ભેદી ટાપુ - ખંડ બીજો - 1 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદી ટાપુ - ખંડ બીજો - 1

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(1)

કાબચો અદશ્ય

બલૂનમાંથી નીચે પડ્યા એ વાતને સાત મહિના વીતી ગયા હતા. આ દરમિયાન આ ટાપુ ઉપર કોઈ માણસ જોવા મળ્યું ન હતું. અત્યાર સુધી તેમણે આ ટાપુમાં માણસની વસ્તી છે કે નહીં તેની શક્ય તેટલી શોધ કરી હતી. આ ટાપુ ઉપર કદી પણ કોઈ માનવે પગ મૂક્યો હોય એવું કોઈ ચિહ્ન દેખાતું ન હતું. પણ હવે આ બંદૂકની ગોળી જોી તેઓ વિચારમાં પડ્યા. આ બંદૂકની ગોળી ક્યાંથી આવી? માણસ સિવાય આવું હથિયાર બીજું કોઈ વાપરી શકે?

જ્યારે પેનક્રોફટે ગોળી ટેબલ પર મૂકી, ત્યારે તેના સાથીઓે ગોળી સામે દિગૂમૂઢ બનીને જોઈ રહ્યા. આ ઘટનાએ તેમના મનનો કબજો લીધો. કોઈ ભૂત જોયું હોત તો પણ તેઓ આટલા હલબલી ન જાત. કપ્તાને એ ગોળી હાથમાં લઈને ફેરવી ફેરવીને જોઈ. પછી તે પેનક્રોફ્ટને આપી અને પૂછ્યું:

“તમને ખાતરી છે કે ભૂંડનું બચ્ચું ત્રણ મહિનાનું જ હતું?”

કપ્તાને પૂછ્યું.

“હા, કપ્તાન.” પેનક્રોફ્ટે જવાબ આપ્યો. “એ બચ્ચું હજુ એની માને ધાવતું હતું.”

“ઠીક.” કપ્તાને જવાબ આપ્યો. “એનો અર્થ એ કે આ ટાપુ ઉપર ત્રણ મહિનામાં બંદૂક ફૂટી હતી.”

“અને એ ગોળી બચ્ચાં માટે જીવલેણ નીવડી ન હતી.”

સ્પિલેટે કહ્યું.

“હા, એ ઉપરથી આપણે તારવી શકીએ કે, આપણા આગમન પહેલાં આ ટાપુ પર માનવીની વસ્તી હતી. અથવા ત્રણ મહિનાની અંદર કોઈ માણણ આ ટાપુ ઉપર ઊતર્યો હતો.” કપ્તાને કહ્યું, “વહાણ ભાંગવાથી આવ્યો હોય કે ગમે તે રીતે પણ આ મુદ્દો પછીથી સ્પષ્ટ થશે. આવનાર અંગ્રેજ છે કે મલાયાનો ચાંચિયો છે તેનું અનુમાન થઈ શકે તેમ નથી. આ માણસો ટાપુ પર છે કે ચાલ્યા ગયા તે આપણે જાણતા નથી; પણ આ રહસ્યનો ઉકેલ આપણે આણવો પડે.”

“ના! હજાર વાર ના!” ખલાસી ઊભો થઈને બોલ્યો, “આ ટાપુ ઉપર આપણા સિવાય કોઈ માણસ નથી. અને હોય તો આવડા નાના ટાપુ ઉપર આપણી જાણ બહાર રહે નહીં.”

“આ ભૂંડનું બચ્ચું ગોળી સાથે તો ન જન્મ્યું હોય? ”

સ્પિલેટે પૂછ્યું.

“બંદૂકની ગોળી પેનક્રોફટના દાતમાં ઘણા વખતખી સલવાઈ રહી હશે,” નેબે કહ્યું.

“જો નેબ,” ખલાસી ઉશ્કેરાઈ ને બોલ્યો. “તું એમ માને છે કે સાત મહિના સુધી આવડી મોટી ગોળી મારા દાંતમાં ભરાઈ રહે અને મને ખબર ન પડે? શું મારા દાંત પોલા છે?”

“નેબની ધારણા સર્વથા અસ્વીકાર્ય છે.” કપ્તાન બોલ્યો.

“ટાપુ ઉપર ત્રણ મહિનાના ગાળામાં બંદૂક ફૂટી છે એમાં કોઈ શંકા નથી. પણ માણસો પછી ચાલ્યા ગયા હશે. નહીં તો પર્વત ઉપરથી આપણને એ દખાત અથવા તેઓ આપણને જોવત. કદાચ મલાયાના ચાંચિયા આવીને જતા રહ્યાં હોય.”

“કપ્તાન, આપણે હોડી બનાવીએ તો કેમ?” ખલાસી બોલ્યો “આપણે હોજી લઈને આખા બેટની પ્રદક્ષિણા કરી શકીએ. આપણે સાવચેત રહેવાની જરૂર છે.”

“તમારો વિચાર સુંદર છે.” કપ્તાને કહ્યું. “પણ હોડી બનાવતાં મહિનો લાગે; અને એટલો બધો સમય આપણે થોભી ન શકીએ.”

“હા, એ તો સમુદ્રની સફર કરવા માટેની હોડી બનાવતાં વાર લાગે; હું પાંચ દિવસમાં હોડી તૈયાર કરી આપીશ.” ખલાસીએ કહ્યું.

“ભલે, તો બનાવો.” કપ્તાને નિર્ણય આપ્યો.

બધાએ સાવચેત રહેવાનું નક્કી કર્યું. ભોજન ખલાસી ધારતો હતો એ રીતે આનંદપૂર્વક પૂરું ન થયું. ટાપુ ઉપર બીજા માણસો હતા. બંદૂકની ગોળીથી એ પુરવાર થતું હતું. બધા ખૂબ અસ્વસ્થ બની ગયા.

હાર્ડિંગ અને સ્પિલેટે સૂતા પહેલાં આ અંગે વાતચીત કરી. આ ઘટનાને આગલી ઘટના સાથે સંબંધ હોય એવું બને. ઈજનેરનો થયેલો ચમત્કારિક બચાવ વિચારતાં કરી મુકે એવો હતો. અંતે હાર્ડિંગે સ્પિલેટ પાસે પોતાનો અભિપ્રાય ઉચ્ચાર્યો: “સ્પિલેટ! હું માનું છું કે આપણે ગમે તેટલી શોધ કરીશું; આપણને કંઈ જડવાનું નથી.”

બીજે દિવસે ખલાસી ઉત્સાહભેર કામે લાગી ગયો. તેની યોજના એક નાનકડી હોડી બનાવવાની હતા. મોટા વૃક્ષના થડને કોતરીને એવી હોડી સહેલાઈથી બનાવી શકાય. તોફાનમાં ઘણાં મોટાં ઝાડ પડી ગયાં હતાં. મોટા બર્ચનું થડ આ કામમાં બરાબર ઉપયોગી બને તેમ હતું. એવાં કેટલાયે ઝાડ જમીનદોસ્ત થઈ ગયાં હતાં તેમાંથી એક ઉપાડીને તેઓ નદી કિનારે લાવ્યા. આ કામ ખૂબ જ મુશ્કેલ હતું, પણ અંતે તેમાં તેઓ સફળ થયા.

ખલાસી અને ઈજનેર આ કામમાં રોકાયા હતા ત્યારે સ્પિલેટ અને હાર્બર્ટ શિકારનું કામ કરતા હતા. કેપીબેરા, કાગારું, ભૂંડનાં બચ્ચાં, વગેરેનો શિકાર તેઓ રોજ કરી લાવતા હતા. આ રીતે ખોરાકનો પ્રશ્ર ઊકલી જતો હતો.

આ દિવસોમાં હર્બર્ટ સ્પિલેટ સાથે ગોળીના બનાવની ચર્ચા કરતો. 26મી ઓકટોબરે હર્બર્ટ બોલ્યો: “ટાપુ પર કોઈ માણસ હોય તો ગ્રેનાઈટ હાઉસ પાસે ન આવે?”

“હા,” સ્પિલેટે જવાબ આપ્યો. “જો તેઓ ટાપુ ઉપર હોય તો અકસ્માતે પણ તેમની હાજરી જણાયા વિના ન રહે.”

“મને તો લાગે છે કે કપ્તાન માણસની હાજરીથી ડરતા નથી.”

હર્બર્ટ બોલ્યો. “પણ મનોમન તેઓ માણસની હાજરીને ઝંખે છે.”

“અહીં મલાયાના ચાંચિયા સિવાય બીજું કોઈ આવી શકે તેમ નથી.” સ્પિલેટે જવાબ આપ્યો. “અને આ લોકો અત્યંત જંગલી અને દુષ્ટ છે. તેનાથી દૂર રહેવું જ સારું.”

જે દિવસે તેઓ આ વાતચીત કરતા હતા તે દિવસે તેઓ મર્સી નદીના કાંઠે આવેલા જંગલમાં હતા. અહીં કૌરી નામનું લગભગ 200 ફૂટ ઊંચું ઝાડ હતું. હર્બર્ટ તેની ટોચ પર ચડ્યો. અને ચારેબાજુ નજર ફેરવી. એ ઝાડ ઉપરથી બેટનો ઘણો ભાગ દેખાતો હતો. ફક્ત પર્વતનો પાછલો ભાગ જોઈ શકાતો ન હતો. હર્બર્ટે આંખો ખેંચી ખેંચીને ચારે બાજુ તપાસ કરી પણ કોઈ જગ્યાએ ધુમાડો કે માણસની વસ્તી હોય એવું બીજું કોઈ ચિન્હ દેખાયું નહીં.

હર્બર્ટ ઝાડ ઉપરથી નીચે ઊતર્યો અને બંને જણા ગ્રેનાઈટ હાઉસ પાછા ફર્યા. કપ્તાને આ છોકરાની વાત શાંતિથી સાંભળી પણ આટલા ઉપરથી કોઈ નિર્ણય તારવી શકાય તેમ ન હતો.

બે દિવસ પછી - 28મી ઓકટોબરે એક બીજી ઘટના બની. જેનો ખુલાસો થઈ શકે તેમ ન હતો.

ગ્રેનાઈટ હાઉસથી બે માઈલ દૂર દરિયાકિનારે હર્બર્ટ અને નેબે એક મોટા કાચબાને જોયો. પહેલાં હર્બર્ટનું ધ્યાન પડ્યું. તેણે બૂમ પાડીને નેબને મદદ માટે બોલાવ્યો. પણ આને પકડવો શી રીતે? હર્બર્ટે નેબને સમજાવ્યું કે એક વાર કાચબાને ચત્તો પાડી દઈએ, તો તે પોતાની મેળે ઊંધો પડી શકે નહીં. બંને જણા કાચબા પાસે ગયા.

કાચબાએ ડરીને પોતાનું મોં અને પગ ઢાલમાં સંતાડી દીધા. હર્બર્ટ અને નેબે પોતાની લાકડી કાચબાની નીચે જવા દીધી અને તેને ચત્તો પાડી નાખ્યો. આ લીલા રંગનો કાચબો ત્રણ ફૂટ લાંબો અને આશરે તેનું વજન દસ મણ જેટલું હતું. આવડા વજનદાર પ્રાણીને બે જણા ઉપાડીને ગ્રેનાઈટ હાઉસ સુધી પહોંચાડી ન શકે. તેથી ગાડું લેવા માટે તેઓ ગ્રેનાઈટ હાઉસ તરફ પાછા ફર્યા.

હર્બર્ટે ખલાસીને આશ્રર્ય પમાડવા કાચબાની વાત ન કરી. બે કલાક પછી તેઓ ગાડું લઈને દરિયા કિનારે પહોંચ્યા.

ત્યાંથી કાચબો અદશ્ય થઈ ગયો હતો!

નેબ અને હર્બર્ટ એક બીજાને તાકી રહ્યા. પછી તેમણે ચારે બાજુ તપાસ કરી પણ કાચબો ક્યાંય ન દેખાયો. બંને જણા મોં વકાસી ગાડું લઈને પાછા વળ્યાં. તેઓ ખલાસી અને ઈજનેર જ્યાં હોડી બનાવતા હતા ત્યાં આવ્યા. હર્બર્ટે આખી ઘટના કહી સંભળાવી.

“આ તો ચમત્કાર કહેવાય!” ખલાસી બોલ્યો. “આપણા પચાસ દિવસનું ભોજન ગયું.”

“હું ધારું છું, કપ્તાન,” હર્બર્ટ બોલ્યો, કે “એકવાર કાચબાને ચત્તો પાડ્યા પછી તે પાછો ઊંધો પડી શકે નહીં. તો આ કેવી રીતે બન્યું?”

“દરિયાથી કાચબો કેટલો દૂર હતો?” કપ્તાને પૂછ્યું.

“લગભગ પંદર ફૂટ.” હર્બર્ટે જવાબ આપ્યો.

“અને તે વખતે ઓટ હતી?”

“હા, કપ્તાન.”

“તો પછી ભરતીના પાણીમાં કાચબો સવળો થઈ ગયો હશે અને ઉંડા સમુદ્રમાં ચાલ્યો ગયો હશે.” કપ્તાને કહ્યું.

“એમ કેવી મૂર્ખાઈ કરી!” નેબ બોલ્યો.

કપ્તાને હાર્ડિંગે જે ખુલાસો કર્યો તે ગળે ઊતરે એવો હતો; પણ તેને પોતાને એ ખુલાસો સંતોષકારક લાગ્યો ન હતો. કપ્તાનને પણ પોતાનો ખુલાસો શંકાસ્પદ લાગતો હતો.

***