Pastavo ane Pashyataap - 1 books and stories free download online pdf in Gujarati

પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ - ૧

                          પોતાના પતિના બાપીકા ઘરમાં રાધાબહેન છેલ્લા થોડા દિવસથી રહેતાં હતા. એમણે સાફ સફાઈ કરીને ઘર એટલું સુઘડ બનાવી દીધું કે જોનારને ખબર પણ ન પડે કે આ ઘર વર્ષોથી બંધ હતું . વાળીચોળીને આંગણું ચોખ્ખું બનાવી દીધું.

                        પંદરેક દિવસમાં તો રાધાબહેન પોતાના સ્વભાવ મુજબ જાણે હરિપુર ગામની હવામાં ઓગળી ગયાં હતાં. એમનું વ્યક્તિત્વ જ એવું હતું. પ્રેમાળ સ્વભાવ, મધુર હાસ્ય, વાતચીત કરીને સામેવાળાને એનું દુઃખ ભૂલાવી દે એવી વાણી – આ બધું રાધાબહેનની વિશેષતા હતા. માત્ર ત્રીસ વર્ષની ઉંમરે પોતાને અને પોતાના પાંચ વર્ષના દિકરાને રડતાં છોડીને પ્રભુશરણ થયેલાં પોતાના પતિનો આઘાત જીરવવો અઘરો હતો. રાધાબહેનને સાસુ સસરા કે કોઈ કુટુંબ હતું નહિ. પિયર જઈ માતાપિતા પર બોજો બનવાને બદલે એમણે પોતે પગભર થઈને એકલા હાથે જ વિશાલને ઉછેરવાનું નક્કી કર્યું. 

                     પોતાના પતિના ગામ હરિપુરમાં તેમનું એક મોટું મકાન હતું, પણ એમના વારસા તરીકે રાધાબહેને એ ઘર સાચવી રાખ્યું. તેઓ શહેરમાં જ રહ્યાં. કોઈની પણ મદદ સ્વીકારવાને બદલે એમણે પોતાની મહેનત, આવડત અને હોશિયારી સીવણકામમાં કામે લગાડ્યાં. રાધાબહેનને ‘ બિચારી’ એ બિરુદ બિલકુલ ગમતું નહિ, માટે ખુમારીથી જીવવા લાગ્યાં.

                  વિધવા અને એકલી સ્ત્રીને પડે એ બધી જ તકલીફો રાધાબહેનને પડી પણ એકેય તકલીફને એમણે મચક ન આપી. પોતાની વ્યવહારકુશળતા ને સરળ સ્વભાવ વડે સમાજમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરી લીધું. વિશાલને શિક્ષણની સાથે સંસ્કાર આપીને એક યોગ્ય વ્યક્તિ બનાવી દીધો.

                 વિશાલે જ્યારે શહેરની સરકારી આર્ટ્સ કોલેજમાં લેક્ચરરની નોકરી મેળવી ત્યારે રાધાબહેનની તપશ્ચર્યાનો અંત આવ્યો ને વિશાલે સૌ પહેલું કામ એમનું સિલાઈકામ બંધ કરાવવાનું કર્યું. રાધાબહેન તો પોતાના દિકરાની નોકરી વિશે ખૂબ જ આનંદિત હતા. સૌથી વધુ આનંદ તો એમને ત્યારે થયો જ્યારે વિશાલે નવું મકાન ખરીદીને તેમને સરપ્રાઈઝ આપ્યું. એમની બધી જ મહેનત રંગ લાવી હતી.

                ‘બસ હવે એક સરસ મજાની વહુ લાવું એટલે ગંગા નાહ્યા.’ એવું રાધાબહેન વિશાલને ઘણીવાર કહેતાં.
જ્યારે એક જગ્યાએ પ્રસંગમાં મીરાને જોઈ ત્યારે એમની એ ઈચ્છા પણ પૂરી થઈ. દેખાવે સુંદર અને વાતચીતે સંસ્કારી મીરા એમને ખૂબ ગમી ગઈ. જ્યારે રાધાબહેને મીરાના માતાપિતાને વિશાલ અને મીરાની સગાઈ વિશે પૂછ્યું ત્યારે મીરાના માતાપિતાને તો ના પાડવાનું એકેય કારણ ન જણાયું. કોમર્સ કોલેજમાં લેક્ચરરની નોકરી કરતી મીરા ને વિશાલ એકબીજાને જીવનસાથી તરીકે યોગ્ય લાગ્યા.

