ક્ષિતિજ ભાગ-18
“ કેમ વ્હાલા હમણાં ગાયબ છો? ઠાકોરજીની સગાઇ નકકી થઇ ગઇ છે. અને આ સુદામા ને યાદ પણ નહી કરવાનો..?”
“ સગાઇ નકકી નથી થઇ.. હજું..”
ક્ષિતિજે સાવ લુખ્ખો જવાબ આપ્યો.
“ શું વાત કરે છે..અંકલ નો ફોન આવેલો હમણાંજ પરમ દિવસે સોમવારે સાંજે સાત વાગ્યા નુ આમંત્રણ પણ આપ્યુ છે “
“ હેં..શું વાત કરે છ .મને ખબર પણ નથી અને પપ્પા એ..”
ક્ષિતિજ થોડો થોથવાયો..
“હુ ફોન કરું તને હમણાં “
એટલું કહીને તરતજ ક્ષિતિજે ફોન કટ કરીને સીધો હર્ષવદનભાઇ ને ફોન કર્યો
.
“ પપ્પા..અ.અઅઆઆઆ બધું શું માંડયુ છુ ? “
“ કેમ..?”
“ તમે...તમે સગાઇ સોમવારે નકકી પણ કરી નાંખી..આટલી જલદી?? મને પુછ્યુ પણ નહી?”
“ લે..તે જ તો કિધેલું કે તને પૂછવાની જરુર નથી મને બરાબર લાગે એમ કરીનાખું.”
“ હા... આમ પણ મારું કરી જ નાખ્યું છે..ભેગા થઇને..”
ક્ષિતિજ મનોમન બબડ્યો.
“ હેં..શું કીધું..? આ તું ગણગણ કરે એમાં કાંઈ સમજાતું જ નથી.”
“ અરે કંઈ નહી.. પણ સગાઇની તારીખ અને દિવસ નકકી કરતાં પહેલાં એક વાર તો જણાવવું હતું..આ સાવ બે દિવસ માં જ..કઇ રીતે બધું..? “
“ જો ભાઇ હજું કહું છું. તારે મન સહેજ પણ શંકા હોય તો છોકરી જોઈ લે.અને એની સાથે વાત પણ કરી લે. એકવાર સગાઇ નકકી થઇ પછી તારા એક પણ નાટક નહીં ચાલે..કોઈ ની દિકરી ની જીંદગી ખરાબ ન કરતો. એમ પણ છોકરી બિચારી બોલવામાં થોડી અચકાય છે.”
હર્ષવદનભાઇ એ બોલતાં બોલતાં દાઝ્યાં પર ડામ જેવી વાત કરી.
“ શું..? છોકરી બોલવામાં અચકાય છે ? તમે એ વાતે પણ મને અંધારામાં રાખ્યો? પપ્પા તમારી સમાજસેવાના ઉત્સાહ મા તમે તો મને જ દાવ પર મૂકી દીધો. ભુલ થઈ મારી કે મેં તમારા પર વિશ્વાસ મુક્યો. તમે તો આખી જીંદગી નો દાવ મારા પર રમી ગયા...”
“ હા..પણ શું થાય. છોકરી દેખાવે ખુબ સુંદર હતી. તારી સાથે શોભે એવી. ગમી ગઈ પણ વાત નકકી થઇ પછી એમણે આ અચકાય છે એવું જાહેર કર્યું. મને થયું કે સારું તારી સામે ઓછા શીંગળા ભરાવશે. “
હર્ષવદનભાઇ હસતાં હસતાં બોલ્યાં .
“ હું ઘરે આવું છું. આપણે સામસામે બેસીને વાત કરીએ.”
ક્ષિતિજ અકડાઈ ને બોલ્યો. એ ફોન કટ કરીને સીધો જ ઘરે પહોંચ્યો. હર્ષવદનભાઇ અને મોહન ભાઈ બંને વાતો કરી રહ્યા હતાં. એટલા મા જ ક્ષિતિજ આવ્યો.
“ તમારું ખરેખર ઠેકાણે છે કે ચસકી ગયું છે..?”
એણે હર્ષવદનભાઇ સામે હાથ બતાવતાં કહ્યુ.
“ જો ભાઇ સીધી રીતે વાત કર. તારો બાપ છું હું..”
