ભેદી ટાપુ - ખંડ બીજો - 14 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદી ટાપુ - ખંડ બીજો - 14

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(14)

માણસ કે પશુ

પેનક્રોફ્ટ, હર્બર્ટ અને સ્પિલેટ અંધારામાં ઊભા રહ્યાં. પેનક્રોફ્ટે જોરથી બૂમ પાડી.

કંઈ જવાબ ન મળ્યો.

ખલાસીએ એક ડાળી સળગાવીને પ્રકાશ કર્યો. આખો ઓરડો તદ્દન ખાલી હતો. પાછળના ભાગમાં તાપણું સળગાવવાની જગ્યા હતી. ત્યાં થોડાં લાકડાં અને ઘાસ પડ્યું હતું. પેનક્રોફ્ટે સળગતી ડાળી એના ઉપર નાખી. લાકડાં સળગ્યાં અને ઓરડો પ્રકાશિત થયો.

ખલાસી અને તેના સાથીદારો જોયું કે ઝૂંપડીમાં બધું અસ્તવ્યસ્ત હતું. ખાટલો હતો. તેના પર ઘાસનું બનાવેલું ગાદલું હતું. તેના પર ઓછાડ હતો. પણ તે ઘણા વખતથી વણવપરાયેલો હતું. તેના પર ધૂળના થર બાઝી ગયા હતા. તાપણા પાસે બે કીટલી પડી હતી. તે કટાઈ ગઈ હતી. એક ઘડો ઊંધો પડ્યો હતો. કબાટમાં ખલાસી પહેરે એવાં કપડાંની બે-ત્રણ જોડી પડી હતી. ટેબલ ઉપર ટીનની થાળી અને બાઈબલ પડેલાં હતાં. બાઈબલને ઉધઈ લાગી ગઈ હતી.એક ખૂણામાં કોદાળી, પાવડા, ત્રિકમ, તગારાં, વગેરે નાનું પીપ પડ્યું હતું. એક અભેરાઈ ઉપર બંદૂકમાં ભરવાના દારૂનું નાનું પીપ પડ્યું હતું. એક ડબામાં બંદૂકની ગોળીઓ અને કેપ પડ્યા હતા. એક બાજુ કાટ ખાતી બંદૂક પડી હતી. આ બધા ઉપર ખૂબ ધૂળ ચડી ગઈ હતી. આ બધા સાધનોને વપરાયાને વરસો વીતી ગયાં હોય એમ લાગતું હતું.

“અહીં કોઈ નથી!” સ્પિલેટ બોલ્યો.

“હા, કોઈ નથી.” ખલાસી બોલ્યો.

“આ ઓરડો ઘણા સમય પહેલાં વપરાતો હશે.” હર્બર્ટે કહ્યું.

“આજની રાત આ ઝૂંપડીમાં જ વિતાવીએ તો કેમ?” ખલાસીએ પૂછ્યું.

“હા; એ વાત સાચી.” સ્પિલેટે જવાબ આપ્યો. “કદાચ ઝૂંપડાનો માલિક અહીં આવે તો આપણી સાથે તેનો ભેટો થઈ જાય.”

“તે નહીં આવે.” ખલાસીએ માથું હલાવી કહ્યું.

“તમે માનો છો કે તે આ ટાપુ છોડીને ચાલ્યો ગયો હશે?” સ્પિલેટે પૂછ્યું.

“ના,” ખલાસીએ જવાબ આપ્યો. “ જો એ ચાલ્યો ગયો હોય તો બંદૂક અને બીજાં સાધનો સાથે લીધા વિના જાય નહીં. તે અહીં જ છે.”

“જીવતો?” હર્બર્ટે પૂછ્યું.

“જીવતો કે મરેલો. જો એ મરેલો હશે તો એનાં હાડકાં તો જરૂર મળશે. કારણ કે તે પોતાની જાતને દાટી શક્યો નહીં હોય!”

બધા સહમત થયા કે રાત આ ઝૂંપડીમાં વિતાવવી. ખૂણામાં લાકડાં તો પડ્યાં હતા. ઝૂંપડીનું બારણું બંધ કર્યું અને એક બાંકડો પર બેઠા. ગમે ત્યારે તે માણસ આવી લાગે. પોતે તેનું સ્વાગત કરવા તૈયાર હતા. કાન માંડીને બહારથી કોઈ અવાજ આવ છે કે નહીં તે સાંભળવા પ્રયત્ન કર્યો. કોઈ પ્રકારનો અવાજ સંભયાયો નહીં.

ખલાસી અને તેના સાથીઓને રાહ બહુ લાંબી લાગી. હર્બર્ટ ખલાસીનાં અનુમાનો તર્કસંગત હતાં. હથિયારો પડ્યાં હતા, એટલે માણસ ટાપુ છોડીને ગયો ન હતો. પણ ઝૂંપડીમાં તે ન હતો. એટલે તે મરી ગયો હશે. હવે તેનું મડદું જ શોધવાનું બાકી રહેતું હતું. જો એ મળે તો ખ્રિસ્તીધર્મની વિધિ પ્રમાણે તેને દાટવાની અને કબર બનાવવાની તેમની ઈચ્છા હતી.

સવાર પડી. પેનક્રોફ્ટ અને તેના સાથીઓએ ઝૂંપડી અને તેની આસપાસનો ભાગ ફરી તપાસ્યો. ઝૂંપડી એક અનુકૂળ જગ્યાએ બાંધવામાં આવી હતી. પાછળ એક નાની ટેકરી હતી. પાંચ-છ વૃક્ષોની છાયામાં ઝૂંપડી બાંધી હતી. ચારે બાજુ કુહાડીથી કેટલીક જગ્યા ચોખ્ખી કરી હતી. ત્યાંથી સમુદ્ર જોઈ શકાતો હતો. ઝૂંપડીની ચારે બાજુ લાકડાંના ટુકડાથી એક વાડ બાંધી હતી. ઝૂંપડીની જમણી બાજુ નદી વહેતી હતી.

ઝૂંપડી વહાણના પાટીયામાંછી બાંધવામાં આવી હતી. એ પાટિયાં કોઈ ભાંગેલાં વહાણનાં હશે એવું અનુમાન થઈ શકતું હતું. કોઈ વહાણ કિનારા સાથે અથડાયું હોય અને ઓછામાં ઓછો તેનો એક નાવિક બચી ગયો હોય, તેણે એ વહાણના પાટિયામાંથી ઝૂંપડી બનાવી હોય એવો સંભવ હતો.

ગિડિયન સ્પિલેટે જોયું કે એક પાટિયા ઉપર અર્ધા ભૂંસાયેલા નીચેના અક્ષરો દેખાતા હતાઃ

“બ્ર--ટાન--આ”

“બ્રિટાનીઆ!” ખલાસીએ કહ્યું. “આ તો વહાણનું નામ છે? એ અંગ્રેજ છે કે અમેરિકન તે કહી શકાય નહીં.”

“તેનું કોઈ મહત્વ નથી, પેનક્રોફ્ટ!” સ્પિલેટે કહ્યું.

“હા, એ ગમે તે દેશનો હોય; આપણે એને બચાવવો જોઈએ.”

સૌથી પહેલાં ખલાસીએ વહાણની ખબર કાઢવાનું નક્કી કર્યું. કોઈએ તેનો કબજો તો લીધો નથીને! ઝૂંપડીથી દરિયાકિનારો એક માઈલ દૂર હતો. તેઓ તે તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં બકરીઓ અને ડુક્કર તેમને જોઈ નાસભાગ કરવા લાગ્યા. વીસ મિનિટમાં તેઓ વહાણ પાસે પહોંચી ગયા. વહાણ સહીસલામત હતું. પેનક્રોફ્ટને સંતોષ થયો.

તેમણે નાસ્તો કર્યો; કદાચ મોડું થાય તો વાંધો ન આવે. પછી તેઓ ફરીવાર તપાસ માટે નીકળી પડ્યાં. મોટેભાગે તો એ માણસનાં હાડકાં જ મળવા સંભવ હતો. ત્રણેય જણા એની જ તપાસ કરતા હતા. પણ અર્ધા દિવસની તપાસ પછી બધી મહેનત નિષ્ફળ ગઈ હોય એમ લાગ્યું. હવે એ માણસ મરી ગયો હશે એ વિષે કોઈ શંકા ન રહી. તેના હાડકાં જંગલી પ્રાણીઓ આખેઆખા ગળી ગયાં હશે. એટલે એનો કોઈ અવશેષ બાકી નહીં રહ્યો હોય.

“આપણે કાલે સવારે લીંકન ટાપુ તરફ રવાના થઈએ.” પેનક્રોફ્ટે બપોરે બે વાગ્યે પોતાના સાથીઓને કહ્યું.

સ્પિલેટે એક દિવસ વધારે રોકાવાની દરખાસ્ત કરી;પણ ખલાસીએ ના પાડી. કારણ કે હવામાનમાં પલટો આવવાની ભીતિ હતી. જો કાલે સવારે જ નીકળવાનુ હોય તો ઝૂંપડીનો બધો સામાન-વાસણો, દારૂગોળો, બંદૂક સાથે લઈ લેવાનું નક્કી થયું. વળી, શાકભાજીનાં કેટલાંક બી અને બકરી તથા ડુક્કરનાં બચ્ચાં લીંકન ટાપુ પર વસાવવા માટે લઈ લેવાં જરૂરી લાગ્યાં.

ખલાસી અને સ્પિલેટ બકરી તથા ડુક્કર પકડવા જંગલમાં ગયા. અને હાર્બર્ટ શાકભાજીનાં બી ભેગાં કરવાં ખેતર તરફ ગયો.

એક કલાક પછી એકાએક હર્બર્ટની ચીસ સંભળાઈ. ખલાસી અને સ્પિલેટ એ અવાજ સાંભળી હાંફળાહાંફળા દોડ્યાં. પાસે આવીને જોયું તો એક રસ્તાના વળાંક પાસે હર્બર્ટ જમીન પર ચત્તોપાટ પડ્યો હતો અને કોઈ જંગલી પ્રાણી, કોઈ વાંદરો તેના માથે ચડી બેઠો હતો. તે હર્બર્ટને કંઈ ઈજા કરે તે પહેલાં બંને જણા પહોંચી ગયા.

તેમણે વાંદરાને જમીન પર પછાડ્યો. હર્બર્ટને તેની પક્કડમાંથી છોડાવ્યો. પછી તે પ્રાણી કચકચાવીને બાંધી દીધું. આ બધું ખલાસી અને સ્પિલેટે બે મિનિટમાં પતાવી દીધું. ખલાસીમાં ભીમ બળ હતું. ખબરપત્રી પણ ખૂબ જ બળવાન હતો બંને જણાએ એ રાક્ષસને કચકચાવીને બાંધી દીધો હતો.

“તને કંઈ વાગ્યુ તો નથીને, હર્બર્ટ?” સ્પિલેટે પૂછ્યું.

“ના, ના,”

“આ વાંદરો તને ઘાયલ કરી દેત!” ખલાસીએ કહ્યું.

“પણ આ વાંદરો નથી!” હર્બર્ટે જવાબ આપ્યો.

આ શબ્દો સાંભળીને પેનક્રોફ્ટ અને સ્પિલેટે જમીન પર પડેલા એ પ્રાણી તરફ જોયું. ખરેખર, એ વાંદરો ન હતો; એ માણસ હતો. પણ કેવો માણસ! એ પૂરેપૂરો જંગલી હતો. એનામાં પશુંતાનાં બધાં જ લક્ષણો દષ્ટિગોચર થતાં હતાં.

શાહૂડીનાં પીછાં જેવા વાળ, જેમતેમ ઊગેલી દાઢી, કમરે એક ચીંથરું વીંટ્યું હતું, તે સિવાય આખા શરીરે લગભગ નગ્ન હતો. લાલ આંખો, હાથપગના ખૂબ વધી ગયેલા નખ, ચામડીનો સીસમ જેવો રંગ, શિંગડાના બનેલા હોય એવા પગ-- આવું પ્રાણી પોતાની જાતને માણસ કહેવડાવતુ હતુ. સવાલ એ હતો કે, તેના શરીરમાં માનવીનો આત્મા જાગૃત હતો, કે માત્ર પશુતાની વૃત્તિ જ બાકી રહી ગઈ હતી!

“તમને ખાતરી છે કે, આ માણસ છે?” ખલાસીએ સ્પિલેટને પૂછ્યું.

“એ માણસ છે એમાં કોઈ શંકા નથી.” સ્પિલેટે જવાબ આપ્યો.

“તો પછી એ માણસ તરછોડાયેલો છે, જેને આપણે શોધીએ છીએ?” હર્બર્ટે પૂછ્યું.

“હા,” સ્પિલેટે જવાબ આપ્યો. “પણ આ દુર્ભાગી માણસમાં માણસનાં કોઈ લક્ષણો દેખાતા નથી!”

સ્પિલેટની વાત સાચી હતી. આ માણસ ભૂતકાળમાં સભ્ય હશે, પણ એકાંતવાસે એને જંગલી બનાવી દીધો હતો; અથવા તો જંગલમાં પશુ સાથે રહીને એ પશુ બની ગયો. એના ગળામાંથી પશુ જેવો ઘુરકાટ નીકળ્યા કરતો હતો. તેના દાંત હિંસક પ્રાણી જેવા અણીદાર હતા; અને કાચું માંસ તોડી લે એવા બળવાન હતા.

તેની સ્મરણશક્તિ ખલાસ થઈ ગઈ હશે. બંદૂક અને બીજા સાધનો વાપરવાની કળા એ ભૂલી ગયો હશે. હવે એ દેવતા કેમ પેટાવવો એ પણ જાણતો નહીં હોય! તે ચપળ અને બળવાન હતો; શારીરિક શક્તિઓ વિકસી હતી, પણ માનસિક શક્તિને નુકસાન થયું હતું.

સ્પિલેટે તેની સાથે વાત કરવા પ્રયાસ કર્યો. પણ તે કશું સમજતો હોય એમ ન લાગ્યું; તે કંઈ સાંભળતો હોય એવું પણ ન દેખાયું. એની આંખો કહેતી હતી કે, હજી એનામાં તર્કશક્તિ નાશ પામી ન હતી. ગમેતેમ, પણ કેદીએ કંઈ ધમપછાડા ન કર્યા કે બંધન તોડવાનો પ્રયાસ પણ ન કર્યો.

માણસની હાજરીથી તેના પર કંઈ અસર થઈ હશે? છોડી મૂકીએ તો તે નાસી જાય ખરો? પણ તેમણે એવો પ્રયોગ કરવાનું માંડી વાળ્યું. એ માણસની હાલત દયાજનક હતી.

“એ ગમે તે હોય, આપણે એને લીંકન ટાપુ પર લઈ જવો જોઈએ.” સ્પિલેટે અભિપ્રાય આપ્યો.

“હા,” હાર્બર્ટે જવાબ આપ્યો; “કદાચ એ આપણા સહકારથી સુધરે.”

“આત્મા કદી મરતો નથી.” સ્પિલેટ બોલ્યો.

કેદીના પગ છોડી નાખ્યા. પણ હાથનાં બંધન એમને એમ રહેવાં દીધાં. તે પોતાની મેળે ઊભો થયો, અને તેણે નાસી જવાની ઈચ્છા વ્યક્ત ન કરી. સ્પિલેટની સૂચનાથી તેને ઝૂંપડીમાં લઈ ગયાં. કદાચ પોતાની ઝૂંપડીને જોઈને તેના પર અસર થાય. પણ તેને કંઈ યાદ ન આવ્યું.

પછી સ્પિલેટે દેવતા સળગાવ્યો. અગ્નિને જોઈને પહેલાં તો તેની આંખમાં ચમકારો થયો; પણ તે માત્ર થોડી ક્ષણો માટે જ. પછી તે બીજી બાજુ જોઈ ગયો. તેની બુદ્ધિ પર વળી પાછો પડદો પડી ગયો.

હવે બીજું કંઈ કરવાનું રહેતું ન હતું. તેને વહાણમાં લઈ જવાનું નક્કી થયું. તેને વહાણમાં ચડાવ્યો, અને પેનક્રોફ્ટને તેની દેખરેખનું કામ સોપ્યું. હર્બર્ટ અને સ્પિલેટ અધૂરું રહેલું કામ પૂરુ કરવા ટાપુ પર પાછા ફર્યાં. થોડા કલાક પછી તેઓ બંને કિનારે પાછા ફર્યાં. તેમની સાથે બંદૂક, દારૂગોળા, વાસણો, શાકભાજીના છોડ અને તેનાં બી, શિકાર કરેલાં પ્રાણીઓ અને પક્ષીઓ, અને બે ડુક્કર દંપતી-એટલી સામગ્રી હતી.

એ બધી સામગ્રી વહાણ પર ચડાવી દેવામાં આવી. સવારે વહાણ ઉપાડવાનું નક્કી થયું.

કેદીને વહાણની આગલી ખોલીમાં રાખ્યો હતો. તે ત્યાં શાંત, મૌન, મૂંગો અને બહેરો થઈને બેઠો હતો. પેનક્રોફ્ટે તેને કંઈક ખાવાનું આપ્યું. પણ રાંધલો ખોરાક તેણે હડસેલી દીધો. પછી ખલાસીએ તેને હર્બર્ટનો શિકાર બનેલી મરેલી બતક આપી. તો તે તેના પર જંગલી પશુની જેમ તૂટી પડ્યો, અને કાચેકાચી ઝપટી ગયો.

“તમને લાગે છે કે આ માણસની બુદ્ધિ જાગ્રત થશે?” ખલાસીએ પૂછ્યું.

“કદાચ.” સ્પિલેટે ઉત્તર આપ્યો.

“એની ઉંમર કેટલી હશે? હર્બર્ટે પૂછયું.

“આશરે પચાસ વર્ષની.” સ્પિલેટે જવાબ આપ્યો.

“હું હાર્ડિંગનો અભિપ્રાય જાણવા આતુર છું.” ખલાસી બોલ્યો. “આપણે લેવા ગયા હતા એક માણસને અને પાછા ફર્યાં એક રાક્ષસને લઈને!”

રાત્રિ પસાર થઈ ગઈ. કેદી સૂતો હતો કે નહીં; તે જાણી શકાયું નહી, પણ તે છુટ્ટો હતો છતાં પડ્યો રહ્યો.

15મી ઓકટોબરે સવારે ખલાસીની આગાહી મુજબ હવામાનમાં પલટો આવ્યો. વાયવ્યનો પવન વહાણને પાછા ફરવામાં અનુકૂળ હતો. પણ તેનું જોર વધ્યું હતું. એટલે વહાણને કાબૂમાં રાખવું મુશ્કેલ પડે એમ હતું.

સવારે પાંચ વાગ્યે લંગર ઉપાડવામાં આવ્યું. વહાણે સીધો લીંકન ટાપુનો રસ્તો લીધો. પહેલાં દિવસની સફરમાં ખાસ કોઈ ઘટના ન બની. કેદી આગલી ખોલીમાં શાંતિથી પડ્યો રહ્યો. એ અગાઉ ખલાસી હતો, એટલે કદાચ તેના પર વહાણ ચાલે તેની અસર થાય! તેના મુખ ઉપર થોડો ફેરફાર દેખાયો ખરો!

બીજે દિવસે પવનનું જોર વધ્યું. તે ઉત્તર તરફથી ફૂંકાતો હતો, એટલે દિશાની બાબતમાં થોડી પ્રતિકૂળતા હતી. સઢને સંકેલી લેવા પડ્યા. પેનક્રોફ્ટ કંઈ બોલતો ન હતો, પણ સમુદ્રની સ્થિતિ જોતાં તે થોડો અસ્વસ્થ બન્યો હતો. જો પવન ધીમો ન પડે તો લીંકન ટાપુ પર પહોંચતા વધારે સમય લાગે.

17મી તારીખે સવારે વહાણને દરિયામાં અડતાલીસ કલાક થયા પણ તેઓ લીંકન ટાપુની નજીક પહોંચ્યા હોય એવું દેખાતું ન હતું. વહાણે કેટલું અંતર કાપ્યું તેની ગણતરી થઈ શકે એમ ન હતી. કારણ કે વહાણની ગતિ ઘણી અનિયમિત હતી. વહાણની દિશા અંગે પણ ચોક્કસ કંઈ કહી શકાતું નહોતું.

બીજા ચોવીસ કલાક પસાર થયા. ટેબોર ટાપુથી નીકળ્યાને હવે બોતેર કલાક વીત્યા હતા. ક્યાંય જમીન દેખાતી ન હતી. પવન જોરથી ફૂંકાતો હતો અને દરિયામાં તોફાન હતું. સઢને સંકેલી લીધા હતા.

18મી તારીખે એક જોરદાર મોજું વહાણ સાથે અથડાઈ ને ઊપરથી પસાર થઈ ગયું. જો નાવિકો સાવચેત ન હોત તો મોજું તેમને દરિયામાં ઘસડી જાત!

આ પ્રસંગે પેનક્રોફ્ટ અને તેના સાથીદારો થોડા બાવરા બન્યા હતા. તેમને કેદી તરફથી અણધારી મદદ મળી. તે પોતાની ખોલીમાંથી બહાર આવ્યો. એક ખલાસીની અદાથી તેણે તૂતકની કિનારીનું એક નાનકડું લાકડું તોડી નાખ્યું. તૂતકમાં ભરાયેલું પાણી તરત જ ખાલી થયું. વહાણમાં ભરાયેલું પાણી નીકળી ગયા પછી, તે એક પણ શબ્દ બોલ્યા વિના પોતાની ખોલીમાં પાછો ચાલ્યો ગયો.

પેનક્રોફ્ટ, સ્પિલેટ અને હર્બર્ટ આશ્વર્યથી તેને જતો જોઈ રહ્યાં.

તેમની પરિસ્થિતિ ખરેખર ગંભીર હતી. પેનક્રોફ્ટને બીક હતી કે વિશાળ મહાસાગરમાં તેઓ ભૂલા પડ્યા હતા; અને સાચી દિશા મેળવવામાં કોઈ માર્ગ હાથમાં ન હતો.

રાત્રિ ખૂબ અંધારી હતી. ઠંડો પવન સુસવાટા મારતો હતો. રાત્રે અગિયાર વાગ્યે પવન પડી ગયો હતો; સમુદ્રનું તોફાન શાંત પડી ગયું; અને વહાણની ગતિ વધી.

પેનક્રોફ્ટ, સ્પિલેટ કે હર્બર્ટ એક કલાક માટે પણ ઊંઘી ન શક્યા. તેઓ બારીકાઈથી લીંકન ટાપુની શોધ કરતા હતા. લીંકન ટાપુ નજીકમાં જ હોવા જોઈએ; અને સવાર સુધીમાં દેખાવો જોઈએ.

એમ ન બને તો વહાણ જોરદાર પ્રવાહમાં ખેંચાઈને રસ્તો ભૂલ્યું હતું. અને સાચો રસ્તો શોધી કાઢવાનું કામ લગભગ અશક્ય હતું.

પેનક્રોફ્ટ બાવરો બની ગયો હતો. જો કે, તે નિરાશ થાય એવો હતો. તેનું હૈયું મજબૂત હતું. સુકાન પકડીને તે અંધારામાં આગળ વધતો હતો.

અડધી રાત્રે, લગભગ બે વાગ્યે, તેણે બૂમ પાડી.

“પ્રકાશ! પ્રકાશ!”

ખરેખર, ઈશાન ખૂણામાં વીસ માઈલ દૂર તેજસ્વી પ્રકાશ દેખાતો હતો. ત્યાં લીંકન ટાપુ આવેલો હતો. હાર્ડિંગે ત્યાં મોટું તાપણું સળગાવ્યું હતું. એ તાપણા દ્વારા વહાણને દિશાનો ખ્યાલ આવે એવો ઉદ્દેશથી એ સળગાવવામાં આવ્યું હતુ. પેનક્રોફ્ટ વહાણને વધારે પડતું ઉત્તર દિશા તરફ દોરતો હતો. હવે તેણે વહાણનો માર્ગ બદલ્યો અને તાપણાની દિશામાં તે વહાણને હાંકવા લાગ્યો.

ક્ષિતિજ ઉપર તાપણું પ્રકાશ ફેલાવતું હતું, અને એને નજર સમક્ષ રાખીને વહાણ આગળ વધતું હતું.

***