આંસુ Padmaxi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંસુ


'અરે આભા ,તું ક્યારે આવી '?ગીતા માસી એ પ્રશ્નાર્થ ચહેરે આભા ને પૂછયું .

'આ હમણાં જ આવી ગીતુડીડીડી' .....એમ મજાકિયા સ્વરમાં આભા એ જવાબ આપ્યો.

એટલે આભના મમ્મી આશા બેન આભા ને ખીજાયા ,….. 'આભા મોટા સાથે આવી રીતે વાત થાય, હજીય નાનકી બને છે તો '.

ત્યાં તો ગીતામાસી બોલી પડ્યા , 'અરે આશા તું ય શું? આપણી આભલી તો આવી જ છે પેલ્લાથી એનું શું ખોટું લાગે' .

હા! આભા એટલે હસતી રમતી નાચતી કુદતી ને ભારે બોલકણી .....આખીય શેરી એને “લપલપીઓ કાચબો” કહે .

આભનું આગમન થાય એટલે આખી શેરી ને ખબર પડે કે આભાજી આવી ગયા .આભા તો પવન સાથે વાત કરે એવી .ને જુવોને સમય ને વેહતા શી વાર લાગે !.

આભના લગ્ન થઇ ગયા ને આજે બે વરસ પુરા થયા .એનું સીમંત કર્યું ને બીજા જ દિવસે પછી સાસરે ઉપડી ગઈ પણ હવે તો આઠમો મહિનો ચાલે એટલે બધા ખીજાયા કે પિયરમાં જ રેવું .આભા ને સાસરીમાં બરાબર ફાવી ગયું તું કારણ એ હતી જ એવી.

એ જયારે પિયર આવે તો આખો દિવસમાં એની સાસુના ચાર ફોન આવે ને ખુશી અને ઈર્ષામાં આશા બેન બોલાય ખરા ...'હા કર વાત હવે તો મમ્મી કરતા સાસુ વધુ વ્હાલી ને '? ને આભા પણ આશા બેન ને ચીડવતી ....હાસ્તો .ને બંને માં દીકરી ખડખડાટ હસી પડતા .

આભા આજે છ મહિના માટે પિયર આવી ગઈ એને મૂકવા અનંત આવ્યો તો ...અનંત કોણ? આભનો પતિ ...ડીયર હસબંડ ....અનંત છોડવા તો આવ્યો હતો પણ આજે જે અનંત કદી પોતાના હદયના ભાવ ચહેરે ન આવવા દેતો તે અનંત ના ચેહરા પર ઉદાસી ડોકાતી હતી .

જમાઈ આવ્યા દીકરી ને મુકવા એટલે ઘરમાં દોડધામ વધી.

અનંત બોલ્યો ,'મમ્મી આજે મારી મીટીંગ છે ઓફીસમાં તેથી હું ફક્ત ચા પીશ તમે નકામી દોડધામ મા કરો' .

ચાનો પ્યાલો હાથમાં લઇ અનંતે બે વાર તીરછી નજરે આભા તરફ જોયું ને આભલી એની ટેવ પ્રમાણે એકટીશે અનંત તરફ જોતી હતી .બંને ન બોલીને ઘણુય બોલતાં હતા .

અનંત જવા ઉભો થયો .એટલે તરત પેલ્લી ચાપલી બોલી, 'અનયા પહોચે એટલે તરત કોલ કરજે ને નહિ થાય તો મેસેજ'. અનંત સ્વભાવ પ્રમાણે બોલ્યો નહિ... ખાલી ડોકું હલાવ્યું ને ગાડીમાં બેઠો .

આભા ગાડીની એકદમ નજીક પહોચી બોલી ,'આનયા આઈ મિસ યુ '.ને અનંત ના ચેહરા પર એક મીઠું હાસ્ય આવી ગયું ........બાઈ કહી નીકળ્યો ને રસ્તામાં આભા ને જોવા ગયો ત્યારથી એને પ્રેગનન્સી સુધીના બધા જ સંસ્મરણો એની આંખ આગળથી પસાર થયા .

આભા બોલકી ને અનંત ધીરગંભીર .છતાયે પેલ્લી મુલાકાતમાં જ કેટલી વાત કરી હતી .અનંત પેલ્લીવાર કોઈ છોકરી સાથે વાત કરી રહ્યો હતો .એ બહુ જ શરમાળ હોવાને કારણે એની કોઈ બહેનપણી હતી નહિ .પણ આભા ને જોતા જ એના હદયમાં કઈક ડોલ્યું .ને બંનેને ફાવી જતા નક્કી પણ થયું પછી તો અનંતની વાણી કોણ......... આભા .કદાચ બંનેની રૂહ મળી ગઈ તી તો અનંત ની વાત વગર કહ્યે આભા સમજી જતી. એટલે જ અનંતે એક ક્ષણ પણ આભા થી દુર નો’તું થવું .

