મૂંગો Chetan Tanna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૂંગો

ખુશી આજે બહુ જ ખુશ હતી....
રક્ષાબંધનના દિવસે કઈ બહેન ખુશ ન હોય.?

ભાઈ બહેન નાં આ પવિત્ર તહેવાર ની તો દરેક બહેન ચાતક નજરે વાટ જોતી હોય છે..જેને ભાઈ ન હોય તેં બહેન પણ બીજા ને ભાઈ ગણી ને રાખડી બાંધી ને હરખાતી હોય છે..ગરીબ હોય કે તવંગર દરેક બહેન નો આ દિવસે આનંદ અને ઉત્સાહ એક સરખો જ હોય છે..

ખુશી મનમાં વિચારતી હતી કે સૌપ્રથમ નાહીધોઈને તૈયાર થઇને મંદિરે જઈશ.. નાનાભાઈ ભવ્ય માટે પ્રાર્થના કરીશ..
આવતી વખતે રસ્તામાંથી પેંડા નું પેકેટ અને ભવ્ય ને બહુ જ ભાવતા રસગુલ્લા લેતી આવીશ ઘરે આવીને ભવ્ય ને કંકુનો ચાંદલો કરી અને રાખડી બાંધીશ.ભૈલું સાથે બહુ બધી સેલ્ફી લઈશ અને ફેસ બુક અને વ્હોટસ એપ પર મુકીશ..
પછી પપ્પા પાસેથી મનગમતી ગીફ્ટ લેવાનું પ્રોમિસ લઇશ. બપોરે બધા સાથે બેસીને જમીશું સાંજે મોલમાં જઈને એકાદ સારી મૂવી જોઈશું અને હોટલમાં ડિનર લઈશું..
આવું વિચારતા વિચારતા અચાનક ખુશીની નજર બારીની બહાર ગઈ તો તેણે જોયું કે રસ્તાની  સામી બાજુ એક યુવાન ઊભો હતો ને એકીટશે પોતાને જોઈ રહ્યો હતો ખુશી વિચારમાં પડી ગઈ કે આ કોણ છે? 

આને ક્યારેય જોયો હોય તેવું લાગતું નથી.. બહુ વિચારતા યાદ આવ્યુ કે યસ આ યુવાન લગભગ તો સામે ની સોસાયટી મા જ રહે છે અને હુ ન ભુલતી હોઉં તો કદાચ તે મૂંગો જ છે..
  મારે શું ? તેવું વિચારીને  તે તૈયાર થવા બાથરૂમમાં ચાલી ગઈ.તૈયાર થઈને બહાર આવી..

આનંદ મા આવી ને તેં ગીત ગણગણવા લાગી...ભૈયા મેરે રાખી કે બંધન કો નીભાના ભૈયા મેરે...

 સહજ રીતે તેની નજર ફરીથી બારીની બહાર ગઈ તો તેણે જોયું કે તે યુવાન હજી ત્યાં જ ઉભો છે અને સતત પોતાની તરફ જોઈ રહ્યો છે હવે તે થોડી સતર્ક થઇ ગઇ ..
તેં યુવાન કેમ એક ધારો મારી તરફ જુએ છે?
ભગવાને જીભ નથી આપી મૂંગો છે છતા અપલક્ષણ તો જુઓ.. આવું વિચારીને તે ફળિયામાં ગઈ અને એકટીવા ઘરની બહાર કાઢીને સ્ટાર્ટ કરીને મંદિર તરફ રવાના થઈ રસ્તા મા વિચારવા લાગી કે આજના દિવસે મારે શા માટે તેના વિશે વિચારીને મારા મારા મગજને અપસેટ કરવું?
હશે જે હોય તે....
મંદિરે જઈને ભવ્ય ના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવા લાગી કે હે ઈશ્વર મારા ભાઈને લાંબુ આયુષ્ય આપજે ત્યારબાદ મીઠાઈની દુકાને થી પેંડા અને રસગુલ્લા લઇને ઘર પાસે આવી અને જોયું તો પેલો યુવાન ધીમે-ધીમે પોતાની તરફ આવતો હતો .
હવે તે થોડી ગભરાઇ પણ ખરી અને થોડી ગુસ્સે પણ થઈ એટલી વારમાં તો તેં મૂંગો તેની સાવ નજીક આવી ગયો અને તેં કંઈ સમજે વિચારે એ પહેલાં તો મુંગા એ તેનો હાથ લંબાવ્યો.. ખુશી એટલી ગુસ્સે થઈ ગઈ કે ફટાફટ બે ત્રણ ઝાપટ મારી દીધી. મુંગો યુવાન બ.. બ.. બ.. બોલવા લાગ્યો તેની આંખમાંથી દડ દડ આંસુ દડવા લાગ્યા ..તેનો લંબાયેલો હાથ ઢીલો પડ્યો અને મુઠ્ઠી ખૂલી ગઈ.
ખુશી ની નજર ગઇ તો તે ખુલ્લી મુઠી માં રાખડી અને સો રૂપિયાની નોટ હતી ખુશી અવાચક થઈ ગઈ અને મૂંગા ની આંખમાં જોયું તો મૂંગાની આંખ ની પવિત્રતા નો તાપ સહી ન શકી...આડું જોઈ ગઈ અને ફટાફટ પોતાના ઘરની અંદર આવી ને બેડરૂમમાં જઈ  ધડામ દઈને બારણું બંધ કર્યું અને ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગી..
હજી તેના કાનમાં મુંગા નો બ.. બ.. બ.. અવાજ આવતો હતો.