Space Suit - life saver to Astranauts books and stories free download online pdf in Gujarati

“સ્પેશ સુટ “ – અવકાશ યાત્રી નો જીવન રક્ષક

“સ્પેશ સુટ “ – અવકાશ યાત્રી નો જીવન રક્ષક

“space is final frontier", અવકાશ, બ્રમ્હાંડ અનંત છે અને કાળા માથાના માનવીને બ્રહ્માંડ ના રહસ્યો નો તાગ મેળવવાની અનોખી ખેલછા છે.હજારો વર્ષોથી માનવી અવકાશને આંબવાના અભરખા રાખે છે અને તેના માટે અથાગ પ્રયત્નો કરી રહેલ છે. આપણા પુરાણકથાઓ માં પણ પૃથ્વી, સ્વર્ગ, નર્ક વગેરે નો ઉલ્લેખ છે અને તપસ્વીઓ, મુનીઓ પાસે બ્રહ્માંડમાં વિચરણ કરવાની શક્તિની પણ વિગતો ગ્રંથો માં જોવા મળે છે.

માનવી એક અજબ પ્રાણી છે જે પોતાના મનમાં જાગેલ ઉત્કંઠા ને સંતોષવા કઈ પણ કરવા પાછી પાની કરતો નથી. છેલ્લા ઘણા દાયકાઓથી માનવીએ પોતાની આવડત, હોશિયારીથી અવકાશને આંબવાની તૈયારી કરી લીધેલ છે. અને તેના માટેના નતનવા પ્રયોગો અને પ્રયત્નો અવિરત ચાલુ છે. કાળા માથાના માનવીએ ચંદ્ર ને સર કરી લીધેલ છે અને આપણા સુર્યમંડળ ના બીજા ગ્રહો જેવા કે મંગળ, શનિ વગેરે સુધી પણ પહોચી ગયો છે.

અવકાશ જેટલું પૃથ્વી પરથી સુંદર અને રમણીય દેખાય છે તેવું અને તેટલું સુંદર કે સરળ નથી, પણ તે ઘણું કઠીન અને કષ્ટદાયક છે. કુદરતની આપણા પર એટલી બધી મહેરબાની છે કે તેણે પૃથ્વી પર માનવ જીવન ને માટે એટલી બધી સુખ, સગવડતા કરી આપેલ છે જેનો અંદાજ જયારે આપણે પૃથ્વીની બહાર જઈને અવકાશનો અનુભવ કરીએ ત્યારે જ જાણી શકાય છે. થોડા સમય અગાઉ આવેલ અવકાશને લગતી ઈંગ્લીશ ફિલ્મ હતી " Gravity" જેમાં અવકાશની ભયંકર સ્થિતિ નો ખ્યાલ આવે છે. તેમાં સપડાયેલ ફિલ્મ ની નાયિકા કહે છે, " I hate Space", ( હું અવકાશ ને ધિક્કારું છું). પણ માનવી જેનું નામ, એ ગમે તેવી કપરી, કષ્ટદાયક કે જીવ સટોસટ પરિસ્થિતિ ને પણ ઘોળી ને પી જાય તેવી મંછા રાખે છે. અને અવકાશના રહસ્યો નો તાગ મેળવવા માર્ગ માં આવતા આવા અનેક અંતરાયને પાર કરવાની ક્ષમતા રાખે છે. અવકાશ સંશોધન એ તૈયાર ભાણે જમવા જેટલું આસન નથી, પણ ઘણું જ ખર્ચાળ, કષ્ટદાયક, અનિશ્ચિતા થી ભરેલ, ખુબ સંયમ અને સંશોધનની ક્ષમતા માગી લે છે. અવકાશમા ચઢાઈ ની તૈયારી કરવા, અવકાશનો બારીકાઇ થી અભ્યાસ કરવો પડે, તેના અનેક પાસાને ઊંડાણ થી સમજવું પડે. દુનિયાના અનેક વિકાસશીલ દેશો જેવાકે અમેરિકા, રશિયા, જાપાન, યુરોપ અને ભારત આવા સંશોધન દ્વારા દાયકાઓથી અથાગ પ્રયત્નો કરે છે. તેના માટે અબજો રૂપિયા ના ખર્ચે અદ્યતન પ્રયોગશાળાઓ, સંધોધન કરતા વૈજ્ઞાનિક ની ફોજ ઉભી કરેલ છે. અવકાશમાં પહોચવા માટેના નતનવી ક્ષમતા વાળા રોકેટ, ઉપગ્રહો વગેરે નો આવિષ્કાર કરીને તેની સહાયથી બ્રમ્હાંડમાં ચઢાઈ કરી રહેલ છે.

અવકાશની પૂરી જાણકારી અને તેના અનેક પ્રયોગો એવા છે જે પૃથ્વી પર શક્ય નથી. તેને માટે અવકાશ માં જઈને ત્યાં રહીને પ્રયોગ કરવા જરૂરી બને છે. આથી અવકાશમાં એક તરતી પ્રયોગશાળા ( International Space Station- ISS) ને મૂર્તિમંત કરેલ છે. જેમાં દુનિયાના અનેક દેશો એ ભાગીદારીમાં આવી તરતી પ્રયોગશાળા બનાવીને પૃથ્વીની આસપાસ ફરતી રાખેલ છે, જ્યાં અવનવા પ્રયોગો અને સંશોધન અવિરત ચાલુ રહે છે. અવકાશ વૈજ્ઞાનિક ત્યાં રહીને સંશોધન માં રચ્યાપચ્યા રહે છે. અવકાશમાં આપની પૃથ્વી ની માફક આવે તેવું વાતાવરણ નથી, અવકાશમાં શૂન્યાવકાશ હોય છે, પૃથ્વી જેવું હવામાન, તાપમાન તથા હવાનું દબાણ જે માનવીને માફક આવે તેવું જરા પણ નથી. જો આપણે અવકાશમાં રહેવું હોય તો પૃથ્વી સમાન કૃત્રિમ રીતે વાતાવરણ ઉભું કરવું પડે. અવકાશ માં તરતી પ્રયોગશાળા માં કાર્યરત વૈજ્ઞાનિકો ને પ્રયોગશાળા ની બહાર નીકળીને કામ કરવું હોય ત્યારે તેમણે પૃથ્વી પર પહેરતા હોઈએ એવા કપડા ચાલે નહિ. તેમને માટે અલગ પ્રકાર ના ડ્રેસ પહેરવો પડે જેમાં પૃથ્વી સમાન કૃત્રિમ રીતે વાતાવરણ ઉભું કરેલ હોય. આવા ડ્રેસ જે સ્પેશ સુટ તરીકે પ્રખ્યાત છે. તે પહેરવા ફરજીયાત બની જાય છે. તેના વિના અવકાશ માં વિચરણ કરવું અશક્ય છે.

હાલ માં આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ૧૫ ઓગસ્ટ ના રોજ જાહેર કરેલ કે ૨૦૨૨ સુધીમાં ભારત અવકાશ માં બે માનવ મોકલશે. અવકાશ યાત્રી ને અવકાશ માં મોકલવા મારે ના યાન નું પણ નામકરણ કરેલ છે જે ને “ગગનયાન” તરીકે ઓળખાશે. અને તેની તડામાર તૈયારી ભારત ની અવકાશ સંશોધન સંસ્થા ઈસરો એ શરુ કરી દીધેલ છે. હાલ માં બેન્ગ્લુરું માં થયેલ અવકાશ પ્રદર્શન માં અવકાશ માં પહેરવાના આવા સ્પેશ શૂટ પણ પ્રદર્શિત કરેલ છે. આવા ત્રણ સ્પેશ શૂટ ઈસરો ની ત્રિવેન્દ્રમ લેબ માં બનાવવામાં આવશે. આપણા અવકાશ યાત્રી પૃથ્વી થી લગભગ ૪૦૦ કિલોમીટર ઉપર અવકાશમાં એકાદ અઠવાડિયું રહેશે.

ભારત માં ઈસરો દ્વારા બનેલો સ્પેશ શૂટ જે આપણા અવકાશ યાત્રી પહેરશે.આ સ્પેશ સુટ એ અવકાશયાત્રી ના જીવન રક્ષક નું કાર્ય કરે છે. તેની બનાવટ, ડીઝાઇન અને કાર્ય પ્રણાલી એવી રીતે બનાવેલ હોય છે જેનાથી અવકાશયાત્રી આવા સ્પેશ સુટ માં સુરક્ષિત રહે. આ સ્પેશ સુટ નું તકનિકી ભાષા માં “Extra Vehicular Mobility( EMU) “ કહે છે.

સ્પેશ સુટ ની બનાવટ, ડીઝાઇન એક અદ્ભુત રચના છે. સૌ પ્રથમ અમેરિકાના “National Aeronautics Space Agnecy (NASA)” દ્વારા આવા સ્પેશસુટ તૈયાર કરવામાં આવ્યા હતા. પ્રથમ સ્પેશ સુટ ૧૯૫૦ માં તૈયાર કરેલ હતો. ત્યારથી લઈને આજ દિન સુધી તેમાં અવનવા સંશોધન દ્વારા નવી નવી ડીઝાઇન દ્વારા સ્પેશ સુટ બનતા રહ્યા છે. NASA એ આવા ૧૭ થી વધુ પ્રકારની ડીઝાઇન બનાવેલ છે. સ્પેશ સુટ ઘણા જ મોંઘા હોય છે, એક સ્પેશ સુટ ની અંદાજીત કીમત ૧૦ મીલીયન ડોલર ( લગભગ ૬૬ કરોડ રૂપિયા !!)

સ્પેશ સુટ ની આવશ્યકતા : અવકાશ યાત્રીના જીવન રક્ષક સમાન સ્પેશ સુટ ની ડીઝાઇન માં અનેક બાબત નો ઝીણવટ થી ખ્યાલ રાખવો પડે છે. પૃથ્વી સમાન વાતાવરણ ની ક્ષમતા હોવી જોઈએ, જેમાં પૃથ્વી જેવું નિયંત્રિત તાપમાન કારણ કે અવકાશ માં તાપમાન ઠંડા માં -૨૭૩ ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે. શ્વાછોશ્વાસ માટે ઓક્સીજન ની વ્યવસ્થા તથા ઉછ્સ્વાશ માં નીકળતા કાર્બન ડાયોક્સાઈડ નું નિયંત્રણ, હવાનું દબાણ, સૂર્ય ના અતિ પ્રકાશિત કિરણો તથા અન્ય કોસ્મિક કિરણો થી બચાવ, અવકાશ માં તરતા નાના અવકાશી કણો (Micrometeor) જે બંદુક ની ગોળી કરતા પણ વધુ તીવ્ર ગતિ એ ઘૂમતા હોય જેનાથી સ્વ બચાવ કરવો જરૂરી છે.

સ્પેશ સુટ ની બનાવટ : સુટ ની બનાવટ એક કરામત અને પડકાર સમાન છે. ઉપર જણાવેલ મુજબ અવકાશયાત્રીની સુરક્ષા, તથા બહારી પ્રતિકુળતા માં જીવન ટકાવી રાખવાની ક્ષમતા વાળા સ્પેશસુટ ડીઝાઇન કરવામાં આવે છે. તેમાં અનેક પ્રકાર ના ફાયબર પડ દ્વારા બનાવવામાં આવે છે. અલગ પ્રકારના મટીરીયલ, ઈલેકટ્રોનીક પુર્જા ને અલગ અલગ ફાયબર દ્વારા ડીઝાઇન તૈયાર થાય છે. સૌ પ્રથમ બનેલ સુટ માં બે પડ હતા તેમાં ઘણી ખામી હતી, ત્યાર બાદ તેમાં ઉત્ક્રાંતિ આવી અને ત્યારબાદ હવાના દબાણ રહિત ના સુટ બનાવાયા ત્યાર બાદ પાચ પડ વાળા સુટ ની ડીઝાઇન બની, જેમાં પ્રથમ પડ કાપડ નું હોય જે શરીર સાથે રહે તેમાં શરીર ના તાપમાન વગેરે ની માહિતી મેળવવા ના યંત્રો લગાવેલ હોય , બીજું પડ બ્લુ નાયલોન નું પડ જે શરીર ને આરામદાયક રાખે, તેની ઉપર હવાના દબાણ નું પડ જેમાં દબાણ સાથે શ્વાસ લેવા પ્રાણવાયું હોય જે કાળા કલર નું

લગાવેલ ટેફલોન નું મજબુત પડ હોય જે સુટ નો આકાર હવાના દબાણ સાથે પણ જાળવી રાખે. તેના ઉપર સફેદ નાયલોન નું પડ હોય જે ઉચ્ચ તાપમાન માં સૂર્ય ના કિરણો થી રક્ષણ કરે અને ગરમી થી બચાવે.આવો પ્રથમ સ્પેશ સુટ પહેરીને અવકાશ ઉપયોગ માં લેવાયો ૧૯૬૫ માં જેમિની મિશન માં, આ સુટ નું વજન લગભગ ૧૫ કિલો જેટલું હતું. હાલ માં બનતા આવા શૂટ વજન માં હળવા અને તેમાં વધારાની સગવડતા નો ખ્યાલ રાખવામાં આવે છે જેવી કે ભેજ નિયંત્રણ, ગેસ સીસ્ટમ, અવકાશયાત્રી અને સ્પેશ સ્ટેશન ને એકબીજાને સંપર્ક માં રહેવા માટે સંચાર સાધન હોય છે જે આધુનિક કોમ્પુટર દ્વારા કન્ટ્રોલ થઇ શકે છે. નવા સુટ માં નવા પ્રકારના મટીરીયલ વપરાય છે જેવાકે સિન્થેટીક પોલીમર,

નાયલોન ટ્રાઇકોટ, પોલીમર ડેકરોન જે એક પ્રકાર નું પોલીયેસ્ટર છે, નીયોપ્રીન, કેવલાર વગેરે. તદુપરાંત સિન્થેટીક ફાઈબર, ફાઈબર ગ્લાસ પણ અગત્ય નો ભાગ ભજવે છે. ઉચ્છવાસ માં નીકળતો કાર્બન ડાયોક્સાઈડ ને કરવા લીથીયમ હાઈઓક્સાઈડ નો ઉપયોગ થઇ છે.અવકાશમાં સફર દરમ્યાન પાણી ની જરૂર પડે તો તે માટે પાણી ની ટાંકી લગાવાય છે. પીઠ ના ભાગ પર આવી ટાંકી , ઓક્સીજન ની ટાંકી , ઈલેક્ટ્રીકલ ની વ્યવસ્થા, સંદેશ વ્યવહાર ના યંત્રો, તાપમાન નિયંત્રણ યંત્ર હોય છે. આ સુટ માં લગભગ ૬ થી ૭ કલાક ચાલે એટલો ઓક્સીજન હોય છે. માથા પર પહેરવાની હેલ્મેટ જે સ્પેશીયલ પ્રકાર ની બનાવેલ હોય છે. જેમાં દબાણ થી હવા આવતી રહે , પીવાના પાણી ની પાઈપ હોય છે. સૂર્યના કિરણો થી બચવા માટે સ્પેશીયલ કાચ નું કવચ હોય છે. આવા અત્યંત આધુનિક સગવડતા વાળા શૂટ અવકાશ યાત્રી માટે બનાવવામાં આવે છે જેથી તેઓ અવકાશ માં જયારે વોક કરે ત્યારે તેમને કશી મુશ્કેલી ના પડે.

અંત માં કહીએ તો દરેક અવકાશયાત્રી જેઓ અવકાશ માં જાય અને અવકાશ યાન માં થી બહાર જેઓ વોક કરે તેમને આવા શૂટ પહેરવા ફરજીયાત છે. ભવિષ્ય માં સ્પેશ ટુરીઝમ દ્વારા આમ આદમી પણ જેમ પૃથ્વી માં જુદા જુદા દેશો માં ફરવા જાય છે તેમ અવકાશ માં ફરવા જશે, જેની પણ તડામાર તૈયારી ચાલે છે. આપણામાં થી ઘણા યુવાનો , બાળકોને આનો લાભ મળશે. પણ તેમને પણ આવા સ્પેશ શૂટ પહેરી ને જવું પડશે. જે રીતે સ્પેશ શૂટ માં અવનવી શોધખોળ ચાલે છે તે જોતા ભવિષ્ય માં સ્પેશ શૂટ ના ઘણા આધુનિક શૂટ જોવા મળશે.

Bharat Mehta

Sr. Scientist/ Engineer (ex)

Space Applications Centre (ISRO)

Ahmedabad 9428352435

mehtabd@gmail.com,

બીજા રસપ્રદ વિકલ્પો