“ એટલેજ કહું છું. જાણું છું કે કંઈ પણ કરી શકો છો.. “
હર્ષવદનભાઇ એની સામે જોઈ ને ખડખડાટ હસી પડ્યા.
“ હા...તું અદલ મારા જેવો જ છે. એટલે ..”
“ પપ્પા પ્લીઝ હું જરાપણ મજાક ના મુડ માં નથી.. તમે મને છોકરીનું નામ ,એડ્રેસ એનું એજયુકેશન જણાવો એટલે હવે મને આ બ્લાઇન્ડ ગેમ રમ્યા નો અંદાજ આવે. ”
“ જો ભાઇ એ બધુ અસ્થાને છે. હવે સગાઇ નકકી થઇ ગઇ છે. અને પરમ દિવસે સગાઇ છે. અને વેન્યુ પણ નકકી થઇ ગયું છે. “
“ બહુ ઉતાવળ નથી થઇ રહી?”
“ ના”
ક્ષિતિજ ની વાત નો એકદમ ટુંકો જવાબ આપતાં
હર્ષવદનભાઇ એ કહ્યુ.
“ જગ્યા નું નામ સાંભળી ને તું દંગ રહીજાઇશ..આપણાં આશ્રમમાં રાખી છે સગાઇ..”
સાંભળી ને જ ક્ષિતિજ હવેતો રીતસર નો ધુંધવાયો.
“ આ..આ શું મજાક માંડી છે પપ્પા. આશ્રમમાં સગાઇ..? અને આપણાં નહી તમારા....”
“ હા.કેમ. બહારથી મારા મિત્રો, ઘરનાં, સગાં સબંધી આશ્રમમાં આવી શકે પણ આશ્રમ ના મિત્રો બહાર ન આવી શકે એટલે આશ્રમ નાં ગાર્ડનમાં રાખી છે. હવે એકપણ શબ્દ મારે સાંભળવો નથી. આટલી બધી કચકચ કરવીતી તો પહેલાં મોટાઇ શુ કામ કરી? તમને જે સારું લાગે એ કરજો પપ્પા...કરીને? “
ક્ષિતિજ એકપણ શબ્દ બોલ્યા વગર પગ પછાડતો અંદર જતો રહ્યો.
“ આ તો સાવ સલવાયા જેવું થયું.. શું જરુર હતી આટલી હોંશિયારી બતાવવાની? હહહહઅઅઅ”
એ મનોમન બબડ્યો.
“ હલો..નિયતિ બેટા “
હર્ષવદનભાઇ એ નિયતિ ને ફોન કર્યો.
“ હા...અંકલ”
“ નિયતિ આજે સાંજે થોડું વધું જમવાનું લાવજે. હુ અને મોહન પણ ત્યા હોસ્પિટલ માં જ જમીશું.અને પંકજભાઇ ને પણ સાથે લાવજે..”
“ હહહાઆ અંકલ..સારું”
“ કેમ અચકાય છે.. હા પાડતાં કંઈ તકલીફ તો નથી ને? “
“ ના..પણ અને હા પણ”
નિયતિ તરતજ એક શ્વાસે બોલી ગઇ.
“ શું થયું?”
“ અંકલ પપ્પા એ મારી સગાઇ નકકી કરી નાંખી છે.”
“ ઓહો..વાહ લે સરસ..પણ તને કંઈ વાંધો તો નથી ને? છોકરો ગમે તો છે ને?”
“ મેં તો જોયો પણ નથી. “
“ શું વાત કરેછે...? જોયા વગરજ હા પાડી દીધી. તમે બંને તો આ દુનિયા ના અલભ્ય જીવ છો..”
“ અમે બંને?”
નિયતિ એ પ્રશ્ર્ન કર્યો.
“ હા.તું અને ક્ષિતિજ..બંને આની પણ મેં સગાઇ નકકી કરી નાખી છે. એ પણ છોકરી વિશે કશું જ જાણ્યા વગર તૈયાર થઈ ગયો. “
નિયતિ થોડી મુંઝાઇ.
“ શું સગાઇ પણ નકકી થઇ ગઇ?”
વળી પાછું પોતે અને ક્ષિતિજ આ બાબતે વાત કરવા સવારે મળેલાં એની તો કોઈ ને ખબરજ ન હતી.
