મોલમાં માથાકૂટ Sanket Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોલમાં માથાકૂટ

દુ
નિયામાં એક વસ્તુ ઉપાડવાની હિંમત પતિઓ કદી નથી કરતાં,પત્નીનો ફોન.અને આ જ હિંમત હું છેલ્લા કલાકમાં પાંચમી વખત કરી રહ્યો હતો. એક તો ખુદ જ રીક્ષા લેવાં મોકલ્યો હતો અને પ્લેન લેવા મોકલ્યો હોય તેવી ઉતાવળ કરતી હતી. વાત કંઇ જ ખાસ ન હતી (આ લેખની જેમ). માત્ર એક મજેદાર રવિવાર બગાડવાની વાત હતી. ખબર નહી કયા ધનકુબેરે મારા ઘરની નજીકમાં મૉલ ખોલ્યો હશે કે મારી પત્નીએ ત્યાં જવાનો એક પ્રોગ્રામ મને પુછયા વગર જ બનાવી નાંખ્યો. મતલબ કે તે પ્રોગ્રામ નહીં-નહીં તોય ચાર-પાંચ કલાક ચાલવાનો હતો. હું તો કહું છુ કે મારા ઘરની આસપાસ ડમ્પિંગ ગ્રાઉન્ડ હશે તો પણ ચાલશે,પણ મૉલ ના હોવો જોઇએ. વાંકા-ચુંકા સડકો પરથી રીક્ષાને કાઢતો-કાઢતો તે અમારા ઘર પાસે આવીને ઊભો. કોઇ અમેરિકા જવા નીકળ્યું હોય, તેમ તે તૈયાર થઈને ઊભી હતી,ઘરની બહાર. તે કહે, 'શું તમે પણ- પોણો કલાક કરી દીધો,પંદર મિનિટના કામમાં?' મેં તેને કહ્યું- 'આવુ જ વાક્ય, ખરીદી કર્યા પછી મૉલની બહાર નીકળી હું તને કહું તો ચાલશે?' રીક્ષાવાળો કહે- ‘સિકસ’. મેં કહ્યુ 'ભાઇ, તું રીક્ષા ફેરવ ને. મગજ તો પહેલેથી જ ફરેલુ છે.' પત્ની બોલી, 'ચાલો હવે ઘરમાં જવાની જરૂર નથી, પૈસા લીધા છે.' મેં જવાબ આપ્યો કે નહીં તોય હું તો માત્ર સામાન ઉચકવા જ છું ને...

થોડી વાર માં એ નવા બનેલા વિશાળ એ-7 ની બહાર ઉભા હતાં.પાછળ પતિ અને આગળ મૉલ. તે તો દોડી. ત્રણ- ચાર મિનિટ તો ઍંટ્રેન્સ ને જોયા જ કરે. મેં કહ્યું કે ‘ચાલ અહીંથી જ અંદર જવાનુ છે.’ ‘હા હવે ખબર છે’તે બગડી.ચેકિંગ પતાવી ને અમે મૉલમાં દાખલ થયાં.આમ પણ ચેકિંગ માત્ર કોર્ટમાં ગીતા પર હાથ રાખીને કસમ ખાવા જેવી વર્ષો પુરાણી રસમ છે. ત્યાં પણ સાક્ષી બોલવા ખાતર જ બોલે છે અને ચેકિંગ પણ થવા ખાતર થાય છે. તેનાથી વધુ સારૂ ચેકિંગ તો ગલી ના છોકરા;મહેમાન ઘરે આવે ત્યારે માત્ર આંખોથી જ કરી લેતા હોય છે.

હવે મારે પકડદાવ રમવાનો હતો. જેમાં હું જીતુ કે હારુ, વારો મારો જ આવવાનો હતો. ટ્રોલીના થપ્પામાંથી તેણે ટ્રોલી એ રીતે કાઢી કે જાણે કોઇ રાજા લડવા માટે તલવાર કાઢતા હોય. એમ તો તેને સાઇકલ ચલાવતા પણ આવડતું નથી, પણ ટ્રોલી ચલાવવામાં તો તે માસ્ટર છે. કોઇ પણ કામ કરતા પહેલા તે શ્રીગણેશ કરે છે, પણ આમાં તો પત્યા પછી જ. તેમાં પણ ચાર-પાંચ કલાક અંદર ફર્યા બાદ કહે કે,'આજે જરા ઉતાવળ પડી, ફરી સમય કાઢીને આવીશું.'

