તે કોણ છે... ક્યાંનો છે... તેના ઘર ના કોઈ છે કે નહીં..? તે વિષે અમારા એરિયા મા કોઇ ને કશી જ ખબર નથી...
સોસાયટી ના લોકો જે ખાવા પીવા નુ આપે તે ખાઈ લે.. આખો દિવસ આમ થી તેમ આટા મારે રાખે.. રાત્રે ગમે તેના ઘર ની પાસે કે કોઈ ની દુકાન ના ઓટલે સુઈ રહે...
તેના નામ ની પણ કોઈ ને ખબર ન હતી.. બસ બધા તેને બાદશાહ કહેતાં. બાદશાહ ને બહુ જ બોલવા જોઇયે આખો દિવસ તેનુ બક બક શરુ ઝ હોય...
હુ તેને અવાર નવાર કાંઇક ખાવા નું કે ચા નાસ્તો આપે રાખું.બિચારો અભ્યાગત છે એવી લાગણી થી..
મને તે કાયમ મોટાભાઇ જ કહે....
મોટાભાઈ ક્યાં જાઓ છો ? ક્યારે પાછા આવશો? રોજ ઓફિસે કામ કરી ને થાકી જાઓ ને ? વહેલાં ઘરે આવી જતા હો તો....? આવુ બધુ બોલે જ રાખે..
ક્યારેક સમયસર કોઈ જમવાનું ન આપી ગયુ હોય તો બાદશાહ નો મગજ ગરમ થઈ જાય...પછી માંડે જેમ તેમ બોલવા..રાડો પણ પાડવા માંડે.. તરત કોઇક જમવાનું આપી જાય..પછી જમી ને બાદશાહ જમી લે એટલે શાંત થઈ જાય ..
એકવાર હુ ઓફીસ જવા ઘર ની બહાર નીકળ્યો મારા એક્ટિવા ને કપડાં થી લુંછતો હતો ત્યાં બાદશાહ આવી ચડ્યો....
કેમ છો મોટાભાઈ ? મજા માં ? તબિયત પાણી કેમ છે ? ઘરે બધાં મજામાં ને ?
મોટાભાઈ આજે મઘા ભાઈ ની હોટલ કેમ બંધ છે? હવે હુ ચા ક્યાં પીવા જઇશ? મોટા ભાઈ મને ભુખ બહુ લાગી છે. કેટલા વાગ્યા? 12 ક્યારે વાગશે? કોક જમવા નું ટાઈમે આપી જાય તો સારુ નહિતર હુ શુ કરીશ?
મારે ઓફિસે જવાનું મોડું થતુ હતુ..એક તો આજે કામ પણ બહુ જ પેન્ડિંગ હતુ..એમા આ બાદશાહ અત્યારે જ માથું ખાવા આવી ગયો... મન મા એવી ખીજ ચડી ને...
ત્યાં પાછું બાદશાહ ને શું સુંજ્યું કે કહે મોટાભાઈ આજે તો તમે નવા કપડા પહેર્યા છે ને શુ વાત છે..હીરો જેવા લાગો છો હો મોટાભાઈ..
મોટાભાઈ મારી પાસે આવા કપડા કેમ નથી ? મને કોઈ કેમ આવા કપડા નથી આપતુ ? મારે કાયમ આમ લઘર વઘર જ રહેવાનું ? એવું કેમ હે મોટાભાઈ ? ભગવાન મારી સાથે આવુ શુ કામ કરતા હશે હેં મોટાભાઈ ???
હવે મારો મગજ ફાટવા માંડ્યો..મારો હાળૉ ગાંડો શુ સમજે છે એની જાત ને ? સાલો મારી સાથે જીભાઝૉડી કરે છે..?
એવા માં તેનાં મેલા ઘેલા હાથે મારા શર્ટ પર હાથ અડાડી ને કહે ..મોટાભાઈ મને આવા કપડા લઇ દયો ને ? મને આ બહુ ગમે છે મોટાભાઈ...
હવે મારો મગજ ગયો...
મે ત્રાડ પાડી.. બાદશાહ બસ હો હવે...
ત્યાં તો મારી સામે આખો કાઢી ને કહે ન લઇ દેવા હોય તો નાં પાડી દયો એમા ખિજાઁઓ છો શુ કામ?
અને મારો મગજ છટક્યો.. સાલા નાલાયક...નીચ...આગળ ની ગાળ બોલું તે પહેલા ઝડપ થી પાસે આવી ને બાદશાહે તેનાં મેલા હાથ થી મારૂ મોઢું દબાવી દીધું..હુ ક્રોધ થી ધુઆ પુઆ થઈ ને તેને મારવા જતો જ હતો ત્યાં બાજુ માંથી એક યુવતી પસાર થઈ.. મારો બાદશાહ ને મારવા ઉગામેલો હાથ ઊચો રહી ગયો.. જેવી તેં યુવતી થોડી દુર ગઇ કે તરત જ બાદશાહે મારા મોંઢા પર દબાવેલો હાથ લઈ લીધો અને મને કહે...મોટાભાઈ... કોઈ બેન દિકરી ની હાજરી માં ભૂંડા ન બોલાય એ ય મારે તમને સમજાવવું પડે?
આટલું બોલી ને જાણે કઈ બન્યુ જ ન હોય તેમ તેં તેની મસ્તી મ ચાલવા લાગ્યો...
મારો ઉગાવેલો હાથ ઉપર જ રહી ગયો.. હુ વિચારવા લાગ્યો કે આને ગાંડો કહેવાય.. ?