સેલ્ફી ભાગ-17 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેલ્ફી ભાગ-17

સેલ્ફી:-the last photo

Paart-17

દામુનો અવાજ સાંભળી બધાંએ હવેલીમાંથી નીકળી અવાજની દિશામાં દોટ મુકી અને પૂજા વિશે પુછતાં એને ઈશારો કર્યો એ તરફ નજર કરતાં ની સાથે જે દ્રશ્ય જોયું એ જોતાં જ એમની રૂહ કાંપી ઉઠી.અત્યાર સુધીની એમની જીંદગીનું એ સૌથી ભયાવહ દ્રશ્ય હતું એ વાતમાં કોઈ મીનમેખ નહોતો.

દામુ એ જે દિશામાં આંગળી કરી એ તરફ હવેલીનાં ચોગાનથી થોડે દૂર એક પીપળાનાં વૃક્ષ પર પૂજાની માથા વગરની લાશ લટકી રહી હતી અને એનાંથી જોડે આવેલી ડાળી પર પૂજાનું માથું લટકી રહ્યું હતું જેમાંથી હજુપણ રકત ટપકી રહ્યું હતું.પૂજાનો કપાયેલો ચહેરો અત્યારે સાવ ફિક્કો પડી ગયો હતો અને એની આંખોના ડોળા પર બહાર નીકળી ગયાં હતાં.કોઈ તીક્ષ્ણ હથિયાર થી એક ઝાટકે પૂજાનું ગળું કાપી એની લાશ ને ત્યાં ટંગી દેવાઈ હતી એ પ્રથમ નજરે દેખાઈ એમ હતું.એનાં ચહેરા પર નાં ભાવ જોઈ સમજી શકાતું હતું કે મરતાં પહેલાં એને કેટલી પીડા થઈ હતી.

"પૂજા પૂજા"કરતો જેડી પૂજાની લાશ જ્યાં લટકી રહી હતી એ પીપળાનાં વૃક્ષ તરફ દોડ્યો.. શુભમ અને રોહને મહા મહેનતે એને પકડી રાખ્યો અને સાંત્વના આપી શાંત કરાવ્યો.

દામુ ની મદદથી રોહન અને શુભમે પૂજાની લાશ ને અલગ અલગ હિસ્સામાં વૃક્ષ પરથી નીચે ઉતારી.મેઘા અને રુહી પણ અત્યારે થરથર ધ્રુજી રહી હતી.એમનાં હોશ-કોશ ઉડી ગયેલાં દેખાઈ રહ્યાં હતાં.પોતાની મિત્ર નું આવું કરપીણ મોત જોઈ દરેકની આંખો આંસુથી ઉભરાઈ ગઈ..જેડી નું રડવાનું તો રહીરહીને પાછું ચાલુ થઈ જતું.

"રોહન,તું અહીં બધાંને કેમ લઈને આવ્યો.રોબિન,કોમલ અને હવે પૂજા પણ.."વારંવાર જેડી એક જ રટણ કરે જતો હતો.

"જેડી હવે ચૂપ કર..આ પૂજાની અંતિમવિધિ નું કંઈક વિચારવું પડશે કે નહીં.?કેમકે આવી હાલતમાં એનાં મૃતદેહને ઝાઝો સમય સાચવવો ઉચિત નથી.અને તું આમાં રોહનને દોષ ના આપ.એને શું ખબર કે અહીં આવ્યાં પછી આપણી બધાં ની જાન જોખમમાં મુકાઈ જશે."જેડી ને આશ્વાસન આપતાં શુભમ બોલ્યો.

શુભમની વાતની અસર થઈ હોય એમ જેડી થોડો સ્વસ્થ થયો અને પૂજાની અંતિમવિધિ કરી દેવા માટે હામી ભરી..દામુ ને ત્યાં જ હવેલી ની આગળ રસ્તાની ડાબી તરફ એજ પીપળાનાં વૃક્ષ નીચે ખાડો કરવાનો રોહને આદેશ આપ્યો એટલે દામુ એ કલાક ની મહેનત બાદ મનુષ્ય દેહ સમાઈ શકે એવો ખાડો ખોદી દીધો.

