સેલ્ફી ભાગ-10 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેલ્ફી ભાગ-10

સેલ્ફી:-the last photo

Paart-10

સાંજ થઈ ગઈ હતી અને સૂરજદાદા પૂર્ણપણે આથમવાની તૈયારીમાં હતાં.. ડેથ આઈલેન્ડ પર રાત મંદ ગતિએ પોતાનું પાથરણ પાથરી રહી હતી.દિવસ ની રોશની કરતાં રાતનો ભયાનક અંધકાર ડર નું બીજું નામ છે એ વાતમાં કોઈ મીનમેખ નહોતો.

આઠ મિત્રો નું ગ્રૂપ ડેથ આઈલેન્ડ પર હેંગ આઉટ કરવા આવ્યું હતું જેમાંથી રોબિન નામનાં યુવક ને મૃત હાલતમાં એનાં રૂમમાં જોયાં બાદ એની લાશ અચાનક ગુમ થઈ ગઈ હતી..એ પછી બનેલી ઘટનાઓ રોબિનને જીવિત સાબિત કરતી હતી પણ રોબિન નો કોઈ પત્તો નહોતો..ત્યારબાદ એમની એક મિત્ર કોમલની હત્યા થઈ ગઈ જેની લાશ કારનાં એક્સિડન્ટ પછી એમાં આગ લાગતાં સળગી ગઈ હતી.આગળનો રસ્તો વધુ કઠીન હોવાથી વધેલાં છ મિત્રો પાછા જવાનું નક્કી કરે છે.

હવેલી તરફ પાછાં જતી વખતે એ લોકો ને દિશાભ્રમ થતાં એ લોકો એટલામાં ને એટલામાં ગોળ ગોળ ઘુમી રહ્યાં હતાં..આ દરમિયાન બે ચમકતી આંખો એમનો પીછો કરી રહી હતી જેનાંથી એ લોકો બેખબર હતાં.. ધીરે ધીરે એ બે આંખો વધીને વીસ જેટલી થઈ ગઈ હતી.

પોતાની પાછળ કોઈ આવી રહ્યું છે એ વાતની આહટ થતાં શુભમે ધીરે રહીને પાછળ ગરદન ઘુમાવીને જોયું..પાછળ કોઈ આવી રહ્યું હતું એ વાત શુભમ ચમકદાર આંખો પરથી સમજી ચુક્યો હતો.

"રોહન પાછળ કોઈ છે.."રોહનની નજીક જઈ શુભમ હળવેકથી બોલ્યો.

શુભમની વાત સાંભળી રોહને પોતાની ડોક પાછળ ફેરવી તો જોયું કે રાની પશુઓનું એક ટોળું દબાતાં પગલે એમની તરફ આગળ વધી રહ્યું હતું.અંધકાર હોવાથી પશુ કયું હતું એ સ્પષ્ટ દેખાઈ નહોતું રહ્યું.

ધીરે ધીરે એ રાની પશુઓનો ઘુરકવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો.આનો મતલબ સાફ હતો કે પશુઓનું એ હિંસક ટોળું એ લોકો પર હુમલો કરવાની તૈયારી કરી ચૂક્યું હતું..છોકરીઓ તો ડરથી ધ્રુજવા લાગી હતી અને એમને મજબૂતાઈથી પોતપોતાનાં બોયફ્રેન્ડ નો હાથ પકડી લીધો.

એ લોકો એ ઉતાવળમાં આગળ વધવાનું શરૂ કર્યું..એ લોકો દોડવાનું ઈચ્છતાં હતાં પણ એમ કરતાં એ પશુઓ તત્કાળ હુમલો કરી બેસવાની પૂરેપૂરી શકયતા હતી.એ લોકો એ હવે સીધા ચાલવાના બદલે સહેજ ઉપરની તરફ ચાલવાનું શરૂ કર્યું..મોત નો ડર એમનાં થાક પર હાવી બનીને એમને આગળ વધવામાં સહાયતા કરી રહ્યો હતો બાકી ચાલતાં ચાલતાં એ લોકોનાં આંટા આવી રહ્યાં હતાં.

ઢોળાવ પર એ લોકો એવી જગ્યાએ આવી પહોંચ્યા જ્યાં મોટાં પ્રમાણમાં સૂકું ઘાસ હતું..એ લોકો સહેજ આગળ વધ્યા ત્યારે શુભમે પોતાનાં ખિસ્સામાં રહેલ લાઈટર કાઢી એને ઘાસ પર ફેંક્યું..જોત જોતામાં ઘાસમાં આગ લાગી ગઈ..આમ તો ઘાસ ગઈકાલ નાં વરસાદમાં ભીંજાયું હતું પણ આજના દિવસનો આકરો તાપ એ ઘાસ ને સૂકું બનાવી ગયો હતો.

આગ લાગવાના લીધે એમનો પીછો કરી રહેલાં જંગલી હિંસક પશુઓનો ચહેરો સાફ-સાફ દેખાવા લાગ્યો..એ ટોળું વરુઓનું હતું.પોતાનાં સાથીદાર ની મોત નો બદલો લેવા એ રોહન અને એનાં મિત્રો પર હુમલો કરવા આગળ વધી રહ્યાં હોય એવું બધાં ને લાગી રહ્યું હતું..આગ લાગવાના લીધે એ ટોળું ડરીને દસેક ડગલાં પાછું વળી ગયું..જેનાં લીધે ત્રણેય યુગલો અને વરુઓના ટોળાં વચ્ચે પચાસેક ફૂટ જેટલું અંતર સર્જાઈ ચૂક્યું હતું..ખડકો વાળો ઢોળાવ હોવાથી વરુઓનું એ ટોળું આગળ વધી શકવામાં અસમર્થ હતું.

ઘાસ ભડભડ સળગી રહ્યું હતું..અને એ વધુ લાંબો સમય સળગવાનું નથી એ વાત ની જાણ હોવાથી શુભમ બોલ્યો.

"ભાગો દોસ્તો..નહીંતો આ જનાવરો આપણને કાચા ને કાચા ખાઈ જશે.."

શુભમની વાત ની તાત્કાલિક અસર થઈ અને શુભમે રુહીનો,જેડીએ પૂજાનો અને રોહને મેઘાનો હાથ કસકસાવીને પકડી લીધો અને ત્રાંસી દિશામાં દોટ મૂકી..ત્રાંસી મતલબ હવેલી ની તરફ અને સાથે સાથે ઉપર ઢોળાવ તરફ..થોડું આગળ વધતાં જ રોહને પાછાં વળીને જોયું તો બધું ઘાસ સળગી ગયું હતું જેથી આગ હવે સાવ ઓલવાઈ ગઈ હતી.

આગ નાં શાંત થતાંની સાથે વરુઓનું એ ટોળું પુનઃ હરકતમાં આવ્યું અને પાછું એ લોકો તરફ દોડીને આગળ વધ્યું..ચમકતી ઢગલાબંધ આંખો એ ટોળાને પોતાની પાછળ આવવાનો અહેસાસ કરાવી રહ્યાં હતાં.

"એ પાછળ આવી રહ્યાં છે..જલ્દી ભાગો.."રોહન ઊંચા સાદે બોલ્યો.

રોહનનો અવાજ સાંભળી બધાં એ પાછું ફરીને જોયું તો એમને પણ મોત બની પાછળ આવી રહેલાં એ વરુઓનાં એ ટોળાનો ડર સતાવી રહ્યો હતો..હમણાં જ એમને આવી એ વરુ મારી નાંખશે એવું એમના ચિત્ર વિચિત્ર અવાજો પરથી લાગી રહ્યું હતું.

રહીસહી તાકાત લગાવીને એ લોકો હવે ભાગી રહ્યાં હતાં..એમનાં જીવ પર આવી ગઈ હતી એટલે હૃદયની બમણી ગતિ અને પગમાં થઈ રહેલા દુખાવા છતાં એ લોકો દમ લગાવીને ઉપરની તરફ ભાગી રહ્યાં હતાં..કેટલીય વખત પગમાં પથ્થર વાગતાં પણ એની થોડી ઘણી પરવાહ કરવાનો એમનાં જોડે સમય નહોતો કેમકે જો પોતે અટકી જશે તો એ કાળનાં છપ્પરમાં હોમાઈ જશે એની એમને ખબર હતી.

પોતાનાં હેંગઆઉટ નાં પ્લાનમાં એ લોકોએ ટ્રેકિંગ નું નક્કી કર્યું હતું પણ આ રીતે મોત થી ભાગતાં ભાગતાં ટ્રેકિંગ કરવું પડશે એવો એમને સ્વપ્નેય ખ્યાલ નહોતો.જંગલી પશુઓ જોવા મળશે એનો એમને આછો પાતળો અંદાજ હતો પણ આ રીતે જંગલી પશુઓ સાથે મુકાબલો થશે એની તો કલ્પના પણ કોઈએ કરી નહોતી.