એક ટ્રોલી મારે પણ લેવી પડી હતી. હવે મૉલની વાત કરુ તો તે એટલો વિશાળ હતો કે, ત્યાં ગયા પછી કોઇ ગામમાં આવી ગયા હોય તેવું લાગે, પણ પછી તરત જ ખબરેય પડી જાય કે આ ગામ નહી, મૉલ જ છે કારણ કે આપણા ગામ સ્વચ્છ હોય છે જ કયાં? પહેલો જ વિભાગ ક્રોકરીનો આવ્યો. વાઉ!વાઉ! જેવાં ચિત્ર-વિચિત્ર ઉદગારો કરતી તે અંદર ગઇ. જાત-ભાતની પાંચસો જાતની ક્રોકરી જોઇ વળી. પણ તેને સમજાવે કોણ કે પાંચની લે કે પાંચ હજારની, આપણે પેલી જ સાદી ચા પીવાની છે. અમુક બે-ત્રણ જાણે શું ય વિચારીને પસંદ કરી, ચાલવા લાગી. હવે તો ટ્રોલીમાં જેટલો ભાર થાય તેટલુ જ તેનું મગજ હળવું થવાનુ હતું. થોડી વારમાં અહીંથી નીકળીને તહીં અને મારા નામની બુમો પાડતી જ જાય. એ તો સારૂ છે કે મૉલમાં મારા જેવાં બીજા સમદુઃખિયા પણ હતાં, બાકી બધા મને તેનો પીછો કરવાના કેસમાં અંદર જ કરાવી દેત.

પછી તો પરફ્યુમ,સાબુ,હેર-ઑઇલ,ક્રીમ અને ના જાણે કેટલુય જોતી જાય ને નાખતી જાય, અને ચાલતી જાય. બે ચાર પરફ્યુમ હાથમાં લીધા અને મને પુછે કે કયુ સારુ છે? મેં કહ્યું,'પહેલા સૌની કિંમત જણાવ પછી કહું.' તેણે કહ્યુ,'ચાલો ત્યારે બધા પર દસ ટકાની છુટ છે, હવે કહો.' 'તો તો પછી બધા જ લઈ લઇએ...' મેં સુઝાવ આપ્યો. તે બે મિનિટ તો વિચારે ચડી ગઈ,પછી બોલી-ના હવે એકાદ બે બસ છે. મેં કહ્યું,'તું તો મહાન છે. દસ ટકાનો લાભ બીજાને મળે એટલે તું એકાદ બે લઇ મન મનાવે છે.' આગળ જતાં કુકીઝનું સેકસન આવ્યું. હવે તો ઘરમાં છોકરા પણ બિસ્કીટ બોલે તો ન મળે, 'કુકીઝ' બોલે તો જ મળે. તેથી તે બે ત્રણ કુકીઝ નાં પેકેટને એ રીતે જોવા લાગી કે food quality department વાળા તેનું ચેકિંગ ન કરતા હોય. પછી ગમતાં પેકેટને ટ્રોલીમાં નાખ્યાં અને કહે-બઢતે રહો.

આગળ જતાં ‘ઈમિટેશન જ્વેલરી’ સેકસન આવ્યું. તેમાં તેને એક હાર ખૂબ પસંદ પડ્યો. એટલે મારે તેને પહેરાવી આપવો પડ્યો. આજુ-બાજુના લોકો તીરછી નજરે જોતા હતાં. ખબર નહીં કેમ તેમણે વિશ્વાસ જ નથી થતો કે તે મારી શ્રીમતી છે.એના મતે તો એ ખરીદતી જ ના હતી, માત્ર ડિસ્કાઉન્ટનો જ લાભ ઉઠાવતી હતી. દોઢેક કલાક થવા આવ્યો હતો અને હજી તો માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પત્યો હતો.(કંટાળી ગયા? હું પણ) તે કહે,‘હવે ઉપરનો માળ-થાક્યા તો નથી ને?’ મેં કહ્યું,’ખાલી છે?’ સારુ થયુ તેણે સાંભળ્યુ નહીં. પણ જવું કેવી રીતે? તેને તો માત્ર એસ્કેલેટર દ્વારા જ જવુ હતું ને ટ્રોલી ને તેની સાથે બનતુ ન હતું. આખરે સામાન ને અલગ રીતે પહેલા હું ઉપર મુકી આવ્યો ને પછી શ્રીમતીજી ને લેવા નીચે આવ્યો. હવે તેને એસ્કેલેટર પર જવાની સાહસયાત્રા શરૂ કરી. જેમ જેમ તે એસ્કેલેટર ની નજીક આવી તેમ તેમ તેની મુખમુદ્રાઓ વિચિત્રમાંથી ભયાનક થવા માંડી.બરાબર ક્ષણે એ તો કુદી.પછી ઉભી તો એવી શાનથી કે ઉપર કોઈ તેનો ક્લોઝ-અપ લેવા ઉભુ હોય.પછી સાહસયાત્રા તેના ચરમ પર પહોંચી.એસ્કેલેટર છોડતા પહેલા તે એમ કુદી કે જાણે એસ્કેલેટર રાવણ હોય અને તેનું અપહરણ કરી જવાનો હોય.

કપડાઓ નાં ઢગલા વચ્ચે એવી ખોવાઈ ગઈ કે વાત જ ના પુછો. એક પહેરે ને બીજા જુએ, ત્રીજા કાઢે અને ચોથા પસંદ કરે. હવે તો મારી ટ્રોલી પણ ભરાવવા આવી હતી. એક તો ખબર નહી કયાંકથી કેવા કપડા પહેરીને આવી કે હું છળી મર્યો. ચિત્તા જેવા કપડા પહેરીને તે કેટવોક કરતી હતી. મેં કહ્યું,'જલ્દી બદલી નાખ બાકી ટીવીમાં આવી જઇશ.' ઘણા બધા (માનવ) પ્રયત્નોને અંતે તે ત્યાંથી નીકળી અને કિડ્સ સેકસનમાં પ્રવેશી. ત્યાંથી નીચે ગ્રાઉન્ડ ફલોરની ઝલક દેખાતી હતી. જાત-ભાતના રમકડા, બોલ, ક્રિકેટનું બેટ (હવે બેટ ક્રિકેટનું જ હોય તેમ ના કહેતા, પહેલેથી જ ફરેલુ છે.) બોલને પણ પછાડી પછાડી ચેક કરતી હતી. હું જરા થાક ખાવા પાળી આગળ બેઠો હતો. અચાનક તે મને કહે- લો કેચ કરો તો... અને મારાથી થયો નહીં. તે બોલ પછી સીધો નીચે પડ્યો અને મિસાઇલની જેમ કોઇનાં માથા પર. અમે ચારેય ભાગ્યા. અમે બે અને અમારી બે(ટ્રોલી). ચુપચાપ જોયું તો મૉલમાં હો-હા થઇ ગઇ. એટલે એ વિભાગને આવતા વખત માટે અનામત રાખ્યો. નહી તોય અનામત તો દેશની સૌથી મોટી અમાનત છે!

જે રીતે ખુની CID થી છુપાતો ફરે તેમ અમે food court માં છુપાઈને બેસી ગયા. મારી પાસે પાંચસો-હજાર રૂપિયા હતા પણ તે લઈને નીકળી હતી એટલે ચિંતા ન હતી- પૈસા પણ અને મફતનો કુલી પણ. તેણે ત્યાં ખૂબ જ્યુસ પીધું. હજી તો ત્રીજો માળ બાકી હતો(છેલ્લો માળ જ છે. સહકાર આપવા બદલ આભાર). મૉલને લઈને સરકારે અમુક કાયદા બનાવવા જોઈએ. જેમ કે બે કલાકથી વધારે ખરીદી નહીં, મહિનામાં એક થી વધુ વખત પતિને લઇને અવાય નહીં. કમ સે કમ આમાં તો ' અચ્છે દિન' આવે. અંતે બંનેની સંમતિથી અમે Cash counter તરફ આગળ વધ્યાં. તે તો એવું ચાલતી હતી કે જાણે સિકંદર વધુ એક યુદ્ધ જીતી આવ્યો હોય. પાછી અમૃતવાણી તો ચાલુ જ...'આ રીતે સેલનો લાભ લઇએ તો જ હોંશિયાર કહેવાય.' મેં કહ્યું- 'આ રીતે સેલનો લાભ લીધા કર્યો છે ને તો એવા દિવસો આવશે કે રિમોટનાં સેલ લેવા પણ લોન લેવી પડશે.' ત્યાં પણ આધાર કાર્ડ કઢાવવા ગયાં હોય તેવી લાંબી લાઈન હતી.(બાય ધ વે, આ આધાર કાર્ડનો એકઝેટ ઉપયોગ શું છે?)

અમારો નંબર આવ્યો. બે ઓવરલોડ ટ્રોલી જોઇને પેલો અમને જોઇ જ રહયો. મને જાણે આંખોથી પુછતો હતો કે આટલો સામાન ઊંચકી શકશો? શાયદ, તે પણ આવો જ કોઇ શિકાર બન્યો હશે. એક પછી એક આઇટમને scan કરીને બિલ બનાવતા તેને બહું વાર લાગી. ત્યાં પાછળ લાઇન લંબાયે જતી હતી. એક વાત ધ્યાન આપી હોય તો કાઉન્ટર ભલે બાર હોય ચાલુ તો ચાર જ હોય. આખરે બિલ આવ્યું. પુરા બાર હજાર બસો પંચાણુ. રકમ પણ પાછી એવી કે છુટ્ટાનાં બદલે ચોકલેટ ખાવાનો પણ ચાન્સ મળે નહીં.

તેણે પર્સમાંથી નાનું પર્સ કાઢ્યું. અચાનક જાણે સિકંદર જાણે હારી ગયો હોય તેવી તેની મુખમુદ્રા થઈ ગઈ. તે કહે-'સાંભળો છો? લાગે છે કે ઉતાવળમાં ને ઉતાવળમાં હું પૈસા ઘરે જ ભુલી ગઈ.' અંદરથી તો હું ખુશ થઇ ગયો પણ ગુસ્સાનો દેખાડો કર્યો. તે કહે- ચાલો હવે, ફરી ઉપર જોતા આવીએ, કદાચ ત્યાં જ પડી ગયું હોય તેવું બને. હું સામાન ઊપાડી ચાલ્યો. મને ખબર જ હતી કે આજે આ સામાન અહીંથી બહાર જવાનો નથી. પાછળ લાઇનમાં ઊભેલા મારા જેવા અમુક લોકો મારા બાર હજાર બચ્યા, તેથી જલતા હોય તેવું મને લાગ્યું.

પણ ત્યાં જ એક ધડાકો થયો. બે ચાર બુકાનીધારીઓ લૂંટવાના ઇરાદે હથિયાર લઈ ને આવ્યા હતાં. મેટલ ડિટેકટર તો જેમની પાસે કંઈ ન હોય, તેમની પાસે કંઈ નથી તે કહેવા જ છે. કોઇ ધરાર લુંટવા આવે તો?(એવા સવાલો પહેલા ન પુછવા.એ તો આવી કોઈ ઘટના બને પછી નિમાતી તપાસ સમિતિનું કામ છે). અમે ભાગીને નજીકનાં જ્યુસ કાઉન્ટરમાં છુપાઇ ગયાં. થોડી વારે મેં તેને કહ્યું- exit નજીક જ છે,ચાલ. તે કહે,'હા ચાલો નહીંતોય પૈસા નથી લાવી. આવતા અઠવાડિયે હવે.' હું ચમક્યો-'મતલબ પૈસા લાવી હોત તો time please કહીને ખરીદત? ચાલ હવે.'મહા મુશ્કેલીએ exit માંથી ભાગ્યાં. ત્યાં હાજર દરવાન તો પહેલેથી જ ભાગી ગયેલો. ઘરે આવીને શાંતિથી બેઠો. આટલું થયું તોય આવતા રવિવારનો ધક્કો ઊભો. એવું થયું કે આ લૂંટારાઓએ પણ એપોઈન્ટમેંટ લઇને આવવું જોઈએ. ત્યાં તો એ આવી.-જુઓ તો હાર કેવો લાગે છે? ભાગતા પહેલા કાઢી લીધો હતો. શોપિંગ કરવા જઇએ અને ખાલી પાછા ફરીએ એવું કેમ બને?

હું સમજી ગયો કે આ હાર નહી તેના માટે જીત હતી. કંઇ બોલ્યા વગર હું આડો પડ્યો. આ વાર્તા આવતા રવિવારે ફરી નાં આવે તો સારુ(તમે પણ વાંચવામાથી છુટો). બરાબરને? ¨¨¨