સેલ્ફી ભાગ-16 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેલ્ફી ભાગ-16

સેલ્ફી:-the last photo

Paart-16

મોત એવી વસ્તુ છે જે આવે ત્યારે એનો કોઈ શોરબકોર નથી હોતો.બસ એ દબાતાં પગલે બિલ્લીની માફક એનાં શિકાર ની તરફ આગળ વધતી રહે છે. શિકાર ને એનો અંદેશો થાય કે મોત એની રાહ જોઈ આવી પહોંચ્યું છે ત્યારે એ વ્યક્તિ કંઈ કરી શકવાની અવસ્થામાં હોતો જ નથી.એ બસ મોત નાં અજગર રૂપી ભરડામાં પોતાની જાતને અશક્ત મહેસુસ કરે છે અને છેલ્લે પ્રભુ ને એટલી જ પ્રાર્થના કરે છે કે મોત આસાનીથી મળે બાકી મળવાનું તો છે એ નક્કી હતું.

આજની રાત પણ એવીજ હતી..ત્રણેય યુગલો પોતપોતાનાં રૂમમાં સુઈ રહ્યાં હતાં..અહીં આવ્યાં પછી રોજ બનતી અવનવી ઘટનાઓએ એમને બધાંને શારીરિક ની સાથે માનસિક રિતે પણ થકવી દીધાં હતાં.કોઈ એવી પળ નહોતી વીતી જ્યારે એ લોકો ભય નાં ઓથાર નીચે ના જીવ્યાં હોય.બાકીનાં બધાંથી વિપરીત રોહન અને પૂજા એ અત્યારે હવસ નો સહારો લેવાનો નક્કી કર્યું હતું.વાસના નો મનમાં સળવળતો કીડો આજે પણ એ લોકોને પુનઃ મિલન માટે એકઠાં કરવાનું હતું.

રાત નાં બે વાગવા આવ્યાં એટલે પૂજા જાગી ગઈ..ઘડિયાળમાં બે વાગે ને પાંચ મિનિટ થઈ ગઈ હતી.પૂજાએ જોયું તો જેડી અત્યારે ઘસઘસાટ સુઈ રહ્યો હતો.એને જેડી ઊંઘી રહ્યો હતો અને ખાતરી કર્યા બાદ પૂજા ઉભી થઈ અને ધીરેથી દરવાજો ખોલી બહાર નીકળી..લોબી માં આવી પૂજા એ આજુબાજુ નજર કરી એ પાકું કર્યું કે કોઈ એને જોઈ રહ્યું તો નહોતું.

પગની પાનીને માંડ બે ઈંચ ઊંચી થાય એ રીતે પૂજા ડગ માંડતી રોહનનાં કહ્યાં મુજબ રોબિનનાં રૂમ તરફ જઈ રહી હતી.પૂજાને અત્યારે પોતાનાં દીલની ધડકનો સાથે ચાલવાથી થતાં હાડકાંના ઘસારાનો ઝીણો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો.વરસાદ નો અવાજ પણ પવનની સાથે હવેલીમાં આવી જતો પણ અત્યારે વરસાદ પણ ધીમો થઈ ગયો હતો.રોહન પોતાનાથી વહેલો આવી ગયો હશે એ વિચારી પૂજા લોબીમાં પુનઃ નજર ઘુમાવી રોબિનનાં રૂમનો દરવાજો ખોલી અંદર ઘુસી ગઈ.

પૂજા એ જોયું તો રોબિનનાં બેડ પર કોઈ બેઠું હતું.. અંધારામાં એનો ચહેરો તો ના દેખાયો પણ એ રોહન લાગતાં પૂજા એને જઈને વળગી ગઈ.જેડી ની નજરથી છુપાઈને પૂજાને રોહન જોડે સંબંધ બાંધવાનો રોમાંચ થઈ રહ્યો હતો.આજે પણ રોહન એને નિરાશ નહીં કરે એ આશા એ પૂજાએ રોહન ને ગળા ફરતે હાથ વીંટાળી દીધો જેમ કોઈ લતા વૃક્ષને વીંટળાઈ જાય.