“ હા.. પણ તને આટલો ઝટકો કેમ લાગ્યો. “
“ અરે..ના ના અંકલ એ તો અચાનક સગાઇ વિશે સાંભળ્યુ એટલે. ક્ષિતિજે મને આ બાબતે કંઈ વાત કરી જ નથી. તો..”
“ સારુ હાલ હવે. તું સાંજે જમવાનુ લઇ ને પંકજભાઇ સાથે પહોચી જજે.અને હા ક્ષિતિજ લેવાં આવશે તમને..આજે આમ પણ છેલ્લો દિવસ કાલે બપોરથી તો અમે ફરી આશ્રમમાં. “
હર્ષવદનભાઇ એ ફોન મુકી દિધો.
“ મોહન હવે આપણે સોમવાર સુધી સંભાળવું પડશે. બંને પર જાહેર ન થવું જોઈએ કે એમની જ એકબીજા સાથે સગાઇ નકકી કરી છે. “
“ હા ...હર્ષવદન પણ આમતો તને મને પંકજભાઇ અને હેમંતભાઈ ને જ ખબર છે બાકી કોઈ ને કયાં ખબર છે? એટલે એ ચિંતા નથી. બસ બધું હેમખેમ પાર પડી જાય એટલે ગંગ નાહ્યા. “
“ હા...”
એટલાંમાંજ ક્ષિતિજ ઉપર એના રુમમાંથી નીચે આવ્યો. અને કારની ચાવી લઈ ને કંઈ બોલ્યા વગરજ સીધો દરવાજા તરફ આગળ વધ્યો
“ ક્યાં ઉપડયાં?”
હર્ષવદનભાઇ એ પુછ્યુ .
“ “ એક કામ માટે..”
એણે નિરસ જવાબ આપ્યો.
“ કયારે આવશો?”
“ તમારે કશું કામ છે ?”
ક્ષિતિજે એમની સામે જોયાં વગરજ કહ્યુ.
“ ના.. પણ હવે આવા સવાલો ની આદત પાડી લ્યો. વારેવારે ફોન પણ આવ્યા કરશે..”
“ કેમ..? તમે હવે થી આમ કરવાના?”
ક્ષિતિજે આંખો ઉચી કરતાં હર્ષવદનભાઇ ને પુછયું.
“ ના પણ આવનારી તો કરશે..”
ક્ષિતિજ બંને આંખો પહોળી કરી હર્ષવદનભાઇ ની સામે જોઇ રહ્યો.
“ અરે યાર...શું છે તમને? એકતો મારી લાઇફ માં દિવાસળી ચાંપી ને તમને ખુબ મજા પડે છે. અને ઉપરથી તમારી આ દાઝયાં પર ડામ દેવાની આદત. એક દિવસ તમને મુકી ને ભાગી જાઇશ. “
“ ..હશે હવે. જે થયું એમાં મારો શું વાંક ? તે કહ્યુ ને મેં કર્યું. ને પાછું દોશનો ટોપલો પણ મારી માથે. આતો ખાઇ પી ને પગ લૂછવા જેવું થયું. “
એમની વાત સાંભળી ને ક્ષિતિજ એમની પાસે આવ્યો. એમના પગ પાસે ગોઠણીએ ઝુકી ને બેઠો. અને બોલ્યો.
“ મને માફ કરો... તમને જે યોગ્ય લાગે એમ કરવા તમે છુટ મા..અંતે તમે મારા પપ્પા છો. એ હું હવે માની ગ્યો.. હરીફરી ને તમે જન્મ આપ્યો એ મહેરબાની કરી આ દુનિયામાં લાવવાની એ યાદ આવી ગયું આ તમારાં વગર મારું અસ્તિત્વ આ પૃથ્વી પર શક્ય જ ન હતું એ પણ માનું છું પણ હવે આમ આવું બોલીને એ ઘાવ ને ખોતરશો નહી..”
ક્ષિતિજ બે હાથ જોડી ને ત્યા થી ઉભો થઇ નીકળી ગયો.
અને હર્ષવદનભાઇ એને વધુ ચીઢવવા માટે ..બોલ્યા
” અરે...અરે..પણ ઉભો રહે..મને કંઈ પૂછવું છે..”
