'સનશાઈન'_ 'હૅપ્પી વેલેન્ટાઈન'સ ડે'
વેલેન્ટાઈન આવે એટલે જ પ્રેમની યાદ આવે એવું નથી. 'વેલેન્ટાઈન' આવે એટલે પ્રેમની આખી મોસમને યાદ કરી એ મોસમમાં ભીંજાઈ જવાની, સમયને બસ આંખોમાં કેદ કરી લેવાની, શરૂઆતથી અત્યાર સુધીના સમયને અને યાદોને વાગોળવાની, એક દિવસમાં ઘણું બધું જીવી લેવાની ઈચ્છા થાય. પ્રેમ દરેક વ્યક્તિ કરે પરંતુ પ્રેમને પોતાના અલગ અંદાજમાં રજૂ કરવું ને એ એક કળા છે.
સિદ્ધાર્થ અને સોનાલી બંનેની આ પ્રેમકથા વાંચીને મને જણાવજો કે તમને શું લાગ્યું પ્રેમ એટલે શું?????? તો આવો જોઈએ એવી પ્રેમકહાની જ્યાં પ્રેમ,વિશ્વાસ, લાગણી, માન-સમ્માન, સાહસ, સહનશીલતા, સમજણ અને સમય સાથે ચાલવાની તાકાત બધું જ એક સાથે છે.
'માય સનશાઈન, ગુડ મોર્નિંગ.... અરે! હા . હૅપ્પી વેલેન્ટાઈન'સ ડે. લોડ્સ ઓફ લવ એન્ડ હૅપ્પીનેસ ટુ યુ....
હા, હમણાં તમે એવું જ કહેશો કે આપણે તો રોજ વેલન્ટાઈન'સ છે ને! તમે પણ શું વળી આટલી ઉંમરે નવા પરણેલા પ્રેમીઓ જેવું કરો છે!', સિદ્ધાર્થ બોલ્યા.
સિદ્ધાર્થ અને સોનાલી, એક પરફેક્ટ કપલ. આજથી ૫૦ વર્ષ પહેલા લવ મેરેજ કર્યા. હવે એ ૫૦ વર્ષ પહેલા લવ મેરેજ કરવા એટલે તો બહુ મોટી વાત કહેવાતી પછી પરિવારનો બહુ સારો પ્રતિભાવ અને સાથ ના મળતા યુગાન્ડામાં પોતાના નવા જીવનની શરૂઆત કરી. ભણતર સારું એટલે ૫-૭ વર્ષમાં તો અડીખમ પોતાની જાત મહેનતે ઘર સંસાર વસાવીને ઠરી ઠામ થઇ ગયા અને સંતાનમાં એક છોકરી જ એટલે એને ફૂલની જેમ ઉછેરી અને ઉચ્ચ શિક્ષણ આપી બહુ જ પ્રેમથી સાસરે વળાવી.
જિંદગી શું છે એ સમજ્યા ત્યારે બનેં મળ્યા, પ્રેમ થયો, લગ્ન થયા પરંતુ પરિવારનું સુખ ના પામી શક્યાં એટલે જીવનનો આખો પ્રવાસ એકલા હાથે જ ખેડ્યો પછી સંતાનમાં એકલી દીકરી જ એટલે આજે ફરી ઘર પહેલા જેવું ખાલી જ થઇ ગયું. બંને એકલા પડ્યા. કહેવાય છે કે એક ઉંમર પછી એકલતા માણસને અંદરથી જ કોરી ખાય. હા, પરંતુ કેહવું પડે સિદ્ધાર્થનું, સ્વભાવે એકદમ રમુજી, ખુશ-ખુશાલ રેહનાર અને સાથે અંદરથી એક ગીતકાર, ગઝલકાર એટલે કેહવું જ શું! કલાના શરણે રહેલા માનવીને વળી એકલતા શી????? એ તો જંગલમાં પણ મંગલ કરી જાણે. આ જ સ્વભાવના કારણે સિદ્ધાર્થે એકલતાને પોતાની અને સોનાલી વચ્ચે કદી આવા જ દીધી નથી. ઉંમર સાથે પરિપક્વતા વધી એટલે ૫૦ પછી સંસાર કેમ ચાલશે એની પણ વ્યવસ્થા સિદ્ધાર્થે કરી જ લીધી હતી એટલે દીકરી સ્વેતાના ગયા પછી પણ એમને કોઈ કામ-ધંધો કરવાની કે નોકરી કરવાની જરૂર ના પડે. દીકરી હોય એટલે માં-બાપની ખબર-અંતર પૂછે એટલે બધું જ ઠીક ચાલે છે.
સિદ્ધાર્થ સોનાલીને 'સનશાઈન' કહીને જ બોલાવે. પરંતુ હા, હંમેશા માનથી જ બોલાવે. ક્યારેય તુંકારો ના કરે. 'સનશાઈન' અને 'તમે' શબ્દોનો મેળાપ સિદ્ધાર્થની વાતોમાં જોવા મળે. જ્યારથી મળ્યા ત્યારથી આ જ નામથી બંનેની પ્રેમકહાની ચાલી. આજે ૫૦ વર્ષે પણ એ જ નામથી સંબોધે. જ્યારથી આ વેલેન્ટાઈન'સ ડે આવ્યો ત્યારથી સિદ્ધાર્થને મઝા પડી ગઈ છે. પ્રેમ કરવા એને તો કોઈ દિવસની જરૂર પડતી જ નથી પંરતુ આ તો 'જોઈતું'તુ ને વૈધે કીધું' એવું થઇ ગયું. સોનાલીને ગમે કે ના ગમે, ઉંમર જે થઇ હોય એ, દીકરી જોતી હોય કે જમાઈ આવીને બેઠા હોય, સિદ્ધાર્થને પ્રેમની વાતો કરતા ક્યારેય કોઈ સમય નડતો નહિ. દીકરી 'સેતુ' પણ આ જોઈને ખૂબ ખુશ થતી. ક્યારેક વિચારતી કે હું નહિ હોઉં તો ફરી મમ્મી-પપ્પા એકલા થઇ જશે અને પછી એના પપ્પાનો સ્વભાવ જાણતી એટલે એની ચિંતાનું નિવારણ આવી જતું. 'વેલેન્ટાઈન'સ ડે' હોય એટલે સિદ્ધાર્થ 'સનશાઈન' માટે કંઈક નવું કરે અને ગિફ્ટ આપે અને સામે 'સેતુ' એના સુપર ડેડને વિષ કરે. આ નિત્યક્રમ ચાલતો જ આવ્યો હતો.
'સુપર ડેડ, હૅપ્પી વેલેન્ટાઈન'સ ડે. લોડ્સ ઓફ લવ એન્ડ હૅપ્પીનેસ ટુ યુ.', સેતુ આવી ને ગળે લાગી વિષ કર્યું.
'યેસ માય પ્રિન્સેસ. હૅપ્પી વેલેન્ટાઈન'સ ડે. લોડ્સ ઓફ લવ એન્ડ હૅપ્પીનેસ ટુ યુ ટુ.. કમ માય ચાઈલ્ડ. કેમ છે તુ?? અને કુમાર ક્યાં છે???? આજે એકલા આવી?', સિદ્ધાર્થ બોલ્યા.
'આઈ એમ હીઅર ડેડ. હૅપ્પી વેલેન્ટાઈન'સ ડે..', સુરજે વિષ કર્યું.
'આવ આવ માય સન. હૅપ્પી વેલેન્ટાઈન'સ ડે. કમ એન્ડ સીટ.'
સિદ્ધાર્થ સોનાલી પાસે આવે છે. હાથમાં-હાથ રાખી, માથે હાથ ફેરવી એક ચુંબન કરીને રોઝ આપે છે. 'હૅપ્પી વેલેન્ટાઈન'સ ડે માય સનશાઈન'.. 'અરે! સાંભળો છો??????? 'સનશાઈન'... તમારી વ્હાલસોઈ દીકરી અને લાડલા જમાઈરાજ 'વેલેન્ટાઈન'સ ડે' વિષ કરવા આવ્યા છે.'
તમે તો મને વિષ નથી કરતા. ખબર છે તમને આ બધું નાના છોકરાઓ સામે નથી ગમતું. અરે! હા, તમારી તો ઉંમર થઇ ગઈ છે ને! હું તો હજી એ જ ૨૫ વર્ષનો જુવાન સિદ્ધાર્થ છું. જે એમની 'સનશાઈન'ને પહેલા જેવો જ પ્રેમ કરે છે. હા, મને ખબર છે કે પ્રેમ તો તમારો પણ કઈ કાચો નથી. છેલ્લા ૩ વર્ષથી તમે પણ જિંદગી સામે લડી રહ્યા છો. મારા પ્રેમને અને આપણા સંબંધને તમે નિભાવી રહ્યા છો. મને ખબર છે કે તમે મને સાંભળો છો પરંતુ જવાબ નથી આપી રહ્યા. મેં તમને જિંદગીના ૫૦ વર્ષ બહુ પજવ્યો છે એટલે તમે છેલ્લા ૩ વર્ષથી મારી પરીક્ષા કરી રહ્યા છો. 'કોમા'માં રહીને, એક શબ્દ પણ ના ઉચ્ચારીને અને મારી આવી હાલત જોઈને તમે ખુશ થઇ રહ્યા છો. તમને ખબર છે કે હું એક કલાકાર છું, એક ગઝલકાર છું અને કલાકાર કોઈ દિવસ પોતાની જાતને એકલો નથી સમજતો એટલે તમે પણ એવું સમજી લીધું છે કે હું તમારા શબ્દો વગર રહી શકું છું.. પરંતુ હવે બહુ થયું હો! તમે ખોટા છો આજે 'સનશાઈન'........ બહુ જ ખોટા.............. આજે એક ગઝલકાર એકલો પડી ગયો છે. એને એની પ્રેરણા, એની 'સનશાઈન' પછી જોઈએ છે... જીવનમાં ક્યારેય કોઈ દિવસ પ્રભુ પાસે ફરિયાદ નથી કરી એ સિદ્ધાર્થ સોલંકીને આજે એની સોનાલી સોલંકી પછી જોઈએ છે......... સાંભળ્યું તમે????? હા, જોઈએ છે આજે મને મારી 'સનશાઈન'. આખા ઘરમાં એનો ગુંજતો અવાજ પાછો જોઈએ છે, મને રોકતી-ટોકતી, વઢતી અને સમજાવતી એ મારી 'સનશાઈન' પછી જોઈએ છે.... મને ખબર છે 'મારી સનશાઈન', તમે મને સાંભળો છો, અનુભવો છો, મારી તકલીફ જોઈ નથી શકતા. પરંતુ હવે મારી હિંમતની હૈયા વરાળ નીકળી જશે, હું હવે વધારે સમય પોતાની જાતથી આ સચ્ચાઈ છુપાવી નહિ શકું 'સનશાઈન'. જયારથી તમે આમ 'કોમા'માં સરી પડ્યા છો ત્યારથી આજ દિન સુધી હું ક્યારેય હતાશ થયો નથી. રોજ ઉગતા કિરણો સાથે ઉગતી સવાર સાથે મેં મારી આશાઓ વધારે મજબૂત બનાવી છે. પંરતુ આજે?? આજે ખબર નહિ કેમ પરંતુ 'એકલવાયું લાગે છે'. 'ધન-સંપ્પત્તિ, એશો-આરામ, આટલી પ્રસિદ્ધિ, બધું જ હોવા છતાં આજે એક 'ગઝલકાર' પોતાની 'ગઝલ' સમી 'સનશાઈન' વગર અધૂરો થઇ ગયો છે. એને પૂરો કરી દો 'સનશાઈન'. પ્લીઝ...... '
એટલું બોલતા સિદ્ધાર્થ હાથ જોડી સોનાલી પાસે જ ફસડાઈ પડે છે અને આક્રંદ કરે છે. આ નજારો સેતુ કે સૂરજ જોઈ શકતા. સમય પણ આજે પોતાના પર રડતો હોય ને એવું વાતાવરણ સર્જાય છે. થોડા સમયાંતરે સિદ્ધાર્થ પોતાની જાતને સંભાળે છે. ફરી પોતાના અંતર્મનમાં એક આશાની કિરણ જગાડે છે અને એ દિવસનો સૂરજ આથમે છે.
બીજા દિવસે સવારે ફરી એ જ નિત્યક્રમ અને એ જ ડાયરી લઈને સિદ્ધાર્થ સોનાલી પાસે બેસે છે. અને લખે છે,
'આજ ફિર દિન ચડા હૈ, ફિર રાત આયેગી,
ચાંદ નિકલેગા, ફિર સપને મેં 'મેં ઔર મેરી તન્હાઈ',
તેરા ઇન્તઝાર ઔર તેરી હી બાતેં,
તેરે હી દીદાર કો તરસેંગે ઔર પાસ આનેકો,
ફિર યાદ કરેંગે વો પુરાની બિતી બાતેં,
ફિર આંખ ભર આયેગી, ફિર થકકર હમ સો જાયેંગે,
ફિર દિન ચડેગા, ફિર વહી સબ દોહરાયેગા....
ન જાને એ સિલસિલા કબ તક ચલેગા !!!!!!!!!!!'
-બિનલ પટેલ