                 મીરાના નાનાભાઈને અભ્યાસ અર્થે લંડન જવાનું હોવાથી ઘડિયા લગ્ન લેવાયાં. પોતાના સગાવહાલા અને બહેનપણીઓનો મીરાને પરિચય આપી રહેલા રાધાબહેનનો હરખ માતો ન હતો. આખરે બધી જ વિધિઓ પૂર્ણ થયા પછી પોતાના ઘરમાં રાધાબહેન , વિશાલ અને મીરા એકલા પડ્યાં. રાધાબહેન અને વિશાલની આત્મીયતા મીરા જોઈ રહી.

              “ મીરા, યાર પગ બહુ દુઃખે છે, ચાલ દબાવી દે જોઈએ.” વિશાલે મજાક કરતા કહ્યું.

                “ખબરદાર જો મારી દિકરીને હેરાન કરી છે તો!” રાધાબહેન વિશાલનો કાન આમળી રહ્યાં ને મીરાને કહ્યું, “ જા બેટા, ખૂબ થાકેલી દેખાય છે. આરામ કર. અને હા, વહેલા ઊઠવાની ચિંતા ન કરતી. લગ્નની તૈયારીઓમાં ઘણા દિવસથી આરામ નહિ થયો હોય."

               મીરાએ હસીને હા કહી અને ચાલી ગઈ. રાધાબહેન નિરાતે પથારીમાં સૂતાં અને રાહતનો શ્વાસ લેવા લાગ્યાં કે હવે તેઓ નિરાતે પ્રભુભજન કરશે. તેમના જીવનની બધી તકલીફોનો હવે અંત આવશે એમ વિચારી રહેલા રાધાબહેનને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર પણ ન પડી. એમને ક્યાં ખબર હતી કે એમની તકલીફો હવે વધવાની હતી.

                 બીજા દિવસે વહેલી સવારે મીરા ઊઠીને વિશાલ માટે ચા બનાવવા માટે રસોડામાં ગઈ. પોતાના હાથે બનાવેલી ચા મીરા વિશાલને આપવા ધારતી હતી. ત્યાં તો રાધાબહેન પરોઠા અને ચા બનાવી રહ્યાં હતા.

                   “તને ચા ફાવશે ને મીરા! મારા વિશાલને તો મારા હાથની મસાલાવાળી ચા ખૂબ ભાવે છે.” એવું બોલી રહેલા રાધાબહેનને તો મીરાએ હસીને જવાબ આપ્યો પણ એની અંદર રહેલી પત્નીમાં ઊંડે ઊંડે ક્યાંક કશુંક ડંખ્યું હોય એવું લાગ્યું.

                   એ પછી રોજ પોતાની નવી વહુને આરામ આપવાના ઈરાદાથી રાધાબહેન દોડીદોડીને બધું કામ કરી રહ્યાં હતા ને મીરા પોતાના પતિ માટે કંઈક કરવા ઈચ્છતી તો રાધાબહેન નામની અદ્રશ્ય દિવાલ વચ્ચે આવી જતી. રાધાબહેન પોતાની નોકરી કરતી વહુને આરામ મળે એ હેતુથી કંઈ કામ ન કરવા દેતાં.

                      હસતી મીરાને જોઈને રાધાબહેનને ખ્યાલ સુધ્ધાં ન આવતો કે મીરાને પોતાના પ્રત્યે કંઈ તકલીફ છે. જોકે રાધાબહેન કોઈપણ વાતમાં મીરાને પૂછવાનું કે કહેવાનું ભૂલતાં નહિ, પણ મીરા કદી પોતાનો અણગમો મોં પર આવવા દેતી નહિ. મીરાને તેના માતાપિતાએ આપેલાં સંસ્કારો તેને સાસુની સામે કંઈ પણ બોલતાં રોકતા હતાં.

                   પરંતુ એક દિવસે એક પત્નીની ઝંખના સામે સંસ્કારો હારી ગયાં. જેમ દબાવીએ એમ સ્પ્રિંગ વધુ ઉછળે એ ન્યાયે આખરે એક દિવસે મીરાનું મૌન તૂટ્યું અને કડવાશ બહાર આવી.

                 રોજની ટેવ મુજબ રાધાબહેન એક દિવસ રાધાબહેન સવારમાં વિશાલ અને મીરા માટે નાસ્તો બનાવી રહ્યાં હતા. મીરા આવીને વિશાલ માટે પૌંઆ બટેકા બનાવવા લાગી.

                   “તમારા બંને માટે હું ઢોકળા બનાવું છું મીરા, તો પછી પૌંઆ આજે ન બનાવીશ. આમેય વિશાલને પૌંઆ બહુ……..

