9: 15 AM !!! Bharat Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

9: 15 AM !!!

                        9:15 AM. !!!!!!

સુમધુર સવારના સોનેરી કિરણો મુંબઈ ના વરલી વિસ્તાર ના દરિયા કિનારા પર સમુદ્ર ના તરંગો ને ભીજવી રહ્યા છે. વહેલી સવાર ના ઝાપટા પછી, ઘટાટોપ કાળા વાદળો ની વચ્ચે થી આવતાસૂર્ય ના કિરણો અને દરિયા પરથી આવતી આલ્હાદક ઠંડી ઠંડી મસ્ત હવાની લહેરો વચ્ચે મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય.અને ગુલાબી વાતાવરણ ને માણવા માં હું વિચારે ચડી ગયો. સવાર ના ઓફિસ જવા ફ્લેટ ની નીચે ઉતરી પાર્કિગમાં જઈ મોટરબાઇક ને સ્ટેન્ડ પર થી ઉતાર્યું  કાંડા પર ની ' રાડો '  પર નજર પડતા જ આંખો ચમકી; અરે ! 9 :10 AM! હવે ફકત પાંચ જ મિનિટ બાકી છે અને વિચાર ની ગતિ સમય કરતા વધુ ઝડપે આગળ નીકળી ગઈ. આ સમય ને શું  થંભાવી ના શકાય? એવા બાલિશ સવાલ ને મગજ માં થી ખંખેરી ને બાઈક ને કિક મારી સ્ટાર્ટ કર્યું. હવે થોડી ક્ષણો માં એ સુખદ પળ ને મળવા મળશે!!  એવા પ્રફુલ્લિત વિચારો અંકુરિત થઇ ગયા મારા મન માં, પણ ખેર ! આજે થોડી મોડું થઇ ગયું છે, કદાચ ' એ ' નહિ મળે તો !!! ......
એ બીકે બાઈક ની સ્પીડ ને  વધારી ને વરલી ના દરિયા ને ચકરાવો લેતા એ રસ્તા પર બાઈક ભગાવી મહાલક્ષ્મી મંદિર ના રસ્તા તરફ. રસ્તા માં ટ્રાફિક સામાન્ય હતો, અરે ! આજે પણ રોજ ની માફક ઉતાવળ માં રસ્તા માં આવતો બંપ ના દેખાયો. બાઈક નું આગળ નું વ્હીલ અથડાતા જ વિચાર ની હારમાળા તૂટી ને બાઈક ને બ્રેક મારી. રોજ ' એ ' ને મળવાની ઉતાવળ માં આ સ્પીડ બ્રેકર મને વિલન સમાન લાગે છે. મારું ચાલે તો આખા શહેર માં સ્પીડ બ્રેકર દૂર કરી નાખું. ઘણો અણગમો પણ નીરૂપાય ! સામે ફૂટપાથ પર સવાર માં સુસ્તી ઉડાડતો બેઠેલ ભિખારી મારા મોં પર નો અણગમો કળી ગયો, પણ ખેર! મને ક્યાં આવી પરવા હતી! 

મારી નજર ફરી "રાડો" પર પડી, અરે હવે ફકત 2 મિનિટ જ બાકી છે. ' એ ' ના નીકળવાના ટાઈમ માં ક્યારેય મીનમેખ નથી થતું, અને મારે હજુ મહાલક્ષ્મી સર્કલ પહોંચવાનું બાકી છે. વધુ સ્પીડ થી બાઈક ભગાવવું પડશે, સારું છે આજે ઠંડી મૌસમ ને કારણે સવારના ટ્રાફિક ઓછો છે. આમ પણ આ પોશ એરિયામાં વસતા હાઇ સોસાયટી ના માણસો વહેલા ઉઠીને દોડાદોડ કરવામાં માનતા નથી.એમને કદાચ એવી જરૂર પણ નથી! હવે મહાલક્ષ્મી સર્કલ નજીક આવી પહોંચેલ છું, ત્યાંથી બાઈક  લઈને તારદેવ તરફ જવાનું છે. મારી નજર રાડો પર સ્થિર થઇ, હાશ!! બરોબર 9: 15 AM!! એકદમ સમયસર પહોંચી ગયો. સમયસર થતાં કામ થી કેટલો આનંદ થાય છે, તે હું ગર્વ થી અનુભવી રહ્યો! 
મારા હ્રદય ના ધડકારા વધી ગયા, હમણાં જ ' એ ' ના તાજા ફૂલ સમાન ચહેરાની ઝલક નજરે પડશે. એમ તલપાપડ થતાં હું બાઈક ની સ્પીડ ઘટાડીને, પેડર રોડ પર નજર સ્થિર કરી ' એ ' ની હોન્ડા સીટી આવવાની રાહ જોઈ રહ્યો.
અને અચાનક જ ગાઢ અંધકાર ભરેલ આકાશમાં પ્રથમ સોનેરી કિરણ ફૂટી નીકળે અને આખું આકાશ તેની લાલિમા થી ભરાય જાય એવી આલ્હાદક ઝલક ' એ ' ની દેખાય !!!!
સામે થી પેડર રોડ પરથી ' મહાલક્ષ્મી  રોડ તરફ આવતી મરૂન હોન્ડા સિટી માં ' એ ' ની આછેરી ઝલક દેખાય ! ઝલક માત્ર થી હ્રદય થડકાર ચૂકી ગયું. 
ક્ષણ ભર નજર મંડાઈ ના મંડાઈ ત્યાં તો - ઓહ ! નો, અત્યારે જ આ કાળમુખી સીટી બસ નું વચ્ચે આગમન થયું! આમ પણ સારા કામ માં સો વિઘ્ન હોય જ છે. અહી પણ મારી અને ' એ ' ની વચ્ચે  વિઘ્નરૂપી  સીટી બસ પસાર થઇ અને તેમાં ' એ ' ની ઝલક જેમ વાદળો વચ્ચે ચાંદ છુપાઈ જાય તેમ ઓજલ થઇ ગઇ. અને રહી ગયો ફકત સીટી બસ નો કાળો ધુમાડો!  તે ધ્રુમ્રસેર બની ફરીથી હવામાં ઓગળી ગઈ અને હું આજે પણ થોડા નિરાશ વદને તારદેવ ના રસ્તે વળ્યો. ખેર ! આજ આટલી જ મુલાકાત હશે નસીબ માં, થોડા માં વિશેષ! એ સિદ્ધાંત સ્વીકારી આગળ નીકળી ગયો. 
મારી ઓફિસ ના એર કન્ડીશન ઠંડા વાતાવરણ માં આખો દિવસ ફાઈલો ની વચ્ચે મને તેની ઝલક દેખાતી રહી. અને એમ જ દિવસ પૂરો થયો, હવે શની રવિ એમ 2 દિવસ ની રજા છે તેથી ' એ ' ને મળવાનું ઠેઠ બે દિવસ બાદ સોમવારે થશે એવા નિરાશ ભાવે હું ઓફિસ થી નીકળી ઘરે પહોંચ્યો.
રજા ના દિવસો એમ પણ ઘણા લાંબા લાગતા હતા, સમય ને આગળ કે પાછળ કરવા ની તાકાત કોઈના માં નથી તેથી લાચારી થી સમય ના ચક્ર ને ફરતા જોવા સિવાય કોઈ ઉપાય જ ન હતો.

શનિવારે રાત્રે ઘરના સાથે ટેબલ પર જમતા જમતા પિતાજી એ ફરી પાછો મારે માટે કન્યા જોવાનો કાર્યક્રમ રવિવારે  રાખ્યો હતો તેમ જણાવ્યું.  હું સાંભળી રહ્યો હતો અને મન ફરી વિચારે ચડ્યું કે આ રવિવારે પણ કોઈ કન્યા ની મુલાકાત! ફરી પાછા જૂના અગાઉ પૂછાયેલા પ્રશ્નો યાદ આવી ગયા. દેખાવ,અભ્યાસ, કુટુંબ, વગેરે વગેરે... પણ ઠીક છે જઈ આવીશું. ઘર ના વડીલો ની મરજી ને માન આપવા શિવાય કોઈ રસ્તો નહતો.
રવિવારે સાંજે કન્યાપક્ષ ના ઘરે જવા અમારા કુટુંબ નો રસાલો ઉપડ્યો. ખિન્ન મને હું પણ તેમાં જોડાયો.મારી ભાભીઓ એ મારી મીઠી મઝાક કરી પણ મારું મન ક્યાય ચોંટતું ન હતું. અમો પહોંચ્યા બાદ તેમના ઘરે સારી આગતા સ્વાગતા થઈ. નાસ્તા પાણી વચ્ચે મારા અભ્યાસ, ધંધા બાબતે વિચારો ની આપલે વડીલો વચ્ચે થઇ. પણ હજુ મુખ્ય મુલાકાતી દેખાયા ન હતા.  ભાભીએ કહ્યું કે કન્યા તૈયાર થાય છે.  થોડી ધીરજ ધરો. થોડી વાર પછી કન્યા ના માતુશ્રી એ જણાવ્યું, " કુમાર તમો અંદર ના રૂમ માં આવી ને  બંને વાતચીત કરી લો". હું ચૂપચાપ કહ્યાગરો બની ઉભો થઇ ને અંદર ના રૂમ તરફ ચાલ્યો. ભાભીઓ એ ઈશારા થી મને બેસ્ટ લક કહ્યું. હું વિચારો ના વમળ સાથે અંદર ની રૂમ તરફ ગયો એવું વિચારતા કે એ કેવી હશે? દેખાવ, અભ્યાસ કેવો હશે? શું પૂછીશ? વગેરે. આવી બાબતો થી સજ્જ થઇ હળવે થી રૂમ નો દરવાજો ખોલ્યો અને દાખલ થયો, પણ આ શું? મારી આંખો ચમકી ઊઠી! મગજ ચકરાવે ચઢી ગયું અને હ્રદય ના ધડકારા તેજ થઇ ગયા. ન માની શકાય તેવું દ્રશ્ય જોઈ ને હું સ્તબ્ધ બની ગયો, હું મૂર્છિત થતાં રહી ગયો. અરે! આ તો ' એ ' જ, 9: 15 AM !!!!!! 

ભરત મહેતા " પરિમલ "
9428352535