બાપુજી Padmaxi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાપુજી

બાપુજી(વાર્તા)    
         
        'કેમ છો બાપુજી,તબિયત સારી છે ને?', કલ્પનાએ  સ્મિત વેરતા બાપાને પૂછયુ.   
      
        આંખો ઝીણી કરી ,ચશ્માં ચડાવી ,ચહેરા પર એકદમ ચમક લાવી બાપા બોલ્યા,'કપુ દિકરા, આવ,આવ.....મારી દિકરી....સારી તબિયત સારી છે હો....હવે ઘરડે ઘડપણ ચાલે નરમ-ગરમ'.       
   
        'લો,શાનું ઘડપણ? હજીય ગામની ડોશીઓ પૂછે છે મને કે ,ઓલો મને યાદ કરે છે કે નહીં!' કલ્પના આંખ મીંચકારતા બોલી.    
       
         ને ચોકઠું વાળા ચકચકતા દાંતો ખોલી રમણબાપા હસી પડયા.કલ્પના તો હસી-હસીને વાકી વળી ગઈ.     
      
           હા!શનિવાર.....એ જ શનિવારની રાહ આ ડોશો જોયા કરે...કારણ છ દિવસનું મૌન,નિરાશા,હતાશા,અપમાન અને ખાલીપો આ છોકરી આવી દૂર કરી દેતી.ભૂલવી દેતી કે જે પરીવાર માટે આખી જિંદગી ઘસાયો તેને હવે આ કમજોર ડોશો બોજ લાગે છે.     
      
         પણ કલ્પના ગામ આખાનો ભોમિયો ને નાના થી લઈ મોટાની જીગરજાન એટલે દર શનિવારે પિયર આવે કે નકકી કરેલા લોકોની અચૂક મૂલાકાત લે ને તેમાંય રમણબાપુજીને નાનપણથી હંમેશાં ખૂબ જ મહેનત કરતાં જોતી આવી.એમના બળદોની સગાં દિકરાની જેમ કાળજી લેતાં અને વાડી તો જાણે હરિયાળું નગર.ઋતુ પ્રમાણેના ધાન અને શાકભાજી તો હોય જ.રોજ ઢોર માટે લીલોચારો લઈને આવે પછી જ જમે.  

             કલ્પના ઓટલે બેઠી હોય ને બાપુજી ચારો લઈને આવતાં દેખાય કે તરત બુમ પાડે,'બાપુ તમારો ચારો વેરાય છે, ભારો છૂટી ગયો છે.' હસતાં-હસતાં એ ય બોલતા ,'તું વીણીને પાછળ પાછળ આવ,ચાલ.' ને ખરેખર કલ્પના એમની સાથે એમના ઘર સુધી જતી.કયારેક કલ્પના ગુસ્સો. કરી પૂછતી,'એ બાપુડા!શરીર તો કામ નથી આપતું તો હવે છોડોને માયા,ઘર બેસી આરામ ના થાય?    
          
            ત્યારે એના માથે હાથ મૂકી બાપુજી બોલતા,'દિકરા થાય ત્યાં સુધી કરવાનું, કામ કરે તો શરીર સારું રહે ને!'પણ કલ્પના જાણતી હતી કે મણી બા ના ગુજરી ગયા પછી બાપુજી એકલા પડી ગયા હતા.એ આઘાતે શરીર પર પણ અસર કરી ને શરીર અશકત થયું.

             કામ ઓછું થયું તો વહુ-દિકરાને ડોશો બોજ લાગવા માડયો.કલ્પનાના આંખમાં પાણી આવી જતાં જયારે એને યાદ આવતુ કે એના લગ્નના દિવસે બાપુજી એ એને ખૂણામાં બોલાવી પાયલની જોડી આપી હતી એમના વહુ-દિકરાથી છુપાવી ને બોલ્યાં હતાં,'તારી બાની છેલ્લી નિશાની છે,તને ગમે તો પહેરજે,સુખી રેજે મારી દિકરી',આટલું બોલી ધ્રુસકે-ધ્રુસકે રડયા'તા.              

            તે દિવસે પોતાના પાયલ ઉતારી કલ્પનાએ મણીબાના પાયલ પહેરયાં ને મનથી નકકી કર્યું કે બાપુજીને અઠવાડિયાએ એકવાર મળવા આવીશ જ અને આ વાતને બે વરસ થયા હજીય એ નિત્યક્રમ જળવાયો.કલ્પના આવેને ગામ ઘૂમે અને ખાસ કરી રમણબાપાને તો મળે જ.એમના ઘરના ને ના ગમે તોય તે એક કલાક વાતો કરે,કંઈક વાનગી બનાવી લઈ આવે ને હોંશે હોંશે ડોશો ખાય ને મૂક આશિષ આપતો જાય.વાનગીનીમીઠાસ કરતાં લાગણીની મીઠાશ મરેલા ડોશામાં પ્રાણ ભરતી.   

              સંજોગવશાત બીજા અઠવાડિયે કલ્પનાના સાસુ બિમાર પડે છે અને તે બાપુજી ને મળવા જઈ શકતી નથી.ઘરે ફોન કરી સંદેશો મોકલે છે કે બાપુજીને કહેજો કે આવતા શનિવારે આવીશ અને બે દિવસ પછી કલ્પનાનો ભાઈ એને સાસરે લેવા જાય છે.અચાનક ભાઈ ને આવેલો જોઈ એને કંઈક અઘટિત થયાની શંકા જાય છે પણ ચુપચાપ ભાઈ સાથે પિયર રવાના થાય છે.           

             ભાઈ ઘરે ગાડી વાળવાને બદલે બાપુજીના બારણે સીધી લઈ જાય છે,કલ્પના એક ધબકાર ચૂકી જાય છે,બારણાંમાથી જ ઘરમાં ચાલતી રોળકોળ સંભળાય છે ને તે દોડતી ઘરમાં પહોંચે છે તો બાપુજીના નિશ્ચેટ શરીરને જોઇ ફસડાઇ પડે છે.

            બાજુમાં બેઠેલા ધનુ માસી ધીમેથી કલ્પનાને કહે છે,'કાલ બહુ બોલ્યાં ઘરના, બહુ અપશબ્દો બોલ્યાં, આખર લાગી આવે ને?કેટલું સહન કરે...તે ડોશાએ ફાંસો ખાધો.આટલું સાભળતા કલ્પના ચોધાર આસુંએ રડતાં-રડતાં છેક બાપુજીના કાન પાસે જઈ બોલી,'એ ડોશા સાભળે છે?શનિવારને  ત્રણ દિવસની વાર હતી.મારી એટલી તો રાહ જોવી હતી',  ને ઘર ચિત્કારે ભરાય ગયું.   

પટેલ પદમાક્ષી
વલસાડ