*****************

સવાર થતાં ની સાથે સૂરજની રોશની એ આઈલેન્ડ ને દેદીપ્યમાન બનાવી દીધો.વૃક્ષોનાં પર્ણો પર પડેલી વરસાદની બુંદો અત્યારે મોતી ની માફક ચમકી રહી હતી.સવાર પડતાં ની સાથે પક્ષીઓનાં મધુર અવાજથી વાતાવરણ એકદમ ખુશનુમા બની ગયું હતું.વરસાદ પડવા નાં લીધે ટાપુ પર એક ઠંડક નું મોજું ફરી વળ્યું હતું.

આઠ વાગી ગયાં પણ જેડી હજુ પોતાનાં રૂમમાં આરામ ફરમાવી રહ્યો હતો..અર્ધ નિંદ્રામાં એને પોતાનો હાથ બાજુમાં એ રીતે મુક્યો જાણે એ હાથ પૂજા ઉપર મુક્યો હોય..પણ એને બાજુમાં પૂજા ન હોવાનું મહેસુસ કર્યું.પૂજા સ્નાન કરવા માટે ગઈ હશે એમ વિચારી જેડી દસ મિનિટ સુધી એમજ પથારીમાં જ પડ્યો રહ્યો.પણ બાથરૂમમાંથી દસ મિનિટ વીત્યાં બાદ પણ પાણીનો જરાપણ ના આવી રહેલ અવાજ જેડી માટે આશ્ચર્ય ઉભું કરવા કાફી હતું.

"પૂજા..પૂજા..."બંધ આંખે જ જેડી એ પૂજાને અવાજ લગાવ્યો.

જેડી નાં ત્રણ-ચાર વખત બોલાવવા છતાં પૂજા દ્વારા કોઈ જવાબ ના અપાતાં જેડી ને નવાઈ લાગી..સાથે સાથે થોડો ડર પણ એને અનુભવ્યો.એક ઝટકા સાથે જેડી પથારીમાંથી બેઠો થઈ ગયો અને રૂમમાં આમતેમ નજર ગુમાવી.. પૂજા ક્યાંય નજરે ના પડતાં જેડી હાંફળો-ફાંફળો ઉભો થયો અને બાથરૂમ માં જોતો આવ્યો કે ત્યાં પૂજા છે કે નહીં.

જેડી ની નજર અચાનક રૂમનાં દરવાજા તરફ પડી તો એને જોયું કે દરવાજો અંદરથી ખુલ્લો હતો જેનો મતલબ હતો કે પૂજા બહાર ગઈ હતી અને એ પણ પોતાની મરજીથી.જેડી દરવાજો ખોલી બહાર આવ્યો અને લોબીમાં પહોંચી પૂજા નામની ફરીવાર બુમો પાડી.

"સાહેબ શું થયું...?"જેડી નો અવાજ સાંભળી રસોડામાં કામ કરતો દામુ બહાર આવ્યો અને ઉપર નજર કરી જેડી ને ઉદ્દેશીને બોલ્યો.

"પૂજા ને જોઈ છે..?"જેડી એ સવાલ કર્યો.

"ના સાહેબ સવારનું કોઈ બહાર નથી આવ્યું.."દામુ એ જવાબ આપ્યો.

દામુ ની વાત સાંભળી જેડી માથે તો જાણે આભ ફાટ્યું હોય એવું એને મહેસુસ થઈ રહ્યું હતું..જેડી નાં ચહેરાનો ઉડી ગયેલો રંગ જોઈ દામુ ને કંઈક અઘટિત ઘટવાનો ભય જણાતાં એને જેડી ને પૂછ્યું.

"સાહેબ આખરે થયું છે શું..?તમે કેમ આટલાં ચિંતામાં લાગો છો..?"

"દામુ, પૂજા એનાં રૂમમાં મોજુદ નથી.."જેડી ઉંચા અવાજે બોલ્યો.

"સાહેબ,સરખી રીતે જોવો..ક્યાંક આજુબાજુ કોઈનાં રૂમમાં ગયાં ના હોય મેડમ.."દામુ બોલ્યો.

"હા હું રોહનનાં રૂમમાં જઈને ચેક કરું અને તું શુભમનાં રૂમમાં જઈને ચેક કરી જો.."જેડી લોબીમાં ઉભાં ઉભાં બોલ્યો અને દોડીને રોહનનાં રૂમ તરફ ભાગ્યો.

"રોહન..રોહન..પૂજા તારાં રૂમમાં છે..?"બારણે હાથ પછાળતાં જેડી બોલ્યો.

જેડી નો અવાજ સાંભળી રોહન અને મેઘા આંખો ચોળતાં ચોળતાં ઉભાં થયાં.. એમનું માથું અત્યારે એમને ભારે ભારે લાગી રહ્યું હતું.રોહને બારણું ખોલી બારણે ઊભેલાં જેડીને ઉદ્દેશીને કહ્યું.

"શું થયું.. કેમ બુમો પાડે છે..પૂજા ક્યાં ગઈ..?"

"પૂજા મારાં રૂમમાં નથી એટલે તો અહીં આવ્યો છું.."જેડી એ કહ્યું.

"રૂમમાં નથી મતલબ..?"આશ્ચર્ય સાથે મેઘા એ સવાલ કર્યો.

"હું સવારે જાગ્યો ત્યારે મેં જોયું કે પૂજા રૂમમાં નહોતી..અમારા રૂમનો દરવાજો પણ અંદરથી ખુલ્લો હતો મતલબ પૂજા પોતાની મરજીથી ક્યાંક ગઈ હોવી જોઈએ..દામુ એ કહ્યું એ હવેલીમાં પણ મોજુદ નથી."જેડી એ નંખાઈ ગયેલાં અવાજે કહ્યું.

એટલામાં શુભમ અને રુહી પણ ત્યાં આવી પહોંચ્યા..એ લોકો પણ દામુ એ દરવાજો ખટખટાવ્યો ત્યારે જ જાગ્યાં હતાં.આ તરફ રોહનને યાદ આવ્યું કે પોતે જ પૂજાને રાતે બહાર નીકળીને રોબિનનાં રૂમમાં આવવા કહ્યું હતું પણ જાતે આખી રાત ઊંઘણસિંહ ની જેમ સૂતો રહ્યો..પૂજા એનાં કહેવાથી જ પોતાનાં રૂમમાંથી બહાર નીકળી હોવી જોઈએ એ સ્પષ્ટ હતું.ક્યાંક પૂજા રોબિનનાં રૂમમાં જ એની રાહ જોઈ સુઈ ગઈ ના હોય એમ વિચારી રોહન બહુ સમજી વિચારીને બોલ્યો.

"જેડી તું નિરાશ ના થઈશ..આજુબાજુ દરેક રૂમની તલાશી લઈ જોઈએ..પૂજા ઠીકઠાક હશે."જેડીનાં ખભે હાથ રાખી રોહન દિલાસો આપતાં બોલ્યો.

"હા જેડી રોહન સાચું કહી રહ્યો છે..પૂજા અહીં ક્યાંક જ હશે માટે પહેલાં એની શોધખોળ કરીએ..પછી જ કંઈક અનુમાન પર આવીએ."શુભમ પણ રોહનની વાત સાથે સહમતિ દર્શાવતાં બોલ્યો.

ત્યારબાદ એ બધાં લોકો મળી હવેલીનાં દરેક રૂમ ની શોધખોળ માં લાગી પડ્યાં.. રોહન સીધો જ પોતાનો શક દૂર કરવા પૂજા મળી જશે એવાં વિશ્વાસથી રોબિનનાં રૂમમાં ગયો.પણ એનાં વિસ્મય વચ્ચે ત્યાં કોઈ હાજર નહોતું.રોબિનનાં રૂમની ચોગાન તરફ પડતી બારી તરફ રોહનની નજર પડી એટલે રોહને જઈને બારી ખુલ્લી છે કે બંધ એ ચેક કરી જોયું પણ એ બારી બંધ હોવાથી એ રોબિનનો રૂમ બંધ કરી બહાર નીકળ્યો.

