પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ-૫ Dipikaba Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ-૫

                       મીરા પોતાના શિક્ષક પિતાની વાતનો એક એક શબ્દ જાણે પી રહી. મીરાની આંખોમાં ઝળઝળિયા આવી ગયા અને તે પોતાના પિતાને ભેટી પડી. મીરાના પિતા પણ મીરાના માથે હાથ ફેરવી રહ્યાં.
              
                    “ તું મારી ગુનેગાર છે મીરા, તારી સાથે પાછા આવવાની વાત તો દૂર રહી, હું તારી સાથે વાત કરવા પણ તૈયાર નથી. ”

                       “ મમ્મી મને માફ કરી દો, ભૂલ તો બધાથી થાય, તમે મારા વડીલ છો, મને માફ નહિ કરો?  આપણા ઘેર ચાલો મમ્મી, પ્લીઝ.”

                        “ એ તો તારું ઘર છે, મીરા! મારું ઘર તો આ રહ્યું. હવે ત્યાં આવવાની વાત જ ના કરીશ. તારા ઘેર મેં ઘણું રહી લીધું. હવે હું મારા ઘેર રહીશ, અહીં.”

                      “ ભૂલ કરવાવાળા કરતાં માફ કરવાવાળા મહાન હોય છે, વિશાલને ખાતર પણ મને માફ કરીને ત્યાં આવશો ને!”
  
                     “ બસ મીરા, હવે આ વાત ના કરીશ. હવે તો અહીં જ રહીશ, આનંદથી.  મારે મહાન પણ નથી થવું અને ત્યાં આવવું પણ નથી. કોઈ પણ વાંક વગર તારું અપમાન પણ નથી વેઠવું. “
 
                          “મમ્મી પ્લીઝ…..મમ્મી પ્લીઝ…….મમ્મી………”

                        મીરા…..મીરા…….સવારના આઠ વાગ્યા છે. ઊઠવું નથી?  તું લીવ પર છે આજે? અને સવારના પહોરમાં ઊંઘમાં શું બબડે છે? ……નાના બાળકની જેમ…..

                      મીરા ઝબકીને જાગી ગઈ. વિશાલ બેડની બાજુમાં ઊભો ઊભો પોતાને તાકી રહ્યો હતો.  મીરાએ જોયું તો પોતાને પરસેવો વળી ગયો હતો. એને હાશ થઈ કે પોતે સપનું જોયું હતું,  હકીકત ન હતી. આજે પોતાને શું થઈ ગયું હતું?  રાત્રે પણ પપ્પાની વાત સાંભળી મોડે સુધી પોતે વિચારતી રહી હતી. અને ઊંઘમાં આ સપનું. થેન્ક ગોડ!  એ સાચું નથી. હું મમ્મીને તેડવા જઈશ અને તેઓ મને ના પાડી દેશે તો? રાત્રે મોડે સુધી જાગ્યા પછી મીરાએ નક્કી કર્યું હતું કે તે જાતે જશે અને માફી માગીને રાધાબહેનને પાછા લઈ આવશે.

                      “ તબિયત ખરાબ છે, મીરા? એવું લાગે તો આજે આરામ કર. ડોક્ટર પાસે જવું છે? ”

                     મીરા વિશાલ સામે જોઈ રહી. એ જ વિશાલ જેણે એક દિવસ પણ પોતાની માતા વગર વીતાવ્યો ન હતો પણ આજે એ માતા વગર રહેતો  હતો. માત્ર મૃત્યુ જ જે મા દિકરાને અલગ કરી શકે એમ હતું, એમને આજે પોતાના લીધે અલગ થવું પડ્યું હતું? મીરા વિચારી રહી.

             “મીરા, કંઈ બોલતી કેમ નથી?”

            “મને થોડી નબળાઈ છે, વિશાલ , આરામ કરીશ એટલે સારું થઈ જશે.”
  
                      મીરાને તાવ તો ન હતો પણ શરીરમાં નબળાઈ પણ ખૂબ લાગી રહી હતી. પથારીમાંથી ઊઠવાનું બિલકુલ મન ન હતું,  છતાં એ ઊભી થઈ. તૈયાર થઈને રસોડામાં ગઈ ત્યાં તો મીરાને ચક્કર આવી ગયા. કામવાળી આજે ફરી રજા પર હતી. વિશાલ આજે ફરીવાર કોલેજે ભૂખ્યો જ ચાલ્યો ગયો હતો. અસહ્ય થાક, ઘરની જવાબદારી, પોતાના માતાપિતાની શિખામણ, વિશાલનો ઉદાસ ચહેરો, રાધાબહેનનો પત્ર, મંદિરની આરતી અને પ્રસાદી- ઓહ! મીરાનું મગજ ભમવા લાગ્યું હતું. તે રસોડામાં જ ફસડાઈ પડી અને જોરથી રડવા લાગી. એની પીડા અને પસ્તાવો આંસુ વાટે જાણે વહી રહ્યો હતો. અડધો કલાક એમ જ બેસી રહ્યા પછી મીરા શાંત થઈ. થોડું સારુ લાગતું હતું. તે ઊભી થઈ. એણે ગાયનેક પાસે જવાનું યોગ્ય રહેશે એમ વિચારી પોતાની મિત્ર સીમાના  દવાખાને પહોંચી ગઈ. એને થોડો વહેમ તો હતો જ એ મુજબ સીમાએ તેને કહ્યું કે તે પ્રેગ્નેન્ટ છે. મીરાના મોં પર સ્મિત આવી ગયું. તે મનમાં ઝૂમી ઊઠી. પોતે મા બનવાની છે એ વાતે તેનામાં સ્ફૂર્તિ આવવા લાગી. સીમાએ તેને નબળાઈને ધ્યાને રાખી ખૂબ જ આરામ કરવા સમજાવ્યું.

                  “ તું તો લકી છે  મીરા!  તારા સાસુ આખું ઘર સંભાળી લે છે અને તું બેફિકર થઈને નોકરી કરી શકે છે. આરામ તો તું કરી શકીશ જ. તારા બાળકની પણ તારે ચિંતા નહિ. મારે તો બધું જ જાતે કરવું પડે છે યાર! થાકી જવાય છે.”

                   “ હં…..સાચી વાત છે. સારું ફરી મળીએ. અત્યારે તું પેશન્ટ એટેન્ડ કર.” મીરાએ જવાબ ટાળ્યો અને બહાર આવી ગઈ.

                         બહાર નીકળી મીરાએ વિશાલને ફોન કરવા માટે ફોન હાથમાં લીધો પણ પછી થયું કે આટલી મોટી ખુશખબરી તો વિશાલને રૂબરૂ જ આપવી જોઈએ.  મીરા રાધાબહેનને પણ આ ખુશખબર આપવા ઈચ્છતી હતી પણ આજનું સ્વપ્ન યાદ આવતાં એમને ફોન કરવાની એની હિંમત ચાલતી ન હતી.

                     મીરા ઘેર ગઈ અને વિશાલની રાહ જોવા લાગી

                                    ક્રમશઃ