મીરા ઘેર ગઈ અને વિશાલની રાહ જોવા લાગી. વિશાલ આવ્યો અને મીરાને ઘેર જોઈ.
“હવે કેવી તબિયત છે મીરા? ડોક્ટર પાસે જઈ આવવું છે?”
“હું ગઈ હતી આજે.”
“ શું કહ્યું? દવા આપી?”
“તમે પપ્પા બનવાના છો. આપણે માતાપિતા બનવાના છીએ, વિશાલ!” મીરા ઉત્સાહમાં ઊભી થઈ ગઈ.
“વાહ, મીરા! શું વાત છે! કોન્ગ્રેચ્યુલેશન્સ. હવેથી તારી કાળજી રાખજે. આરામ કર. હું ફ્રેશ થઈ આવું.”
મીરાને હતું કે વિશાલ આ સમાચાર સાંભળી ઉછળી પડશે અને તેને ભેટી પડશે, પણ આમાંનું કંઈ ના થયું. મીરા એનું કારણ જાણતી અને સમજતી હતી. મીરાએ પોતાના પેટ પર હાથ મૂક્યો અને બબડી, એવરીથીંગ વીલ બી ફાઈન…..
બીજા દિવસે વિશાલ તૈયાર થઈને કોલેજ ગયો અને મીરા હરિપુર તરફ રવાના થઈ. પોતાની તબિયત સારી નથી એમ કહી તેણે વિશાલને કોલેજે જવા કહ્યું. હરિપુરના ધૂળિયા રસ્તે મુસાફરી કરીને મીરા ગામમાં બધાને સરનામુ પૂછતી અંતે ઘર સુધી પહોંચી ગઈ.
લોખંડની પાઈપોથી બનેલા દરવાજાની પેલે પાર મીરાને ખુરશીમાં બેઠેલા રાધાબા દેખાયા. દસેક બાળકો ખુરશી ફરતા વીંટળાઈને એમની સાથે વાતો કરી રહ્યા હતા. દરવાજો ઓળંગી મીરા ફળિયામાં પહોંચી, રાધાબહેને વાવેલા ફૂલછોડ જમીનની બહાર ડોકિયું કરી રહ્યા હતા. મીરાને રાધાબહેન અચરજ સાથે જોઈ રહ્યા. બાળકો પણ એની સામે નવાઈથી જોઈ રહ્યાં. મીરા જઈને રાધાબહેનના પગે પડી. રાધાબહેને મીરાને ઊભી કરી.
“ આવ બેટા, મીરા..”
એ જ સ્મિત, એ જ પ્રેમાળ અવાજ, એજ વાત્સલ્ય…..મીરાનું માતા બનવા જઈ રહેલું મન ભરાઈ આવ્યું. રાધાબહેને મીરાને છાતીસરસી ચાંપી. મીરાની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા.
“બા, આ માચી કોન ચે, કેમ લોવે ચે?” એક નાનકડી છોકરીએ પૂછ્યું.
“આ મીરા છે……”
“ઓલી કાનુલાની જોલે લાસ લમતીઈ?”
રાધાબહેને મીરાને ખુરશીમાં બેસાડી અને પેલી નાનકડી ઢીંગલીના માથે હાથ મૂકીને કહ્યું “ હા, કાનુડા જોડે રાધા રાસ રમે કે મીરા, બંનેની ભાવનાઓ એની જગ્યાએ યોગ્ય જ છે.”
પેલી ઢીંગલી કશુ સમજી હોય એવું લાગ્યું નહિ, છતા એણે સુંદર સ્મિત આપ્યું ને બધા બાળકો સાથે બહાર રમવા ચાલી ગઈ.
“ આ બાળકોનું જીવન આટલું સરળ કઈ રીતે હોતું હશે?”
“ એમને કદી કોઈ પાસે કંઈ જ અપેક્ષા નથી હોતી મીરા! બધી તકલીફોનું મૂળ અપેક્ષા જ છે ને. અને આપણે માણસ તરીકે મોટાં થયા પછી અપેક્ષાઓ રાખ્યા વગર રહી શકતા જ નથી. પૂરી ના થાય એટલે દુઃખી.”
“ અપેક્ષા તો નથી રાખતી મમ્મી પણ એક વિનંતી કરું છું આજે મારી સાથે ઘેર ચાલો. મારી ભૂલોને શક્ય હોય તો માફ કરી દો. હું મારી જાતને સ્વાર્થી સમજું છું કારણ કે મારા અહીં આવવા પાછળનું એક કારણ એ પણ છે કે તમારા વગર ત્યાં તકલીફ પડે છે. તમારા વગર એ ઘરમાં રહ્યા પછી ખબર પડે છે કે તમારા વિના એ ઘરનો દરેક ખૂણો ખાલી છે. તમારા અવાજ વગર ત્યાંનું ઘર એ જાણે ઘર નથી, તમે મને તમારી દિકરી કરતાં પણ વિશેષ રાખી પણ મને તો એ દેખાયું જ નહિ. પણ હવે હું મારી ભૂલ સમજું છું. તમારી આ દિકરીને માફ કરી દો અને આપણા ઘેર પાછા ચાલો.”
“અરે મારી દિકરી, એમાં હાથ ના જોડવાના હોય, તાળી કદી એક હાથે નથી પડતી, મારી પણ કંઈક ભૂલ હશે, તું કહે એટલે મારે તારી સાથે આવવાનું જ હોય , પણ મને ખોટી ના સમજતી મીરા, પેલા બાળકો તેં જોયા ને…..મને એમની સાથે અહીં બહુ મજા આવે છે….મેં આંગણામાં બગીચો બનાવ્યો છે, આ ગામની હવામાં શ્વાસ લેવાની એટલી મજા આવે છે ને………મને સ્વાર્થી બનવાનું મન થાય છે, અહીં રહેવાનું મન થાય છે.”
મીરાએ રાધાબહેનના હાથ પકડ્યા અને હસીને કહ્યું, “ જરૂર મમ્મી, તમે અહીં જ રહો. એ તમારૂં અને પપ્પાજીનું સપનું છે ને ! અત્યારે હું જાઉં છું પણ તમને મળવા જરૂર આવીશ. ને હા, ત્યારે તમારા પેલા નાનકડા દોસ્તો માટે રમકડાં જરૂર લાવીશ.”
“જમીને તો જા, મીરા!”
“ મમ્મી દિવાળીની રજાઓમાં અમે અહીં જ આવીશું, કેટલો બધો નાસ્તો બનાવીને રાખજો. અત્યારે મારે જવામાં મોડું થશે.”
મીરાનો બધો ભાર ઉતરી ગયો હતો, પગમાં નવું જોર આવી રહ્યું હતું, સ્ફૂર્તિ લાગી રહી હતી. પોતાના સાસુનો હસતો ચહેરો યાદ કરીને તે બસમાં બેસી ગઈ. સીમાએ ગ્લુકોઝનો બાટલો ચડાવવા કહ્યું હતું એટલે વિશાલને જાણ કરી સીધી સીમાના ક્લીનીકે ગઈ. છેવટે તે મોડી રાત્રે ઘેર પહોંચી.
દિવાળીને વાર હતી, છતાં ઘર દિવાઓથી ઝગમગી રહ્યું હતું, વિશાલે દિવા કેમ કર્યા હશે એમ તે વિચારી જ રહી હતી, ત્યાં તો એના આશ્ચર્ય વચ્ચે રાધાબહેને રસોડામાંથી બહાર નીકળી તેનો કાન આમળ્યો,
“ મારી દિકરી તો બહુ મહાન……મમ્મી તમે અહીં જ રહો…….હું દાદી બનવાની છું એ મને કહ્યું પણ નહિ, આ તો સારું તારા ગયા પછી તરત વિશાલનો ફોન આવ્યો ને મને ખબર પડી……”
“મમ્મી તમને ત્યાં કેટલી મજા આવતી હતી, મને ઈચ્છા જ ન થઈ તમને અહીં ખેંચી લાવવાની.”
“ હવે તો હું ક્યાંય જવાની નથી. ચાલ ખાઈ લે, હું કહું એમ જ કરવાનું ને ખાવાનું. શરીર તો જો તારું સાવ લાકડી , આમ મા ન બનાય.”
મીરા આંખમાં આવેલાં ઝળઝળિયાં લૂછતી ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ. વિશાલ સાસુ-વહુનું સુખદ મિલન જોઈ રહ્યો. મીરાનો પસ્તાવો આજે પશ્ચાતાપ બની રંગ લાવ્યો હતો.
સમાપ્ત
આ તો વાર્તા હતી અને મને સુખદ અંત વધારે ગમે એટલે એનો અંત સારો આવ્યો પણ નેવુ ટકા કેસમાં આવું બનતું નથી. બધી જ મીરા કે બધા જ રાધાબહેન પોતાના ઈગો છોડી શકતા નથી. મારી આ વાર્તા એકપણને પોતાનો ઈગો છોડવાની પ્રેરણા આપશે તો મારું લેખન સફળ. સૌનું કૌટુંબિક જીવન સુખી બને એવી શુભેચ્છા. ધન્યવાદ.