વરુઓનું એ ટોળું એ લોકો કરતાં વધુ ઝડપે દોડી રહ્યું હતું કેમકે એ જનાવર આવી જગ્યાએ ચડવા માટે ટેવાયેલું હતું..પાંચેક મિનિટમાં એ લોકો વરુઓનો શિકાર થઈ જશે એ વાત નક્કી હતી.

"આ તરફ રસ્તો છે.."રાત્રીના અંધકારમાં ચંદ્ર નાં આછા પ્રકાશમાં ઢોળાવ પર આવેલ એક ગુફામાંથી આવતો આછેરો પ્રકાશ જોઈ શુભમ જોરથી બોલ્યો.

શુભમનાં બોલતાંની સાથે બધાંએ એ તરફ જોયું તો ત્યાં એક વિશાળ ખડક પાછળથી આવેલો પ્રકાશ જોઈ એ લોકો બચેલી ઉર્જા એકઠી કરી એ તરફ ભાગ્યાં.વરુઓ હજુપણ એમની પાછળ જ હતાં.

એ લોકો દોડીને છેક એ ખડકની પાછળ આવેલી ગુફાનાં મુખ જોડે આવી પહોંચ્યા..આ ગુફાની અંદરથી પ્રકાશ આવી રહ્યો હતો..એકપછી એક બધાં યુગલ એ ગુફાનાં મુખ સુધી આવી પહોંચ્યા અને અંદર પ્રવેશ કરવા જતાં હતાં ત્યાં રોહને જોયું તો એ વરુઓ એમની બિલકુલ પાછળ હતાં.

"ભાગતાં રહો.."રોહને આટલું કહી પોતાનાં પેન્ટમાં ખોસેલી ગન બહાર કાઢી પાછાં ફરી ગનનું ટ્રિગર એ વરુઓ તરફ ગનનું નાળચુ રાખીને દબાવ્યું..ગનમાંથી નીકળેલી એક ગોળી સીધી એક વરુને વાગી અને એક અંતિમ ચીસ સાથે એ હંમેશા માટે શાંત થઈ ગયું.

પોતાનાં સથીની મોતથી ડરીને વરુઓનું એ ટોળું થોડો સમય માટે તો શાંત થઈ ગયું પણ બીજી જ ક્ષણે આવેશ સાથે રોહન તરફ આગળ વધ્યું..ડરનાં લીધે રોહને ફરીવાર ટ્રિગર દબાવવાની કોશિશ કરી પણ ગનનું ટ્રિગર લોક થઈ જતાં ગોળી ફાયર ના થઈ.. બે ત્રણ કોશિશો બાદ પણ ગોળી ફાયર ના થતાં રોહનને પોતાની મોત સામે દેખાવા લાગી.

રોહન હજુ ગુફાનાં મુખ જોડે પડ્યો હતો જ્યારે બાકીનાં પાંચ મિત્રો થોડાં અંદર આવી ચૂક્યાં હતાં.. એમની નજર અત્યારે રોહન તરફ મંડાયેલી હતી..રોહન ચંદ સેકંડોનો મહેમાન હતો એવું એમને લાગી રહ્યું હતું..મેઘા તો જોરજોરથી રોહન..રોહન એવું ચિલ્લાઈ રહી હતી.

યમદૂત બનીને આવેલ વરુઓને ગળે લગાવવા રોહન તૈયાર હતો અને એને પોતાની આંખો બંધ કરી લીધી..બે-ત્રણ મિનિટ વીતી ગઈ પણ વરુઓએ હુમલો ના કર્યો.વરુઓનો ઘુરકવાનો અવાજ ચાલુ હતો પણ એ હુમલો કેમ નહોતો કરી રહ્યાં એ જોવાં રોહને પુનઃ પોતાની આંખો ખોલી.હજુપણ એ વરુઓ એનાંથી ત્રણ ડગલાં જ દૂર હતાં પણ એ આગળ નહોતાં વધી રહ્યાં.. આવું કેમ થઈ રહ્યું હતું એ વાતથી બેખબર રોહન ધીરે ધીરે ઘસડતો ઘસડતો પાછળ પડ્યો.

વરુઓ એની તરફ ગુસ્સાથી જોઈ રહ્યાં હતાં પણ આગળ નહોતાં વધી રહ્યાં.. કોઈ અદ્રશ્ય શક્તિ એમને આગળ વધતાં રોકી રહી હતી..એ જે કંઈપણ હતું એને આજે રોહનની જીંદગી બચાવી લીધી હતી એ વાત નક્કી હતી..અહીં આ મોત નાં ટાપુ પર આવ્યાં બાદ પ્રથમ વખત કોઈ સારી વસ્તુ બની હતી જેથી દરેક મિત્રોનાં ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી.

રોહન પોતાનાં બાકીનાં મિત્રો જોડે આવીને ઉભો રહ્યો..મેઘા તો ખુશીનાં આંસુ સારતાં સારતાં રોહનને વળગી પડી.

અડધો કલાક સુધી એ લોકો ત્યાં ઉભાં રહી વરુઓનાં પાછાં જવાની રાહ જોતાં રહ્યાં પણ એ રાની પશુઓનું ટોળું ત્યાંજ બેસી ગયું.

"મને નથી લાગતું આ જનાવર પાછાં જાય.."જેડી બોલ્યો.

"હા આપણાં બહાર નીકળવાની રાહ જોઈ આ ટોળું અહીં જ બેસી રહેશે એવું લાગી રહ્યું છે..અત્યારે તો કોઈ કારણસર અંદર નથી આવી રહ્યાં પણ ખબર નહીં કાલે સવારે એ ટોળું અંદર ઘુસી આવે.."શુભમ ચિંતિત વદને બોલ્યો.

"તો હવે શું કરીશું..?"હતાશ અને નંખાયેલાં અવાજે પૂજા એ પૂછ્યું.

"અહીંથી બહાર નીકળવું અત્યાર પૂરતું તો શક્ય નથી..અને અહીં રોકાવું પણ મૂર્ખામીભર્યું છે..એનો મતલબ કે આપણે ગુફામાં આગળ વધવું જોઈએ.."રુહી બોલી.

"રુહી સાચું કહી રહી છે..રખેને આગળ ક્યાંક બહાર નીકળવાનો બીજો રસ્તો મળી જાય અને સૌથી મહત્વની વાત કે થોડું પાણી તથા આરામ કરી શકાય એવી જગ્યા પણ મળી જાય.."થોડું વિચારીને રોહન બોલ્યો.

પાણી નું નામ સાંભળી બધાં ને વધુ તરસ લાગી ગઈ..સતત દોડવાનાં લીધે દરેકનાં ગળા સુકાઈ ગયાં હતાં..એટલે બહાર નીકળવા કરતાં પણ પાણી મળી જાય એ એમનાં માટે મોટી વાત હતી..ગુફા ની અંદરથી આવતો પ્રકાશ પણ શેનાં લીધે આવી રહ્યો હતો એ જાણવાની પણ એ લોકોને બેતાબી હતી એટલે એમને ગુફામાં આગળ વધવાનું નક્કી કર્યું.

આગળ રોહન અને પછી ત્રણેય છોકરીઓ અને એમની પાછળ જેડી અને શુભમ ધીરે ધીરે ડગ માંડતા ગુફાની અંદર પ્રવેશી રહ્યાં હતાં..આગળ વધતાં એ દરેકની નજર ખુબજ સાવધ હતી..કોઈ પણ ચૂક સીધી મોત નાં દ્વાર સુધી પહોંચાડી શકવા સમર્થ હોવાની વાત એ છ મિત્રો જાણતાં હતાં.આમ તો આ ગુફા કુદરત નિર્મિત જ હતી પણ ગુફાની અંદરની બનાવટ એની સાથે માનવ ઈતિહાસ જોડાયેલ હોવાની સાક્ષી પુરતાં હતાં.

અંદરથી આવી રહેલ પ્રકાશમાં ગુફાની દીવાલો પર બનેલાં ચિત્રો સાફ નજરે ચડતાં હતાં.. એ ચિત્રોમાં પશુ,પક્ષી,માનવ સમૂહ,હથિયારો અને કોઈ વિધિ નાં ચિત્રો હતાં.આ વિધિ કોઈ દેવતાં ને ખુશ કરવાની હોય એવું નજરે પડતું હતું.ચાલતાં ચાલતાં એ લોકો ગુફાનો સાંકડો રસ્તો પાર કરી એક વિશાળ મેદાન જેવી જગ્યાએ આવી પહોંચ્યા.ત્યાનું નયનરમ્ય દ્રશ્ય જોઈને બધાં ની આંખો યંત્રવત પહોળી થઈ ગઈ..અને શુભમ નાં મોંઢે અનાયાસે જ નીકળી ગયું.

"બંદર ગુફા"

★★★★■■■★★★★

વધુ આવતાં ભાગમાં..

આ બંદરગુફા નું રહસ્ય શું હતું??શું એ લોકો ત્યાંથી નીકળી હવેલી પહોંચી શકશે..??કોમલની હત્યા રોબિને કરી હતી..??હવેલીમાં જોવા મળતો એ રહસ્યમયી વ્યક્તિ આખરે કોણ હતો???રોબિન જીવિત હતો કે મૃત??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