આ તરફ બીજાં બધાં લોકો પણ પૂજા નાં નામની બુમો પાડતાં પાડતાં હવેલીનો દરેક ખૂણો ખૂંદી રહ્યાં હતાં.હવેલી નાં દરેક રૂમ,હોલ,લોબી,કિચન,પર્સનલ અને કોમન વોશરૂમ બધું યોગ્ય રીતે ચેક થઈ ગયું છતાં પૂજા નો ક્યાંય પત્તો લાગ્યો નહોતો.

"બેઝમેન્ટમાં જોવાનું હજુ બાકી છે સાહેબ..?"દામુ ને યાદ આવતાં એ બોલ્યો.

દામુ ની વાત સાંભળી બધાં ફટાફટ બેઝમેન્ટમાં આવી પહોંચ્યા..બેઝમેન્ટમાં પણ દરેક જગ્યાએ પૂજાની શોધખોળ કર્યાં બાદ એ લોકોને ફક્ત નિરાશા જ હાથ લાગી.

"અહીં પણ પૂજા નથી.."શુભમ બોલ્યો.

"પૂજા..ક્યાં ચાલી ગઈ..?"રોહનને વળગી જેડી રોતાં રોતાં બોલ્યો.

જેડીને થોડી સાંત્વના આપ્યાં બાદ એ લોકો પુનઃ હોલમાં જવા માટે બેઝમેન્ટના પગથિયાં ચડી રહ્યાં હતાં ત્યાં મેઘાની નજર રોહનનાં બુટ પર પડી..રોહનનો બુટ જ્યાં પડતો ત્યાં એક નાનો લાલ ડાઘ પડી જતો..મેઘા એ થોડું અટકી એ ડાઘ પર આંગળી રાખી એ લાલ પદાર્થ ને હાથમાં લઈ પોતાનાં અનુમાન ને સાચું કર્યું કે એ ડાઘ લોહીનો જ હતો.

"તો શું રોહને જ પૂજા નું ખૂન કરી એની લાશ ગાયબ કરી હશે..?..રોહન જ કોમલ નો હત્યારો હતો..?"મેઘા ને અમુક સવાલો થઈ રહ્યાં હતાં જેનો જવાબ શાયદ એની જોડે નહોતો.આ સવાલો નો જવાબ એ ચોક્કસ મેળવીને જ રહેશે એમ વિચારી મેઘા થોડું ગતિમાં ચાલી બાકીનાં લોકોની લગોલગ પહોંચી ગઈ.

બધાં પાછાં હોલમાં એકઠાં થયાં.. દરેકને હજુ પોતાનું માથું ભમી રહ્યાનો અહેસાસ રહીરહીને થતો રહેતો.પોતે જોયેલાં લોહીનાં ડાઘ વિશે મેઘા રોહનને સવાલ કરવા જ જતી હતી ત્યાં હવેલીની બહાર ચોગનમાંથી એમને દામુ ની બિહામણી ચીસ સંભળાઈ.

"સાહેબ..પૂજા મેડમ..."

"પૂજા મળી ગઈ.."સુખદ આશ્ચર્ય સાથે જેડી બોલી ઉઠ્યો.

"જલ્દી ચાલો.."રોહન આટલું બોલી ફટાફટ બહાર દોડી પડ્યો.બીજાં બધાં પણ રોહનની પાછળ પાછળ હવેલીમાંથી બહાર નીકળી ચોગાનમાં આવી પહોંચ્યા જ્યાંથી દામુનો અવાજ આવ્યો હતો.

"દામુ ક્યાં છે પૂજા..?"દામુની જોડે પહોંચી જેડી એ પૂછ્યું.

જેડી નાં સવાલનો જવાબ આપવાનાં બદલે દામુએ પોતાની આંગળી નો ઈશારો એક તરફ કર્યો..દામુ ની આંગળીના ઈશારે બધાં એ પોતાની નજર એ તરફ ઘુમાવી..!!

◆◆◆◆◆◆◆◆◆◆

વધુ આગળનાં ભાગમાં..

પૂજા જીવીત હતી કે મૃત..??શુભમ પર હુમલો કોને કર્યો હતો..??હવેલીમાં થતી તબક્કાવાર હત્યાઓ પાછળ રહેલ એ રહસ્યમયી વ્યક્તિ આખરે કોણ હતું???રોબિન જીવિત હતો કે મૃત??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