જબરદસ્ત લગાવ હતો બંને વચ્ચે તેથી આભા પિયર ઓછું જતી ને જતી તો પછી આવી જતી પણ હવે તો છૂટકો જ નહતો .આભા કરતા વધુ દુ:ખી તો અનંત હતો કે તે આભા વગર કરશે શું ?પણ લોકલાજ રીત રીવાજ તો નિભાવ પડે ને.એટલે મન વગરનો આભા ને મૂકી ગયો .બંને રોજ એકબીજાને મેસેજ કરતા કલાકો સુધી વાતો કરતા .

આભની એટલી બધી ચિંતા હતી અનંતને કે ચાલુ મીટીગમાંથી પણ ..'આભું તું પ્લીસ દવા લઇ લેજે, તારું દયાન રાખજે મેસેજ કરી દેતો' .

એકવાર તો બોસ જોઈ ગયા ને કેબીનમાં બોલાવી કહી પણ દીધું મી .અંનત “તમારું ધ્યાન કયાં છે “ ?અનંત શું કહે..બિચારો.....આભને એટલો પ્રેમ કરતો હતો અને કોઈ ને કહીં પણ શકતો ન હતો .....બીજું નડે કે ન નડે સ્વભાવ તો નડે જ .

પણ એ દિવસો પણ નીકળી ગયા અને આભાએ એક સુંદર મઝાની બાળકી ને જન્મ આપ્યો .આબેહુબ અનંત.....એણે જયારે એને હાથમાં લીધી ત્યારે જાણે એને સ્વર્ગાનુભૂતિ થઇ .અનંતે ધીમેથી આભાને કહ્યું ,'આભું થેંક્યું ...થીસ ઇસ થે બેસ્ટ ગીફ્ટ ઓફ માય લાઈફ'.બંને ના ચહેરા પર ખુશી ને ઘરમાં આનંદ મંગલ.એ નાનકડી પરી ઘરની રોનક.

એક મૂકે ને બીજું હાથમાં લે .આભા ને અનંત તો કોઈ મધુર સ્વપ્ન જોઈ રહ્યા હોય એવું લાગતું અને અનંત આટલું દુર સાસરું હોવા છતાં દીકરી અને દીકરીની માં ને મળવા માટે બે- બે દિવસે આવતો.અનંત આભા ને એના ખોળામાં રહેલી પરીને જોતો તો એને દુનિયાનો સૌથી શ્રીમંત વ્યક્તિ હોવાની અનુભૂતિ થતી .મનમાં વિચારતો આ બંનેને મારી જ નજર ન લાગી જાય .ને એના ભાવ ને પકડી પડતી આભા ધીમેથી એની બાજુમાં આવી કેહતી ,'આનયા તારી થોડી નજર લાગે ...વી લવ યુ ....હ...ને...પરી' ? અને બંને હસી પડતા .

આમ કરતા એક મહિનો પસાર થઇ ગયો અને એક રાતે અચાનક એ નાનકડી પરીએ રડવાનું સારું કર્યું તે ચુપ રહે જ નહિ .બધા રમાડે તોય ચુપ ના રહે .આજુબાજુના બધા ભેગા થઇ ગયા .બધું દોસીવૈડું કરી ચુક્યા પણ પરી ચુપ ન રહે . હવે તો આભા પણ ખુબ રડવા લાગી .સસરાજીનો ફોન આવતા અનંત નાઇટ ડ્રેસ માં જ ગાડી હંકારી આવી ગયો .આભા અને પરીને જોઈ એ હેબતાઈ ગયો .પણ મન મજબુત કરીને હોસ્પિટલ ગયા .

આખા રસ્તે અનંત 'આભા રડીશ નહિ પરી ને સારું થઇ જશે 'એમ બોલતો આભને આશ્વાસન આપતો રહ્યો .ઘરના બધા આભા ને શાંત કરવામાં પડ્યા .હોસ્પિટલ પહોચ્યા .અનંત એક શ્વાસે પરીને લઇ ઓપીડી તરફ દોડ્યો .ડોક્ટર આવ્યા બધુ ચેક કર્યું અને ઇન્જિકશન આપ્યું.આભા તો રડયે જ જતી હતી .

બધા એને આશ્વાસન આપતા હતા અને અનંત એક ખૂણામાં ચુપચાપ ઉભો હતો .એના હદયની વ્યથા કોણ જાણે ?હવે પરી શાંત થઇ પણ આભનું રડવું ચાલુ જ હતું .ઘરના અડોશી- પાડોશી બધા જ આભાને ને સાંત્વના આપતા હતા .

એટલામાં ડોક્ટરે આવીને કહ્યું ,"મી .અનંત બેબી ઇસ ઓલ રાઈટ ".આભના જીવમાં જીવ આવ્યો અને ક્યારનો ચુપચાપ અનંત એના સસરા ને પપ્પા હું એક મીનીટમાં આવું એમ કહી ...જવાબ સાંભળ્યા વિના જ હોસ્પિટલ ની બહાર નીકળી આવ્યો અને એક અંધારિયા ખૂણામાં જઈ ચોધાર આંસુ એ ડૂસકાં લઇને રડી પડ્યો.
શું પુરુષ ને આંસુ ન આવે ?

પદમાક્ષી પટેલ
વલસાડ