( આ વાર્તાના પહેલા ભાગમાં આપણે જોયું કે વિધવા રાધાબહેન તકલીફો સહન કરીને વિશાલને ભણાવે છે. પ્રોફેસરની નોકરી કરતા વિશાલના લગ્ન મીરા સાથે થાય છે, એ પણ પ્રોફેસર જ છે. રાધાબહેન મીરાને ખૂબ જ સારી રીતે રાખવાનો પ્રયત્ન કરે છે, પણ મીરાને તો માત્ર વિશાલ જ દેખાય છે, પરિસ્થિતિ ધીમે ધીમે બગડતી જાય છે.)
હવે આગળ વાંચો.
થોડા દિવસ પછી એક દિવસ રાધાબહેનના ભજનમંડળની મહિલાઓએ રાધાબહેનને આગ્રહ કરીને તેમના ઘેર ધૂન રખાવી. મીરા કોલેજેથી થાકીને આવેલી હોય અને તેને આરામ થાય એ હેતુથી રાધાબહેને ધૂનનો સમય બપોરનો રાખ્યો, જ્યારે મીરા કોલેજે હોય. રોજ સવારે મીરા અને વિશાલ કોલેજ માટે નીકળી જાય પછી જ રાધાબહેન મંદિરેથી ઘેર આવતા પણ આજે થોડા વહેલાં આવી ગયાં. વિશાલે પૂછ્યું,
“ અરે વાહ! આજ તો મારા ગંગાસતી સવારમાં વહેલા ઘેર આવી ગયા ને કાંઈ ! મમ્મી આમ રોજ વહેલી આવી જતી હોય તો!”
“અં….હા, વિશાલ મારી ભજનમંડળીની બહેનોએ આજે ધૂન આપણા ઘેર ગોઠવી છે. મને પણ થયું કે એ બહાને ઘરમાં નંદલાલાની પધરામણી થશે.”
“એ તો બહુ સારું કહેવાય. ક્યારે આવવાના છે બધા?”
“ બપોરે તમે લોકો જમીને જાવ પછી આવવાના છે. મીરા એમને પ્રસાદમાં શું આપવુ?”
“એ લોકો થોડા કંઈ રોજ આવવાના છે? એમના માટે હું જમવા આવું ત્યારે કંઈક સારી મીઠાઈ લેતો આવીશ પ્રસાદીમાં આપવા માટે, સાચું ને મીરા?”
“હા, આવી રીતે ઉડાડવા માટે જ કમાઉ છું ને હું તો. મને તો એ નથી સમજાતું કે એ બધાને ઘેર બોલાવવાની શી જરૂર છે? ઘર કેવું બગડે …..
મીરાનું બોલવાનું હજુ ચાલુ જ હતું, ત્યાં વચ્ચે જ વિશાલે જોરથી રાડ પાડી , “મીરા…… બસ કર. એ મારી મા છે. તું હંમેશા આવી આડી વાત ન કરીશ. હવે બસ થાય છે. આ ઘર જેમ તારું છે એમ મારી મા નું પણ છે. આટલો બધો ઘમંડ સારો નહિ.”
વિશાલની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. મીરાએ પણ વિશાલ સામે ગુસ્સાથી જોયું અને કોલેજે ચાલી ગઈ.
એ દિવસે વિશાલને કોલેજે ચેન ન પડ્યું . મમ્મીને મીરાની વાતથી કેટલું દુઃખ થયું હશે એ વિચાર વિશાલને સતાવતો હતો. ઘર નજીક હોવાથી તે રોજ લંચબ્રેકમાં ઘેર આવતો. મીરા પણ આવતી. પોતાનું લેક્ચર પૂરું થયું કે તરત વિશાલ ઘેર પહોંચી ગયો. મીરા પણ એ જ વખતે આવી પહોંચી. વિશાલે બારણે તાળું જોયું, પોતાની ચાવીથી ઘર ખોલ્યું. તાળું હતું એટલે એક વાત તો નક્કી જ હતી કે રાધાબહેન ઘેર ન હતા. રાધાબહેન રસોઈ બનાવીને ક્યાંક ગયા હોય એવું લાગ્યું. મીરા રસોઈને ટેબલ પર ગોઠવવા લાગી.
“ વિશાલ જમી લો, લંચ બ્રેક પૂરો થઈ જશે અને જવાનો સમય પણ થઈ જશે.”
“તું જમી લે મીરા, મને ભૂખ નથી.” જવાબ દઈને વિશાલ રાધાબહેનના રુમ તરફ ચાલ્યો ગયો.
રાધાબહેનના રુમ પાસે જઈને વિશાલ ઊભો રહ્યો. તેને ચેન પડતો ન હતો. મમ્મી કહ્યા વગર કોઈ દિવસ ક્યાંય ન જાય, તો પછી આજે શું થયું હશે? વિચારમાં ને વિચારમાં વિશાલ છેક અંદર પહોંચી ગયો અને તેનું ધ્યાન પલંગ પર પડેલાં કાગળ પર ગયું. ધડકતે હૈયે તેણે કાગળ સામે જોયું અને ઉપાડ્યો. જેની વિશાલને બીક હતી એ જ થયું. ચિઠ્ઠી રાધાબહેનની જ હતી. અંદર સુંદર અક્ષરો થકી પ્રેમાળ રાધાબહેન બોલી રહ્યા હતાં,
“ચિ. વહાલા વિશાલ અને મીરા,
તમે બંને મારો આ કાગળ વાંચતા હશો ત્યારે હું લગભગ આપણા ગામ હરિપુર પહોંચી પણ ગઈ હોઈશ. આમ કહ્યા વગર ચાલી જવા બદલ બંને મને માફ કરશો ને! પણ જો હું કહીને આવું તો તમે લોકો મને અહીં આવવાની ના પાડો. મને છેલ્લા ઘણા સમયથી અહીં આવવાની ખૂબ ઈચ્છા હતી. વિશાલ સાવ નાનો હતો ત્યારે તમારા પિતાજી અને મેં નક્કી કર્યું હતું કે તારા લગ્ન થાય પછી અમે બંને બાકીની જિંદગી હરિપુરમાં જ વિતાવીશું. તમારા પિતાજી નથી, પણ હવે હું એ ઘર સંભાળીશ. હવે મીરાને પણ ત્યાં ફાવી ગયું છે. મને ખાતરી છે કે એ સારી રીતે ઘર સંભાળી શકશે. મારી પાછળ અહીં આવવાની કોઈ જરૂર નથી. અહીં આવો તો બંનેને મારા સમ છે. પણ તમારી રજાઓમાં હું જરૂરથી તમારી રાહ જોઈશ. અને હા, મને પૈસા મોકલવાની કોઈ જ જરૂર નથી. અહીં નવરા બેસી રહેવા કરતાં હું સીવણકામ કરીશ. મારે પ્રવૃતિ રહેશે ને મારો ખર્ચો પણ નીકળશે.
બંનેને મારા ખૂબ આશીષ.
તમારી મમ્મી.”
વિશાલની આંખમાં આંસુ આવી ગયાં . કેટલી સરળતાથી પોતાની માતાએ પોતાને , પુત્ર અને પુત્રવધુ વચ્ચેથી ખસેડી લીધી હતી!
‘હકીકત માં તો એ કદી મારી અને મીરા વચ્ચે આવી જ નહોતી, પણ માત્ર મીરા આવું માનતી હતી. એટલા ખાતર પોતાના પુત્રને પણ અળગો કરી દીધો!’ વિશાલ વિચારી રહ્યો.
મીરાને ત્યાં આવેલી જોઈ વિશાલે તેને ચિઠ્ઠી પકડાવી અને કહ્યુ, “ કોન્ગ્રેટ્સ મીરા.” વિશાલ ચાલ્યો ગયો.
મીરાએ ચિઠ્ઠી વાંચી. મીરાને સ્વતંત્રતા જોઈતી હતી પણ આવી રીતે મળશે એવું એણે ધાર્યું ન હતું. પોતે પોતાના સાસુને જવા નહોતું કહ્યું, તેઓ તો પોતાની મરજીથી ગયાં હતાં. વિશાલ પોતાનાથી ખૂબ નારાજ હતો અને મીરા એને મનાવવાના દ્રઢ નિર્ધાર સાથે બહાર ગઈ.
ડ્રોઈંગરૂમમાં વિશાલ ન હતો. મીરાએ તેનો મોબાઈલ ટ્રાય કર્યો. સોફામાં જ વિશાલનો ફોન પડેલો જોઈ, મીરાએ વિશાલની કોલેજમાં ફોન કર્યો, પણ વિશાલ ત્યાં પહોંચ્યો જ ન હતો. મીરા સમજી ગઈ કે વિશાલ ક્યાં ગયો હતો. હવે તેણે ઘેર બેસીને જ વિશાલની રાહ જોવાનું નક્કી કર્યું.
વિશાલ હરિપુર પહોંચ્યો કે તરત જ સાફસફાઈ કરી રહેલા એના મમ્મી એની નજરે ચડ્યાં.