કારગિલ ! નામ તો સુના હી હોગા. હા, ૧૯૯૯માં ભરતોય સેનાએ ખૂંખાર યુદ્ધ ખેલી, બહાદુરીની મિસાલ કાયમ કરી એ કારગિલ, અનેક નરબંકા અફસરો-જવાનો માતૃભૂમિ ખાતર જ્યાં ખપી ગયાં એ કારગિલ ! ‘ખજાનો’ના લેખિકાએ વેકેશન દરમિયાન ત્યાંની રૂબરૂ મુલાકાત લીધી હતી, ત્યારે તેમને થયેલાં અનુભવોને તેમણે અહીં લેખમાં તાદ્દશ કરવાનો પ્રયત્ન કર્યો છે.
***
કારગિલની લડાઈ ! આપણાં સૌ માટે ગર્વની લડાઈ ! કઈ રીતે આપણાં નરબંકાઓએ દુશ્મનોના દાંત ખાટાં કરેલાં, એ યાદ કરવાનું યુદ્ધ ! આ યુદ્ધભૂમિની સાક્ષી બનવા હું પહોંચી, કારગિલ વોર મેમોરિયલ.
એ જગ્યાને આપણે કારગિલ સમજીએ છીએ, પણ ખરેખર તો એ કારગિલથી પહેલા આવેલા દ્રાસમાં બનેલો છે. દ્રાસ વિશ્વનો બીજા ક્રમે આવતો સૌથી ઠંડો રહેણાંક વિસ્તાર છે. અમે સાંજના લગભગ ૪:૦૦ના સુમારે દ્રાસ પહોંચ્યા. સામે જ 'કારગિલ શહીદ સ્મારક' દેખાયું અને અમે પોતે સિપાહી હોઈએ એવા ઉત્સાહમાં આવી ગયાં ! પરંતુ જીપમાંથી ઉતરતાં લાગ્યું કે, 'બાપ રે ! આ ઠંડીમાં કેવી રીતે બધું જોવાશે ?'
એકવાર તો જીપમાં બેસી દરવાજો બંધ કરી દેવાનું મન થઇ આવ્યું, તુરંત જ મનને ટપાર્યું, 'રે મન ! તારાથી ખાલી અમુક કલાકો નથી ગાળી શકાતાં, જયારે આ જવાનો દિવસ-રાત તારી સુરક્ષા માટે અહીં પહેરા આપે છે.'
પાછો જુસ્સો આવી ગયો અને અંદર ડગ ભર્યા. બંને તરફ લહેરાતાં તિરંગાઓ, આગળ જતાં એક ફાઇટર પ્લેન, બધે જ સેલ્યુટ મારી. વાહ આર્મી વાહ ! આગળ જતાં એકબાજુ 'વીરભૂમિ'ની દિશા બતાવતું બોર્ડ હતું, પણ અમને કહેવામાં આવ્યું, પહેલાં 'શહીદ સ્મારક' ચાલો, એટલે અમે ત્યાં આગળ પહોંચ્યા. આ આખા રસ્તાને 'વિજયપથ' તરીકે ઓળખવામાં આવે છે.
'ઓપરેશન વિજય' લખેલો સ્તંભ અને તેની આજુબાજુ ચાર નાના સ્તંભો, તેની પાસે ચડાવેલી ફૂલોની રીંગો, બધું મનમાં એક અલગ જ જોશ પેદા કરતું હતું. એક જવાં આવનાર મુલાકાતીઓ માટે ફૂલ લઈને ઉભો હતો. આપણે ત્યાંથી ફૂલ લઈને ચડાવીએ એટલે એ આપણને સેલ્યુટ કરે !
'તમે શહીદોને સમ્માન આપ્યું, એટલે અમે તમને આપીએ !'
મને તો એવું લાગ્યું કે, મારી કોઈ લાયકાત વગર કોઈ મને કેમ આમ સલામ ભરી શકે !?
અમે આસપાસ બધું નિહાળી રહ્યા હતાં કે બધા મુલાકાતીઓને ભેગા કરીને ઓફિસરે બુલંદ અવાજે અમને સમજાવવાનું શરુ કર્યું,
'દોસ્તો, આપણી ઠીક પાછળ તોલોલિંગ પહાડી છે, જેની ઉપર ઘૂસણખોરો આવી ગયા હતાં અને અહીંથી બોમ્બાર્ડીંગ કરતાં હતાં. ત્યાં ડાબી તરફ પાછળ ટાઇગર હિલ..!'
એ બધું કહેતા જતા હતાં અને આંખ સામે વીરોની બહાદુરીના દ્રશ્યો તાદ્દશ થતા જતા હતાં. તેઓએ અમને પાકિસ્તાની ઘુસાણખોરોના ટેન્ટ, કબ્જે કરેલા સાધનો વગેરે બતાવ્યું. 'શહીદ સ્મારક' પર સુર્વણાક્ષરે કોતરાયેલા નામો બતાવ્યાં. આ બધું જોઈને સીનામાં દેશભક્તિના પૂર ઉમટવા માંડ્યા. ત્યાર બાદ મ્યુઝિયમ જોયું, જેમાં બધા વીરોના 'અસ્થિ કળશ' હતાં. બધી ટુકડીઓના ફોટા, મીડિયાએ કરેલી મદદના પુરાવા, એરફોર્સે આપેલા સાથની વાતો, જવાનોનાં કપડાં, બરામદ થયેલો દારૂગોળો, ગન્સ વગેરે હતું. એ આતંકીઓ ક્યાંના હતાં, તેમાંના અમુક પાકિસ્તાની ફૌજના સિપાહીઓ હતાં એના પુરાવાઓ પણ હતાં. બહુ દુઃખ થયું કે, આટલા બધાં સબૂતો હોવા છતાં શાંતિ કરારના ઓઠા હેઠળ આપણે પોતાના દેશને બચાવી નથી શકતાં.
હવે સમય હતો 'વીરભૂમિ' પર જવાનો. જોવા ગઈ તો ત્યાં એક મિનિટ માટે બેસી પડી ! મગજ સૂન્ન થઇ ગયું. હૃદય ધબકારા ચૂકી ગયું ! વીરભૂમિ એ ૧૯૪૭થી લઈને અત્યાર સુધી કાશ્મીર સીમા પર આપણા શહીદ થયેલાં જવાનોની અગણિત ખંભીઓ હતી. અરેરાટી છૂટી ગઈ. બધી દેશદાઝ ફક્ત આ લોકોએ જ દેખાડવાની ? તેમના પરિવારો વિશે વિચારો આવી ગયાં. આપણે તો તેમના વિશે ૧% જેટલું પણ નથી જાણતાં !!
ત્યાંથી બહાર નીકળી કારગિલ ગામ તરફ જવા રવાના થયાં. ત્યાં રસ્તામાં પણ અનેક વિનાશની અનેક નિશાનીઓ, બોમ્બની ઝીંક ઝીલેલી દીવાલો, અને દિવસ-રાત તકલીફમાં રહેતાં માણસો અને તેમનાં ઘરો !!
દ્રાસ છોડતાં મનને એક અજંપો ઘેરી વળ્યો અને અશ્રુસુમન ચડાવતાં મન બોલી ઉઠ્યું,
'અયે મેરે વતન કે લોગોં, ઝરા આંખ મેં ભર લો પાની;
જો શહીદ હુએ હૈ ઉનકી, ઝરા યાદ કરો કુરબાની !'
દ્રાસ જવાનો ઉત્તમ સમય: જૂન થી સપ્ટેમ્બર.
હવામાન: સતત બદલાય, પૂરતાં ગરમ કપડાં, વરસાદથી બચવા કોટ કે છત્રી રાખવા.
પહોંચવાનો રસ્તો: શ્રીનગર-લેહ હાઈ-વે.
સમય: ૧.૫ થી ૨ કલાકમાં શાંતિથી જોઈ શકાય.
● એકતા દોશી
(નોંધ: આ લેખને કલરફૂલ ગ્રાફિક્સ તથા ફોટોઝ સાથે માણવા લોગ ઓન કરો: www.khajanogujratimagazine.wordpress.કોમ)