એમ બોલતાં રહ્યા અને હસતાં રહ્યા
“ આ તમારા..બંને નો સબંધ કેવો છે.? .હર્ષવદન..તમે બાપ દિકરો છો?..મિત્રો છો?.. એકબીજા ના પુરક છો...? શું છો તમે.?? .મને કંઇ સમજાતું જ નથી.કાશ મારા દિકરા સાથે પણ મેં આવાં જ સબંધો ને ઉછેર્યા હોત... તો ..આજે આશ્રમમાં રહેવા વખત જ ન આવત..અને આટલાં મધુર સબંધો છતાં તમે આશ્રમ માં રહો એ મને કયારેય સમજાયું નહી.”
હર્ષવદનભાઇ થોડીવાર ચુપ થઈ ગયાં. પછી છાતીમાં ઉંડો શ્વાસ ભરતાં બોલ્યાં.
“ હા...મોહન અમે બંને મિત્રો છીએ .. છતાં એ દિકરો હોવાની અને હું બાપ હોવાની અમારા સબંધો ની આમન્યા જાળવવાનું ચુક્યા નથી. બાપ તરીકે એ મને ખુબ જ પ્રેમ કરે છે.અને એટલેજ..અમારાં વચ્ચે નકકી થયાં મુજબ મેં આશ્રમમાં રહેવાની એની વાત સ્વીકારી છે. પણ સાચું કહું સ્વીકારી તો લીધી ગુસ્સામાં કે પછી અહમ્ માં પણ લાગે છે એની વાત માં એ સાચો હતો. એની મારા નિર્ણયો સામેની લડતમાં હું હારવા લાગ્યો છું. મારાં બાપુજી એ ઘરમાં હંમેશા એકહથ્થુ વર્ચસ્વ રાખ્યુ હતું. એ જીવ્યા ત્યા સુધી એ ન તો અમારાં મિત્ર બન્યા કે ન અમને બે ભાઇઓ ને મિત્ર બનવા દીધાં. હંમેશાં મોટાં હોવાનો, બાપ હોવાની એક ડર એક રુઆબ એમણે બનાવી રાખ્યો. ..સંબંધો ની એક મોટી દિવાલ દરેક ની આગળ ઉભી રાખી હતી. બાપુજી સામે તો મનની વાત ખોલવાનો કે એમની સાથે હળવાશથી સંબંધો માણવાની કોઈ શકયતા જ ન હતી. એમનાં નિર્ણયો લુહાર નાં હથોડા જેવાં.. એક ધા ને બે કટકા . પછી કોઈ કાંઈ બોલી ન શકે. એ વખતે મને ખુબ મુંઝારો થતો. ઘણીવાર આપણને વડીલો ના નિર્ણયો સ્વિકાર્ય પણ નહોય. પણ એને નકારવાની કે સામે પ્રસ્તાવ મુકવાની પણ હિંમત ન થતી. હું ખુબ સારા ચિત્ર બનાવતો. મારે ઇનડસ્ટ્રીયાલીસ્ટ નહી ચિત્રકાર બનવું હતું .પણ બાપુજી સામે એ વાત રાખવાની પણ હિંમત ન હતી..મોટાભાઈ પણ દિકરા ની જેમ પ્રેમ કરતાં. મને લાડ કરાવતાં પણ એ સંબંધ ની દિવાલ તો અદ્રશ્ય ઉભી જ હતી. મારે મારા મિત્રો બહાર ગોતવા પડતાં . અને એવાત જ મને બહું ખૂંચતી.એક દોસ્ત કુટુંબી બને એ બહું સામાન્ય છે.પણ તમારાં પોતાનાં ભાઇઓ અને બાપ જ જો દોસ્ત બની જાયને તો એના જેવાં સદભાગ્ય બીજા શું હોય.મને કાયમ એક પ્રશ્ર્ન થતો કે ભાઇ કે બાપ સાથે મિત્રતા કેમ ન કેળવાય? અને એટલેજ મેં ક્ષિતિજ સાથે બાપ દિકરા કરતા એક દોસ્ત નો સબંધ વધું રાખ્યો. આજે મને ગળા સુધી ખાત્રી છે.કે મારો દિકરો એના આટલા મિત્રો હોવા છતાં એ ની તકલીફ ના સમયે મારી પાસે જ આવશે.