અમે બેંકવાળા -2 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમે બેંકવાળા -2

2. અને પડદો પડયો ..

શાળામાં પણ મારો અમુક જગ્યાએ પહેલો દિવસ એવો નિબંધ આવતો. અમારા 14 સપ્ટેમ્બરના હિન્દી દિવસ માટે તો વહાલો વિષય. મારો પહેલો દિવસ ક્લાર્ક તરીકે ઇમરજન્સી ઉઠ્યાના તુરતના દિવસોમાં અને ઓફિસર તરીકે રોજના બે કલાકની સ્ટ્રાઈક પુરી થઈ બધું મેસ કરવામાં આવ્યું હોય કે તુરત શરૂઆત. પણ હું અથ ને બદલે ઇતિ થી શરૂ કરીશ. આ થોડું આત્મકથા જેવું લાગશે. તે પછી સામાન્ય વાતો.

અંતિમ દિવસ. મારૂં રિટાયરમેન્ટ કાર્ડ આવી ગયેલું. કશું આપવા લેવાનું બાકી રહેતું ન હતું. સવારની ફરજીયાત ગાવાની પ્રાર્થના 'ઇતની શક્તિ હમેં દેના દાતા..' ચાલુ. સામે ઉભેલ સ્ટાફ સામે દ્રષ્ટિ. પ્રાર્થના પુરી થાતાં બધા સ્ટાફને શેક હેન્ડ કર્યા, પહેલાં કેલેન્ડર સામે પછી ઘડિયાળ સામે જોયું. થોડા વખતથી હું મહિના દિવસો ગણતો હતો તેના કલાકો. દિવસ પૂરો થતા જ મારી એક સફળ બેંકર તરીકેની કારકિર્દી પર પડદો પડી જશે! મારો શ્વાસ થોડો ઝડપી બન્યો.


‘સાહેબ,આજ તમે કોઈ કામ ન કરો ‘ પ્રેમથી સૂચન. આમેય કોઈ લેવલે કામ કરતાં ધ્યાન રાખવાનું વધુ હોય છે. ડ્રાઈવર ઢોળાવો, વળાંકો, ટ્રાફિકમાં ચલાવતો હોય તો અરીસામાં આગળ પાછળ જોતાં બ્રેક ક્લચ સ્ટિયરિંગ પર પૂરો અંકુશ રાખે છે નહીતો અકસ્માત થાય. એમ જ અહીં મારે પૂર્ણ ધ્યાન રાખવું જ પડે. દાઝવા પર હાથ ખેંચી લઈએ એને પ્રતિક્ષિપ્ત ક્રિયા કહે છે એમ અમને અમુક સંજોગો દુરથી દેખાતાં પ્રતિક્ષિપ્ત ક્રિયા થાય. એનાથી ઓફિસ કે સંસ્થા બચાવવી એ જ અમારું મુખ્ય કામ.પણ હું બધાં જ કામ કરતો. સંસ્થા માટે કરેલ કોઈ કામ નાનું નથી.

લોકો સાથે આજે નિરાંતે ચા પીધી. રોજ તો ક્યારેક ઠરી જાય,ક્યારેક કોગળાની જેમ ઉતારી જઈએ.

ફેરવેલ શરૂ. શાલ ઓઢાડી, સુંદર લાફિંગ બુદ્ધની ગિફ્ટ, એ પહેલાં રિજીઓનલ ઓફિસ એટલેકે શાખાઓની હેડ હોય એણે આપેલ ચોપડી, નારિયેળ, ચાંદીની ગિફ્ટ તો હતાં જ.

મારા પુત્રે કહ્યું કે અમે બેંકને અન્નદાતા કહીએ છીએ, અમારો ઉછેર બેંકને આભારી છે. શ્રીમતીએ કહ્યું કે ઘરની બહાર સાઇકલ કે સ્કૂટર કે કાર હું પાર્ક કરું એટલે મારું મો જોઈ દિવસ કેવો ગયો અને ઘરમાં બાકીનાનો કેવો જશે એ તેણી આગાહી કરતી. તો મારી મુસાફરી સાઇકલ થી કાર સુધી,એક બેચલર રૂમ થી સારા એવા ઘર સુધી બેંકનાં લેમીનેટેડ કાઉન્ટરો , તૂટલા ગોદરેજના ટેબલોથી પહોળા, કાચથી મઢેલા ટેબલ ને ક્યાંક તૂટેલી પ્લાસ્ટિકની જાળી વાળી ખુરશીથી મોંઘી રિવોલવિંગ ચેર સુધી. બેંક સાથે, બેંકે કરાવેલી સફર. અલગ અલગ જગ્યાના અવનવા સ્વભાવના સ્ટાફ સાથે . મગજમાં વિચારોનું તુમુલ ઘમસાણ. પણ લોકો કહે છે કે કેટલાક ભાવુક, રડું રડું થાય છે એવું કશું મને નહોતું થયું. સ્ટાફએ મને એક સારો લીડર કહ્યો, લીડર ગો ને બદલે લેટ અસ ગો કહે, ગોળી પોતે ખાય પણ ચંદ્રક ટીમને આપે એવો હું હતો. એમની સ્પીચ મુજબ. મારૂં પ્રવચન તાળીઓથી વધાવ્યું. અમે ઘણી કામ ની મુશ્કેલ સ્થિતિઓની, કાળી રાત્રીઓમાંથી પસાર થયે રાખતા. કોઠે પડી ગયેલું. તાળીઓ. આખરે નાસ્તો અને સ્ટાફ સાથે અંતિમ ફોટો.


ગેઇટમાંથી છેક કાર પાર્કિંગ સુધી સ્ટાફ મુકવા આવ્યો. મારો જીવન મંત્ર, સ્ટેજ પર એન્ટ્રી ધ્યાન ખેંચતી કરવી અને સ્ટેજ પરથી તો તાળીઓ લઈને જ ઉતરવું. આ લાંબા અનેક અંકી નાટકનો પડદો પડયો . તાળીઓના ગડગડાટ સાથે જ. એ ગડગડાટ મારા ઝડપી ધબકારાઓમાં હું પ્રતિબિંબિત થતા જોતો હતો.


કારમાં બેસી ઇગનીશનમાં કી નાખતા જ વળી હું ઉતર્યો. કઈંક ભુલ્યો? ફેમિલી એ પૂછ્યું. હું ફરી અંદર ગયો. બેંકના વિશાળ સિમ્બોલને મેં સલામ કરી.એ વખતે હું અંદરથી ભાવુક થઈ ગયો.

ઘેર જઈ ક્યાંય સુધી મેં શાલ પંપાળ્યા કરી અને ગિફ્ટ પર હાથ ફેરવ્યા કર્યો.

યે જિંદગી ઉસીંકી હે જો કિસીકા હો ગયા પ્યાર હી મેં ખો ગયા.

ગૃહસ્થાશ્રમને લોકો ગધા પચીસી કહે છે. હું એને ઘોડા ચાલીસી કહું? કેમ કે ક્લાર્ક અને ડાયરેક્ટ ઓફિસર મળી ૩૯ વર્ષની સફર કરેલી!