પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ-૪ Dipikaba Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ-૪

             દિવસો જેમતેમ વીતવા લાગ્યાં. વિશાલ, રાધાબહેન અને મીરા સૌ પોતપોતાની રીતે નવી પરિસ્થિતિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરતાં રહ્યાં.

               સૌથી વધુ તકલીફ મીરાને પડી રહી હતી. સવારથી સાંજ બે છેડા ભેગા કરવાની મથામણમાં એનો સમય ક્યાં જતો ખબર પણ ન પડતી.

             પતિ સાથેના જે એકાંતભર્યા અને આનંદમય જીવનની એણે કલ્પના કરી હતી એ જાણે એનાથી દૂર જઈ રહ્યું હતું. વિશાલને ઘરની બનાવેલી જ રસોઈ ભાવતી, એટલે મીરા કોઈ વાનગી બનાવવાનું આયોજન કરતી તો જરૂરી વસ્તુઓમાંથી એકાદી વસ્તુ તો ખૂટતી જ. ઘણીવાર વિશાલના મોજા ન મળે તો ઘણીવાર એનો રૂમાલ પણ ન મળે. એની રજા તો સાફસફાઈમાં જ વીતી જતી. કામવાળી પણ કોઈ ને કોઈ બહાને અઠવાડિયે એકાદ દિવસ આવતી નહિ, એ દિવસે મીરાની ખરી કસોટી થતી. ઘરમાં ખૂટતી વસ્તુઓ લાવવી, ખરીદી, બધું જ મીરાને કરવું પડતું.

                   મીરા ધીમે ધીમે રાધાબહેનના જવાથી પડેલી ખોટ અનુભવતી હતી, પણ હજુ મનમાં અહમ પણ હતો કે તેઓ જાતે ગયા છે. એક દિવસ સવારમાં મીરા હજુ તો ઊઠી જ હતી ત્યાં ડોરબેલ વાગ્યો.

             “ તમે વીણામાસી છો ને? આવો.”

              “હા, બેટા. હેપી મેરેજ એનીવર્સરી.”

              “ઓહ…થેન્ક યુ. પણ માસી તમને કેવી રીતે ખબર?”

              “રાધાબહેનનો ફોન હતો, એમણે મંદિરમાં  આજની આરતી તમારા બેઉ તરફથી કરાવી છે. બધાને આપતા બાકી રહે તે પ્રસાદી જેની આરતી હોય તેને આપવાની હોય છે. હું અહીંથી નીકળતી હતી તો થયું કે તમને આપતી જાઉં.”

              “હા, લાવો. અંદર આવોને!”

                “ ના, અત્યારે નહિ. રાધાબહેન ક્યારે આવવાના છે? એ દિવસે ધૂન તાત્કાલિક બંધ રખાવીને ગયા ને કહેતા હતા કે થોડા દિવસમાં આવી જઈશ. એમના વગર અમારું ભજનમંડળ સૂનું લાગે છે.”

          “  થોડા દિવસમાં આવી જશે.”

           વીણાબહેન તો ગયાં પણ મીરા વિચારમાં પડી. મમ્મી પોતાની એનિવર્સરી ભૂલ્યા ન હતા. તેઓ અહીંથી ગયા પછી પોતે એમને એકવાર પણ ફોન કર્યો નથી. વિશાલ સાથે એમને વાત થતી હશે? પોતે વિશાલને પણ એકેયવાર એમના સમાચાર પૂછ્યા નથી. મીરા હાથમાં પ્રસાદી લઈને વિચારમાં પડી ગઈ હતી, વિશાલ તૈયાર થઈને બહાર આવ્યો.

              “હેપી મેરેજ એનિવર્સરી વિશાલ….”

              “સેઈમ ટુ યુ મીરા.”

              “આપણા માટે મમ્મીએ મંદિરે આજે આરતી કરાવી છે એનો આ પ્રસાદ.”

                 વિશાલે પ્રસાદી લઈ લીધી અને ખાવા લાગ્યો.

                  “ મારે પ્રસાદી લેવાની બાકી છે, વિશાલ.”

                  “ આ મમ્મી તરફથી છે, તારે ખાવી છે?”  વિશાલથી બોલાઈ ગયું.

                   “ આપણી પહેલી એનિવર્સરી છે આજે, સરખી રીતે વાત તો કરો!  મમ્મીની હું કાંઈ દુશ્મન નથી.”

                  “ ઓહ, તો મમ્મી અહીંથી જતા કેમ રહ્યા? ભલે જતા રહ્યા, તું એમની પાસે ગઈ એકેયવાર? ભલે ના ગઈ, ફોન કર્યો એકેયવાર? તે જે કર્યું છે અથવા નથી કર્યું એ બધું દુશ્મનીની વ્યાખ્યામાં આવે છે કે સંબંધોની એ વિચારજે મીરા!”