બધાંએ આંખમાં આંસુ અને હૃદયમાં દર્દની લાગણી સાથે મૌન બની પૂજાને ત્યાં દફનાવી અને એ ખાડો પુરી દેવામાં આવ્યો.જેડી ની હાલત જોઈને ભલભલા કઠણ હૃદયનાં માણસનું હૈયું પણ ધ્રુજી ઉઠે એવું એ રડી રહ્યો હતો.જેડી નાં આ આંસુ એનાં પૂજા પ્રત્યે નાં પ્રેમ અને વફાદારીની જીવતી જાગતી નિશાની હતી..જ્યારે પૂજાતો જેડી ની પીઠ પાછળ એનાં જ દોસ્ત સાથે પોતાની શારીરિક ભૂખ સંતોષી ચુકી હતી.

પૂજાની દફનવિધિ પૂર્ણ કર્યાં બાદ એ લોકો પાછાં હવેલીમાં આવ્યાં અને આવીને હોલમાં બેઠાં.. દામુ બધાં માટે ચા નાસ્તો મૂકી ગયો પણ કોઈએ નાસ્તા ને હાથ પણ ના લગાવ્યો અને ફક્ત ચા પીને ચલાવ્યું.

"પૂજા એ કોઈનું શું બગાડ્યું હતું..ખબર નહીં એને રાતે મને કહ્યાં વગર બહાર કેમ જવું જોઈએ..?"રડમસ અવાજે જેડી બોલ્યો.જેડી ની વાત નો સૌથી વધુ મોટો ઝાટકો રોહનને લાગ્યો હતો.ક્યાંક એને જ પૂજાને બોલાવી એવી જેડી અને મેઘાને ખબર પડી જશે તો શું નોબત આવશે.

"એતો ખબર નથી મિત્ર કે પૂજા કેમ દરવાજો ખોલી તને કીધાં વગર બહાર નીકળી..પણ મેં એની લાશને દફનાવતી વખતે એનાં હાથ પર ચાકુથી બનેલું એક નિશાન જોયું હતું."શુભમ બોલ્યો.

"ચાકુ થી બનેલું નિશાન..?"બધાં નાં મોંઢેથી આશ્ચર્ય મીશ્રીત ઉદગાર સરી પડ્યો.

"હા પૂજાના હાથમાં ચાકુ વડે બનાવેલું ઉલટા સૂરજ નું નિશાન હતું..એ સમયે મને આ વાત કહેવી યોગ્ય ના લાગી એટલે હું એ વિશે ત્યારે ના બોલ્યો."શુભમ બોલ્યો.

"શું કીધું સાહેબ..ઉલટા સૂરજનું નિશાન..?"શુભમની વાત સાંભળી રસોડામાંથી બહાર આવી વિસ્મય સાથે દામુ એ પૂછ્યું.

"હા દામુ એવું જ કંઈક બનેલું હતું..ઉલટા સૂરજ જેવું."શુભમે કહ્યું.

"એનો મતલબ પૂજા મેડમની હત્યા કરનાર જંગલી કબીલાનાં લોકો છે...ઉલટો સૂરજ એમનું પૂજનીય ચિહ્નન છે."દામુ એ જણાવ્યું.

"પણ એ લોકો જોડે પૂજાને મારવાનું કોઈ કારણ ખરું.?"જેડી એ દામુ તરફ જોઈને પૂછ્યું.

"સાહેબ એ કબીલાનાં લોકોએ પૂજાને આ રીતે ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી હોય તો એમની જોડે નક્કી કોઈ વ્યવસ્થિત કારણ હોવું જોઈએ.."દામુ એ કહ્યું.

દામુ ની વાત સાંભળી રોહનને અચાનક યાદ આવ્યું કે જ્યારે ગુફામાં પૂજા જોડે સહવાસ માણ્યા બાદ પોતે તળાવ જોડે પહેરો ભરી રહ્યો હતો ત્યારે પૂજા ગુફામાં ક્યાંક ઘુમતી હતી..નક્કી એ સમયે પૂજા એ વાનરરાજ ની પ્રતિમાનાં પગમાંથી એ આભૂષણ ની ચોરી કરી હોવી જોઈએ.પણ પોતે આવું કહી શકે એમ નહોવાથી રોહન ચૂપ રહ્યો.

"એ લોકો તો અહીંથી ચાલ્યાં ગયાં હતાં તો અહીં કેમ પાછા આવીને પૂજાને મોતને ઘાટ ઉતારી મૂકે..?"મેઘા બોલી.