એ કશુંજ છુપાવ્યા વગર મને વાત કરશે. અને એક બાપ તરીકે એ મારી જીંદગી ની સૌથી મોટી ગર્વ લેવાની વાત છે. બાકી અત્યારની જનરેશન ઉધ્ધતાઇ કરી શકે , સામું બોલી શકે, બાપ કે ભાઇ ને છેતરી શકે. પણ એમને એક દોસ્ત બનાવી ને જીંદગી ને આનંદમય..ખીલખીલાટ ન બનાવી શકે. કેમકે ઉરોત્તર એજ જોયું છે.અને એમાં દોષ એમનો છે જ નહી..આપણે પહેલાથી જ શીખવ્યું છે કે હુ તારો બાપ છું. મારી સામે.આવું બોલાય?.. એ તારા થી મોટા છે..એમને સામું ન કહેવાય., મોટા કહે એ સાચું જ હોય .તમે હજુ ઉગીને ઉભા થાવ છો તમને દુનીયાદારી ની શી સમજણ... હશે પણ અત્યારની પેઢી ઉધ્ધત કરતાં સ્પષ્ટ વક્તા બની છે. ખોટી હાજી હા કરીને એ મુંઝાવાને બદલે પહેલાંજ ના પાડી ને હળવાશ અનુભવશે. એકવાર સામે વાળાને દુખ થશે.પણ આખી જીંદગી નિષ્ફળતા નો દોષ એકબીજા પર ઢોળીને નિસાસા નાખવા કરતાં એ પહેલી વારની “ના” ખુબ સારી છે. સંબંધો બગડતાં ઓછા થઇ જાય. પોતાની ઇચ્છા મુજબ કરવું. કે કોઈ ની ઇચ્છા પ્રમાણે ચાલવામા નકાર ભણવો એ ઉધ્ધતાઇ નથી. .. હશે..પણ એક વાત મને ખટકે છે. જયાં સુધી મને ક્ષિતિજે અનુભવેલી મુંઝવણ, લાચારી અને અસુરક્ષા નો અનુભવ ન થાય ત્યા સુધી મારે આશ્રમમાં જ રહેવાનું છે. જે ક્ષિતિજે અનુભવ્યું એ મારે અનુભવવા નું છે.એ પણ હવે આટલાં વર્ષે. અને હું અમારી વાત પર કાયમ રહીશ. છતાં મેં જે કર્યું એ નથી કરતો એની મને હૈયે ધરપત છે બસ. “
હર્ષવદનભાઇ નો આંખો છલકાઇ આવી. ઇચ્છા હોવાં છતાં હવે આગળ કંઈ વાત કરવાનો કે સવાલ કરવાનો કોઈ મતલબ જ ન હતો એ મોહનભાઈ સમજી ગયાં.
ક્ષિતિજ ઘરેથી સીધો ઓફીસ પહોંચ્યો. ત્યા અવિનાશ પહેલાથી જ એની કેબીન માં હાજર હતો.ક્ષિતિજ કેબીન નો દરવાજો ખોલતા જ બોલ્યો..
“ ઓહો.. ડોક્ટર સાહેબ..આજે અહીં પધાર્યા ને કાંઈ..?”
“ હા...વ્હાલા આવવું જ પડે.મિત્ર ભીંસ માં હોય અને
જીગરી ન આવે તો લાંછન ન લાગે?”
અવિનાશ ઉભો થઇ ને ક્ષિતિજ ને ભેટી પડ્યો. પછી બોલ્યો.
“ તને ખરેખર છોકરી કોણ છે એ ખબર નથી?..સગાઇ સોમવારે છે એપણ?”
“ હા..યાર..”
ક્ષિતિજ મોઢું વિલુ કરીને પોતાનો ચેર પર બેઠો અને બોલ્યો.
“ સાચે જ.. આ પપ્પા ને એકવાર ખાલી અમસ્તા જ કહ્યુ કે તમે જેમ કહો તેમ..એટલા મા તો એણે સગાઇ સુધીની વાત નકકી કરી નાંખી..મને ...તો..ડર લાગે છે યાર અવિ . બ્લાઇન્ડ ગેમ રમતાં રમાઇ ગઇ. હવે બાજી સારી નીકળે પ્રાર્થના કર ભાઇ..”
એટલામાં પ્યુને આવીને કહ્યુ .
“ સાહેબ કોઈ મળવાં આવ્યુ છે..”
ક્રમશ: