ. ”

“સાહેબ,તમારો મિત્ર રોહિત પણ આ બધામાં સામેલ છે.એનું પણ કંઇક કરવું પડશે.”

“સોમુ, કયાંરેક મને એમ થાય કે કશું જ નથી કરવું.બસ આ જંગલ...આ ગુફા....આ દેહ....ભલે આજીવન રહે.કારણકે કયાંરેક એવી જોરદાર શાંતિ લાગે છે કે શું કહું? મે આવી શાંતિ પહેલા કયાંરે પણ જોઇ નથી.”

“તમારે રૂપાભાભી માટે તો પાછા જવું પડશેને!! સંસાર માંડયોં છે એનું શું? તમારું ઘર....તમારી બેંક....તમારું ભવિષ્ય.....” સોમુ અધવચ્ચે અટકયોં.લાંબા વિચાર અને એક નિશાસા પછી ફરી બોલ્યોં

“સાહેબ, તેલ લેવા ગયું બધુ.આપણે જીવતા રહીશું એની પણ કયાં ગેરંટી છે?” પછી સોમુથી અજયનાં અવાજે બે-ત્રણ અભદ્ર શબ્દો નીકળી પડયાં.અજયને એ સાંભળીને થોડું વિચીત્ર લાગતા એ બોલ્યોં

“મારા અવાજમાં તારા મોઢે આ ગાળ સાંભળી મને અજુગતુ લાગે છે.”

“પણ હું શું કરું? હું તો મારી સ્ટાઇલમાં જ બોલુને!! હવે આ શરીર તમારું છે એ યાદ રાખવું મુશ્કેલ થઇ જાય છે.”

“કંઇ વાંધો નહિં સોમુ.મારે પણ એવું જ થાય છે.”

“છોડો એ બધુ પહેલા આપણે તો બચીને બહાર નીકળીએ.આપ ભલા તો જગ ભલા.આપણે જ નહિં રહીએ તો શું કામનું? પણ સાહેબ, આ શરીરોનો બદલાવ કેવો વિચીત્ર છે.કયાંરેક તો સપનામાં જીવતા હોય એવું લાગે છે.” 

“હા સોમુ.આપણે સંસારીઓ સપના થકી જ જીવતા રહીએ અને સપના પુરા કરવામાં જ ખતમ થઇ જઇએ.” અજયની ફીલોસોફી સાંભળી સોમુએ મૌન ધારણ કર્યું.થોડીવાર બંને જંગલ, પહાડો, વૃક્ષો,શિયાળાનું ચોખ્ખુ નીલરંગી ગગન અને રંગબેરંગી પક્ષીઓ જોવામાં વાતાવરણ સાથે એકાકાર થયા.પણ પવનનાં એક હલકા સુસવાટાએ જાણે સોમુને આ અવસ્થાથી છુટો પાડયોં હોય એમ એ તંદ્રામાંથી જાગીને બોલ્યોં

“સાહેબ, હવે આ તાંત્રીકની બીજી શકિતઓ જાગૃત થાય એ પહેલા આપણે અહિંથી ભાગી જઇએ.” 
          અજયનું શરીર ઉભુ થયું.પણ સોમુનાં શરીરમાં રહેલો અજય હજુ બેસી જ રહ્યોં.સોમુએ સોમુનાં શરીરનો જ હાથ પકડી અજયને ઉભો કર્યોં.બંને ભારે પગલે સરહદ પાર કરવા ચાલતા થયા. અદ્રશ્ય સરહદે પહોચ્યાં ત્યાંરે અજયનાં શરીરે ઉભુ રહેવું પડયું.સોમુને પગમાં ભયંકર દુખાવાનો અનુભવ થવા લાગ્યોં.પણ સોમુનાં શરીરમાં અજયને કોઇ દુખાવો ન થયો.
એક સીમાએ અજયનું શરીર પડી ગયું.અજય સોમુનાં શરીરમાં સહજ થઇ પાર થયો.નીચે પડેલા સોમુએ બુમ પાડી કહ્યું

“સાહેબ, તમે નીકળી ગયા.હું નહિં આવી શકું.હવે મારા બંને પગ લગભગ ખોટા થઇ ગયા છે.તમે મારા શરીરને લીધે આઠમીવાર પાર ઉતરી ગયા.મારી મદદ માટે ઝડપથી આવજો.હું રાહ જોઇશ.” એક તો પગમાં અસહ્ય દુખાવો અને આ બંધનમાંથી ન નીકળી શકવાનો વસવસો બંને ભેગા થયા એટલે સોમુ રડવા લાગ્યોં.

“સોમુ, હું હવે બધી તૈયારી સાથે આવીશ.તું સંભાળીને રહેજે.” અજય ચાલતા જ બોલ્યોં.

“સાહેબ, એક મીનીટ ઉભા રહો.તમારું પાકીટ મને ખુંચે છે.એને તમે જ લઇને જાવ.મારા ખીસ્સામાં તો બસ્સો રૂપીયા જ છે.આ તમને કામ લાગશે.” એમ કહી સોમુએ અજયનું પાકીટ એના તરફ ફેંકયું.અજયે એ ઉપાડી લીધું.સોમુ તરફ જોયું.બંનેની નજરો મળી.ખબર ન રહી કે કોણ કોની તરફ જુએ છે.સોમુનાં શરીરમાં રહેલો અજય ચાલ્યોં ગયો.
પણ દુખી સોમુ રડતા રડતા જ બબડયોં 

“જોયું સાહેબ, હું કહેતો હતો ને કે મે આ બંધનમાંથી છટકવાનું લોજીક સમજી લીધું છે.આઠમીવાર હું નીકળી જ જઇશ.જો સોમુ જ પાર ઉતરી ગયો.પણ તમારા શરીરમાં હું અહિં રહી ગયો.હું મને જ મુકત થતા જોઉં છું છતા દુખી છું.અહો વિચીત્રમ!!”
           સોમુની આ વાત સાંભળી કોઇ હવામાં જ હસ્યું.સોમુએ ચારેતરફ જોયું પણ કોઇ દેખાયું નહિં.પણ પેલુ બીલીપત્રનું ઝાડ આપમેળે  આમતેમ ડોલવા લાગ્યું.સોમુ ડરીને દુર ગયો.ઉપરથી એક બિલીફળ નીચે પડયું.પછી એ ઝાડ શાંત થયું.સોમુએ ઉત્સુકતાવશ થઇ એ ફળ નીચેથી હાથમાં લઇ લીધું.નીચે જમીન પર ઘાસ હોવાથી એ ફળ તુટયું નહિં.
             આ તરફ અજય થોડીવાર પછી ઉભો રહ્યોં.અને રસ્તા માટે ચારેતરફ અવલોકન કરવા લાગ્યોં.
        ક્રમશ:
                     --- ભરત મારૂ







              







બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED