સત્ય હંમેશા પોતપોતાનું જ હોય છે... Ravi bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય હંમેશા પોતપોતાનું જ હોય છે...

સત્યની કેટલીક શરતો હોય છે, કે બોલનારે ખરેખર સત્ય બોલવું અને સાંભળનારે ગમે તેવો આઘાત લાગે તે સ્વીકારીને સામેની વ્યક્તિને માફ કરી દેવી. હકિકતમાં સત્ય મોત જેવું છે. આપણે મૃત્યુને જેટલી સહજતાથી સ્વીકારી નથી શકતા તેટલી જ સહજતાથી સત્યને પણ સ્વીકારી નથી શકતા. તેનાથી બચવાના કે દૂર રહેવાના બહાના કરતા હોઈએ છીએ.

‘મૈં સચ કહુંગી મગર ફીર ભી હાર જાઉંગી

વો ઝૂટ બોલેગા ઔર લા-જવાબ કર દેગા.’

માનવ સ્વભાવ અને સત્ય વિશે પરવિન શાકિરનો આ ખૂબ જ સુંદર શેર છે. થોડા સમય પહેલાં અજય દેવગનની દ્રશ્યમ નામની એક ફિલ્મ આવી હતી તેમાં સમીર નામનો એક યુવાન લાપતા થાય છે અને તેને શોધવાની કવાયત શરૂ થાય છે. વિજય સાલગાંવકર (અજય) ની દીકરી અનુને બ્લેકમેલ કરવા સમીર આવ્યો હોય છે અને તેનું અકસ્માતે મોત થાય છે. આ અકસ્માત અને મોતને અજય દેવગન પોતાની સ્થિતિ પ્રમાણેના સત્યમાં સ્થાપિત કરી દે છે. બીજી તરફ તે યુવાનની માતા એટલે કે આઈજી મીરા દેશમુખ (તબુ) આખું પોલીસ તંત્ર વિજયના પરિવારની પાછળ દોડાવે છે. આખરે સત્ય સાબિત થતું નથી કે સમીર ક્યાં છે અને તેનું શું થયું. દર્શકોને ખબર છે કે સમીરનું શું થયું, કોણે કર્યું, કેવી રીતે થયું. ફિલ્મના અંતમાં વિજયની પત્ની નંદિની તેને સવાલ કરે છે કે, લાશ આપણા બગીચામાંથી ગઈ ક્યાં. ત્યારે વિજય કહે છે કે આ સત્ય તો મારા હૃદયમાં અકબંધ છે અને મારા મૃત્યુ સાથે તે પણ કાળની ગર્તામાં સમાઈ જશે. વિજય અંતમાં મીરાને મળવા જાય છે ત્યારે પણ જણાવે છે કે, એક અજાણ્યો યુવાન મારા પરિવારને વિખેરવા આવ્યો હતો અને હવે તે ક્યાંય દૂર ચાલ્યો ગયો છે જ્યાંથી પરત આવી શકે તેમ નથી. આ કેસમાં સત્ય સાબિત થતું નથી છતાં બધાને ખબર છે કે સત્ય શું છે. આખી મથામણ માત્ર તેને સાબિત કરવાની હોય છે. જીવનમાં પણ આપણે દ્રશ્યોના આધારે જ સત્ય સાબિત કરવા મથતા હોઈએ છીએ કે સામેની વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખતા હોઈએ છીએ.

આપણે સત્યની વાતો કરીએ છીએ પણ ખરેખર ક્યારેય સંપૂર્ણ સત્ય બોલીએ છીએ? લગભગ નથી જ બોલતા... ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ પ્રસંગે આપણે આભાસી સત્ય અથવા તો યુધિષ્ઠિર જેવું અધુરું સત્ય બોલતા હોઈએ છીએ. કોઈ બાબત સાબિત કરવા માટે બોલાતા સત્ય કે અસત્યની આ વાત નથી. અહીં વાત જીવનના સત્યની થાય છે. આપણે તે સ્વીકારતા નથી, બોલતા નથી અને સમજતા પણ નથી. આપણને માત્ર સત્ય સાંભળવામાં જ રસ હોય છે. સત્ય સાંભળ્યા બાદ તેને સ્વીકારવાનું, સમજવાનું કે તેનું કારણ જાણવાનું આપણને ફાવતું નથી અથવા તો એમ કહીએ કે આદત પણ નથી.