"હું એવું નથી કહેતો કે પૂજા એ ગુફામાંથી આભૂષણો ચોર્યા હશે..પણ જો એની જંગલી લોકો દ્વારા કતલ થયું હોય તો એ પાછળનું એકમાત્ર કારણ વાનરરાજ નાં ચોરાયેલાં આભૂષણો જ છે..તો જેડી તારી રજા હોય તો હું અને શુભમ જઈને પૂજાનો સામાન જોઈ લઈએ..?"રોહન ઘણું વિચાર્યા બાદ જેડી તરફ જોઈને બોલ્યો.

"નો..કોઈ કાળે નહીં. આમ પણ પૂજા હવે જીવીત નથી તો એની ઉપર અપરાધ સાબિત કરીને કોઈ ફાયદો નથી..બે હાથ જોડીને કહું છું કે પૂજાનું નામ હવે તમે લોકો ના લો તો સારું છે."ગુસ્સામાં આટલું કહી જેડી દાદરો ચડી પોતાનાં રૂમમાં ઘુસી ગયો.

"યાર આને શું થઈ ગયું..મેં ક્યાં કંઈપણ ખોટું કહ્યું હતું."જેડી ની એ હરકતથી ચકિત થઈને રોહન બબડયો.

"રોહન એ અત્યારે દુઃખી છે માટે આવું બોલ્યો અને આ પ્રકારની હરકત કરી. એની જગ્યાએ કોઈપણ આમ કરે."શુભમે કહ્યું.

શુભમનાં આટલું બોલતાં ની સાથે હોલમાં પાછો પૂર્વવત સન્નાટો છવાઈ ગયો.બધાં જોડે ઘણાં સવાલો મનમાં ઘોડાપુર ની જેમ ઉમડી રહ્યાં હતાં પણ અત્યારે કંઈપણ તર્ક વિતર્ક કરવા જીભાજોડી કરવી કોઈને યોગ્ય નહોતી લાગી રહી.

જો રોબિને કોમલની હત્યા કરી હોય અને શુભમ પર હુમલો પણ એને જ કર્યો હોય તો પૂજાની હત્યા પણ રોબિને કરી હોવાની શક્યતા નકારી શકાય એમ નહોતી કેમકે હજુ સુધી રોબિન જીવીત કે મૃત એ લોકોને મળ્યો નહોતો.આ બધાં માં સૌથી વધુ ચિંતિત હતી મેઘા.જ્યારથી મેઘાએ બેઝમેન્ટનાં પગથિયાં પર રોહનનાં શૂઝમાંથી પડતાં લોહીનાં ડાઘ જોયાં હતાં ત્યારથી એને ડર સતાવતો હતો કે ક્યાંક રોહન આ બધાં પાછળ તો નથી ને.અને જો એવું હોય તો એક હત્યારા સાથે રહેવું એને ડરાવી રહ્યું હતું.

રોહનને સીધો સવાલ તો એ વિશે થઈ શકે એમ ન હોવાથી મેઘાએ રોહનને ધીરેથી કહ્યું.

"રોહન તારાં શૂઝની નીચે કંઈક લાગ્યું લાગે છે.."

મેઘાની વાત સાંભળી રોહને પોતાનો શૂઝ હાથમાં લઈને જોયું તો એને ઝાટકો લાગ્યો..એનાં બંને શૂઝની નીચેનો ભાગ લાલ રંગનો થઈ ગયો હતો..અને એ રંગ લોહીથી થયો હોવાનું માલુમ પડી રહ્યું હતું.

"રોહન આ લોહી ક્યાંથી આવ્યું..?"શુભમે પણ એ લોહીવાળા શૂઝ જોઈને પૂછ્યું.

શુભમની વાત નો રોહનની જોડે કોઈ જવાબ નહોતો..મગજ પર બહુ જોર આપ્યાં બાદ અચાનક રોહન બોલ્યો.

"હા હું પૂજાની શોધખોળ માટે રોબિનનાં ઓરડામાં ગયો હતો..ક્યાંક ત્યાથીજ તો આ લોહી મારાં પગમાં નહોતું લાગ્યું ને.."

"તો ચાલ ત્યાં જઈને ફરીવાર જોઈએ..."મેઘા બોલી.હકીકતમાં એ જોવા માંગતી હતી કે રોહનની વાતમાં કેટલી સચ્ચાઈ છે.

ત્યારબાદ રોહન,મેઘા,શુભમ અને રુહી વધુ અવાજ ના થાય એ રીતે રોબિનનાં ઓરડામાં આવી પહોંચ્યા..આવીને રોહને પોતે જ્યાં જ્યાં ફર્યો હતો એ બધે જ નજર ફેંકી જોઈ.બાથરૂમમાં પણ એ જોતો આવ્યો પણ ત્યાં એવું કંઈપણ એની નજરે ના ચડ્યું.

"રોહન ત્યાં જો બારી ની જોડે.."રુહી ની નજરે લાલ રંગ નું દ્રવ્ય પડતાં એ બોલી ઉઠી.

રુહીની વાત સાંભળી બધાં ચોગાનમાં પડતી રોબિનનાં રૂમની બારી તરફ આવ્યાં..બારીની જોડે ફર્શ પર લોહી પડેલું હતું જે શાયદ પૂજાનું હોવું જોઈએ એવો મત બધાં એ જાહેર કર્યો.લોહીમાં કોઈનાં શૂઝની છાપ દેખાઈ રહી હતી જે નક્કી રોહનની હતી.રોહન જ્યારે બારી જોડે આવ્યો ત્યારે એનો પગ આ લોહી પર પડી ગયો હતો જેનાં લીધે લોહીની છાપ એનાં શૂઝ દ્વારા પડી રહી હતી.રોબિનનાં રૂમની ફર્શ પર લાલ મખમલની જાજમ હોવાથી બીજે ક્યાંક એ છાપ પડી નહીં.

રોહન ખુની નથી એ જાણ્યાં બાદ મેઘા નાં જીવ માં જીવ આવ્યો અને એ બધાં પાછાં આવીને હોલની મધ્યમાં રાખેલ સોફા પર ગોઠવાઈ ગયાં. અહીંથી હવે વહેલી તકે નીકળી જવું જોઈએ એવી ચર્ચા એ લોકો વચ્ચે થઈ રહી હતી..જોતજોતામાં બપોરે જમવાનો સમય થઈ ગયો એટલે બધાં એ સાથે મળી જમવાનું પૂર્ણ કરી લીધું.બે વાર બોલાવવા છતાં જેડી હજુપણ નીચે આવ્યો નહોતો એટલે બાકીનાં એ એને મૂકીને જ જમવાને ન્યાય આપવો યોગ્ય સમજ્યું.

બીજીવાર જ્યારે દામુ જેડી ને બોલાવવા ગયો ત્યારે એ જાગી ગયો હતો પણ જાણીજોઈને કોઈ પ્રતિભાવ ના આપ્યો એટલે દામુ પાછો વળી ગયો.પડ્યાં પડ્યાં જેડી રોહને કહેલી વાત વિશે મનોમંથન કરી રહ્યો હતો.પૂજા એ જ એ આભૂષણો ની ચોરી કરી હતી એટલે જ જંગલી લોકોએ એને મારી નાંખી હોવી જોઈએ એવું રહીરહીને જેડીને પણ લાગી રહ્યું હતું.આમપણ જંગલી લોકો જ્યારે હવેલી પર આક્રમણ કરવા આવ્યાં એ વખતે પૂજાનો બદલાયેલો હાવભાવ અલગ જ કહાની જણાવી રહ્યો હતો.

આ બધાં સવાલોનો જવાબ હતો પૂજાની બેગ એનો સામાન.જેડી પોતાની પથારીમાંથી ઉભો થયો અને અલમારીમાંથી પૂજાની બેગ અને પર્સ બહાર કાઢી પલંગ પર મુક્યો.ત્યારબાદ બંનેને વારાફરથી ખોલી એમાં રહેલી નાનામાં નાની વસ્તુ તપાસી જોઈ પણ ક્યાંય કોઈ આભૂષણ ના મળ્યું..જે એ પુરવાર કરી રહ્યું હતું કે પૂજાની હત્યા કરવાનું જંગલી લોકો જોડે કોઈ સચોટ કારણ હતું જ નહીં...!!

"આજે રાતે એ હત્યારા ને હું ખતમ કરી દઈશ જેને મારી પ્રેમિકા અને દોસ્તોની હત્યા કરી છે.."મક્કમ સ્વરે દાંત ભીડાવીને જેડી એ નીર્ધાર કરી લીધો.

"હું એવી ચાલ ચાલીશ કે હત્યારો મારી ચાલમાં આબાદ સપડાઈ જશે.."ચહેરા પર ચમક સાથે જેડી બોલ્યો.

તબક્કાવાર થઈ રહેલા હત્યાઓ પાછળ કોણ રહેલું હતું એ શોધી એને ખતમ કરવાનું નક્કી કરી એ વિશેની મનોમન યોજના તૈયાર કર્યા બાદ જેડી નીચે ઉતરી હોલમાં આવ્યો..પહેલાં ચિક્કાર દારૂ પીધાં બાદ એને થોડું જમી લીધું અને પછી એ જઈને પોતાનાં બાકીનાં મિત્રો સાથે બેઠો.

જેડી એ જમી લીધું એ વાતથી બાકીનાં બધાં ખુશ હતાં.દારૂ પીવાથી એ અત્યારે થોડું રિલેક્સ ફિલ કરી રહ્યો હોય એવું લાગતું હતું.જેડી અત્યારે થોડો સ્વસ્થ જણાતો હતો એ જોઈ બધાં ને રાહત મહેસુસ થઈ રહી હતી.

"રોહન તારી વાત માની મેં પૂજાનો સામાન ચેક કરી જોયો પણ એમાં કોઈ આભૂષણ નથી માટે મારી પૂજા ચોર નથી એ સાબિત થાય છે.પૂજાની હત્યા કરનાર જે કોઈપણ હોય આજની રાત એની આખરી રાત ના બનાવું તો મારું નામ પણ જેડી નહીં.."પોતાનાં ક્લીનશેવ ચહેરા પર ઊગી ચુકેલી આછેરી દાઢીમાં હાથ ફેરવતાં જેડી એ કહ્યું.

જેડી અત્યારે દારૂનાં નશામાં હોવાથી કોઈએ એની વાતનો કોઈપણ જાતનો વિરોધ ના કર્યો કે ના કોઈએ એને એ વિષયમાં કંઈપણ સવાલ કરવો ઉચિત સમજ્યું.આમ પણ દારૂ પીને લવારી કરવાની જેડીની ટેવ થી બધાં વાકેફ હતાં અને એમાંય આજે તો એની પ્રિયતમા ને ગુમાવવાના દુઃખનાં લીધે નશાની અસર બેવડાઈ ગયો હતો.

જેડી શું કરવાનો હતો એતો એ જ જાણતો હતો કે પછી ઉપરવાળો ભગવાન,પણ પૂજાએ ચોરી નથી કરી એવી જેડી ની ચોખવટ ભરેલી વાત પરથી એ સ્પષ્ટ હતું કે પૂજાની હત્યા પણ એજ હત્યારા એ કરી છે જે આગળ પણ કોમલની હત્યા કરી ચુક્યો છે..અને લોકોને ભ્રમિત કરવા એને જ પૂજાના હાથ પર ઉલટા સૂર્ય નું નિશાન બનાવ્યું હતું.

હત્યારા દ્વારા દરેક વસ્તુનું રખાતું ધ્યાન એ તરફ ઈશારો કરી રહ્યું હતું કે એ કોઈ સામાન્ય મગજનો માણસ નહીં પણ એક શાતિર દિમાગનો કાતિલ હતો જેનું દરેક ડગલું સમજી વિચારીને ભરાતું હતું.પણ આખરે કોણ હતું એ..?અને કેમ એ લોકોની પાછળ એ પડ્યો હતો..?હવેલીમાં મોજુદ દરેકનાં મનમાં ચાલતાં આ સવાલનો જવાબ ભવિષ્યની ગર્તામાં છુપાયેલો હતો.

◆◆◆◆◆◆◆◆◆◆

વધુ આગળનાં ભાગમાં..

જેડી આખરે કરવાનો શું હતો..??પૂજા એ ચોરેલાં એ આભૂષણો આખરે કોની જોડે હતાં..??શુભમ પર હુમલો કોને કર્યો હતો..??હવેલીમાં થતી તબક્કાવાર હત્યાઓ પાછળ રહેલ એ રહસ્યમયી વ્યક્તિ આખરે કોણ હતું???રોબિન જીવિત હતો કે મૃત??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