પરી... Sanket Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરી...

પરી

અક્ષત અને દિશા જીદ લઈને બેઠા હતાં. હજી હમણાં સવારે જ ટી.વી. બગડ્યું હતું, સાંજે તેમની મનપસંદ સીરીઅલ આવે તે પહેલા તેઓ નવું એન્ડ્રોઇડ ટી.વી. લાવવાં મને હુકમ આપી ચૂક્યાં હતાં. પલક પણ તેમની સાથે હતી. આખું ઘર મારી સામે થતું જોઈ મારે તાબડતોબ ટી.વી. લેવા માટે નીકળવું પડ્યું. વડોદરાથી થોડે દુર મારી એક ફેક્ટરી આવેલી છે, અને તેની નજીકમાં મારું નવું ફાર્મ-હાઉસ પણ. વેકેશન હોવાનાં કારણે અમે દર વખતની જેમ અહીં હતાં. મારું નામ મનોજ પરીઅર છે. એક સમય હતો જયારે મેં ફેક્ટરી ખોલવા દેવું કર્યું હતું, આજે એટલો નફો કરતી ફેક્ટરી બનાવી દીધી છે કે પરિવાર પાણી માંગે તો દુધ હાજર થઇ જાય.

એક તો ખરા સમયે મારી કારનું એ.સી. બગડી ગયું. આટલી ગરમીમાં એ.સી. વગર નીકળવાની આદત વર્ષો થયે છૂટી ગઈ હતી, તેથી આજે મુશ્કેલી પડવાની હતી. અડધા પોણા કલાકની મુસાફરી પછી મારી કાર વડોદરા શહેરમાં પ્રવેશી. વડોદરામાં અલકાપુરી જેવા એ ગ્રેડ વિસ્તારમાં મારો પોતાનો વિલા છે, વડોદરા અંગત રીતે મને અમદાવાદ અને સુરત કરતાય પ્રિય છે. શહેરનાં તમામ માર્ગો મારા હૃદયમાં કોતરાયેલા છે. એક ચાર રસ્તે લાલ લાઈટે મને રોક્યો. મારી નજર આજુ-બાજુ ફરતી હતી. ત્યારે અચાનક મારી આગળ આવીને એક નાનકડી છોકરીએ હાથ ફેલાવ્યો. બપોર માથે ચડી આવ્યું હતું. ગરમીનાં રેલા જાણે શરીરનો હિસ્સો બની ગયા હતાં. આટલી ગરમીમાં હું એ.સી.માં પણ કામ કરતા મુશ્કેલી અનુભવું અને તે ખુલી દઝાડતી સડક પર વરસતી આગ વચ્ચે ભીખ માંગી રહી હતી! મેં તેને પાકીટમાંથી કાઢીને પૈસા આપ્યા. નોટને જોઇને તેના ચહેરા પર ચમક આવી ગઈ. તેની એ ચમકે મને અપાર સુખની અનુભૂતિ કરાવી. ‘શું નામ છે તારું?’ અનાયાસે મારાથી પુછાઈ ગયું. ‘પરી’ કહીને તે ટ્રાફિક ચાલુ થયો હોવાથી પાછી બાજુમાં જતી રહી અને ત્યાંથી પછી એક ઓવરબ્રિજની નીચે…

ક્રોમા… વિશાળ મોલના પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને ફટાફટ એ ફૂલ્લી એ.સી. મોલમાં દાખલ થયો ત્યારે કૈંક સારું લાગ્યું. મોલ હંમેશા મને નગર જેવા લાગ્યાં છે, શોપિંગ કરવા માટે આરામથી બનાવેલા નગર જેવા. ત્યાં ગમે તે વસ્તુ પસંદ કરીને ચાલવાની આઝાદી, તે પણ આરામથી ઠંડકમાં મહાલતાં. અમુક કે તમુક ટી.વી. જોયા અંતે પસંદ પડેલા સૌથી એડવાન્સ ટી.વી.ને ૧, ૨૩, ૦૦૦માં ખરીદીને સીધો અક્ષત અને દિશાને ખુશ ખબર આપી. પલક પણ કંઈક હવે ખુશ જણાઈ. પછી થોડું ઘરનું કામ પતાવીને અને કારનું એ.સી. ઠીક કરાવીને પાછો વળતાં એ જ ઓવરબ્રિજ પાસેથી પસાર થતો હતો ત્યારે મને અચાનક ‘પરી’ યાદ આવી.

સાંજ ઢળી ગઈ હતી. વાતાવરણનો ઉચાટ કંઇક અંશે દુર થયો હતો. એ.સી.ની ઠંડી હવા એ ઠંડક પ્રસરાવી હતી – કારમાં અને દિમાગમાં. મેં કારને પાર્ક કરી અને એ ‘મહાત્મા ગાંધી ઓવરબ્રિજ’ તરફ ચાલ્યો ગયો. પહેલી વખત જાણે આ બધાથી પરિચિત થઇ રહ્યો હતો. ઓવરબ્રિજની નીચે તો એક આખી દુનિયા જીવતી હતી. બિલકુલ ખુલ્લામાં. ગરમ હવાનો માર તેમને નડતો નહોતો, આજુ બાજુનાં ટ્રાફિકનો ઘોંઘાટ તેમને નડતો ન હતો કે કોઠે પડી ગયો હતો. આ એ જ લોકો છે જેમને મહાનુભાવોના આગમન વખતે બેનરો નીચે ઢાંકી દેવાય છે. હું આગળ વધ્યો. બે નાના બાળકો ત્યાં આળોટતા હતાં, રમતા હતાં. મને ક્યાંય સુધી ન સમજાયું કે તેમને રમવા માટે ગેમ ઝોન નહિ જોઈતું હોય?, પ્લે સ્ટેશન નહીં જોઈતું હોય?

અને એ ઘર પણ ક્યાં હતાં? સાડીના ટુકડાને વાંસના સહારે ચારે બાજુ બાંધી દેવાયા હતાં. થોડે આગળ વધતા મને એવા જ એક ઘરમાં, ઘરની પાછળ બે વાસણો સાફ કરતી પરી દેખાઈ. તે તેમાય ખુશ હતી. મને આવેલો જોઈ તે થોડી અચંબિત થઇ ગઈ. ‘સાહેબ, તમે?’ તેણે પૂછ્યું. મેં કઈ જવાબ આપ્યો નહિ. મેં તેના ‘ઘર’નું અવલોકન કર્યું. એ સાડીની આડશની અંદર એક પોટલું હતું, બાજુમાં એક માટલું અને બે ત્રણ સામાન તેમજ ચુલાથી સમૃદ્ધ રસોડું. ‘તું અહીં રહે છે?’ મારાથી પુછાઈ ગયું. ‘હા સાહેબ, હું, મારો ભાઈ અને મા-બાપુ’ તેના અવાજ પરથી લાગતું હતું કે તેને તેનાં ‘ઘર’ પર ખુબ અભિમાન હતું. તે આ જગ્યાએ પણ રહી લેતી હતી અને મને, અમને, આપણને, એક ઘર પણ પૂરું થતું નથી. મેં ખુદ વેકેશન ગાળવા માટે ફેક્ટરી પાસે ફાર્મ હાઉસ બનાવ્યું હતું.

‘તને તાપ નથી નડતો, અને વરસાદ તેમજ, આ ટ્રાફિક?’ મારી જિજ્ઞાસાએ વ્યાકરણનું ભાન રહેવા દીધું નહીં. ‘સાહેબ, બાપુ કહે છે કે, માણસ માણસને જેટલો નડે છે તેટલું તો કોઈ, કોઈને નથી નડતું.’ પરીની વાતોમાં એક ઊંડાણ હતું, ‘તાપ માથા પર તો અહીં આવતો નથી, અને સવાર-સાંજ તાપ જે દિશામાં આવે તેની વિરુદ્ધ બાજુએ બેસી લઈએ. જોકે મોટે ભાગે તો અમે માત્ર બપોરે જમવા પુરતું અને રાત્રે જ ભેગા થઈએ.’ મને પલક અને બાળકોની યાદ આવી ગઈ. રજા કે વેકેશનની અમે કાગડોળે રાહ જોતા હોય, અને અહીં? મને પરી પ્રત્યે માન ઉપજ્યું. આ ઓવરબ્રિજને મહાત્મા ગાંધી નામ અમથું નહિ અપાયું હોય કારણ કે ગાંધી જેમની ફિકર કરતા તેઓ અહીં જ છે.

‘શેની તૈયારી ચાલે છે?’ હું જયારે આવ્યો ત્યારે પરી વાસણ સાફ કરતી હતી તે સંદર્ભે મેં પૂછ્યું. ‘આજે’ પરીના ચહેરા પર ખુશી પથરાઈ ગઈ, ‘મારા ભાઈનો જન્મ-દિવસ છે. મા-બાપુ આજે કંઈ તો સારું ખાવાનું લાવશે.’ મને તેની આશા પર ખુબ માન થયું. ભારતની અંદર અને હજુ સાચું કહું તો જગતની અંદર બે ભારત/જગત જીવે છે. મારી ફેક્ટરીમાં પણ અમુક લોકો મજુરી કરે જ છે પણ મેં તેમને માત્ર કામદાર તરીકે જોયા છે.

‘એક મિનીટ, સાહેબ’ કહી પરી તેના ‘ઘર’માં ગઈ. થોડી વારે બહાર આવી ત્યારે તેનાં હાથમાં એક ચોકલેટ હતી. તેને મને તે આપી. મેં સ્નેહથી તેને લઇ લીધી અને ખાધી. મને પરી પર બહુ જ માન થયું. પરિવાર માટે લીધેલી મીઠાઈ તેને ભેટ આપી ત્યારે તેની આંખો થોડી ભીની થઇ ગઈ હતી. ત્યારે જ અક્ષત નો ફોન આવ્યો. તેમની ઉતાવળ મને આજે તે પરિવારની ખુશીમાં સહભાગી થવા દેવાનો ન હતો.

મેં પરીને શુભેચ્છાઓ આપી અને વિદાઈ લીધી. કારમાંથી જતી વખતે જોયું તો તે મીઠાઈના બોક્ષને સ્નેહથી જોતી હતી. આજે ખબર નહિ કેમ પણ એ.સી. ચાલુ કરવાનું મન જ થયું નહીં.

  • સંકેત શાહ