Be Hansoni jodi books and stories free download online pdf in Gujarati

બે હંસોની જોડી

બંને પરિવારમાં ખુશીનો માહોલ છે. 3 દિવસ બાદ લેવાનાર લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આમ તો સ્નેહા અને આકાશના લવ મેરેજ છે પરંતુ બંનેના પરિવારની સંમતિથી લગ્ન થાય છે માટે 'લવ કમ અરેન્જ' કહી શકાય. સ્નેહા અને આકાશ છેલ્લા 4 વર્ષથી એક જ કંપનીમાં સાથે કામ કરતા હતા.પહેલા 6 મહિનામાં જ બંને વચ્ચે સારુ એવું ટયુનીંગ થઇ ગયું અને વર્ષના અંત સુુધીમાં તો બન્ને પ્રગાઢ પ્રેમના બંંધનમાં બંધાઇ ચુુક્યા હતા.

બન્નેની જોડી પણ એવી કે જાણે એકબીજા માટે જ ભગવાને બનાવ્યા હોય! આકાશ કોઈને પણ ગમી જાય એવો વાચાળ, મળતાવડો,સારી કદ-કાઠીનો અને હસમુુુખા સ્વાભાવનો હતો તો સ્નેહા પણ સુંદર અનેેે શાંત સ્વાભાવની હતી.દુનિયા માટે શાંત સ્નેહા જ્યારે પણ આકાશને મળે ત્યારે એકદમ બદલાઈ જતી. મસ્તીખોર બની જતી. આકાશ સાથે મૂક્ત મને બધી વાતો કરતી, હરતી-ફરતી અને મોજ-મસ્તી કરતી. 
સ્નેહા માટે આકાશ એનું સર્વસ્વ હતો. આકાશ વિના એ બેબાકળી બની જતી. આકાશ પણ સ્નેહાને એટલો જ પ્રેમ કરતો. સ્નેહા વિના ચાલતું નહીં આકાશને પણ.

સવારમાં એકબીજાની રાહ જોવી અને સાથે જ ઓફિસ જવું, ઓફિસમાં 10 કલાક સાથે કામ કરવું, સાથે લંચ લેવું અને ઘરે પાછા પણ સાથે જ જવું છતાં પણ ડિનર ટાઈમે બંને એકબીજાને મિસ કરતા.
વિકેન્ડ હોય કે રજા હોય ત્યારે બંને સાથે ફરવા જતા. આ ચાર વર્ષના સમયગાળામાં એકબીજામાં એવા ઓતપ્રોત થઈ ગયા કે એમને એવું લાગતું કે એમની દુનિયામાં એ બે જ છે બીજું કોઈ નહીં.બન્નેના પરિવાર પણ આ વાતથી ખુશ હતા. એમને પણ આકાશ અને સ્નેહા એકબીજા માટે બન્યા હોય એવું લાગ્યું અને લગ્નને મંજૂરીની મહોર લાગી ગઈ.

મહેંદી, સંગીત,મંડપમુર્હુત બધું રંગે ચંગે પત્યું અને આવી ગયો લગ્નનો દિવસ.આગલા દિવસે રાતે બંને 3 થી 4 કલાક વાતો કરે છે. 4 વર્ષ દરમિયાન જે સપનાઓ જોયા હતા એ બધા હવે સાકાર થવાના હતા. લગ્નના મુર્હુત સુધીની પણ બંનેની ધીરજ નથી રહેતી. ફોનમાં વાત કરતા એકબીજાને મિસ કરે છે. બસ એક જ અરમાન છે બંનેના મનમાં કે જલ્દી લગ્નનું મુર્હુત આવે અને પૂર્ણ રૂપે એકબીજાના થઈ જઈએ. લગ્ન તો બસ સામાજિક ઔપચારિકતા જ છે બાકી સાતેય વચનતો એકબીજાને પહેલાજ દેવાઈ ગયા છે. બંને પોતાની આવતીકાલ માટે રોમાંચિત છે. ભવિષ્યના સોનેરી સપના જોતા જોતા બંને સુઈ જાય છે, આવતીકાલની સવારની રાહમાં.

સવાર પડે છે. સ્નેહા ઝડપથી નાહીને પાર્લર પહોંચી જાય છે. આકાશને પણ એના મિત્રો રેડી કરે છે. બપોરે 12 વાગ્યે લગ્ન મંડપમાં બંનેની જોડી જોઈને તમામ હાજર વ્યક્તિઓને એવું લાગે છે કે ખરેખર 'બે હંસોની જોડી' છે. લગ્નની બધી વિધી સુુુખરુપ પૂર્ણ થાય છે. રાત્રે આકાશને ત્યાં  રિસેપ્શન પણ પૂર્ણ થાય છે. 

હવે આવી છે એ રાત જેની આકાશ અને સ્નેહા છેલ્લા 4 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. એકબીજાના ગાઢ આલિંગનમાં આખી રાત વિતાવે છે. પરમ સુખની અનુભૂતિ કરે છે કે હવે હંમેશા માટે બંને એકબીજાનાં થઇ ગયા છે. દરેક સુખ અને દુઃખ સાથે ભોગવશે. એકબીજા ઉપર પ્રેમનો વરસાદ કરી દેશે. આખી જિંદગી એકબીજાનો પડછાયો બની રહેશે. એકબીજાના પ્રગાઢ આલિંગનમાં બંનેને ક્યારે ઊંઘ આવી જાય છે એની બંનેને ખબર નથી રહેતી. આકાશના હાથમાં સ્નેહાનો હાથ છે અને આકાશની છાતી પર માથું રાખીને સ્નેહા સૂતી છે.

બધુજ આમ શાંતિપૂર્ણ રીતે થાય એ કુદરતને મંજુર નથી હોતું. ઘણા પ્રેમીયુગલને પરિવારનો સામનો કરવો પડે છે. સમાજના વિરોધનો સામનો કરવો પડે છે. આવી કંઈ કેટલીયે કસોટીઓ પછી બંને એક થતા હોય છે. અહીં તો પરિવાર, સમાજ બધાનો સાથ અને એકપણ વિઘ્ન વિના  બંને એકબીજાના બની જાય છે પરંતુ કુદરતને એ મંજુર નથી કે પ્રેમી યુગલ કોઈ પણ કસોટી માંથી પસાર ન થાય.

સવારના 8 વાગ્યા છે. બારી માંથી આવતા સૂર્યના કિરણો ચહેરા પર પડે છે અને સ્નેહાની આંખ ખુલે છે. હળવેથી આકાશના હાથ માંથી હાથ છોડાવી આકાશના માસુમ ચહેરાને જોઈ રહે છે. પ્રેમથી આકાશના કપાળ ઉપર ચુંબન કરે છે. આકાશને ઉઠાડે છે પ્રેમથી, પણ બિચારી સ્નેહાને શુ ખબર કે સ્નેહા તેને ઉઠાડે એ પહેલા ભગવાને આકાશને તેની પાસે બોલાવી લીધો છે. સ્નેહા કહે છે, આકાશ અત્યારમાં મસ્તી ન હોય મને ખબર છે તમે જાગો છો પણ આકાશ તરફથી કોઈ જવાબ નહી. સ્નેહા આકાશને હચમચાવી નાખે છે પણ આકાશ તરફથી કોઈ રિસ્પોન્સ નહીં. સ્નેહા ડરી જાય છે અને ઘરમાંથી બધાને બોલાવી લાવે છે. 

ઘરમાં હાજર બધા મહેમાનો ત્યાં દોડી જાય છે પરંતુ આકાશના મમ્મી અને પપ્પા સ્તબ્ધ બની જાય છે. બંને એકબીજાની સામે એવી રીતે જોઈ રહે છે કે જાણે એમને પહેલેથી જ આ અનહોનીની ખબર હતી.
ડોક્ટરને બોલાવવામાં આવે છે અને ડોક્ટર આકાશને મૃત જાહેર કરે છે.
સ્નેહનું આક્રંદ અને વલોપાત ત્યાં હાજર સહુ કોઈને હચમચાવી નાખે છે. સ્નેહા દિગ્મૂઢ બની રહે છે. ન રોવું, ન ખાવું, ન પીવું, ન બોલવું - ચાલવું. એ અગાશીમાં બેસી આકાશ સામે શૂન્ય મને જોઈ રહે છે.

આ બાજુ આકાશના મમ્મી-પપ્પા સ્નેહાના મમ્મી-પપ્પા સાથે વાત કરે છે અને કહે છે કે આકાશના હૃદયમાં જન્મથી જ છેદ હતું જેની સારવાર થઈ શકે તેમ ન હતી. આકાશનું મૃત્યુ ગમે ત્યારે થઈ શકે એમ હતું. આ વાતની જાણ માત્ર આકાશના મમ્મી અને પપ્પાને જ હતી. એમણે ક્યારેય આકાશને આ વાત કહી ન હતી. એ લોકો સ્નેહાના મમ્મી- પપ્પાની માફી માંગે છે અને કહે છે પુત્ર મોહમાં આંધળા બનેલા અમે તમને આ વાત કહી ન શક્યા. અમારી ઈચ્છા હતી અમારો આકાશ જ્યાં સુધી જીવે ત્યાં સુધી ખુશ રહે અને એની ખુશી સ્નેહા હતી માટે અમે આ વાત છુપાવી હતી પરંતુ અમે ક્યારેય સ્નેહા વિશે ના વિચાર્યું. અમે એ પણ વિચાર્યું ન હતું કે આકાશનું મૃત્યુ આટલું જલ્દી આવી જશે. સ્નેહાના મમ્મી-પપ્પા આકાશનાં મમ્મી - પપ્પાને કહે છે આમાં તમારો પણ કોઈ દોષ  નથી જે સ્નેહાના નસીબમાં લખ્યું હશે એ જ થયું.

આકાશ સિવાય સ્નેહા એના મમ્મીની સૌથી વધારે નજીક હતી. માટે એના મમ્મી તેને લેવા માટે અગાશીમાં જાય છે. તેના મમ્મી તેને સમજાવે છે કે જે પરિસ્થિતિ છે એ જ આજનું સત્ય છે એનો સ્વીકાર કર. સ્નેહા એના મમ્મીને વળગી પડે છે અને હૈયાફાટ રુદન કરે છે. આકાશ પણ દૂરથી એનો સાથ દેતો હોય એમ વીજળી અને ગર્જના સાથે અનરાધાર વરસે છે. સ્નેહાના મમ્મી એને સમજાવીને નીચે લઇ જતા હોય છે ત્યાં વરસાદથી ભીના પગથિયામાં સ્નેહાનો પગ લપસે છે અને સ્નેહા પડે છે. ટૂંકી સારવારમાં સ્નેહાનું પણ મૃત્યુ થાય છે.

આકાશ અને સ્નેહાની પ્રાર્થનાસભામાં હાજર બધા લોકોના મુખે બસ એક જ વાત હતી કે ભગવાન પણ બંનેને દૂર ન જોઈ શક્યા માટે સ્નેહાને પણ પોતાની પાસે બોલાવી લીધી. 'બે હંસોની જોડી' ને ભગવાન પણ છુટ્ટી ન પાડી શક્યા.


બીજા રસપ્રદ વિકલ્પો