Parivartan books and stories free download online pdf in Gujarati

પરિવર્તન - સંસારનો નિયમ

પરિવર્તન શું છે? પરિવર્તન કોનામાં આવે છે ? પરિવર્તન ક્યારે આવે છે ? આવા ઘણા સવાલો છે  અને આ સવાલોનો જવાબ એ છે કે પરિવર્તન મતલબ બદલાવ અને એ દરેક સજીવ અને નિર્જીવ વસ્તુમાં અમુક સમયે આવે છે. આ બધા સવાલો કરતા અગત્યનો સવાલ એ છે કે આપણે પરિવર્તન સ્વીકારી શકીએ છીએ? પરિવર્તન સ્વીકારવાની ક્ષમતા આપણાંમાં કેટલી છે ? 

દરેક વસ્તુ અને વ્યક્તિમાં પરિવર્તન આવે છે. ક્યારેક એ પરિવર્તન મનગમતું હોય છે તો ક્યારેક અણગમતું પણ હોય છે. પરિવર્તન જેવું પણ હોય, આપણે એનો સાહજિક સ્વીકાર કરવો જ રહ્યો. પરિવર્તન જરૂરી પણ છે. એક જ પ્રકારની જીવનશૈલી માણસ જીવી શકતો નથી. એને અમુક સમયે અમુક બદલાવ જોઇએ છે. ભલે કોઈ માણસ કહે કે હું તો વર્ષોથી આમ જ જીવતો આવ્યો છું પણ ખરેખર તો એના જીવનમાં પણ નાના-મોટા ફેરફાર થતાં જ  હોય છે જે એમની ધ્યાનબહાર હોય છે.

ઘણી પત્નીઓ જેેેમણે લવમેરેેજ કર્યા હોય એમની ફરિયાદ હોય છે કે, હવે એ  મને  પહેલા જેેેટલો પ્રેમ નથી કરતા, સમય નથી આપતા જેવી ઘણી ફરિયાદો, પરંતુ વાસ્તવિકતા એ હોય છે કે  પ્રેમ નથી ઘટ્યો પણ જવાબદારીઓ વધી છે માટે જીવનમાં પરિવર્તન આવ્યું છે, લાગણીઓમાં નહી. કોલેજમા ભણતા હોય ત્યારે જવાાબદારી વગરનું  જીવન હોય છે. સમય માત્ર એકબીજા માટે હોય છે જ્યારે લગ્ન પછી સંસાર ચલાવવાની જવાબદારી આવી જાય છે જે 90% 
જીવન પરિવર્તન કરાવે છે અને બાકીનું 10% જે જોઈતું હતું એ મળી ગયુંના સંતોષથી થઈ જતું હોય છે. હૈયે ધરપત હોય છે કે આ હવે મારુ જ છે અને મને છોડીને ક્યાંય જવાનું નથી. તો સામા પક્ષે પુરુષને પણ બાળકના જન્મ પછી એવું લાગે છે કે હવે પત્ની તેમને પહેલા જેટલો પ્રેમ નથી કરતી પરંતુ અહીં પત્નીની જવાબદારી વધી જાય છે અને એના જીવનમાં પરિવર્તન આવે છે.

માણસ જન્મે છે ત્યારથી તેના મૃત્યુ સુધીમા તે અનેક પરિસ્થિતિ માંથી પસાર થાય છે. નવજાત શિશુ, શાળાએ જતું તોફાની બાળક, મસ્તીખોર કોલેજિયન, યુવાન પતિ/ પત્ની, પ્રેમાળ મા-બાપ અને લાગણીશીલ દાદા-દાદી અથવા નાના-નાની. આ બધા તબક્કમાં માણસની જિંદગીમાં પરિવર્તન આવે છે અને આ બધા તબક્કા માણવા લાયક હોય છે. એમ છતાં માણસ ક્યારેય પોતાના એ તબક્કાને માણી શકતો નથી કેમકે તે વર્તમાન પરિસ્થિતિને ભૂતકાળ અથવા ભવિષ્યકાળ સાથે સરખાવીને દુઃખી થતો રહે છે. જેમકે પત્ની સાથે બોલાચાલી થાય, ધંધામાં ખોટ જાય અથવા વડીલો ઠપકો આપે ત્યારે માણસ એવું વિચારે છે આના કરતાં બાળપણ જ સારું હતું જે કરવું હોય એ કરવાનું. બીજી બાજુ નાના બાળકો નાનપણથી જ  એવું વિચારે છે કે હું જલ્દી મોટો થઈ જાઉં અને આ બની જાઉં તે બની જાઉં. બસ આમ જ આપણે કોઈ પરિસ્થિતિને સ્વીકારીને ખુશ નથી રહી શકતા. 

પરિવર્તનને સ્વીકારતા શીખો.કોઈ સ્ત્રી ખૂબ સુંદર દેખાતી હોય તો એ એવું વિચારશે કે હું હંમેશા આવીજ દેખાઉં તો કેવું સારુ! હું 50 વર્ષ પછી કેવી લાગીશ ? મારુ રૂપ આવુ જ રહેશે કે નહીં ? બસ આ જ ચિંતામાં એ વર્તમાનને માણી શકતી નથી. અરે 50 વર્ષ પછી દેખાવ બદલાશે તો એ તો કુદરતી પરિવર્તન છે. કોઈ પણ પરિસ્થિતિ સારી હોય કે ખરાબ એ કાયમ માટે નથી રહેવાની, માટે તેનો સ્વીકાર કરતા શીખો. કોઈ એવું વિચારે કે હું કાયમ માટે યુવાન જ રહું તો એ શક્ય જ નથી માટે એવો વિચાર છોડી સમય અનુસાર જે પરિવર્તન આવે તેનો સહજ અને સહર્ષ સ્વીકાર કરવો જોઈએ.

પરિવર્તન એ સંસારનો નિયમ છે અને માત્ર માનવી જ નહીં સંસારની તમામ વસ્તુઓ પરિવર્તન દાખવે છે. પ્રકૃતિ પણ પરિવર્તિત થાય છે માટે જ ઋતુઓ બદલાય છે, દિવસ-રાત થાય છે. શો રૂમ માંથી લીધેલા મોંઘાદાટ કપડાં પણ અમુક સમયે પરિવર્તન દર્શાવે છે. પણ માત્ર માનવી જ પરિવર્તન પ્રત્યે ઉપેક્ષા રાખે છે. જેમ સ્થાન પરિવર્તનથી નદીનું પાણી ચોખ્ખું રહે છે એમ જીવનમાં આવતા પરિવર્તનનો સહર્ષ સ્વીકાર કરવાથી જિંદગી સરળ અને ખુશનુમાં બની જાય છે.
"ભૂલી જા તમામ દુઃખોને, છોડી દે તું બધા ગમ
સહજતાથી સ્વીકાર કર, પરિવર્તન તો છે સંસારનો નિયમ"

બીજા રસપ્રદ વિકલ્પો