સત્ય અને અસત્ય સંબંધોમાં ખૂબ જ મહત્વના છે કારણ કે આવા સત્ય કે અસત્ય સ્થિતિના કારણે જન્મે લેતા હોય છે. કોઈ બે વ્યક્તિ પોતાના સંબંધો માટે જે સ્થિતિઓને કે બાબતોને સત્ય માનતી હોય છે અથવા તો જે સત્યને શોધતી હોય છે તે તેમના વૈયક્તિક સ્તરે અલગ અલગ પણ હોઈ શકે છે. અર્જુનને પક્ષની આંખ દેખાતી હતી તે તેનું સત્ય હતું અને બીજાને ઝાડ, પાંદડા, ફળો, ફુલો દેખાતા હતા તે તેમનું સત્ય હતું. આ સંજોગોમાં કોઈ અસત્ય બોલતા હતા તેવું ન કહી શકાય. ચાર અંધ વ્યક્તિને હાથી પાસે ઉભા રાખ્યા અને તેઓ હાથીનું જે રીતે વર્ણન કરે તે રીતે આપણા સત્યો હોય છે. સંબંધોમાં કડવાશ સત્ય બોલવાથી નહીં પણ પોતાનું સત્ય સાબિત કરવાથી વધતી હોય છે. જ્યારે વિપરિત સ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે આપણે સત્ય સાબિત કરવા જવું પડે છે. સામેની વ્યક્તિ અથવા તો પરિવાર, મિત્રો કે પછી સમાજ આપણા સત્યને સ્વીકારશે નહીં તેવી આછી પાતળી સમજ આપણને આવી જ ગઈ હોય છે. તેના કારણે જ આપણે સત્ય પણ સાબિત કરવા જવું પડતું હોય છે. સામાન્ય રીતે સત્યનો કોનસેપ્ટ હોય છે કે તે સત્ય છે. પણ વાત શીરાની જેમ સરળતાથી ગળે ઉતરી જાય તેવી નથી. અદાલતોમાં પણ લોકો જુબાની આપતા પહેલાં સોગંધ ખાતા હોય છે કે હું જે કાંઈ કહીશ તે સત્ય કહીશ, પણ એ સત્ય સાબિત કરવા માટે પણ અદાલત પુરાવા માગતી હોય છે. અદાલત પણ સત્ય સાબિત કરવા માટે પુરાવા માગતી હોય તો પછી સંબંધો તો આજીવન ટકાવી રાખવાના હોય છે તેમાં તો અનેક તબક્કે સાંસારિક અદાલતો ભરાતી હોય છે અને સત્યના પુરાવાની માગણીઓ થતી હોય છે.

આપણે ખાલી એમ વિચારીએ કે કોઈ એક પ્રસંગે આપણી પત્ની, માતા, પ્રમીકા કે પછી મિત્ર અથવા તો બોસ હોય અને આપણને એમ કહે કે તું જે હોય તે સાચું કહી દે હું તને માફ કરી દઈશ... આ વાતને સ્વીકારીને આપણે ખરેખર સત્ય બોલીએ છીએ. જવાબ તમને અને મને ખબર જ છે. ક્યારેક પતિ ઘરે આવે અને પત્ની હાજર ન હોય અને પાછી આવીને કહે કે, કોલેજકાળનો એક મિત્ર માર્કેટમાં મળી ગયો તો કોફી પીવા ગયા હતા તો આ સત્ય કેટલા પુરુષો પચાવી શકશે. બીજી તરફ આ જ સ્થિતિ પુરુષની ગણીએ કે, તે મોડા આવવાનું કારણ પોતાની સ્ત્રી મિત્ર સાથેની મુલાકાત ગણાવે તો પત્ની તેને કેટલી સહજતાથી સ્વીકારશે. પહેલી વખત સિગારેટ પીતા કે દારૂ પીતા પકડાઈ ગયેલા સંતાનો કે પછી લગ્ન પહેલાંના પ્રેમ વિશે લગ્ન બાદ થતાં ખુલાસા મોટાભાગે માફીને પાત્ર હોતા જ નથી... તેના કારણે જ વ્યક્તિ પોતાના સત્યો પોતાની જાત સુધી સિમિત કરી રાખે છે.

સિદ્ધાર્થને તેના પિતાએ જીવનના સત્ય સુધી પહોંચવા જ નહોતો દીધો અને તેના કારણે તે રાજકુમાર તરીકે જીવતો હતો. જે દિવસે તેને આ સત્યનું ભાન થયું તેણે સામનો કર્યો તે દિવસે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ થઈ ગયા. તેમણે આ સત્યને સ્વીકારવાની સાથે તેની પેલે પાર જઈને તેને પામવાનો પ્રયાસ કર્યો. ઘણા લોકો હોય છે જે જીવનમાં સત્યો શોધવા મથતા હોય છે પણ સ્વીકારવા તૈયાર નથી હોતા. આ લોકો વધારે દુઃખી થતા હોય છે.

આપણે સત્ય બોલાવા કે નહીં બોલાવા માટે તેના પરિણામની ચિંતા કરીએ છીએ. સત્ય હંમેશા કડવું હોવાના સત્ય સાથે આપણે જીવીએ છીએ અને તેટલે જ તેને પામી શકતા નથી. આપણે લોકો ખરેખર તો ખંડિત સત્યો સાથે જીવતા થઈ ગયા છીએ. આજના સમયમાં સાચુ કહેનારા લોકોનો કોઈ જલદી વિશ્વાસ કરતું નથી, તેની મજાક ઉડાવે છે. સત્ય આજે વ્યક્તિત્વ અને વિચારો કરતાં પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયું છે. સત્યની કેટલીક શરતો હોય છે, કે બોલનારે ખરેખર સત્ય બોલવું અને સાંભળનારે ગમે તેવો આઘાત લાગે તે સ્વીકારીને સામેની વ્યક્તિને માફ કરી દેવી. હકિકતમાં સત્ય મોત જેવું છે. આપણે મૃત્યુને જેટલી સહજતાથી સ્વીકારી નથી શકતા તેટલી જ સહજતાથી સત્યને પણ સ્વીકારી નથી શકતા. તેનાથી બચવાના કે દૂર રહેવાના બહાના કરતા હોઈએ છીએ. સ્વ. નિદા ફાઝલીએ માણસોની સત્યપ્રિયતાને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે,

ઉસ કે દુશ્મન હૈ બહુત આદમી અચ્છા હોગા,

વો ભી મેરી હી તરહ શહર મેં તન્હા હોગા.

ઈતના સચ બોલ કે હોટોં કા તબસ્સુમ ન બુઝે

રૌશની ખત્મ ન કર આગે અંધેરા હોગા.

- ravi.writer7@gmail.com