                      વિશાલ તો ગયો પણ એના અવાજમાં ખખડેલો ખાલીપો મીરાને અકળાવી ગયો. પહેલો ઘા પડ્યો હતો એના અહમ પર. પોતે મમ્મીને આપેલા વચન પ્રમાણે વિશાલ આટલા દિવસો સુધી કાંઈ બોલ્યો ન હતો પણ આજે તે રહી ના શક્યો. આજે વિશાલના અવાજ અને આંખોમાં મીરાએ પીડા જોઈ.

                 ત્રીજું લેક્ચર એટેન્ડ કર્યા પછી મીરાને એના પપ્પાનો ફોન આવ્યો. મીરાના મમ્મી-પપ્પા પહેલી મેરેજ  એનિવર્સરીની શુભેચ્છા આપવા આવવાના હતા. મીરાએ ઝડપથી વિશાલને ફોન કરી દીધો અને પોતે ઘેર ગઈ.

                 સાંજે મીરા ડ્રોઈંગરૂમમાં પોતાના મમ્મી -પપ્પા સાથે બેઠી હતી. મીરાના મમ્મી જયાબહેનની આંખો રાધાબહેનને શોધી રહી હતી.

             “મીરા, રાધાબહેન બહાર ગયા છે? તે એમને અમે આવવાના છીએ એમ કહ્યું નહોતું બેટા?”

          “એ તો ગામડે ગયા છે.”

          “ તમે લોકો તો ત્યાં કોઈદિવસ જતા નથી, તો પછી કેમ અચાનક? કંઈ ગંભીર વાત છે?” જયાબહેનને મીરાના ઘરના વાતાવરણ પરથી શંકા ગઈ.

          “એ હવે અહીં નથી રહેતા, મમ્મી.”

           “શું વાત કરે છે, મીરા! કેમ અહીં રહેતા નથી? અચાનક?”

            મીરા જવાબ આપે એ પહેલા વિશાલ આવી ગયો અને વાત અધૂરી રહી. થોડીવાર વાતચીત કરીને તે આઈસક્રીમ લેવા ગયો. વિશાલના ચહેરા પરની ઉદાસી એ લોકોથી અછાની ના રહી.

               “ મીરા, હું આશા રાખું કે રાધાબહેનના અહીંથી જવાનું કારણ તું નહિ હોય.” જયાબહેને ફરી વાત ઉખાડી.

               “ બધાને મારો જ કેમ વાંક દેખાય છે?  મેં એમને જવાનું નહોતું કહ્યું. એ એમની મરજીથી ગયા છે. તમે લોકો તો સમજો.” મીરા અધીરી થઈ.

              “ બેટા, અમે તો તારો વાંક છે એવું ક્યાં કહ્યું? બીજા કોઈ કારણોસર રાધાબહેન ગયા હોય તો એ તમારી એનિવર્સરીએ આવ્યા વગર રહે જ નહિ.  હું તો માત્ર તને એટલું જ કહીશ કે જો તારે અને એમને મતભેદ થયા હોય તો એમની સાથે વાતચીતથી દૂર કરજે. મતભેદને મનભેદમાં પરિણમવા ન દઈશ. મનભેદ તો કુટુંબને વેરવિખેર કરી નાખે છે.”

               “ તું તો આટલી સમજદાર છે , તને અમારે કંઈ કહેવાનું ના હોય, છતા તારો પિતા છું એટલે એટલું તો જરૂર કહીશ કે કદાચ તારી ભૂલ હોય તો માત્ર પસ્તાવો કરીને બેસી ના રહેતી, તારી ભૂલ સુધારીને પશ્ચાતાપ કરજે. પશ્ચાતાપ વગરના પસ્તાવાનું કંઈ જ મૂલ્ય નથી. રાધાબહેનની જગ્યાએ તારી મમ્મીની કલ્પના કરજે, તું એને આવી રીતે અલગ રહેવા દઈશ? ભૂલ તો બધાથી થઈ શકે , સાચી મોટાઈ તો એને સ્વીકારીને સુધારવામાં છે. આપણો અહમ આપણા કુટુંબને ભરખી જાય એ પહેલા જ આપણે અહમને દૂર કરીએ તો સુખી થઈ જવાય.”
           
                    મીરા પોતાના શિક્ષક પિતાની વાતનો એક એક શબ્દ જાણે પી રહી. મીરાની આંખોમાં ઝળઝળિયા આવી ગયા અને તે પોતાના પિતાને ભેટી પડી.

                                     ક્રમશઃ