                  “એ મારા પતિ છે , હું એમના માટે પૌંઆ બનાવીશ અને એ ખાશે.” રાધાબહેનને વચ્ચેથી જ અટકાવીને મીરાએ મોટા અવાજે કહી દીધું.

                   રાધાબહેન માટે તો આ મોટો ઝટકો હતો. વ્યવહારુ રાધાબહેનને મીરાનું વર્તન અને તેની પાછળનું કારણ સમજતાં વાર ન લાગી. બીજા જ દિવસથી એમણે નાસ્તો બનાવવાનું બંધ કરી દીધું. થોડા દિવસ પછી મીરા ડ્રોઈંગ રૂમ માટે નવા સોફા ખરીદી લાવી. ઘરની લૉન પૂરી થઈ જાય ત્યાં સુધી આ ખર્ચો ના કર્યો હોત તો એવા રાધાબહેનના પ્રશ્નના જવાબમાં મીરાએ કહ્યું કે હું કમાઉં છું ને મને ગમે તેમ મારા ઘરને શણગારી શકું છું.

                   “મારું ઘર” મીરાના આ બે શબ્દોએ જાણે રાધાબહેનના અસ્તિત્વનો જ છેદ ઉડાડી દીધો. પરંતુ રાધાબહેને મીરાને પોતાની જ દિકરી માની હતી, એથી જરાય ખોટું ન લગાડ્યું. બીજા જ દિવસથી એમણે પોતાની દિનચર્યા ફેરવી નાખી.

                રાધાબહેને વહેલી સવારે જ દેવદર્શને જવાનું શરૂ કર્યું. મીરા અને વિશાલ ઊઠીને ચા- નાસ્તો કરીને ચાલ્યાં જાય ત્યાં સુધી રાધાબહેન મંદિરે જ રહેતાં. આવીને બધું કામ આટોપી, રસોઈ બનાવતાં. રોજ રાધાબહેન અલગ અલગ વાનગીઓ બનાવીને વિશાલ અને મીરાની રાહ જોતા. વિશાલ રાધાબહેનની વાનગીઓના ખૂબ વખાણ કરતો, પણ મીરા તો મોં ફુલાવીને ખાતી. રાધાબહેન પૂછે એનો હા કે ના એમ ટૂંકમાં જ જવાબ આપતી.

                વિશાલ આ બધું જ જોતો ને સમજતો. રાધાબહેન વિશાલને તકલીફ ન પડે એટલે મીરાનું બધું જ વર્તન સહન કરતાં. વિશાલને કહેતા પણ ખરા કે બિચારી કોલેજથી થાકીને આવી હોય એટલે તારે એને કશું નહિ કહેવાનું. રાધાબહેન વધુ ને વધુ સમય મંદિરે અને ભજનમાં વિતાવવા લાગ્યા. જ્યારે પોતાની મમ્મીને શાંતિથી રહેવાનો સમય આવ્યો હતો ત્યારે એમની તકલીફ જોઈ વિશાલને દુઃખ થતું.

                  ધીમે ધીમે પરિસ્થિતિ બગડતી ચાલી. મીરા રાધાબહેનને તોછડાઈથી જવાબ આપવા લાગી. એક સાંજે તેણે વિશાલ સાથે મૂવી જોવાનો પ્રોગ્રામ બનાવ્યો. વિશાલ ઘેર આવ્યો ત્યારે મીરા તૈયાર થઈને આવી. રાધાબહેને પૂછ્યું,

          “ બહાર જાય છે મીરા? રસોઈમાં શું બનાવું?”

            “મમ્મી એણે તમને કહ્યું પણ નહી કે અમે મૂવી જોવા જવાના છીએ!”

           “એમાં શું કહેવાનું, સારું , મીરા કયું પિક્ચર જોવાના છો?”

           “કેમ, તમારે શું કામ છે? સાથે આવવું છે? મૂવી જોવા?” મીરાએ રાધાબહેનનું મોં તોડી લીધું અને આ સાભળીને વિશાલ મીરા પર હાથ ઉપાડવા ગયો પણ રાધાબહેને તેને રોકી લીધો.

            “મીરા, હું ઘણા સમયથી જોઉં છું , તું દિવસે ને દિવસે તારી મર્યાદા મૂકતી જાય છે, મોં સંભાળજે, નહિ તો પરિણામ સારું નહિ આવે.”

            મીરા પગ પછાડતી ચાલી ગઈ. પણ રાધાબહેને વિશાલને સમજાવ્યું કે મીરા સાથે કદીયે ફરીવાર આવું વર્તન કરવું નહિ. પોતાને મીરાની કોઈ જ વાતનું ખોટું નથી લાગતું, કારણ કે મીરા એમની દિકરી છે.

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED