ચા ની ચૂસકી એ.. Bharat Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચા ની ચૂસકી એ..

ચા  ચૂસકી એ

હું તો પહેલો અક્ષર બોલું ચા.. ચા..ચા... ચા ની રંગત જ કઈ અનેરી છે. ચા એ સવાર નું સુમધુર પીણું છે. અંગ્રેજો એ આપણા પર રાજ કર્યું અને ઘણું લુટી ગયા, પણ એક વસ્તુ આપને કાયમ આપી ગયા તે છે ચા... લગભગ દરેક ની સવાર ચા ના મંગળા દર્શન થી જ થતી હોય છે. અને ચા જ એક એવું પીણું છે જે હવેલી માં ઠાકોરજી ના આઠે સમાં ના દર્શન ની જેમ આખો દિવસ ગમે ત્યારે પી શકાય છે. ચા ની સોડમ અને ગરમા ગરમ પીણાની લિજ્જત તો માણવા થી જ ખબર પડે. ઘણા ને તો સવાર તો જ પડે જ્યારે સહુ પ્રથમ ચા ની ચૂસકી મળે... અને આસન પણ કહેવાયું છે કે જે ની સવાર ની ચા બગડી તેનો દિવસ બગડ્યો.....
ચાની લિજ્જત માં અનેક ગણો વધારો ત્યારે થાય જો સાથે સહવૈચારિક મિત્ર ગણ હોય. ચા આજના યુગ માં એક સ્ફૂર્તિદાયક, મિત્રતા માં વધારો કરનાર ગુણ ધરાવતા ટોનિક તરીકે સાબિત થઇ રહી છે. ખાસ તો ચા પીવાની મજા ઉપરાંત મિત્રોની સંગત વૈચારિક આપલે નો તંદુરસ્ત અને ફળદાયી સમય ચા ની ગુણવત્તા માં વધારો કરે છે. આપણે ત્યાં ઠેર ઠેર, શહેર શહેર, ચોરે ચૌટે ચા ની કીટલી ની કીટલી સગવડતા પથરાયેલી છે. અને ચા નો વ્યાપાર તો એના થી પણ અનેક ગણો ફાયદાકારક છે. ના કરે નારાયણ અને કરે તો નરેન્દ્ર, તો તમે કદાચ દેશ ના પ્રધાન મંત્રી પણ બની શકો.
જેમ જૂના જમાના માં સ્ત્રીઓ ને પોતાના સુખ દુઃખ હળવા કરવા માટે કુવાનો કાઠો હતો જ્યાં ગામની સ્ત્રીઓ બધી પાણી ભરવા જતી અને પોતાના સુખ દુઃખ ની આપ લે કરી હળવી ફૂલ બની જતી અને ત્યારે માથે પાણી ભરેલ બેડા નો ભાર પણ સહ્ય લાગતો તેવી જ રીતે આજના જમાના માં ચા ની કીટલી પણ આપણ ને એટલી જ સામાજિક અને સાંસારિક સુખ દુઃખ માં સહભાગી થયેલ મિત્રો ની મંડળી દ્વારા રાહત મળે છે.
આજના જમાના જ્યાં દવાઓ મોંઘી દાટ થયેલ છે ત્યારે માનસિક થાક ને દૂર કરવા માં  ચા અગત્ય નો ભાગ ભજવે છે. અને ચા ની ચૂસકી નો આનંદ માણવો એ કોઈ પણ ને પોસઈ એટલું સસ્તું પણ છે. સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા જેવું જ કહી શકાય...ફકત દશ રૂપિયા ના નજીવા ભાવે સ્વર્ગ ની સવારી... ઘણો ફાયદા નો સોદો છે..

દરેક ની માફક અમારે પણ આવીજ ચા ની કીટલી પર અમારા મિત્રમંડળમાં ચા ની ચૂસકી એ જે રંગત આવે છે તે કદાચ 5 સ્ટાર હોટેલ કે કલબ વગેરે માં નથી હોતી.
અમારી ચા ની કીટલી પર ટૂંકી પણ રંગતદાર મુલાકાત એ આખો દિવસ ની દોડધામ, તણાવ થકાન ને દૂર કરવામાં રામબાણ ઉપાય તરીકે કામ કરે છે.
આવી ચા ની ચુસ્કીઓની સંગાથ, આવો સોનેરી સમય એ કળયુગ માં જીવતે જીવ સ્વર્ગ સમાન છે. આની સાચી મજા તો જે " મહી પડે તે મહા સુખ માણે " તેનાથી જ યથાર્થ થાય છે. આજ ના જમાના માં પુણ્યશાળી આત્માઓ ને જ આવી ચા ની કીટલી અને મિત્ર મંડળ ની રંગત નસીબ થાય છે. જેમ દારૂ પીવાની મઝા એકલા કરતા દોસ્તો સાથે હોય છે તેવી જ રીતે ચા નું પણ છે. જો તમે એકલા એકલા ચા પીશો તો ખાસ આનંદ નહિ આવે પરંતુ તેમાં મિત્રો ની સંગાથ નું ટોનિક ઉમેરશો તો આલ્હાદક સ્વાદ નો અનુભવ કરશો..
સાચ્ચે જ ચા તું જે સલામ....!!!

ભરત મહેતા ' પરિમલ '
અમદાવાદ
9428352435